Magazines

પાંગરતી પ્રતિભાની ખોજ .

By GS TEAM
16 May 20267 mins read
પાંગરતી પ્રતિભાની ખોજ                                                        .

- આજકાલ-પ્રીતિ શાહ

- સુહેમ શેખની હૈદરાબાદની આ યૉટ ક્લબ પાણીની ગતિવિધિઓને-નૌકાયાનને- એક નવું રૂપ આપી રહી છે જે માત્ર શ્રીમંતોની સ્પોર્ટ્સ ન દ્વારા રહેતા સહુને ઉપલબ્ધ કરાવે છે

સુ હેમ શેખને બાળપણથી જ પાણી પ્રત્યે ગજબનું આકર્ષણ હતું. તેઓ સ્થાનિક ક્લબમાં જતા અને અનૌપચારિક રીતે નાવ ચલાવતા. ધીમે ધીમે તેમણે નૌકા ચલાવવાની રમતમાં પ્રવેશ મેળવ્યો અને ચૌદ વર્ષની ઉંમરે પ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો, પરંતુ ઉંમર વધવાની સાથે અભ્યાસની જવાબદારી વધતી ગઈ. હૈદરાબાદ પબ્લિક સ્કૂલમાંથી આઈ.આઈ.ટી. મદ્રાસમાં પ્રવેશ મેળવ્યો એ પછી ફાયનાન્સિયલ ટૅક્નૉલૉજીમાં સફળતાપૂર્વક કોર્પોરેટ કારકિર્દી પછી પોતાની કંપની બનાવી. અભ્યાસ અને વ્યવસાયની કામગીરી દરમિયાન બાળપણમાં નૌકા ચલાવી હતી તેની સ્મૃતિ સતત ચિત્તમાં તરવરતી રહી. સુહેમ નાનપણની યાદને વાગોળતાં કહે છે કે તે સમયે નાવ ચલાવવી તે ખૂબ મોંઘુ લાગતું. તેના માટેના શૂઝ પણ તે ખરીદી શકે તેમ નહોતા અને તેમને લાગતું કે આ સ્પોર્ટ્સ તેમના પહોંચ બહારની છે, પરંતુ જ્યારે કોર્પોરેટ ક્ષેત્રમાંથી બહાર નીકળ્યા, ત્યારે તેમણે વિચાર્યું કે સ્પોર્ટ્સમાં પ્રતિભા અને ગુણવત્તા માત્ર શ્રીમંતો અને સશસ્ત્ર સેના માટે જ સીમિત રહી જાય છે. સામાન્ય બાળકો આર્થિક અવરોધને કારણે ત્યાં સુધી પહોંચી નથી શકતા, તો આ અવરોધને દૂર શા માટે ન કરવો? આવા વિચાર સાથે ૨૦૦૯માં સુહેમ શેખે યૉટ ક્લબ ઑફ હૈદરાબાદની સ્થાપના કરી.

શરૂઆતમાં તેમની પાસે ત્રણ નૌકા અને એક મોટરબોટ હતી. સરકારી સ્કૂલનાં બાળકો પણ ક્લબમાં આવતાં. ૨૦૧૪માં પ્રથમવાર નેશનલ ચેમ્પિયનશિપમાં જીત મેળવી, તેથી તેમને લાગ્યું કે કંઈક સાચી દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે. પ્રારંભે જ તેમના મનમાં એક વાત સ્પષ્ટ હતી કે માત્ર તાલીમ આપવી પૂરતું નથી, તેમને પોષણયુક્ત ખોરાક પણ મળવો જોઈએ. ઘણાં બાળકો એવા પરિવારમાંથી આવે છે કે તેમને બે ટંક કાયમ સમતોલ અને પોષણયુક્ત ભોજન મળે તેવી કોઈ ખાતરી હોતી નથી, તેથી તેમણે ક્લબમાં રસોડું શરૂ કર્યું અને ડાયેટ પ્લાન બનાવ્યો. 

