Magazines

ફાઇન્ડિંગ ફ્રેન્કલિન : જ્યારે ઇતિહાસ હાડકાંની ભાષા બોલે છે!

By GS TEAM
16 May 20267 mins read
ફાઇન્ડિંગ ફ્રેન્કલિન : જ્યારે ઇતિહાસ હાડકાંની ભાષા બોલે છે!

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

શું તમે ક્યારેય વિચાર્યું છે કે 'બરફની અખૂટ ચાદરમાં ફસાયેલા ૧૦૫ માણસો પૈકી એક પણ જીવતો પાછો કેમ ન આવ્યો?' જો તમે રસેલ એ. પોટરનું પુસ્તક 'ફાઇન્ડિંગ ફ્રેન્કલિન: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ ૧૬૫ યર સર્ચ' વાંચ્યું હોય તો અવશ્ય થાય જ. એક સવાલ એ પણ થાય કે 'આ ફ્રેન્કલિન કોણ છે?' ૧૮૪૫માં બ્રિટનના સર જોન ફ્રેન્કલિનના નેતૃત્વ હેઠળ રવાના થયેલા બે જહાજો, એચએમએસ એરેબસ અને ટેરર, આર્કટિકમાં ઉત્તર-પશ્ચિમ માર્ગ શોધવા નીકળ્યાં હતાં. જેમાં સાત વર્ષનો ખોરાક, સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ, અને મનોરંજન માટે પંચ મેગેઝિનની ૧,૦૦૦ નકલો હોવા છતાં પણ ક્નું ભાગ્ય ફરી ન શક્યું. ૧૮૪૮માં સર ફ્રેન્કલિનના આદેશથી ૧૦૫ અધિકારીઓ અને ખલાસીઓએ જહાજો છોડયાં અને પગપાળા કિંગ વિલિયમ ટાપુ પાર કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓ પોતાની મંઝિલ સુધી પહોંચી શક્યા નહીં. હવે, ૧૮૦ વર્ષ પછી, વૈજ્ઞાાનિકોએ ડીએનએ વિશ્લેષણની મદદથી આ દુર્ઘટનામાં શહીદ થઈ ગયેલા ચાર વ્યક્તિઓની ઓળખ, તેમના અવશેષો ચકાસીને મેળવી છે. તાજેતરમાં જ વોટરલૂ યુનિવસટી, કેનેડાના સંશોધકો ડો. ડગ્લાસ સ્ટેન્ટનના નેતૃત્વ હેઠળ, હાડપિંજરના નમૂનાઓમાંથી માઇટોકોન્ડ્રિયલ અને વાય-ક્રોમોઝોમ ડીએનએ કાઢીને જીવંત વંશજો સાથે સરખાવ્યું છે. જેમાં પરિણામમાં તફાવત જેનેટિક ડિસ્ટન્સ ઝીરો (શૂન્ય આનુવંશિક અંતર) હતું. જે તેમની વચ્ચેના સગપણનો મજબૂત પુરાવો છે. તેમનું સંશોધન નરભક્ષકતાના રહસ્યો અને અભિયાનના છેલ્લા કલાકોની માહિતી પૂરી પાડે છે. પરંતુ આ અભિયાન શરૂ થયું ત્યારે શું બન્યું હતું?

