Magazines

શાકમાર્કેટ .

By GS TEAM
19 Jul 20254 mins read
શાકમાર્કેટ                                                     .

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- શાકમાર્કેટમાં અમસ્તો એકાદ આંટો મારવા જેવો હોય છે - થોડીક ગર્દી વચ્ચે પણ તમને શહેરના હવામાનની ખબર શાકમાર્કેટમાંથી પ્રાપ્ત થાય

ત મારે નગરના ભાઈઓ - બહેનોની વૃત્તિ પ્રકૃતિના પ્રમાણ પામવાં છે ? એમના ઘરની ગતિવિધિનાં વિવિધ ચિત્રો જોવાં છે ? એમનો વસ્ત્રપરિધાન નિહાળવો છે ? એમને કયા પ્રકારનું કયું શાક ખાસ પસંદ પડે છે એનાં કારણો જાણવાં છે ? ટ્રાફિક જામ વચ્ચે બે પગે ચાલી, સરકી, પાનની પિચકારીઓમાં, ગાયના પોદળામાં પગ મેલી આગળ રસ્તો કરવો છે ? તમારે તીખા મરચાને પગતળે ચગદાઈ જતું જોવું છે ? ટામેટાંની દયનીય દશા નિહાળવી છે ? ગરમીને કારણે બટાકાના મુંઝાઈ ગયેલા પ્રાણમાંથી નીકળતી દુર્ગંધ માણવી છે ? કેળાંની છાલ પરથી લપસવું છે ? તો આવો, આપણે જઇએ શાકમાર્કેટમાં...

શાકમાર્કેટમાં અમસ્તો એકાદ આંટો મારવા જેવો હોય છે - થોડીક ગર્દી વચ્ચે પણ તમને શહેરના હવામાનની ખબર શાકમાર્કેટમાંથી પ્રાપ્ત થાય. શાકમાર્કેટમાં ભલે કોઈ દેવ-દેવળ નથી હોતું પણ અહીં લોકો મંદિરના દર્શનાર્થીઓની જેમ જ તૈયાર થઇને નિયમિત આવે છે. લારીએ લારીએ ફરે છે - ભાવતાલ કરે છે - લેનાર આપનારને, આપનાર-લેનારને નિહાળે છે. શાક નિમિત્ત બને છે - હજારો ચહેરાઓ એક જગ્યાએથી પોતાની આસ્થા ખરીદી ઘરે લઇ જાય છે. બટાટાને હંમેશાં બારમાસી મોસમ હોય છે, એના સિવાયના શાકમાર્કેટની કલ્પના જ અશક્ય ! પરવળ એના દિવસોમાં હિરોઈન થઇને આવે છે - કારેલી પણ લીલાં વસ્ત્રોમાં કુંવારી કન્યાની જેમ પ્રદર્શને ચઢે છે. ક્યારેક કોબીજ આનંદથી કૂદે છે. ભીંડા ક્યારેક ઉંમરલાયક થઇ જાય ત્યારે શરમ અનુભવતા હોય છે.

શાકમાર્કેટમાં હરતાફરતા માણસોમાં પણ ઋતુ પ્રમાણે બદલાતા શાક જેટલું વૈવિધ્ય પણ હોય છે. કેટકેટલા પ્રકારના ગ્રાહકો!! આખા શાકમાર્કેટમાં ફરી વળો બકાલું લઇને બેઠેલા બધા વેપારીઓ ગ્રાહકોને પણ ઝીણી ઝીણી નોંધ લેતા હોય છે. ભાઈ, શહેરમાં જ્યાં જ્યાં ટ્રાફિકજામ દેખાય ત્યાં ત્યાં માનવમહેરામણ એકત્ર થવાનું કારણ હાથ લાગે. શાકમાર્કેટ પણ ટ્રાફિક જામ કરનારી જગ્યા છે. દૂધી, બગડેલા બટાટા, સડેલી ડુંગળી, બગડેલાં ટામેટાં - આ સકલ વાસને એક સાથે સૂંઘવાનો અવસર ત્યાં જ પ્રાપ્ત થાય છે, છતાં ઘણી બહેનો સાડલાના છેડે નાક બંધ કરી શાકની ખરીદી કરવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતી-જતી જોવા મળે છે. માર્કેટની બહાર સાયકલો, બાઈકો, ગાડીઓની જે કતાર જામે એ બધાં વાહનો સરિયામ નિયમભંગની મુદ્રામાં જ ઊભાં હોય, એની વચ્ચેથી તમારે માર્ગ કાઢવો પડે - ત્રાજવાના અવાજો - 'પંદરના અઢી, પંદરના અઢી જેવા અવાજોના ખાસ દ્રાવણમાં ન્હાવું છે ? ભાજીની ગંધને સહારે વિદુરજી થવું છે ? પોલીસના દંડાનો અવાજ સાંભળવો છે ? મરચાં-ધાણા-આદુ લીંબુની સામે તર્જની કરી બજારભાવ કરતી મહિલાઓની મુદ્રાઓનું વૈવિધ્ય જોવું છે ? વિવિધ પ્રકારની શાકભાજીની જેમ, વિવિધ પ્રકારના ગ્રાહકો, ગ્રાહકોનો વિવિધ પ્રકારનો પોષાક, તમારે એક સાથે જોવાની જો ઇચ્છા હોય તો તમારે એકવાર શાકમાર્કેટનું બુકીંગ કરાવવું પડે... પછી તો...

