Magazines

સ્વધર્મ એટલે શું? પોતાને મળેલો ધર્મ કે પોતાની પસંદગીનો ધર્મ?

By GS TEAM
16 May 20268 mins read
સ્વધર્મ એટલે શું? પોતાને મળેલો ધર્મ કે પોતાની પસંદગીનો ધર્મ?

- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- કવિ કાન્તના માનસને સમજવું જોઈએ, સૌંદર્યતત્ત્વનો આ ઉપાસક શિવતત્ત્વની શોધમાં નીકળ્યો હતો. આ માટેનો એમનો પુરુષાર્થ દેખાય છે

એ ક સમયે ગુજરાતનો સર્જક સાહિત્યસર્જનની સાથોસાથ ગંભી૨૫ણે ધર્મવિચારણા કરતો હતો. અર્વાચીનોમાં આદ્ય એવો નર્મદ પહેલાં આપણા પ્રાચીન સંસ્કારોની ટીકા કરે છે અને પછી એ જ નર્મદ પોતાની ઉત્તર વયે પ્રાચીન સંસ્કારોમાં સત્ત્વ જુએ છે. મણિભાઈ નભુભાઈ વેદાંતદર્શનનો પોતાના કાવ્યોમાં પણ મહિમા કરે છે, તો વળી સાક્ષર ગોવર્ધનરામ એમની નવલકથા 'સરસ્વતીચંદ્ર'માં અદ્વૈત વિચારસરણીની ગૂંથણી કરે છે. 

'ભદ્રંભદ્ર'ના રચયિતા રમણભાઈ નીલકંઠ પ્રાર્થના સમાજના સિદ્ધાંતો ત૨ફ ઝોક દર્શાવીને એ અંગેની સંસ્થાઓ સ્થાપે છે, તો કવિ કલાપીને થિયોસોફિસ્ટ વિચારધારા પસંદ પડે છે. આ સર્જકો પાસે પોતાનો આગવો ધર્મવિચાર હતો અને એ ધર્મવિચારને તેઓ નિર્ભીકતાથી પ્રગટ કરતા હતા. આ બધા સાહિત્યકારોમાં કવિ કાન્તનું વ્યક્તિત્વ એ રીતે વિશિષ્ટ છે કે એમના ચિત્તમાં જીવન વિશેનાં આંતરમંથન સતત ચાલતા હતા. એ વિચારતા કે આ જન્મ શા માટે છે ? એનો કોઈ હેતુ ખરો ? હું કોણ છું ? ક્યાંથી આવ્યો છું ? અને મૃત્યુ પછી ક્યાં જવાનો છું ? વળી આ સૃષ્ટિ સાથે મારો સંબંધ શું છે ? અને હકીકતમાં કોણ આ સૃષ્ટિનું નિયંતા છે ? 

કવિ કાન્તનું આ ધર્મમંથન એમને જુદાં જુદાં ધર્મગ્રંથોનું વાંચન કરવા પ્રેરે છે. અન્ય વિચારકો સાથે સતત વિચાર-વિનિમય કરે છે, પત્ર દ્વારા ચર્ચાઓ કરે છે, યોગમાર્ગનું પરિશીલન કરે છે અને જેમ એમની પ્રતિભા વિશિષ્ટ હતી એવી જ એમની આંત૨વ્યથા આગવી હતી. બીજી વ્યક્તિઓ ધર્મને કેન્દ્રમાં રાખીને જીવનને પામવા પ્રયત્ન કરતી હોય છે, જ્યારે કાન્ત સ્વજીવનને કેન્દ્રમાં રાખીને ધર્મતત્ત્વની ખોજ કરે છે. તેઓ સ્વયં કહે છે કે, 'હું સિદ્ધાંતો અને તે સાથેનાં તર્કનું અન્વેષણ નથી કરતો, પણ માન્યતાઓનું અને તે સાથેની ભાવનાઓનું અન્વેષણ કરું છું.' 