બરફની કબરમાં દટાયેલા નામ 

આપણે ૧૯મી સદીના મધ્યભાગમાં ફાસ્ટ ફોરવર્ડ ઝડપથી જઈએ. જ્યાં યુરોપની દરિયાઈ સત્તાઓ વચ્ચે ઉત્તર-પશ્ચિમ માર્ગ શોધવાની હોડ લાગી હતી. કલ્પના કરો : તમારો માર્ગ દક્ષિણ અમેરિકાના કેપ હોર્નથી થઈને પસાર થતો હોય, તો તે લગભગ ૨૨,૦૦૦ કિમીનો લાંબો રસ્તો છે. પણ જો આર્કટિકના ઉપરથી એક શોર્ટકટ મળી જાય, તો અંતર અડધું થઈ જાય. આ જ શોર્ટકટ એટલે નોર્થ વેસ્ટ પેસેજ એટલે કે ઉત્તર-પશ્ચિમ માર્ગ. ૧૮૪૫ સુધીમાં, ઘણા અભિયાનો આ માર્ગ શોધવામાં નિષ્ફળ ગયાં હતાં. અંતે આ કાર્ય બ્રિટિશ રોયલ નેવીના અનુભવી અધિકારી સર જોન ફ્રેન્કલિનને  સોંપવામાં આવ્યું. મે ૧૮૪૫માં તેમના બે જહાજો , એચએમએસ એરેબસ અને એચએમએસ ટેરર લંડનથી રવાના થયાં. આ જહાજોને સ્ટીમ એન્જિન, સેન્ટ્રલ હીટિંગ, અને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યાં હતાં. ખલાસીઓ માટે પંચ મેગેઝિનની ૧,૦૦૦ નકલો પણ હતી. જે તે સમયના લક્ઝરી ક્રૂઝ જેવું હતું! પરંતુ ૧૮૪૬ના અંતમાં, કિંગ વિલિયમ ટાપુ નજીક ઘાતકી બરફની ચાદરે આ જહાજોને જકડી લીધાં. બે વર્ષ સુધી ક્રૂએ બરફમાં થીજી જવાની, ભૂખમરાની, અને સ્કર્વી રોગની વેદના સહેવી પડી. સ્કર્વી એટલે તાજા ફળ-શાકભાજી વિના શરીરમાં વિટામિન સીની ખામી, જેના કારણે ઘા રૂઝાતા નહીં, હાડકાં નબળાં પડી જતાં, અને દાંત ખરી જતા હતાં. માઈનસ ૪૦ ડિગ્રીમાં ફાટેલા ઘા અને ખરતા દાંત સાથે ચાલવાની વેદના! ૧૮૪૮માં સર ફ્રેન્કલિન મૃત્યુ પામ્યા. બાકીના ૧૦૫ સભ્યોએ જહાજો છોડીને પગપાળા ટાપુ પાર કરવાનો નિર્ણય લીધો. તેમનું લક્ષ્ય એક મુખ્ય વેપારી ચોકી સુધી પહોંચવાનું હતું. તેઓ સફરનો એક સોમાં એક ભાગનો રસ્તો પણ કાપી શક્યાં નહિ. એક પણ વ્યક્તિ જીવતો બચ્યો નહીં. ૧૮૫૯માં એક શોધ ટુકડીને પેગલર પેપર્સ નામના દસ્તાવેજો મળી આવ્યા. જે આ અભિયાનના લગભગ એકમાત્ર લેખિત દસ્તાવેજો હતા.

ભૂખ માણસને પશુ બનાવી દે છે?

સંશોધકોએ આ ૧૮૦ વર્ષ જુનો કોયડો ઉકેલવા માટે આધુનિક ડીએનએ ફોરેન્સિક્સનું શસ્ત્ર અપનાવ્યું છે. જેમ આપણા હાથની આંગળીઓના નિશાન અનોખા હોય છે, તેમ આપણા ડીએનએમાં પણ અનોખા 'આનુવંશિક નિશાન' હોય છે. આ નિશાનીઓ અનેક પેઢીઓ સુધી ટકી શકે છે. દાદાના દાદામાંથી પૌત્રના પૌત્ર સુધી. વિજ્ઞાાનીઓની ટીમે કિંગ વિલિયમ ટાપુ નજીક એરેબસ બે ખાડી પાસેના બે સ્થળોએથી હાડપિંજરના નમૂના એકત્ર કર્યા હતા. જ્યાં ઓછામાં ઓછા ૨૧ સભ્યો મૃત્યુ પામ્યા હતા. આ સ્થળથી ૧૩૦ કિમી દૂર એકાંતમાં અન્ય મૃતદેહ પણ મળી આવ્યો હતો. વિજ્ઞાાનીઓની ટીમે આ નમૂનાઓમાંથી બે ખાસ પ્રકારના ડીએનએ અલગ તારવી કાઢયા હતા :. જેમાં માઈટોકોન્ડ્રિયલ ડીએનએ કે જે માતૃવંશ સાથે વારસામાં મળે છે, અને વાય-ક્રોમોઝોમ ડીએનએ જે ફક્ત પિતા પાસેથી દીકરાને મળે છે. આ બંને પ્રકારના ડીએનએ, મનુષ્યની સાચી ઓળખ પેઢી દર પેઢી સાચવી રાખે છે. 

