ઘેરા અંધકારમાં રોશની એટલે ઘર .

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
- માટલામાં માટી નહીં પણ અંદરનો અવકાશ મૂલ્યવાન છે. ઘર તો મોકળાશ છે. જીવન તો આ મોકળાશમાં જીવાય છે
ઘર તૂટતે જા રહે હૈ
મકાન બનતે જા રહે હૈ.
- રાય સાહેબ
આપણા કાળનું આ દઝાડતું તથ્ય અને સત્ય છે. ક્યારેક આપણા મકાનમાં, આપણે ઓછું અને આપણી ઓળખ અને અહંકાર વધારે રહેતા હોય છે. સુર્યોદય અને સૂર્યાસ્તતો બીજા માળના ફ્લેટ પરથી પણ દેખાય છે પણ માણસ તે જોવાને બદલે બાવીસ માળવાળો એપાર્ટમેન્ટ ખરીદવાના પૈસા રળવા રઝળતો હોય છે. આજે ઘરો ઘટી અને તૂટી રહ્યા છે અને મકાન વધીને વિસ્તરી રહ્યા છે. બધા મકાનો તૂટી, છૂટી અને ખુટી પડે ત્યારથી અને ત્યાંથી એક ઘરની પ્રાર્થના પ્રારંભાય છે. આ ઘોંઘાટીઆ અને બડબડાટ કરતા જગતમાં શાંતિ અને મૌનની જરૂર છે. આ આઠ અબજની ગીર્દી અને અજાણ્યાના મેળા વચ્ચે એકાદ ઘર જોઈએ પણ આજે ઘર તો ક્યાં જોઈએ છે. ખરીદદાર ક્યાં છે?
એક સ્ત્રીને એક ખુલ્લુ અને ખાલી, સાદુ અને સહજ ઘર હતું. એક એવું ઘર જે બાળકો, મિત્રો, વડીલો અને મહેમાનોથી છલકાતું રહેતું. આંગણા બાજુ પડતી દિવાલ તો સાવ ઓછી હતી અને બારીઓ વધારે હતી. બાકી તો તેમાં આસનો, તકિયા અને વાંસનું ઓછું અને સસ્તું ફર્નિચર હતું, બસ! જ્યારે તેણે તે મકાન વેચવા કાઢયું ત્યારે ખરીદદારને કશુંક ભપકાદાર, આંખો આંજી દે તેવો ઝળહળાટ કે અહંકાર પોષાય તેવો લૂક નતો મળતો તેથી સૌ ચાલ્યા જતા અને ફરી ન આવતા. એક વખત એક ધનાઢય ખરીદનાર મોંઘીદાટ ગાડીમાંથી ઉતર્યો, તેને મકાનની તત્કાલ જરૂર હતી. તેણે પેલી સ્ત્રીના ઘરમાં આંટો માર્યો. તે બન્ને વચ્ચે આવો સંવાદ થયો
ધનાઢય : તમને ખબર છે? હું કોણ છું? આ ઘર છે? તમારી માટે હશે પણ મને નથી લાગતું. હું સમૃધ્ધ છું અને મારા પ્રતિષ્ઠિત સંબંધો અને વિખ્યાત મહેમાનો અને આ તમારું ઘર? ના. મારે માટે નકામું છે.
ી :તમે પૈસાદર હશો. પણ હું આ નગરની સૌથી વધુ સમૃધ્ધ ી છું. તમે મને ઓળખાતા નથી. મારી સમૃદ્ધિનો તમને હજુ ખ્યાલ જ નથી. સાંભળો, મારા ઘરમાં;
સૂર્યનો ઉજાસ અને ચંદ્રનો અજવાસ પથરાય છે,
વૃક્ષોનો પવન અને ફૂલોની સુવાસ આવે છે,
અહીંથી પંખીના ગીતો સંભળાય છે,
પતંગિયાની ઉડાન દેખાય છે,
ઘાસની લીલાશ પરખાય છે.
આ બધો મારો પરિવાર છે. વસંત, પાનખર,ગ્રીષ્મ, શિશિર જેવી ઋતુઓ મારી દોસ્ત છે, મારું ઘર કોઈ સ્થળ નથી પણ બારમાસી વિશ્રામ છે. તમે આ બધું પામી શકો તેટલા સમૃદ્ધ નથી!
કદાચ, સંપતિ બાહ્ય અને સ્થૂળ છે પણ સમૃદ્ધિ અંતરંગ અને સૂક્ષ્મ છે. માટલામાં માટી નહીં પણ અંદરનો અવકાશ મૂલ્યવાન છે. ઘર તો મોકળાશ છે. જીવન તો આ મોકળાશમાં જીવાય છે. જીવન તો આપણને અસંખ્ય સ્થળોએ દોરી જાય છે પણ ગમે ત્યાંથી આપણને સાંભરે, સંભાળે અને સાદ પાડે તે ઘર. આસપાસ ઘેરો અંધકાર હોય અને દૂર ટમટમાટ દેખાય તે ઘર. વિશ્વખ્યાત કવિ રૂમી કહે છે,
'વિશ્વભરની બધી જ ભાષાઓ-શબ્દો અંતત: ઘરઝૂરાપો છે'.








