અમે તમને રિજેક્ટ કર્યા.... .

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- જો દેવલ, મિડલ ક્લાસ સામે મને જરાય વાંધો નથી. આપણે પણ ક્યારેક સામાન્ય પરિવારના જ માણસો હતા. આપણે જે રીતે મહેનત કરી છે, જે રીતે આ બધું ઊભું કર્યું છે તેની અસર હવે દેખાઈ રહી છે
'હે લ્લો, દેવું યાર એક મોટો લોચો પડયો છે. અમારે તારી જરૂર છે. તું જ્યારે ફ્રી થાય ત્યારે ઘરે આવજે તારા જીજા તને યાદ કરે છે.' - સુમને પોતાની નાની બેનને ફોન ઉપર કહ્યું.
'શું થયું સુમી? આ વખતે કંઈક નવું અને સારું કામ સોંપજે. જો કે આ વખતે જીજાજીને કામ છે વાંધો નહીં આવે. તેમની પાસે કોઈ નક્કર કામ હશે તો જ મને બોલાવે.' - દેવલે મજાક કરતા કહ્યું.
'દેવુડી હું મજાક નથી કરતી. મામલો થોડો સિરિયસ છે. તાત્કાલિક તેનો ઉકેલ લાવવો પડે તેમ છે. તું આજે-કાલે ગમે ત્યારે આવે જજે. તારા બનેવી થોડા અકળાયેલા છે.' - સુમને ગંભીર અવાજમાં કહ્યું.
'નક્કી વિસ્મયે કંઈક કર્યું હશે. મને લાગે છે કે, તેની સાથે જ જોડાયેલી કોઈ બાબત હશે એટલે જ માસીને યાદ કરવામાં આવી છે. કોઈ છોકરી ગમી ગઈ છે કે પછી લઈને ભાગી ગયો છે?' - દેવલ હજી પણ મજાકના જ મૂડમાં હતી.
'અરે ડોબા જેવી હું મજાક નથી કરતી. ખરેખર એક છોકરીની જ વાત છે. તારા લાડકવાયાને એક છોકરી ગમી છે. અમે તેની થોડીઘણી તપાસ કરાવી પણ આપણા ઘરમાં સેટ થાય તેમ નથી. તારા બનેવી ઈચ્છે છે કે, આ મુદ્દે તું થોડી મદદ કરે. બોલ ક્યારે આવે છે?' - સુમનનો અવાજ થોડો ગરમાયો.
'સોરી સોરી યાર... મારી મજાક ખરેખર સાચી પડી. બનેવીને કહેજે કાલે સાંજે જ આવીશ. આજે સાંજે શ્લોકને લઈને એક કોમ્પિટિશનમાં જવાનું છે અને આવતીકાલે મારા સાસુને રેલવે સ્ટેશન મુકવા જવાનું છે. એ બધા બેંગ્લોર-ઊટી ફરવા જાય છે. બપોર પછી હું દસ દિવસ સુધી ફ્રી જ છું. હું આવી જ જઈશ. કેતનને પણ કહી દઈશ કે રાત્રે ઓફિસથી આવતા શ્લોકને લઈને તારા ઘરે જ આવે. અમે જમીને જ પાછા જઈશું.' - દેવલ બોલી.
'સારું. હું તારા બનેવીને કહી દઉં છું. મારી સાથે ભલે મજાક કરી પણ એમની સાથે ના કરતી કાલે. પેલી છોકરી માટે તે થોડા વધારે સિરિયસ છે. સાચવજે થોડું. કેતનને હમણાં કોઈ વાત કરતી નહીં. કાલે તારા બનેવીને ઠીક લાગશે તો કહેશે. ચાલ મુકું. જય શ્રી કૃષ્ણ.' - સુમન બોલી અને બંને છેડે વાત પૂરી થઈ ગઈ.
બીજા દિવસે નક્કી કરેલા સમયે દેવલ મોટી બહેનના ઘરે પહોંચી ગઈ. ઘરમાં ઘુસતાની સાથે જ મસ્ત મજાની ચા અને નાસ્તાનો ઓર્ડર આપીને સાળી દોડીને પહોંચી ગઈ બનેવી પાસે. બનેવી તો જાણે કે કાગડોળે રાહ જોતા હતા.
'દેવલ, તું આવી ગઈ તે સારું થયું. આ છોકરાએ મોટી સમસ્યા ઊભી કરી છે. તેને તો છોકરી જોઈ અને ગમી ગઈ એટલે જાહેર કરી દીધું કે પરણી જવું છે પણ બાકીનું તો આપણે જોવું પડે ને? મારી ઈચ્છા છે કે છોકરીના પરિવાર વિશે વિગતે માહિતી ભેગી કરવાનું અને શક્ય બને તો તેમને મળવા જવાનું અને લગ્ન માટે ના પડાવવાનું કામ પણ તું જ કરી આપ.' - મલયકુમારે કહ્યું.
