ગામની એક વિદ્યાર્થીની માટે પણ ટ્રેન જારી રખાઈ

- આપણે ત્યાં ચૂંટણી વખતે જૂજ મતદાર હોય તો પણ બુથ રાખવામાં આવે છે પણ વર્ષ દરમ્યાન તેવા ગામડાઓના વિદ્યાર્થીઓને શાળાએ જવા હોડીમાં બેસવું પડે છે કે વાંસના કામચલાઉ જોખમી પુલ પરથી પસાર થવાનું રહે છે. જ્યારે જાપાનની સંવેદના નિરાળી છે ત્યાં..
- હોરાઈઝન-ભવેન કચ્છી
- જ્યારે જાપાનની રેલ કંપનીએ અંતરિયાળ ગામનું સ્ટેશન બંધ કરવાનો નિર્ણય બદલ્યો : વિશ્વના માધ્યમોએ સમાચારની નોંધ લીધી
જા પાનના ખૂબ જ અંતરિયાળ અને વર્ષના મોટાભાગમાં બરફથી આચ્છાદિત હોક્કાઈડો પ્રાંતમાં ક્યુ - શીરાટાકી ગામ આવેલું છે.ગામની વસતી ખૂબ જ ઓછી અને તે પણ ગરીબ. શિક્ષણનું પ્રમાણ નહિવત્.
પ્રાંતના અન્ય કેટલાક ઠીક ઠીક સુવિધા ધરાવતા ગામથી ટ્રેન ઉપડતી અને ક્યુ - શીરાટાકી અને તેના કરતા પણ આગળના દુર્ગમ ત્રણેક ગામો સુધીનો રેલવે વ્યવહાર શરૂ થયેલો. ટ્રેનના અંતિમ પડાવના વિષમ પરિસ્થિતિના ગામો પ્રમાણમાં વિકસિત ગામો સાથે જોડાય તેવો રેલ મંત્રાલયનો આશય હતો.
આમ છતાં આ છેવાડાના ગામોના રહીશો ખાસ મોટા ગામો તરફ આવન જાવન નહોતા કરતા.તેઓ જાણે તેઓનું હવામાન, ગરીબી અને નિરક્ષરતાને લીધે દેશના મુખ્ય પ્રવાહથી દૂર થઈ ગયા હતા.
આ ગામોમાં શાળા ખોલવી પણ વ્યવહારુ નહોતું.
ટ્રેન એક જ ટ્રેક પર જ ચાલતી. મુસાફરો ન મળે એટલે એક વખત સવારે આ દુર્ગમ ગામોમાં ટ્રેન આવે અને જે પણ જૂજ ગ્રામજનો મોટા ગામ તરફ જવાના તેમાં બેઠા હોય અને તેને પરત મુકવા સાંજે ટ્રેન પરત આવતી હતી.
કેટલાક વર્ષો વીત્યા. જાપાનમાં ૧૯૮૭માં રેલવેનું ખાનગીકરણ થયું અને આ સમગ્ર વિસ્તારની રેલ વ્યવસ્થા સંભાળવાના કરાર જે.આર. હોક્કાઈડો કંપની હસ્તગત આવ્યા.આ દરમિયાન દુર્ગમ ગામોના રહીશો થોડા દૂરના અંતરે આવેલા પાયાની સુવિધા અને મહેનત મજૂરી મળી રહે તેવા ગામોમાં કાયમી ધોરણે શિફ્ટ થઈ ગયા હતા.હવે ખૂબ જ ગણતરીના પરિવારો જ દુર્ગમ ગામોમાં રહ્યા હતા.
હવે રેલવે કંપનીને આ ગામો સુધી ટ્રેન ચલાવવી મોંઘી પડતી હતી. ટૂંકા અંતરના સ્ટેશનોને જોડતી ટ્રેન ચાલતી જ હતી પણ મોટા ગામથી જે ટ્રેન આવતી હતી તેનો ઉપયોગ થતો નહોતો. ૨૦૧૩ની સાલ સુધી તો મોટા શહેરથી દુર્ગમ એવા ક્યુ - શીરાટાકી ગામ સુધી ટ્રેન અગાઉ જણાવ્યું તેમ સિંગલ ટ્રેક પર એક વખત આવતી અને જતી.પણ હવે તે બંધ કરવાનો નિર્ણય લગભગ લેવાઈ ચૂક્યો હતો. ત્યારે રેલ કંપનીને વિચાર આવ્યો કે આપણી તે જાણવાની ફરજ છે કે હવે આ દુર્ગમ ગામોથી પ્રમાણમાં મોટા ગામ કહી શકાય ત્યાં સુધીની રેલવે સેવા બંધ કરીએ છીએ તો ગ્રામજનોને ખાસ અસર તો નથી પડવાની ને?