કાન્તનું આ આંતરમંથન એવું પ્રબળ હતું કે એ વિચારો એમને છેક સ્વીડનબોર્ગના વિચારો સુધી લઈ જાય છે. એમના મનમાં સતત 'મહાભારત કુસ્તી' ચાલતી હતી અને એમણે એમની આ ભાવનાઓ અને જીવનની ઘટનાઓનો પડઘો સ્વીડનબોર્ગનાં લખાણોમાં જોયો. કાન્ત સત્યોપાસક હતા અને માનતા કે સાક્ષરી પાતકોમાં એટલે કે લેખકો જે પાપ કરે છે, તેમાં સૌથી અધમ પાપ તો સત્ય કે અસત્ય બંનેની એક સરખી બેદરકારી ગણાય. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ૧૮૮૮માં લોજિક અને મો૨લ ફિલોસોફી સાથે સ્નાતક થયેલા કવિ કાન્ત નવા ચીલે ચાલે છે. એનું કારણ એ છે કે એલ્ફિન્સ્ટનનું વાતાવરણ, એના અંગ્રેજ અધ્યાપકો અને સાથોસાથ એમના તત્ત્વજ્ઞાાનનાં અભ્યાસે ધર્મ, ઈશ્વર અને પ્રેમ વિશે ગહન ગંભી૨ પ્રશ્નો ઊભા કર્યા. 

તત્ત્વજ્ઞાાનનો અભ્યાસ અને પાશ્ચાત્ય બુદ્ધિવાદ એ બંનેએ એમના પર પ્રભાવ પાડયો છે અને કાન્ત ધર્મની ખોજ માટે નીકળે છે. ઈ. સ. ૧૮૯૧થી ૧૮૯૬ સુધીના સમયગાળામાં કવિ કાન્ત એક ઉગ્ર મનોમંથન અનુભવે છે, કારણ નીતિશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાાનનો એમનો અભ્યાસ સત્ય અને શીલના આદર્શોની એમને ઉપેક્ષા ક૨વા દેતો નથી, તો બીજી બાજુ એમની પ્રકૃતિને સ્નેહ કરવાની અને સ્નેહ પામવાની તીવ્ર અભિલાષા છે. આમ એક બાજુ સૌંદર્યરસિકતા અને એની સાથે સ્નેહ પામવાની ઝંખના. એમને તપ, ત્યાગ અને સંયમના આદર્શોનો વિરોધ કરવા પ્રેરે છે. એ પ્રણયમાં જ સુખ સમજે છે, પ્રેમની પરિકૃતિની શક્યતા, જીવનની અંતિમ ફલશ્રુતિ અને વિધિયોજનાના મહાપ્રશ્નો કાંતની સમક્ષ ઊભા થાય છે. મનમાં સતત ચાલતું મંથન એ કાંતના જીવનનું સર્જન છે, તો એને તત્ત્વજ્ઞાાનની એરણે ચઢાવીને જોવાની એમની વૃત્તિ એ એમની ખોજનું પરિણામ છે. 

એમની સામે એક પ્રશ્ન જાગે છે કે 'સ્વધર્મ એટલે શું ?' પોતાને મળેલો ધર્મ કે પછી પોતાની પસંદગીનો ધર્મ ? એમણે જોયું કે મોટાભાગની વ્યક્તિઓ પોતાને જન્મથી પ્રાપ્ત થયેલા ધર્મને અનુસરે છે. જ્યારે કવિ કાન્તે પોતાના ચિત્તના પ્રશ્નોનો ઉત્તર આપી શકે એવા ધર્મની પસંદગી કરી. કારણ કે વેદાંતમાં એમનું મન ઠરતું નહોતું. માત્ર બુદ્ધિવાદ પસંદ નથી પડતો. ઈશ્વર છે કે નહીં એ વિશે કશું ખાતરીપૂર્વક કહી શકાય તેમ નહીં એમ માનતો અજ્ઞોયવાદ ગમતો નથી. એ કાન્તના સુકુમાર, અનુકંપાશીલ, સ્નેહાતુર અને કલ્યાણવાંછુ હૃદયને પૂરતો સંતોષ આપી શકતા નથી. 