શાકમાર્કેટમાં કેવળ શાક જ વેચાતું હોતું નથી. સફરજન કેળાં, પપૈયાં, દાડમ, મોસંબી જેવા ફળો પણ કતાર લગાવીને બેસી જાય છે - અલબત્ત શાકના અડ્ડા હોય, ફળની લારી હોય. પ્લાસ્ટિકની કોથળીઓ, પાણીના પાઉચ, ચાની લારીવાળો વચ્ચે ભીડ કરે એ વધારામાં... અહીં આદુના કોથળા ઉપર કોથમીર નામની કન્યા જાહેરમાં આડી પડે, કોબીજ કન્યાઓ પ્રદર્શનની જેમ ચહેરો ધોઈને ગોઠવાઈને બેઠી હોય. લીંબુ બાળકની જેમ રમતાં હોય... માર્કેટમાં બટાકાનું રાજ્ય ચાલે. એ જ મહારાજા... ડુંગળી મહારાણી. કોબીજ, ફ્લાવર પ્રધાન... રિંગણ, ચોળી વગેરે સૈનિકની મુદ્રામાં... એ સૌ નિશ્ચિત કરેલી જગ્યાએ - સજીધજીને બેસે. એના રૂપથી આકર્ષાઈને ગ્રાહક નજીક આવે પછી તો... શણગારેલાં શાક ઘરે પહોંચે ઘરે શાક લઇ જઇને ક્યારેક ફેંકી દેવાં પણ પડતાં હોય છે.

શાકમાર્કેટમાં માણસનું નહિ શાકનું મહત્ત્વ. શાકનો મહિમા છે માણસનો નહિ. માણસ તો સવાર-સાંજ સુધી આવે જાય- મુખ્ય અડ્ડો જમાવીને બેઠું છે શાક. નિમિત્ત છે માર્કેટ - શાક જ કેન્દ્રમાં. શાક વેચનારા અને લેનારા છેડાના સર્વે માણસો છે જીવન તો છે શાક. ગૌણ જણાતું શાક મુખ્ય છે - એ આવે છે, એ જાય છે - વચ્ચે વચ્ચે એ ચખાય છે, વેરાય છે - ઢોળાય છે, ઠલવાય છે, ભરાય છે. મહિમા જ શાકનો. સૂરણ જેવી ગાંઠવાળા, બટાકા જેવા વાર્ષિક તાજા યુવાનો અને ટીંટોડી જેવી કૂણી વેલ જેવી યુવતીઓ શાકમાર્કેટમાં જોવા મળે છે.

'શું લેવા આવ્યા છો?' શાકમાર્કેટમાં જાણી જોઇને પ્રશ્નો પૂછાય છે - લાંબી દૂધી જેવો પુરુષ ફલાવર જેવો ચાંદલો કરેલી તરુણીને પૂછે.

'શાકભાજી લેવા' - (કેવળ શાક જ ખરીદીને લઇ જનારા 'ભાજી' જેવો પ્રયોગ કરી નાખતા હોય છે કે તરુણી દૂધી સામે સ્મિત વેરીને ફુલાવર ખરીદતા ઉત્તર આપે.

ગાજરના જેવા કેટલાક દૂબળા, મૂળા જેવા કેટલાક લાંબા યુવકો તો કોબી જેવી કેટલીક ગોળ, ડુંગળી જેવી કેટલીક તીખી, કન્યાઓ મધમાખીની જેમ શાકમાર્કેટના પૂડા ઉપર અડ્ડો જમાવે છે - મધ એટલે શાક. ગૃહસ્થાશ્રમનો ખરો આધાર.

ઘર ગૃહિણીઓનું એટલા માટે કહેવાય છે કે ગૃહિણીઓ આવા માર્કેટમાંથી પોતાની સૂઝ પ્રમાણેની ખરીદી કરીને ગૃહને ટકાવે છે - માર્કેટ ઘર સુધી લંબાય છે ને ઘર માર્કેટ સુધી.

બેનો - ભાઈઓ - વેપારીઓ વચ્ચે શાક નિમિત્તે થતી ગોઠડી... વાતચીત. સંવાદ એમાંથી સંધાતો નવો જીવનદોર...શાકમાર્કેટમાં કેવળ શાક ઠલવાતું નથી, સાસુવહુનો કલહ, નણંદ-ભોજાઈની વિસંવાદિતા... ભાઇ-ભાઈનો ખટરાગ અને એની સાથે નજર-નજરનો સ્વાદ પણ શાકમાર્કેટમાં જ જાણવા અને માણવા મળે છે.