Magazines

વલ્લભભાઈ પોતાના પરિવાર માટે ગમ્મતમાં કહેતા કે 'અ ફેમિલી ઑફ વિડોઅર્સ'

By GS TEAM
16 May 20265 mins read
વલ્લભભાઈ પોતાના પરિવાર માટે ગમ્મતમાં કહેતા કે 'અ ફેમિલી ઑફ વિડોઅર્સ'

- સરદાર @150-હસિત મહેતા

- વિઠ્ઠલભાઈ જ્યારે ઈંગ્લેન્ડથી પરત આવ્યાં અને પોતાને માટેનો જવાનો મોકો ઉભો થયો ત્યાં પત્ની ઝવેરબા અવસાન પામ્યાં,ત્યાં બીજીવખત તેમનો ઈંગ્લેન્ડ જવાનો વિચાર અટકી પડયો. એ પછીના વર્ષે, ઈ.સ.1910માં મોટાભાઈના પત્ની દિવાળીબા પણ ગયા ત્યારે ત્રીજી વખત વલ્લભભાઈનો ઈંગ્લેન્ડ જવાનો માર્ગ અટકી પડયો

વ લ્લભભાઈમાં માતૃત્વભાવ તો સુપ્ત રીતે પહેલેથી જ વહેતો હતો. તેઓ જ્યારે નડિયાદમાં રહીને ખાનગી રીતે વકીલાતનો અભ્યાસ કરતાં હતા, ત્યારે તેમના એક મિત્રના પિતા નાના બાળકે વિધૂર થયા હતાં. વલ્લભભાઈ એ છ વર્ષના બાળકને પોતાની પડખે સૂવાડતાં, એના બાળોતિયાં બદલતાં, અડધી રાતે દૂધ પીવડાવતાં અને રાતોના ઉજાગરા વેઠતાં. એ ત્રણેક વર્ષનો થયો ત્યાં સુધી વલ્લભભાઈએ તેનો કુંવારા બાપ તરીકે કાળજીપૂર્વક ઉછેર કરેલો. ગાંધીજી સાથે કે અન્ય કાર્યકરો સાથે જેલનિવાસ દરમ્યાન દરેકને માટે ચા કે ભોજનની વલ્લભભાઈએ જ કાળજી લીધેલી, તે પણ તેમનામાં રહેલાં માતૃત્વના ભાવને કારણે જ. એટલે એમ લાગે છે કે પોતાના યુવાવસ્થાના ઉજળા કાળે તેમણે પુન:લગ્નનો વિચાર માત્ર ના કર્યો, તેની પાછળ ઝવેરબા પ્રત્યેની એકનિષ્ઠા ઉપરાંત માતૃત્વથી વંછિત રહેલાં બાળકોને અપર માતાનું દુ:ખ ના પહોંચે, અને પોતે જ માતૃત્વની થોડીઘણી ખોટ પૂરી કરવા સક્રીય રહે, તેવો અભિગમ એમના મનમાં જરુર રમતો હશે.