૧૮૯૦માં ફિલોસોફીના રહસ્યથી આકર્ષાયા, પણ પત્નીનાં અવસાન પછી એમના ભાંગેલા હૃદયને ઈશ્વરનું આશ્વાસન શોધવાની અનિવાર્યતા ઊભી થઈ. આમ અમુક વર્ષો સુધી સ્વતંત્ર ધર્મની શોધ કર્યા પછી તેઓ હિંદુ ધર્મની બહાર પગ મૂકીને વિચાર કરનારા સત્યધર્મની ખોજ કરનારા સાહસિક બન્યા. એમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો અને જીવનનાં પાછળના સમયમાં સ્વીડનબોર્ગ સ્થાપિત નવીન દેવાલય માર્ગની સાથે આપણા પ્રાચીન ધર્મગ્રંથોને જોડવાનો પ્રયત્ન પણ કર્યો. 

આ સ્વીડનબોર્ગ પૂર્વાશ્રમમાં સ્વીડનના રાજદરબારમાં આદર પામેલા ઉચ્ચ અમલદાર હતા. સબમરીન અને એરપંપ જેવી શોધોનાં મૂળમાં એના લેખો ગણાય છે. એ સાચાબોલા સ્વીડનબોર્ગે પાકી ઉંમરે સાબિત કર્યું કે ઈશ્વરની મંજૂરીથી એને સ્વર્ગ જોવા મળ્યું છે અને 'બાઈબલ'નું એક નવું જ અર્થઘટન કરતાં કહ્યું કે, 'કશાય વિઘ્ન વિનાનું સતત ચાલતું સ્નેહજીવન તો પરલોકમાં જ પ્રાપ્ત થાય છે અને ઈશ્વર સાક્ષાત્ સ્નેહસ્વરૂપ છે.' 

સ્વીડનબોર્ગના કાવ્યમય સ્નેહ અને સત્ય એ બે મહાશબ્દોની અતિ રમણીય ભાવનાઓમાં કાન્તનું ચિત્ત ડૂબી ગયું. ૧૮૯૭ની ૨૮મી ઓગસ્ટે સ્વીડનબોર્ગનાં પુસ્તકો વાંચવા માટે કાન્ત મુંબઈ આવે છે અને મેટ્રો પાસે આવેલી નેટિવ જનરલ લાઇબ્રેરીના સભ્ય બને છે. અહીં એમને સ્વીડનબોર્ગના બે ગ્રંથો મળે છે. જેના વિચારો કાન્તના પત્નીને પસંદ પડે છે. 

એક સંસ્કારી, કેળવાયેલો બ્રાહ્મણ યુવાન આવું ધર્મપરિવર્તન કરે, ત્યારે સમાજમાં કેવો ઝંઝાવાત સર્જાય. ૧૮૯૮માં લાઠી પાસે ગામના ચાવંડના આ પ્રશ્નોરા નાગરે ઉપનયન(જનોઈ) દૂર કરી ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કર્યો. ૧૯૦૦ની ૨૧મી ફેબ્રુઆરીએ ઘોઘામાં બાપ્તિસ્મા લીધું, નોકરીમાંથી રાજીનામું આપ્યું અને એ જ વર્ષની ૨૫મી માર્ચે પવિત્રભોજન(હોલિ સ૫૨) લીધું. એ જમાનામાં કોઈ વ્યક્તિ ધર્મપરિવર્તન કરે, ત્યારે એને નાતબહાર તો મુકવામાં જ આવે, પરંતુ એથીયે વિશેષ એના પર પારાવાર મુશ્કેલીઓ આવે. કવિ કાન્તે કેટલાંય બાહ્ય આઘાતો સહન કર્યા, પરિચિતોની ઉપેક્ષા અનુભવી, પોતાના ફોઈના દીકરી અંબાલક્ષ્મીનાં આંસુએ આ કવિહૃદય પર અસર કરી અને એને પરિણામે ગાયત્રી જપ કરાવીને જનોઈ પાછી પહેરાવી બ્રાહ્મણ થયા. પરિસ્થિતિવશાત્ એમણે આ સઘળા સમાધાનો સ્વીકાર્યા. વળી કુટુંબીઓ અને સંબંધીઓથી વિખુટો રહી શકીશ નહીં એમ માનીને એમણે પ્રાયશ્ચિત્ત કર્યું. 