મૃત વ્યક્તિઓની સાચી ઓળખ મેળવવા માટે, હવે સંશોધકોએ હાલમાં જીવંત હોય તેવા તેમના સીધા વંશજોને શોધી કાઢયા હતા. તેમના ડીએનએ સેમ્પલ લઈને મળી આવેલાં અવશેષોના ડીએનએ સેમ્પલ સાથે સરખામણી કરી હતી. જેમાં જીનેટીક ડિસ્ટન્સ લગભગ શૂન્ય જોવા મળ્યું હતું. શૂન્ય પરિણામનો અર્થ એવો થાય કે, બંને સેમ્પલો વચ્ચેનો ડીએનએનો તફાવત શૂન્ય છે. બંને અવશેષો એક જ પેઢીના સંતાનો છે. આ પરિણામો ઉપરથી હાલમાં ત્રણ સભ્યોની ઓળખ થઈ ચૂકી છે : વિલિયમ ઓરેન, ડેવિડ યંગ, જોન બ્રિજન્સ. આ ત્રણેય એચએમએસ એરેબસ જહાજમાં સાથે હતા. ૧૩૦ કિમી દૂર મળેલા એકાંત મૃતદેહનું પરીક્ષણ કર્યું હતું જે એચએમએસ ટેરરના હેરી પેગલર, કેપ્ટન ઓફ ધ ફોરેટોપનું હતું. આ રીતે પ્રથમ વખત 'એચએમએસ ટેરર' જહાજમાં રહેલા કોઈ સભ્યની ઓળખ થઈ છે. સૌથી મહત્ત્વની શોધ એ વાતની પુષ્ટિ કરે છે કે 'આ ચારેયના હાડકાં પર નરભક્ષકતાના કોઈ નિશાન નથી.'

ઇતિહાસના સ્લિપ ડિટેક્ટિવ

દરેક મહાન વૈજ્ઞાાનિક શોધ પાછળ એક અથાક શોધકર્તાનું હૃદય ધબકતું હોય છે. આ વાર્તા પણ તેવા જ એક માણસની છે: ડો. ડગ્લાસ સ્ટેન્ટન. કેનેડાની વોટરલૂ યુનિવર્સિટીના આ માનવશાસ્ત્રીએ પોતાનું કારકિર્દી આર્કિટેકની બરફીલી કબરોમાં દટાયેલા રહસ્યો ઉકેલવામાં વીતાવ્યું છે. સરળ ભાષામાં એમ કહી શકાય કે તેઓ 'બરફમાં થીજી ગયેલા ઇતિહાસના સ્લિપ ડિટેક્ટિવ' છે. તેમણે પીએચ.ડી. બાદ પરંપરાગત પુરાતત્વીય ખોદકામ કર્યું છે, પરંતુ તેમની જિંદગીમાં એક વળાંક આવ્યો. તેઓ આર્કટિકમાં ફ્રેન્કલિન અભિયાનના સ્થળોની શોધખોળ સાથે જોડાયા હતા. અહીં છ મહિના સુધી સૂર્ય ઉગતો નથી, તાપમાન માઈનસ ૫૦ ડિગ્રી સુધી પહોંચે છે. જમીન કાયમી બરફથી ઢંકાયેલી હોય છે. આવી સ્થિતિમાં હાડકાંના નમૂના એકત્ર કરવા તેમનાં માટે, ૧૮૪૮ના ફ્રેન્કલિન અભિયાન જેટલું જ સાહસિક મિશન હતું. ૨૦૨૪માં ડો. સ્ટેન્ટનને અભિયાનના પ્રથમ અધિકારી સર જેમ્સ ફિટ્ઝજેમ્સના હાડપિંજરની સાચી ઓળખ સાબિત કરી બતાવી. અહીં જ એક અનોખું રહસ્ય સામે આવ્યું. ફિટ્ઝજેમ્સના જડબાના હાડકા પર કાપણીના નિશાનો હતા. જે સાબિત કરે છે કે જીવતા રહેવા માટે તેમના સાથીઓએ, ફિટ્ઝજેમ્સના શરીરનો ઉપયોગ પોતાના ખોરાક તરીકે કર્યો હતો. આ પહેલા ૧૯૯૭માં બાયોઆર્કિયોલોજિસ્ટ ડો. ઍન કીનલીઝાઈએ એક મોટી દફનભૂમિના હાડકાં પર કાપણીના પ્રકારના નિશાનો શોધી કાઢયા હતા. જે નરભક્ષકતાનો પ્રથમ વૈજ્ઞાાનિક પુરાવો હતો. ૨૦૧૪માં એરેબસ અને ૨૦૧૬માં ટેરરના આ પ્રકારના અવશેષોમાં, ખાસ નિશાનો જોવા મળ્યા. આ કોયડાઓ કેવા સંકેત આપે છે: શું આ બે જહાજોના ક્એ એકબીજાને છોડી દીધા હતા? કોનું મૃત્યુ ક્યારે અને કઈ જગ્યાએ થયું? આ પ્રશ્નોના જવાબ આપવા માટે વૈજ્ઞાાનિકોએ એક શક્તિશાળી શસ્ત્રનો ઉપયોગ કર્યો છે. જેને આનુવંશિક ફિંગરપ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. સવાલ એ થાય કે ૧૮૦ વર્ષ જુના રહસ્યને વિજ્ઞાાનીઓ કેવી રીતે ઉકેલી શક્યા છે?