ઈજા થાય ત્યારે તરત સારવાર મળી રહે તે માટે ઇન્જરી મેનેજમેન્ટ શરૂ કર્યું. તે ઉપરાંત સુહેમ શેખ સૌથી વધારે મહત્ત્વ માનસિક સ્વાસ્થ્યને આપે છે. તેમના મતે શીખવા આવતા વિદ્યાર્થીઓને ઘરનું અને સ્કૂલનંત ઘણું ટેન્શન રહેતું હોય છે, તેથી તેમણે ક્લબમાં મનોવિજ્ઞાાનીની નિમણૂક કરી. આમ આ યૉટ ક્લબ માત્ર તાલીમકેન્દ્ર ન બની રહેતા સર્વાંગી વિકાસ થાય તેવી સહાયક સિસ્ટમ વિકસાવી. સુહેમના મનમાં પહેલેથી આવું કોઈ આયોજન નહોતું, પરંતુ અનુભવથી ક્લબનો વિકાસ કર્યો. તેઓ કહે છે કે માત્ર કુદરતી રીતે જ નૌકા ચલાવતા આવડતી હોય તેમને પસંદ કરવા ઉપરાંત ઘણા મોટા જૂથને પણ પસંદ કરવામાં આવે છે. કેટલીકવાર તો એક સમયે એક સો જેટલા બાળકો થઈ જાય છે.

સુરગની ઈસ્વા નામની ચૌદ વર્ષની છોકરી તદ્દન સામાન્ય જિંદગી જીવી રહી હતી. જીવનમાં કોઈ લક્ષ્ય નહોતું. તેના પિતાના અવસાન પછી સ્કૂલ દ્વારા તે આ ક્લબમાં આવી હતી. પહેલા દિવસે પાણીમાં પડવામાં ભય અનુભવતી હતી. કેવી રીતે તરવું તેની ખબર નહોતી, પરંતુ આજે આત્મવિશ્વાસથી જીવે છે અને સુહેમ શેખને પિતાતુલ્ય માને છે. લહરી કોમારવેલી પંદર વર્ષની ઉંમરે ક્લબમાં આવી. તેની બહેન આ ક્લબમાં આવતી હતી, એટલે તેના પરિવાર દ્વારા જ લહરી આવી, પરંતુ તે દુબળી હોવાથી નૌકા ચલાવતી વખતે આવતા જોરદાર પવનથી તેને ડર લાગતો હતો. તાલીમાર્થીઓ કરતાં પાછળ રહી જતી, પરંતુ તેણે મહેનત કરીને પોતાની યોગ્યતા પુરવાર કરી. એશિયન ગેઇમ્સ માટે પસંદગી પામી. ૨૦૨૫માં ઓપ્ટિમિસ્ટ નેશનલ ચેમ્પિયન બની અને હવે તે ઓલિમ્પિકમાં જવાની ઇચ્છા રાખે છે. સુરગની અને લહરી બંને માને છે કે સુહેમ શેખ કડક અને શિસ્તબદ્ધ છે, પરંતુ એક મજબૂત અને સ્વતંત્ર મહિલા બનવાનું સતત પ્રોત્સાહન પૂરું પાડયું છે અને તેમને જીવનનું લક્ષ્ય આપ્યું છે.

તેમના ઘણા વિદ્યાર્થીઓ ઇન્ડિયન આર્મી અને નેવીમાં ગયા છે. કેટલાક ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે તો કેટલાક સારો વ્યવસાય કરે છે. સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને મુખ્યધારા સાથે જોડી રહ્યા છે. ક્લબમાં આવેલો એક છોકરો આજે મહિને બે લાખ રૂપિયા કમાય છે, જે એના કુટુંબની આવક કરતાં વીસ ગણી છે. તેઓ સ્પોર્ટ્સમાં ચેમ્પિયન બનાવવા પૂરતું સીમિત કામ નથી કરતા, પરંતુ દરેક વ્યક્તિ પગભર થાય અને ભવિષ્યમાં તેનું કુટુંબ સુખી થાય તેવું કામ કરે છે. તેઓ માને છે કે આપણે ત્યાં ઘણી પ્રતિભાઓ છે, પરંતુ બધી સગવડો તેમના સુધી પહોંચે તો ઘણું બધું બદલાઈ જાય. સુહેમ શેખની હૈદરાબાદની આ યૉટ ક્લબ પાણીની ગતિવિધિઓને-નૌકાયાનને- એક નવું રૂપ આપી રહી છે જે માત્ર શ્રીમંતોની સ્પોર્ટ્સ ન દ્વારા રહેતા સહુને ઉપલબ્ધ કરાવે છે. અત્યાર સુધીમાં આ ક્લબ દ્વારા વીસ દેશોમાં દોઢસો વ્યક્તિઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો છે, ૮૬ રાષ્ટ્રીય કક્ષાના ચેમ્પિયન બન્યા છે અને ૨૮ આંતરરાષ્ટ્રીય મેડલ મળ્યા છે.