વલ્લભભાઈ જ્યારે બૅરિસ્ટર થઈને ઈંગ્લેન્ડથી પરત આવ્યાં ત્યારે તેઓ મુંબઈથી સીધા અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં છ-સાત વર્ષ તેમની ધિક્તી વકીલાત ચાલી હતી. એ વખતે સૌથી ઊંચી ફીવાળા વકીલોમાં તેમની ગણત્રી થતી હતી. ત્યાં વલ્લભભાઈ ભદ્રકાળી મંદિર પાસેના એક મકાનમાં ભાડે રહેતાં. ત્યાં ડૉ.કાનુગોદંપતિ સાથે એમનો અત્યંત નજીકનો ઘરોબો હતો. એ પરિવાર સાથે તેમની મૈત્રી અતિશય ગાઢ હતી, અને તે જીવનભર ટકી હતી. શ્રી રાજમોહન ગાંધી લખે છે કે 'તેમનો આ ગાઢ સંબંધ દર્શાવતા કેટલાંક પત્રો મોજૂદ છે, પણ અંગત વાતચીતની કશી નોંધ મળતી નથી. વલ્લભભાઈએ કેટલીક ખાનગી વાતો માત્ર કાનૂગોદંપતિને જ કરી હતી.... (પણ) ફરી વખત લગ્ન કરવાની કોઈ વાત કાનૂગોદંપતી જોડે થઈ હશે, અને તાબડતોબ વાત પડતી મુકાઈ હશે ? સન ૧૯૧૫ની આખરમાં વલ્લભભાઈ ચાળીસના થયા અને ચાળીસ વરસે નવી જિંદગી શરુ થયાનું કહેવાય છે.વલ્લભભાઈની બાબતમાં ઝવેરબા અંગેની લાગણી વલ્લભભાઈએ કદી દર્શાવી નથી. છતાં પોતાનું લગ્નજીવન દુ:ખી હોવાની ગવાહી આપે તેવું કોઈ સુચન કે વાક્ય તેમણે કદી ઉચ્ચાર્યું નથી. (જો કે વિઠ્ઠલભાઈની બાબતમાં આવું નહોતું) લગ્નજીવન અંગે અગર સ્ત્રીઓના સહવાસ અંગેનો અણગમો તેમણે કદી દર્શાવ્યો નથી. પણ પોતાના બાળકોને અપરમાનું દુ:ખ ન પડવું જોઈએ, તેવી તેમની ભાવના હતી. તેથી ફરી લગ્ન કરવાનું પ્રલોભન અને દરખાસ્તો તેમણે ફગાવી દીધાં. (પૃ.૩૩) 

ટૂંકમાં, ૩૩ની ભરજુવાનીએ તેમણે ફરી નહીં પરણવાનો જે કઠોર નિર્ણય કર્યો હતો, તેની પાછળ બે નાના સંતાનોને ઓરમાન માના હાથમાં સોંપવાની નારાજી પ્રથમ કારણ હશે. એક બીજી નોંધવા જેવી હકીકત એ પણ છે કે વલ્લભભાઈ સમેતના એ પાંચેય ભાઈઓની પત્નીઓ નાની વયે જ અવસાન પામી હતી. તેમનાં બીજા ચાર ભાઈઓ પણ ઓછી ઉંમરે વિધુર થયા હતાં. છતાં એ પાંચમાંથી એકપણ ભાઈએ ફરીથી લગ્ન કર્યું નહોતું. માટે જ ખુદ વલ્લભભાઈ ઘણી વખત ગમ્મતમાં પોતાના કુટુંબ માટે કહેતાં કે 'અ ફેમિલી ઑફ વિડોઅર્સ'.

એટલું જ નહીં, પરંતુ વલ્લભભાઈની પછીની પેઢી, એટલે કે તેમના દિકરા અને ભત્રીજાઓમાં પણ પત્નીઓના વહેલાં અવસાનનો સીલસીલો ચાલુ રહ્યો હતો. ખુદ વલ્લભપુત્ર ડાહ્યાભાઈના પ્રથમ પત્ની યશોદાનું ટૂંકી ઉંમરે લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. તે વિશે તેમના પુત્રી મણિબેને લખેલાં સ્મરણોમાંથી જાણવા જેવું મળે છે. મણિબેને લખ્યું છે કે 'મારા ભત્રીજા ડાહ્યાભાઈના મોટાપુત્રની મા (યશોદા) બોરસદમાં તેમના ફોઈ ભક્તિબાની પાસે ખૂબ માંદા છે, એમ સાંભળ્યું એટલે હું મા-દિકરા (યશોદા અને તેમનો દિકરો વિપીન)ને (અમદાવાદ) લઈ આવી. ....યશોદાનું મગજ જરા અસ્થિર થઈ ગયેલું. વધારે પડતી ઊંઘની દવા-બ્રોમાઈડની ગોળીઓ લેવાથી. સાવ સુકાઈ ગયેલી. ફીટ આવે. ઘરમાં બીજું કોઈ મળે નહીં, નોકર પણ નહીં. ખાટલામાંથી પડી ન જાય એટલે જમીન પર સુવાડી રાખતી. કોઈ કોઈવાર ધૂનમાં આવે તો કંઈ લેવાની ના પાડે, ત્યારે હું સરદારને તેની પાસે બેસવાનું કહેતી, અને તેઓ પાસે બેસે એટલે તે મોસંબીનો રસ પી જાય. જરાક ઠીક થયે અમે તેમને ઉપચાર માટે મુંબઈ લઈ ગયેલા. મહિનો એમને ત્યાં હરકિસનદાસ હોસ્પિટલમાં રાખેલાં. એટલા નબળાં પડી ગયેલાં કે દાદર પરથી નાની બહેનને ઊંચકીને લઈ જાય તેમ ઊંચકીને ઉતારેલાં.(જ.શતાબ્દી સ્મારક ગ્રંથ,પૃ.૯૩)'