સર ફ્રેન્કલિનની છેલ્લી સફર  

આ શોધ માત્ર ઇતિહાસના પાનાંઓ સુધી મર્યાદિત નથી. ૧૮૦ વર્ષ પછી હાડકાંને નામ આપવાનું કાર્ય વિજ્ઞાાન, માનવતા, અને ભવિષ્યની શોધખોળ માટે ઘણા મહત્વપૂર્ણ સંદેશા વહન કરે છે. આધુનિક ફોરેન્સિક વિજ્ઞાાનનો આ એક નવો દાખલો છે. ઇતિહાસકારો, પુરાતત્વવિદો અને ફોરેન્સિક નિષ્ણાતો, સમગ્ર વિશ્વમાં અજાણ્યા મૃતદેહો, પ્રાચીન કબરો અને દુર્ઘટનાઓના પીડિતોને ઓળખવા માટે આ જ તકનીકનો ઉપયોગ કરી શકશે. તે સમયની નરભક્ષકતાની સમજણ પણ વધુ ઊંડી થઈ છે. જેમ્સ ફિટ્ઝજેમ્સના જડબાના નિશાનો સાબિત કરે છે કે ભૂખ અને નિરાશાની અતિશયતા માનવીય મર્યાદાઓ તોડી શકે છે. જ્યારે તાજેતરમાં ઓળખાયેલા ચાર નવા સભ્યો, નરભક્ષકતાનો શિકાર બનવામાંથી બચી ગયા હતા. હાલમાં આબોહવા પરિવર્તનના કારણે આર્કટિકનો બરફ પીગળી રહ્યો છે, ત્યારે એચએમએસ એરેબસ અને એચએમએસ ટેરરનાં અવશેષો અને હાડપિંજરો વધુ ઝડપથી ઉઘાડાં પડી રહ્યાં છે. વૈજ્ઞાાનિકો માટે આ 'સમયની સ્પર્ધા' છે. બરફ પીગળતાં ડીએનએ નષ્ટ થઈ શકે છે. તેના કારણે બાકીના ૧૪ અજ્ઞાાત સભ્યોની ઓળખ કાયમ માટે ખોવાઈ શકે છે. જોકે આ સંશોધનનું સૌથી સુંદર પાસું એ છે કે 'હાલમાં જીવિત વંશજોને, તેમના પૂર્વજોની અંતિમ શાંતિની જાણકારી અને અવશેષોને યોગ્ય ઓળખ મળી છે.' ડો. સ્ટેન્ટન કહે છે, 'દરેક હાડકા પાછળ એક માનવી હતો, એક નામ હતું, એક સ્વપ્ન હતું.' આ સંકેતો સુધી પહોંચવા માટે વિજ્ઞાાનનીઓએ અથાગ પરિશ્રમ કર્યો છે. જો તમે ફ્રેન્કલિનની જગ્યાએ હોત, તો શું તમે જહાજો છોડીને પગપાળા ટાપુ પાર કરવાનો પ્રયાસ કરત? શું આ 'ઓળખની શોધ' ભવિષ્યમાં વધુ આશ્ચર્યજનક તારણો આપશે? શું ડીએનએ વિશ્લેષણ આપણને ફ્રેન્કલિનના છેલ્લા દિવસોના બચેલા દસ્તાવેજો સુધી પહોંચાડી શકશે?