પરિસ્થિતિ તો એવી આવી કે એક વાર ધર્માંતર પછી કાન્તના મોટાભાઈએ સ્વીડનબોર્ગનાં બધાં પુસ્તકો પોતાની પાસે રાખી લીધાં અને કાન્તને ન આપવા એવો નિર્ણય કર્યો હતો. કાન્ત પુસ્તકો વિના અસહાય જેવા બની ગયા. એવામાં ગૌરીશંકરભાઈનો પત્ર આવ્યો કે બધાં પુસ્તકો રેલ્વેપાર્સલથી રવાના કરી દીધા છે. એ ખબર મળતા કાન્તને ખૂબ હર્ષ થયો. પુસ્તકો આવ્યાં પછી એકે એક પોતાના જ હાથથી સાફ કરી એક તદ્દન નવું કબાટ તે જ દિવસે ખરીદ્યું, તેમાં ગોઠવતા ગોઠવતા એમની આંખમાંથી આંસુ વહેતા હતા. પોતાના વ્હાલા પ્રાણસમાન પુસ્તકો વર્ષ બે વર્ષ પોતાનાથી છૂટા હતા તેને મેળવતાં બાળકોને મળ્યા જેટલો તેમને હર્ષ થયો. મુકુલ પંડયા અને અમૃત ગંગર સંપાદિત ''બહુઆયામી કવિ 'કાન્ત' અને પ્રફુલ્લ રાવળે 'લખેલું 'મધ્યાહ્ને આથમેલો સૂરજ' પુસ્તક આની પ્રતીતિ કરાવી છે.' 

એમની કવિતાના પ્રેરકબળો પણ આ ધર્મપરિવર્તનને કારણે બદલાયા હતા. આથી તો એમણે કાન્ત કાવ્યકલા બે ભાગમાં પ્રગટ કરવાનું વિચાર્યું હતું - 'પૂર્વાલાપ' અને 'ઉત્તરાલાપ'. કવિ કાન્તના માનસને સમજવું જોઈએ, સૌંદર્યતત્ત્વનો આ ઉપાસક 

શિવતત્ત્વની શોધમાં નીકળ્યો હતો. આ માટેનો એમનો પુરુષાર્થ દેખાય છે. કાન્તના ધર્મવિચારને કોણે ઘડયો ? કાન્તની પ્રકૃતિ, એમના જીવનમાં બનતી ઘટનાઓ, આસપાસની પરિસ્થિતિ અને એમની પ્રવૃત્તિ - આ ચાર બાબતો એમના ધર્મવિચારને ઘડનારી બની. એમણે પોતાની ધર્મપ્રતીતિ સ્નેહીઓ સમક્ષ ગુજરાત અને હિંદ સુધી પહોંચાડવાની મહેચ્છા રાખી હતી. તેઓ હિન્દી સ્વીડનબોર્ગ સોસાયટીની સ્થાપના કરે છે, મૃત્યુપર્યંત એના તંત્રી ૨હે છે, ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં એના ચાર અંકો પ્રગટ થયા એટલે કે એક વર્ષ સુધી આ સામયિક ચાલ્યું. 

