... અને જ્યારે શ્રીહરિ દેવાધિદેવ મહાદેવની ભૂમિકામાં આવે ત્યારે!

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- 'દેવી મા જ્યારે પોતાના ભક્તથી પ્રસન્ન થાય, ત્યારે ભોગ અને ઐશ્વર્ય પ્રદાન કરે છે. બીજી બાજુ, ભગવાન વિષ્ણુ જ્યારે પ્રસન્ન થાય, ત્યારે વૈરાગ્ય અને પરમશાંતિ પ્રદાન કરે છે.'
હ રિ અને હર વચ્ચે કોઈ જ તાત્ત્વિક ભેદ નથી. સદીઓથી શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયો વચ્ચે જે શીતયુદ્ધ ચાલી રહ્યું છે, એ કોરી અજ્ઞાાનતા સિવાય બીજું કશું નથી. આ વાતના શાસ્ત્રોક્ત પુરાવા અનેકાનેક પુરાણો, સ્તોત્રો, કથાઓ અને સ્તુતિઓમાંથી પ્રાપ્ત થાય છે. શુક્લ યજુર્વેદીય 'શ્રીરુદ્રમ્' (જેને રુદ્રાષ્ટાધ્યાયી અથવા રુદ્રીપાઠ તરીકે પણ ઓળખવામાં આવે છે એ)માંના કુલ દસ અધ્યાયોમાંનો દ્વિતીય અધ્યાય 'પુરુષસૂક્તમ્' સંપૂર્ણપણે મહાવિષ્ણુને સમર્પિત છે. આપણે ત્યાં જ્યારે લઘુરુદ્ર અથવા મહારુદ્ર યજ્ઞા થાય, ત્યારે પણ આ પુરુષસૂક્તમ્ વિના એ સંપન્ન ન ગણાય. બીજી બાજુ, ભગવાન શ્રીહરિના પ્રાચીનતમ સ્તોત્રોમાંના એક એવા 'શ્રીવિષ્ણુસહસ્રનામ'માં તો ભગવાનના એક હજાર નામોમાંના કેટલાક નામો - શિવ, શરભ, મહાદેવ વગેરે છે!
હા, એટલું ખરું કે તાત્ત્વિક દ્રષ્ટિકોણથી થોડું જૂદું જોવાનો પ્રયાસ કરીએ અને એમને ખરેખર માનવજાતિના પૂર્વજ તરીકે જોઈએ, તો બંનેની કાર્યશૈલી અને કાર્યક્ષેત્રમાં જમીન-આસમાનનો તફાવત જોવા મળે છે. શ્રીહરિ પાલનહાર છે, તેઓ સંસારના ચક્રથી સુપેરે પરીચિત છે, નિરંતર અવતારો ધારણ કરતા રહે છે, કુશળ રાજનીતિજ્ઞા પણ છે! સામે પક્ષે, મહાદેવને આ કશાયથી કોઈ જ લેવાદેવા નથી. એ નિર્મોહી છે, સ્મશાનવૈરાગી છે, નિર્લેપ છે. તેઓ સમય સમયાંતરે અવતાર નથી લેતાં. તેઓ રાજનીતિમાં ઊંડા નથી ઉતરતાં અને એટલે જ ભોળાનાથ તરીકે પ્રચલિત છે. જરૂર પડે ત્યારે એકઝાટકે અસુરોનો વધ કરી નાખે છે. સ્વરૂપ પણ અલંકૃત નથી, શૃંગારમય નથી. માત્ર કામેશ્વર સ્વરૂપે પ્રગટ થાય, ત્યારે મહારાજાની માફક તેઓ મા લલિતા મહાત્રિપુરસુંદરી (તૃતીય તાંત્રિક મહાવિદ્યા)ના અર્ધાંગ અર્થાત્ પતિ તરીકે ભવ્યાતિભવ્ય સિંહાસન પર બિરાજમાન જોવા મળે છે. એ સિવાયના સંજોગોમાં તેઓ કૈલાશ પર ધ્યાનસ્થ અવસ્થામાં હજારો કલ્પો વિતાવી દે છે. મહાકલ્પ વખતે મહાતાંડવનો જે સમય આવે, ત્યારે તેઓ ચિંતામણિગૃહ (મા લલિતાના નિવાસસ્થાન) પર પરત ફરે છે અને સંહારકર્તાની ભૂમિકામાં આવવા માટે સુસજ્જ થઈ જાય છે. મહાતાંડવસાક્ષિણી અર્થાત્ત્ મા લલિતાની સાક્ષીએ તેઓ મહાકલ્પને અંતે પ્રલયકારક બનીને સૃષ્ટિનો વિલય કરે છે.