અમારી મંગલકારી ધરતી

મો ટાભાગની વ્યક્તિઓ સાઠ-પાસઠ વર્ષે નિવૃત્તિનો હાશકારો અનુભવીને આરામદાયક જીવન જીવવાનું પસંદ કરે છે તો કેટલીક વ્યક્તિઓ નિવૃત્ત થતાં જ પોતાની જાતને અન્ય પ્રવૃત્તિમાં પરોવી દે છે. આવી જ એક વ્યક્તિ છે ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં રહેતી શુભા ભટનાગર. શિકોહાબાદમાં હિંદી વિષય સાથે અનુસ્નાતકની ડિગ્રી મેળવનાર શુભા લગ્ન કરીને મૈનપુરી આવી. પતિને કોલ્ડ સ્ટોરેજનો વ્યવસાય છે. સંતાનો તેમજ પૌત્ર-પૌત્રીઓની જવાબદારીમાંથી મુક્તિ મળતાં જ તેને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો. પુત્ર-પુત્રવધૂ એન્જિનીયર છે.  સાંજે ટેબલ પર જમવા ભેગા થાય ત્યારે અવનવી વાતો કરીને મસ્તીભર્યું જીવન જીવે છે, પરંતુ ૨૦૨૩માં એક દિવસ શુભાએ કહ્યું કે તે કેસર ઊગાડવા માગે છે, ત્યારે સહુને સુખદ આશ્ચર્ય થયું. શુભા કહે છે કે નાનપણથી જ તેને ખેતી પ્રત્યે આકર્ષણ હતું, પણ આટલા વર્ષોની જવાબદારીને કારણે કંઈ થઈ શક્યું નહીં. સહુને થયું કે કાશ્મીરમાં કેસરની ખેતી થાય છે, તે મૈનપુરીમાં કેવી રીતે થશે.

શુભા અને તેનો પરિવાર કાશ્મીર ગયા અને ત્યાં કેસરની ખેતી કરતા ખેડૂતોને મળ્યા. એક અઠવાડિયા સુધી ત્યાં રહીને કેસરની ખેતીની સમગ્ર પ્રક્રિયા સમજ્યા. કેવા પ્રકારની માટી અને કેવું ટેમ્પરેચર જોઈએ તે જાણ્યું અને કેસરના છોડ ખરીદ્યા. મૈનપુરી પાછા આવીને પાંચસો સાઠ સ્ક્વેર ફૂટનો કોલ્ડ સ્ટોરેજ રૂમ તૈયાર કર્યો. નિયંત્રિત ટેમ્પરેચરમાં વર્ટીકલ ટ્રેમાં કેસર ઊગાડવાનો પ્રયોગ શરૂ કર્યો. શુભાના પુત્ર અને પુત્રવધૂ એન્જિનીયર હોવાથી તેમણે એરોપોનિક્સ નામની આધુનિક ટૅક્નિકનો ઉપયોગ કરીને માટી વગર કેસરને અનુકૂળ ટેમ્પરેચર અને ભેજનું પ્રમાણ રાખ્યું. ઇન્ટરનેટ ઑફ થિંગ્સ અને સેન્સર્સનો ઉપયોગ કર્યો. તેમણે કાશ્મીરની આબોહવા અને કેસર ઉત્પાદનના દસ વર્ષના ડેટાનું પૃથક્કરણ કર્યું. તેના આધારે કોલ્ડ સ્ટોરેજ રૂમમાં કેસર માટે શ્રેષ્ઠ અને અનુકૂળ પરિસ્થિતિનું સર્જન કર્યું. એરોપોનિક્સ ટૅક્નિકથી ખેતી કરવામાં જમીનની ખાસ જરૂર પડતી નથી. ઓછા પાણીથી અને પેસ્ટીસાઇડ વગર આ ખેતી થાય છે. સેન્સર્સ દ્વારા ટેમ્પરેચર, ભેજનું પ્રમાણ, કાર્બન ડાયોક્સાઇડ અને ઑક્સિજનના પ્રમાણ પર ધ્યાન આપી શકાતું હતું.  ત્રણ-સાડા ત્રણ મહિના પછી પર્પલ કલરના સુંદર ફૂલો ઊગ્યા જે દર્શાવે છે કે કેસરનો પાક તૈયાર થઈ ગયો છે. શુભા ભટનાગરની કેસરની ખેતી કરવાની યાત્રામાં ઘણા પડકારો પણ આવ્યા. એક તો કાશ્મીર જેવી આબોહવા નહીં, આ ક્ષેત્રનો અનુભવ નહીં, પરંતુ શુભાની મક્કમતા અને પરિવારના સાથથી બધા અવરોધો પાર થયા. કેસરનો પહેલો પાક પ્લાન્ટેશનના ત્રણ-સાડા ત્રણ મહિના પછી મળ્યો. નામ રાખ્યું 'શુભાવનિ સ્માર્ટફાર્મ'. શુભાની પૌત્રીનું નામ અવનિ હોવાથી તેમના પુત્રએ શુભાવનિ નામ રાખ્યું અર્થાત્ 'અમારી મંગલકારી ધરતી.'