'કુમાર પણ પહેલાં મને આખી વાત તો કરો? છોકરી કોની છે, ક્યાં જોઈ હતી, વિસ્મય તેને મળી આવ્યો કે નહીં અથવા તો બાકીની વિગતો તો આપો? સુમી તારે તો મને કહેવું પડશે ને બધું?' - દેવલ બોલી.
'ગયા મહિને તારા ફોઈજીના ઘરે લગ્ન હતા તેમાં વિસ્મય આ છોકરીને મળ્યો હતો. બંને વચ્ચે ઘણી વાતચીત થઈ હતી. વિસ્મય એવું કહેતો હતો કે, તેના મમ્મી સંગીતના શિક્ષક છે અને તેના પપ્પા ક્યાંક પ્રોફેસર છે. અમારી પાસે વધારે તો વિગત નથી પણ તે છોકરીનું નામ સ્વરા છે. સ્વરા પણ તાજેતરમાં જ ભણી રહી છે અને કોઈ કોલેજમાં ભણાવવા માટે જાય છે. તું તારી ફોઈજીની સાથે વાત કરીને છોકરી અને તેના પરિવારની બાકીની વિગતો મેળવી લે.' - સુમીએ ફોડ પાડયો.
'સુમી એ વાત તો હું સમજી ગઈ કે તને માહિતી લઈને આપું. તમને લોકોને ઈચ્છા નથી કે વિસ્મય આ છોકરી સાથે લગ્ન કરે?' - દેવલે પૂછયું.
'તને શું લાગે છે? આપણા ઘર વિશે તને માહિતી છે, તેમાંય તારા બનેવીનો સ્વભાવ તને ખબર છે. આપણી રહેણી-કરણી, આપણા ખર્ચા, આપણા શોખ બધું મોટું છે. તેમાં જો સામાન્ય ઘરની છોકરી આવી ગઈ કે મિડલ ક્લાસ ફેમિલી સાથે જોડાવાનું થયું તો આપણું ખરાબ દેખાય. તારા બનેવી નથી ઈચ્છતા કે સામાન્ય ઘરમાંથી કોઈ આપણા ઘરમાં આવે.' - સુમીએ ફરી કહ્યું.
'જો દેવલ, મિડલ ક્લાસ સામે મને જરાય વાંધો નથી. આપણે પણ ક્યારેક સામાન્ય પરિવારના જ માણસો હતા. આપણે જે રીતે મહેનત કરી છે, જે રીતે આ બધું ઊભું કર્યું છે તેની અસર હવે દેખાઈ રહી છે. મેં અથવા તો કાર્તિકે જાત ઘસીને અમારા બિઝનેસ મોટા કર્યા છે. આ છોકરાઓને અઢળક સવલતો આપી છે. આવા સંતાનોને હવે જીવનસાથી મામલે ચલાવી લેવું પડે તે મને નથી પસંદ. તને શું લાગે છે, બોલ?' - મલયકુમાર બોલ્યા.
'તું જ વિચાર કર, કોઈ સામાન્ય ઘરની કે અભાવમાં ઉછરેલી છોકરી અહીંયા આવી અને બધું ભાળી જાય અને છકી જાય તો શું કરવાનું? અમે કોઈ ચાન્સ લેવા માગતા નથી. તું ગમે તેમ આ સંબંધ માટે ના પડાવે તેવી મારી ઈચ્છા છે. વિસ્મયને સ્વરા ગમે છે અને કદાચ સ્વરાને પણ વિસ્મય થોડોઘણો ગમ્યો હશે એવું હું માનું છું.' - મલયકુમારે ઉમેર્યું.
'સારું. મને અઠવાડિયું આપો હું તમામ વિગતો મેળવીને અને છોકરીના પરિવારને મળીને તમને જણાવીશ. ત્યાં સુધી વિસ્મય ઉપર કોઈ દબાણ ન કરતા. તેની સાથે કોઈ વાતચીત ન કરતા.' - દેવલે કહ્યું. ત્યારબાદ કેતન અને શ્લોક આવ્યા અને બધાએ ભેગા થઈને ડિનર કર્યું અને જાતભાતની વાતો કરીને છૂટા પડયા.
દેવલ જે મુદત આપીને ગઈ હતી તે મુદત પૂરી થઈ એટલે સુમનના મનમાં થોડી જિજ્ઞાાશા જન્મી હતી પણ તેણે પોતાના વરના ભયને કારણે તેને દબાવી રાખી. આખરે દસ દિવસે દેવલનો ફોન આવી જ ગયો.