આ રીતે ધર્મપરિવર્તન કોઈ તાત્ત્વિક જિજ્ઞાાસા સંતોષવાનો કાન્તનો હેતુ નહોતો, પરંતુ પોતાની ચિત્તવૃત્તિને મળતું સમાધાન શોધવાનો આશય હતો. ઉચ્ચ ભાવનાઓથી ઉભરાતું અને રસિકતાથી ભરેલું એ જીવન સત્યશોધ માટે નીકળ્યું હતું. એમની આ સત્યશોધને કારણે એમનું સાહિત્યસર્જન ઓછું થયું અને પછીના સમયમાં તો એમની ગહન સરસ્વતી એકાએક લુપ્ત થયેલી લાગે. આમ છતાં આપણે માટે તો કવિ કાન્ત જેટલા સમર્થ કવિ છે એટલા જ પ્રેમાદર પ્રાપ્ત કરનારા શિક્ષક છે અને એવા જ પ્રખર સત્યશોધક છે.

ક્ષણનો સાક્ષાત્કાર 

દ્રષ્ટિ સહુ કોઈની પાસે છે, કિંતુ દ્રષ્ટિકોણ તો વિરલ વ્યક્તિઓ જ ધરાવે છે. નજ૨ સહુની પાસે હોય, પણ એમાં નજાકત તો ક્યાંક જ મળે ! ઊંચે આંખ માંડીને ગગનચુંબી શિખરોને નિહાળતી દ્રષ્ટિ હોય છે, પરંતુ એની પાસે એને પામવાનો દ્રષ્ટિકોણ હોતો નથી. 

રળિયામણા પર્વત પર ધીરે ધીરે પથરાતો અને આથમતો સૂર્યપ્રકાશ મન ભરીને નિહાળીએ છીએ, સમુદ્રની લહેરો સાથે સામે મળીને ભળી જઈએ છીએ, જોવાલાયક સ્થળોએ શ્રમિત હોવા છતાં સઘળું જોવાનું ચુકતા નથી. આપણે બહા૨ની રોમાંચક દુનિયામાં અવિરત ભ્રમણ કરીએ છીએ. જીવનમાં સહેલગાહનો મહિમા કરીએ છીએ, દેશ-દેશની સફર ખેડીએ છીએ, એક પછી એક મુકામ પાર કરતા જઈએ છીએ, પરંતુ આવી સફર મનમાં કોઈ આનંદ કે આંતરિક પ્રસન્નતા જગાવતી નથી. 

યાત્રાનો મર્મ જ એ છે કે તમે બાહ્ય જગતની સાથોસાથ આંતરજગતમાં પ્રવાસ કરતા રહો. પ્રવાસના હૃદયસ્પર્શી અનુભવોની સાથે તમારી ભીતરી અનુભૂતિઓને એકાકાર કરતા રહો. આપણે તો દેહથી દુનિયા ખેલીએ છીએ અને મનને એનાથી સાવ અળગું રાખીએ છીએ. પ્રવાસ સમયે સુવિધા માટે રાત-દિવસ એક કરીએ. મનોરંજક સ્થળોએ પણ મોબાઈલનો ઉત્પાત ચાલુ રાખીએ, દેહ દોડધામમાં અને ચિત્ત સંસારમાં ડૂબેલું હોય છે. આ સાચો પ્રવાસ નથી. સાચો યાત્રાપ્રવાસ તો એ છે કે એ બહારના આકારોની વચ્ચે ભીતરના નિરાકારનો આપણે અનુભવ કરીએ. બહારની દુનિયા સાથે ભીતરની દુનિયા કદમ-સે-કદમ મિલાવતી હોય. 

હા, એ સાચું કે મન બહારી દુનિયામાં રમમાણ હોય છે. ઇચ્છાઓ અને કામનાઓની તૃપ્તિ માટે સતત અહીં-તહીં દોડતું હોય છે. શોપિંગમાં એ ઊંડે સુધી ડૂબેલું રહે છે અને સુવિધા મેળવવા માટે સઘળું કુરબાન કરતું રહે છે, પરંતુ જે બહારી યાત્રા દરમિયાન ભીતર જાય એ જ હ્યુ-એન- સાંગ, રાહુલ સાંકૃત્યાયન, કાકા કાલેલકર કે ભોળાભાઈ પટેલ બની શકે અને આથી તો તેઓ સફળ પ્રવાસી કહેવાયા છે.