ગ્રામજનો તેમના ગામથી બીજા ગામ જઈને ત્યાંથી ટ્રેન બદલીને સગવડ ધરાવતા ગામો કે શહેરોનું જોડાણ ધરાવતી રેલ સેવા તો મેળવી જ શકે તેમ હતા પણ હવે અગાઉની જેમ દુર્ગમ ગામો સીધા જ સગવડ ધરાવતા ગામમાં પ્રવાસ નહીં કરી શકે તેવી સ્થિતિ સર્જાવાની હતી. આથી જ રેલ કંપનીને તેઓના આ નિર્ણયથી ગ્રામજનોને ખાસ કોઈ વાંધો પડે તેમ નથી ને તે જાણવું જરૂરી લાગ્યું.
ક્યુ-શીરાટાકી ગામનાના રહીશોએ પણ કહ્યું કે 'અમે જરૂર હશે તો એક ટ્રેન બદલી મોટા ગામ જઈશું તમે મોટા ગામથી સીધી અમારા ગામ સુધીની આવતી ટ્રેન રદ કરી શકો છો.'
રેલ કંપનીના કર્મચારીઓએ તેમના ઉપરીઓને રિપોર્ટ આપ્યો કે 'ગ્રામજનો મોટા ગામ સુધીની સીધી રેલ સેવા હવે બંધ કરી શકો છો તેવી સંમતિ આપે છે.' તે પછી રિપોર્ટમાં તેઓએ ઉમેર્યું કે 'માત્ર એક વિધાર્થિની છે જેણે હાઇસ્કૂલ પુરી કરી છે અને તેને કોલેજના ત્રણ વર્ષ મોટા ગામની કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે તે આપણા નિર્ણયથી મોટા ગામ સીધી પહોંચતી હતી તેને તકલીફ પડી શકે તેમ છે. પણ એમ તો બધાને ક્યાંથી સંતોષ આપી શકાય અમે તેને સમજાવી લઈશું.'
રેલ કંપનીના ઉપરી અધિકારીઓએ જવાબમાં રેલ્વેના કર્મચારીઓને જણાવ્યું કે 'તે વિદ્યાર્થિનીની જઈને પૂછો કે અમારા નિર્ણયથી તમને શું ફર્ક પડી શકે છે.'
વિધાર્થિનીએ નિરાશા સાથે રેલ કંપનીના કર્મચારીઓને કહ્યું કે 'ટ્રેન હવે મારા ગામમાં નહીં આવે તેના લીધે મારે રોજ વહેલી સવારે બે કલાક વહેલું નીકળવું પડશે અને રોજ ઘેર આવતી હતી તેમાં પરત આવતા પણ બે અઢી કલાક વધુ નીકળશે કેમ કે મારે ટ્રેન બદલવી પડશે અને તેના સમયને અનુસરવું પડશે. મારે વૃદ્ધો સહિતના પરિવારજનોની જવાબદારી પણ છે. ખેર..હવે શું..ટ્રેન બદલીને જઇશ..અભ્યાસ પર પણ અસર તો પડશે જ.'
હજુ આ વાતને બે ત્રણ દિવસ થયા હશે ત્યાં રેલ કંપનીથી ગ્રામજનો માટે સમાચાર આવ્યા કે 'દેશ માટે ગૌરવની વાત છે કે તમારા ગામમાંથી એક વિધાર્થિની વિપરીત સંજોગો અને શિક્ષણનું પ્રમાણ નહિવત્ હોવા છતાં ટ્રેનની મદદથી હાઈસ્કુલ સુધી પહોંચી છે. હવે તેને ગ્રેજ્યુએટ થવાને ત્રણ જ વર્ષની વાર હોઈ અમે રેલ સેવા ગામની વિધાર્થિની માટે અગાઉની જેમ જ જારી રાખવાનો નિર્ણય લીધો છે.
તે ગ્રેજ્યુએટ થઈ જશે પછી આ ગામમાં ટ્રેન ઉભી નહીં રહે તેમ ઠરાવવામાં આવ્યું છે.'
અને તે પછીના ત્રણ વર્ષ સુધી કોલેજ જવા આવવાનો સમય સચવાય તેમ ટ્રેન તે ગામ રોજ આવન જાવન કરતી રહી. ત્રણ વર્ષ સુધી આ વિધાર્થિની તેની ઘરની અને અભ્યાસની જવાબદારી સચવાય તેમ ટ્રેનમાં બેસે અને સાંજ પહેલા નિયત સમયે તેના ઘર નજીકના સ્ટેશન પર ઉતરે.
જાપાનની એક રેલ કંપનીની તેમના દેશના એક એક નાગરિક માટેની સંવેદના વ્યક્ત કરતી વિશ્વમાં કોઈ દેશમાં ન જોવા મળે તેવી ઘટનાને તે વખતે પશ્ચિમ જગતના મીડિયા સહિત વિશ્વભરમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
૧૧ ફેબ્રુઆરી ,૧૯૪૭માં શરૂ થયેલ આ ટ્રેનનું સ્ટોપ ગામની વિધાર્થિનીએ ત્રણ વર્ષ અભ્યાસ કરીને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું તે પછી ૨૫ માર્ચ,૨૦૧૬ના રોજ બંધ કરવામાં આવ્યું હતું.