'સુમી, બનેવીને કહેજે કામ થઈ ગયું છે. છોકરીના પરિવારે લગ્ન માટે ના પાડી છે. બાકીની વાતો શનિવારે આવીને કહીશ.' - દેવલે ટૂંકમાં પતાવ્યું. સુમને રાત્રે પોતાના પતિને માહિતી આપી દીધી અને હવે શનિવારની રાહ જોવાતી હતી. શનિવાર આવી પણ ગયો અને નક્કી કર્યા પ્રમાણે ફરી એક વખત મિટિંગ ગોઠવાઈ.
'સુમી સાચું કહું તો સ્વરા ખરેખર દેખાવડી અને હોંશિયાર છોકરી છે. મને તો જોતાવેંત ગમી ગઈ હતી. મને નવાઈ લાગી કે લગ્નમાં મારી નજર તેના ઉપર કેમ ગઈ નહોતી? હું સ્વરાને, તેના મમ્મી વૈદેહીબેનને અને તેના પિતા પ્રકાશભાઈને મળી હતી. વૈદેહી બેન સંગીત વિશારદ છે ને સંગીતના શિક્ષક તરીકે કામ કરે છે તથા ક્લાસિકલ મ્યુઝિકના ક્લાસિસ ચલાવે છે. પ્રકાશભાઈ ગુણવંતરાય એજ્યુકેશન ટ્રસ્ટમાં અંગ્રેજી વિભાગના પ્રોફેસર અને એચઓડી છે.'
'સ્વરાની વાત કરું તો માતા-પિતા બંનેનો વારસો ધરાવે છે. સ્વરાએ અંગ્રેજી ભાષામાં જ ઉચ્ચ અભ્યાસ કર્યો છે. તે પીએચડી થયેલી છે. આ સિવાય તેની મમ્મી જોડે તાલિમ લઈને ખૂબ જ સારું ગાય છે. આ સિવાય કિબોર્ડ અને પિયાનો ખૂબ જ સરસ વગાડે છે. મારે સ્વરા સાથે વિસ્મય અંગે પણ વાત થઈ હતી. તેણે મને વિસ્મયની થોડીઘણી માહિતી આપી હતી. સ્વરાના મમ્મી-પપ્પાએ સામેથી જ લગ્ન કરવાની ના પાડી દીધી.' - દેવલે કહ્યું.
'આપણે આટલું જ તો જોઈતું હતું. મારી પણ ઈચ્છા નહોતી. હવે ચિંતા નહીં.' - મલયકુમાર બોલ્યા.
'દેવુડી પેલા લોકોએ ના પાડી પણ તેના માટે કોઈ કારણ તો આપ્યું હશે ને? શું કહેતા હતા એ લોકો?' - સુમને કહ્યું.
'પ્રકાશભાઈએ કહ્યું કે, અમારા ઘરમાં મુક્ત વાતાવરણ છે. અમે દીકરીને જીવસાથી પસંદ કરવાનો અધિકાર આપેલો છે. તેણે અમને આવીને વિસ્મય વિશે વાત કરી હતી. અમે વિસ્મય અને તેના પરિવાર વિશે તપાસ કરાવી. અમને પરિવારમાં રસ પડયો નહીં.' - દેવલ બોલી.
'તેમણે કહ્યું કે, વિસ્મયનો પરિવાર શ્રીમંત છે પણ ખાનદાન નહીં. ત્યાં સુખ, સમૃદ્ધિ, સવલતો બધું જ છે પણ સંસ્કાર નથી.
ત્યાં સ્ત્રીઓનું સન્માન નથી, તેમની આમન્યા જળવાતી નથી. ત્યાં સ્ત્રીને માત્ર વસ્તુ તરીકે જોવામાં આવે છે. અમારી દીકરી તેના માટે સર્જાયેલી નથી. બીજી વાત મારી દીકરી પીએચડી થયેલી છે અને વિસ્મયની બીબીએની ડિગ્રી પણ સેલ્ફફાઈનાન્સ કોલેજની છે. મને ખબર છે કે, આ મેળવેલી નહીં પણ ખરીદેલી છે. તેના આધારે તે પિતાના ધંધાની ગરમ ગાદીએ ગોઠવાઈ ગયો છે.'
'એકંદરે વાત એટલી જ છે કે, અમે તમને લોકોને રિજેક્ટ કરીએ છીએ.' - દેવલે કહ્યું અને સુમી તથા મલયકુમાર ફાટી આંખે તેને જોતા રહ્યા.