શુભા ભટનાગરે જ્યારે કેસરની ખેતીનો વિચાર કર્યો ત્યારે તેમના મનમાં સ્થાનિક મહિલાઓને રોજગારી મળે તેવો પણ ખ્યાલ હતો. તે વિસ્તારમાં ઘણી મહિલાઓને બે ટંકના ભોજન માટે સંઘર્ષ કરતા જોઈ હતી. તેમના પતિના કોલ્ડ સ્ટોરેજમાં કામ કરતા કર્મચારીઓને ઘણી વાર મળતા, ત્યારે મહિલાઓની નબળી આર્થિક પરિસ્થિતિ, તેમના પતિઓમાં દારૂનું વ્યસન, તેને કારણે બાળકોને સ્કૂલે ન મોકલી શકે - આવી અનેક સમસ્યાઓથી પરિચિત હતા. આજે તે વિસ્તારની જ પચીસ મહિલા શુભાવનિ સ્માર્ટફાર્મમાં કામ કરે છે. જેણે ગૃહિણી તરીકે કામ કર્યું હોય તેના માટે ખેતી અને ટૅક્નૉલૉજી શીખવી મુશ્કેલ છે, પરંતુ શુભા ભટનાગર કેસરની ખેતીની સમગ્ર પ્રક્રિયા શીખ્યા અને સાથે સાથે વેચાણ પણ કરવા લાગ્યા. તેઓ માને છે કે કોઈ પણ વસ્તુ શીખવામાં ઉંમર અવરોધરૂપ બનતી નથી, ઉલટાનું તેનાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે.

આજે સોશિયલ મીડિયા દ્વારા કેસરનું ઑનલાઇન વેચાણ થાય છે. ગત વર્ષે સોળ લાખ રૂપિયાનું વેચાણ કર્યું છે. શુભાની સફળતાથી પ્રેરાઈને પરિવાર બીજો કોલ્ડ રૂમ બનાવવાનો વિચાર કરે છે. કેસરની શુદ્ધતા અને ઉચ્ચ ગુણવત્તાને કારણે બજારમાં તેમના કેસરની માગ રહે છે. કેસરની ખેતીની સાથે સાથે તેણે શુભાવનિ સાત્વિક સ્પાઇસીસની શરૂઆત કરી છે. 

શુભા ભટનાગરે વિચાર્યું કે બજારમાં મળતાં મસાલામાં કેટલી બધી ભેળસેળ થાય છે! તેણે શુભાવનિ સાત્વિક સ્પાઇસીસ અંતર્ગત બાવીસ જાતના પ્રીમિયમ મસાલા શરૂ કર્યા, જેમાં મેઘાલયની પ્રખ્યાત લાકાડોંગ હળદર, રાજસ્થાનના ધાણા, જીરું, કેરલમના 'બ્લેક ગોલ્ડ' તરીકે ઓળખાતા મરી, તે ઉપરાંત કેરલમના લવિંગ, એલચી, કાશ્મીરનું બેગડી મરચું જેવા અનેક મસાલા વેચે છે. આ મસાલા મશીનમાં નહીં, પણ હાથે ખાંડીને બનાવે છે. જેથી તેના પ્રાકૃતિક અને પોષક તત્ત્વો તેમજ તેના રંગ, સુગંધ અને ઔષધીય ગુણો પણ જળવાઈ રહે. તેઓ હળદર, મરી, એલચી, કેસરના તેમજ અન્ય પ્રકારના વેલનેસ ગિફ્ટ બૉક્સ બનાવે છે. જેની કોર્પોરેટ ક્ષેત્રે અને લગ્ન પ્રસંગે ઘણી માંગ રહે છે. ગૃહિણીમાં એગ્રીપ્રેન્યોર બનનાર શુભા ભટનાગરે સ્થાનિક પચીસ મહિલાઓને રોજગારી આપીને તેમના પરિવારમાં મોટું પરિવર્તન આણ્યું છે. તેઓ કહે છે કે દરેક સ્ત્રીએ પોતાની શક્તિને પારખવી જોઈએ. પોતાનામાં વિશ્વાસ મૂકીને જાતને પ્રોત્સાહિત કરવી જોઈએ અને સમજવું જોઈએ કે તે કંઈ પણ  કરવા સક્ષમ છે.