શ્રી રાજમોહન ગાંધીએ પોતાના 'સરદાર' ચરિત્રમાં મહાદેવભાઈ દેસાઈને ટાંકીને લખ્યું છે કે ઈ.સ.૧૯૧૮ પછી એક વખત વલ્લભભાઈએ મહાદેવભાઈને કહેલું કે ''હું સંન્યાસી થઈ જવાનો હતો.'' આવો વિચાર વલ્લભભાઈને ક્યારે આવેલો, એ તો નોંધાયું નથી. પરંતુ જરુર એ ઝવેરબાના અવસાન પછી આવ્યો હશે, અને બાળકોના ઉછેરની ચિંતાએ પાછો પણ વાળ્યો હશે. એ પછી જ તેમણે બાળકોને મુંબઈમાં સારી અંગ્રેજી શાળાએ મૂકીને ઈંગ્લેન્ડ જવા તરફની વ્યવસ્થાઓને આખરી ઓપ આપવા માંડયો.

તેઓ બોરસદનું ઘર અને વકીલાત ઝડપભેર આટોપવા માંડયા. એ જ અરસામાં તેમના લઘુબંધુ કાશીભાઈ વકીલ થઈને બોરસદ આવ્યાં હતા. એટલે બોરસદમાં જામેલી પોતાની વકીલાત અને ઘરબાર 

વલ્લભભાઈએ કાશીભાઈને પળવારમાં સોંપી દીધાં, અને બાળકોને લઈને તેઓ મુંબઈ ભણી ઉપડયાં, જ્યાંથી તેમની ઈંગ્લેન્ડની બૅરિસ્ટર માટેની મહત્ત્વાકાંક્ષાનો દરવાજો ઉઘડતો હતો.

બોરસદમાં ઘટી રહેલી આઘાતજનક ઘટમાળા વચ્ચે તેમનો લંડન જઈને બૅરિસ્ટર થવાનો જે દૃઢ મનસૂબો હતો, તે છેલ્લાં પાંચ-છ વર્ષથી એક-યા બીજા કારણોસર પાછો ઠેલાતો જતો હતો. પહેલાં, ઈ.સ.૧૯૦૬ના આરંભે ઈંગ્લેન્ડ જવા પોતાને માટે તૈયાર કરેલો તખ્તો ખોરવાયો, અને મોટાભાઈને મોકલવા પડયાં. એ પછી વિઠ્ઠલભાઈ જ્યારે ઈંગ્લેન્ડથી પરત આવ્યાં અને પોતાને માટેનો જવાનો મોકો ઉભો થયો ત્યાં પત્ની ઝવેરબા અવસાન પામ્યાં,ત્યાં બીજીવખત તેમનો ઈંગ્લેન્ડ જવાનો વિચાર અટકી પડયો. એ પછીના વર્ષે, ઈ.સ.૧૯૧૦માં મોટાભાઈના પત્ની દિવાળીબા પણ ગયા ત્યારે ત્રીજી વખત વલ્લભભાઈનો ઈંગ્લેન્ડ જવાનો માર્ગ અટકી પડયો. આવાં ઉપરાઉપરી આવેલા કરુણ બનાવોએે વલ્લભભાઈને બોરસદમાં જ જકડી રાખ્યાં, અને તેમનો ઈંગ્લેન્ડ જવાનો મનસૂબો ઠેલાતો ગયો.