એવું કહેવાય છે કે ચીન અને અન્ય કેટલાક દેશોના રેલ તેમજ બસ પરિવહન વિભાગે સૌપ્રથમ વખત આવી સુક્ષ્મ દ્રષ્ટિ કેળવી. અગાઉના વર્ષોમાં ગામ કે શહેર વિકસે પછી તેમાં રસ્તા, પુલ, રેલ કે બસ સેવાની જરૂરિયાત ઉભી થાય તેમ માનવામાં આવતું હતું. હવે અલ્પ વિકસિત ગામોના રહીશો વિકસિત ગામો કે શહેર સુધી જોડાઈ શકે તે માટે પણ યાતાયાત હોય શકે છે ભાવના સામેલ થઈ છે. પરિવહનની આવી દ્રષ્ટિ અલ્પ વિકસિત ગ્રામજનોનું જીવન ધોરણ, રોજગારી, શિક્ષણ,વેપાર ધંધામાં ક્રાંતિ લાવવામા મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જાપાનની એક ખાનગી કંપની પણ તેના દેશના નાગરિક માટે કઈ હદની અનુકંપા ધરાવે છે તેનું આ અસાધારણ ઉદાહરણ છે.
***
આ પ્રસંગ યાદ આવવાનું કારણ એ કે ભારતમાં લગભગ પ્રત્યેક ચોમાસાની ઋતુમાં અખબારોમાં તસવીર સાથે અહેવાલ આવતો હોય છે જેમાં ઓછી વસ્તી ધરાવતા ગામોના વિધાર્થીઓ સુધી બસ કે રેલ સુવિધા નથી. બસ કે રેલ તો દૂરની વાત પાકા રસ્તા નથી. બે નદી કે વોકળા પરથી પસાર થવા માટે પુલ પણ નહીં હોઈ આવા ભૂલકાઓને કેટલાક કિલોમીટર ફરીને શાળાએ જવું પડે છે.તે પણ કાદવ કીચડ ધરાવતા અને નદી જેવા પાણીના વહેણ પસાર કરીને જવું પડે છે. કેટલાક ગ્રામજનોએ નદીના નાના વહેણ પર જાતે જ વાંસ અને કાથી - દોરડાના તરાપા કે કામચલાઉ પૂલ તૈયાર કર્યા છે.
હજારો એવા ગામડા છે જેમાં ગ્રામજનોમાંથી વારાફરતી ગામના વિધાર્થીઓને હોડીમાં બેસાડી બીજે કાંઠે લેવા મુકવાની જવાબદારી ઉઠાવી લે છે. તરીને જનારા પણ છે.
એક તરફ સરકારના પ્રયત્નથી અંતરિયાળ ગામડાઓમાં પણ શિક્ષણનું પ્રમાણ વધ્યુ છે પણ નાની વયના બાલ- બાલિકાઓને શાળામાં અભ્યાસ કરવા જવા માટે મીટર ગેજની રેલ કે મહત્તમ ગ્રામ્ય વિસ્તારને આવરતી બસ પણ નથી.રસ્તા પણ કાચા અને ઉબડ ખાબડ છે.
જાપાનના રેલ સ્ટેશનમાં તો એક જ વિધાર્થિની હતી આપણે ત્યાં તો લગભગ પ્રત્યેક દૂરના ગામડાઓમાં પણ સરેરાશ ૬૦ ટકા બાળકો પ્રાથમિક શિક્ષણ લેવા તો જતા થયા છે તો પણ સરકાર નાના ગામડાઓને મોટા ગામો જોડે જોડવા તરફ ઘ્યાન કેન્દ્રિત નથી કરતી. ગામ વિકસે તો જ પાકા રસ્તા, પુલ અને બસ કે રેલ મળે તે વિચારસરણી જ ખોટી છે. દેશના એક એક અભ્યાસથી દૂર રહેતા બાળકને જો સગવડતા પ્રાપ્ત થાય તો તેનામાં અબ્દુલ કલામ કે ધીરુભાઈ અંબાણી બનવાની ક્ષમતા પડેલી હોઈ શકે. વિધાર્થીઓ જ શું કામ નાના ગામને પરિવહનથી જોડવામાં આવે તો માત્ર તેઓની આર્થિક અને સામાજિક પ્રગતિ જ ન થાય પણ દેશની આર્થિક તાકાત પણ વધે.
રાજકીય પક્ષો એક મતદારથી માંડી ૧૦૦ મતદારો કોઈ ગામમાં હોય તો મત મળે તેથી મતદાન મથક ખડા કરતા હોય છે. ગામડાઓમાં મતદાન થાય એટલા માટે નદીઓમાં ચૂંટણી વખતે હોડીઓ ચાલે છે.વાહનોની અવરજવર થાય છે બસ આ જ ધોરણે વર્ષ દરમ્યાન સંવેદના રાખવી જોઈએ. જાપાનમાં આજે પણ આવી સંવેદના છે.
જ્ઞાનપોસ્ટ
"Education is the most powerful weapon which you can use to change the world,"
- Nelson Mandela.