તો પછી આ સંજોગોમાં પ્રશ્ન એ ઊભો થાય કે શ્રીવિષ્ણુસહસ્રનામમાં શ્રીહરિના નામ મહાદેવ તરફ કેમ ઈશારો કરે છે? કારણ કે અહીં મહાવિષ્ણુનું કાર્યક્ષેત્ર નહીં, પરંતુ કાર્યશૈલી મહાદેવ જેવી છે! કઈ રીતે?
શ્રીવિદ્યાના સિદ્ધ ઉપાસક અને હિમાલયમાં પોતાની મૂળ સાધના દરમિયાન જેમણે મા ભગવતી અને ભગવાન નારાયણ બંનેનો સાક્ષાત્કાર કર્યો, એવા સિદ્ધયોગી ઓમ સ્વામીનું કહેવું છે કે, 'દેવી મા જ્યારે પોતાના ભક્તથી પ્રસન્ન થાય, ત્યારે ભોગ અને ઐશ્વર્ય પ્રદાન કરે છે. બીજી બાજુ, ભગવાન વિષ્ણુ જ્યારે પ્રસન્ન થાય, ત્યારે વૈરાગ્ય અને પરમશાંતિ પ્રદાન કરે છે.'
વૈરાગ્ય કદી આરામદાયક અથવા સુવિધાજનક ન હોઈ શકે. શરૂઆતમાં તો મનુષ્યને વાવાઝોડાં સમાન જ ભાસે! વ્યક્તિના જીવનને બરાબર રીતે એ ધમરોળે. અમુક વખત એવું પણ બને કે ખૂબ ગમતા લોકોની જ મનુષ્યના જીવનમાંથી બાદબાકી થઈ જાય. શું એનો અર્થ એવો કે ભગવાન તમને એકલા કરી દેવા માગે છે? ના. જે લોકો તમારા જીવન માટે યોગ્ય નહીં હોય, માત્ર એવા લોકો જ દૂર થશે. પોતાની જાત સાથે એકલા રહી શકતાં લોકો સૌથી વધારે સુખી હોય છે. એવા લોકો, જેમને સુખી રહેવા માટે ટોળાની વચ્ચે ન રહેવું પડે, સોશિયલાઇઝ ન કરવું પડે, જેમને ડાપામાઇન અને એડ્રેનલિન માટે સતત કશાક ડિવાઇસ અથવા ઘોંઘાટની જરૂર ન પડતી હોય. આ પણ એક પ્રકારનો વૈરાગ્યભાવ જ છે, જે પોતાની સાથે પરિસ્થિતિ અને મનોસ્થિતિનો સંહાર લઈને આવે છે. અમુક ખાસ પ્રકારની પરિસ્થિતિ (સુવિધા-સગવડો) વગર ન જ ચાલે અથવા કેટલાક વિશેષ લોકોની હાજરી વગર જીવન પસાર ન જ થઈ શકે એ પ્રકારની મનોસ્થિતિમાંથી મુક્ત કરવાનું કાર્ય ભગવાન વિષ્ણુનું છે. આથી, અહીં તેઓ સંહારકર્તા તરીકે કાર્યશીલ બનીને પોતાની કાર્યશૈલીમાં પરિવર્તન લાવે છે. તેઓ પોતાના ઉપાસકને ભોગ આપતાં પહેલાં પરમ વૈરાગ્ય અર્પણ કરે છે, પરંતુ વૈરાગ્ય આપવા માટે સંહાર થવો જરૂરી છે... માણસની વૃત્તિઓનો, વિકારોનો અને વિચારોનો!
આ કારણોસર, આખા સહસ્ત્રનામમાં ભગવાન વિષ્ણુને મહાદેવના જુદા જુદા નામોથી સંબોધવામાં આવે છે. પહેલું કારણ એ કે એમની વચ્ચે કોઈ જ તાત્ત્વિક ભેદ નથી અને બીજું એ કે ઘણી વખત તેઓ જરૂર પડયે મહાદેવની કાર્યશૈલી અપનાવવામાં પાછીપાની નથી કરતા.








