Magazines

સ્વામી નિગમાનંદ પરમહંસની યોગ સાધના અને સિદ્ધિઓ

By GS TEAM
16 May 20265 mins read
સ્વામી નિગમાનંદ પરમહંસની યોગ સાધના અને સિદ્ધિઓ

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- સ્વામી નિગમાનંદે તંત્ર, યોગ, જ્ઞાાન અને પ્રેમ (ભક્તિ) જેવી ચતુર્વિધ સાધનામાં સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેમણે અઘરી એવી નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિ પણ કરી હતી

- 'નિજેકે જાનો, તાહલેઈ ઈશ્વર કે જાનતે પારબે.

પોતાને જાણો ત્યારે જ ઈશ્વરને જાણી શકશો.'

- 'માનુષેર પ્રકૃત ધર્મ આત્મા કે જાના.

માનવનો સાચો ધર્મ આત્માને જાણવો એ છે.'

- 'સમાધિ એમોન ઓબોસ્થા જેખાને સાધોક ઓ સાધ્યેર ભેદ બિલુપ્તો હોય.

સમાધિ એ અવસ્થા છે જ્યાં સાધક (સાધના કરનાર) અને સાધ્ય (જેને પ્રાપ્ત કરવું છે તે)નો ભેદ સમાપ્ત થઈ જાય છે.'

- 'સિદ્ધિ સાધનાર લક્ષ્ય નય, બરોડ સાધનાર પથે આગોત અભિગ્ગતા માત્ર.

સિદ્ધિઓ સાધનાનું લક્ષ્ય નથી, પણ સાધનાના માર્ગમાં થનારા અનુભવો છે.'

- 'શરીર નય, ચેતનાઈ તંત્ર સાધનાર કેન્દ્ર.

તંત્ર સાધનાનું કેન્દ્ર શરીર નહીં, પણ ચેતના છે.'

- 'તંત્ર શક્તિ કે નિયન્ત્રોનેર બિગ્ગાન, અંધો બિશ્વાસ નય.

તંત્ર શક્તિને નિયંત્રિત કરવાનું વિજ્ઞાાન છે, અંધવિશ્વાસ નથી.'

- તંત્ર કોનો રહસ્ય બા કલ્પના નય, ઈટી ચેતના ઓ શકિતર બિગ્ગાન.

તંત્ર કોઈ રહસ્ય કે કલ્પના નથી, તે ચેતના અને શક્તિનું વિજ્ઞાાન છે.

- પરમહંસ શ્રીમદ્ સ્વામી નિગમાનંદ સરસ્વતી દેવ

સ્વા મી નિગમાનંદ પરમહંસ (૧૮૮૦-૧૯૩૫) ભારતના એક મહાન સંન્યાસી અને સિદ્ધયોગી હતા. એમના શિષ્યો એમને શ્રી શ્રી ઠાકુર કહે છે. સ્વામી નિગમાનંદે તંત્ર, યોગ, જ્ઞાાન અને પ્રેમ (ભક્તિ) જેવી ચતુર્વિધ સાધનામાં સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેમણે અઘરી એવી નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિ પણ કરી હતી. તેમના જ્ઞાાન, અનુભવ અને સિદ્ધિ બાદ તેમણે બંગલા ભાષામાં પાંચ પ્રસિદ્ધ ગ્રંથો લખ્યા હતા - ૧. બ્રહ્મચર્ય સાધન ૨. યોગિગુરુ ૩. જ્ઞાાનીગુરુ ૪. તાંત્રિકગુરુ ૫. પ્રેમિકગુરુ

સ્વામી નિગમાનંદનો જન્મ તેમના સમયના નદિયા (અત્યારના બંગલા દેશના મેહરપુર) જિલ્લાના કુતબપુરમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, તેમનું બાળપણનું નામ નલિનીકાન્ત હતું. તેમના પિતાનું નામ ભુબન મોહન ભટ્ટાચાર્ય અને માતાનું નામ માણિક્ય સુંદરી હતું. નલિનીકાન્ત ૧૭ વર્ષની ઉમરના હતા ત્યારે વૈદ્યનાથ મુખોપાધ્યાયની ૧૧ વર્ષની પુત્રી સુધાંશુ બાલા સાથે તેમના લગ્ન થઈ ગયા હતા. એક દિવસ સાંજે નલિનીકાન્ત નારાયણપુર કચેરીમાં નોકરી કરતા હતા ત્યાં કાર્યરત હતા ત્યારે એક વિચિત્ર ઘટના બની. તેમણે તેમની પત્ની સુધાંશુ બાલા (સુધાદેવી)નું છાયા સ્વરૂપ તેમની સામે આવીને ઊભું રહેલુંં જોયું. તે ચોંકી ઉઠયા કે તેમની પત્ની અહીં એકાએક તેમની સામે આવીને કેમ ઉભી રહી ગઈ છે ? તેમણે તેને તેનું કારણ પૂછ્યું, પણ તેણે જવાબ ના આપ્યો. તેનાથી તેમને વિસ્મય ઉપજ્યું. તે વધુ કંઈ તેને પૂછે તે પહેલાં તે જે રીતે એકાએક પ્રગટ થઈ હતી તે રીતે જે એકાએક અદ્રશ્ય થઈ ગઈ. પછી તે પોતાના ગામમાં ઘેર ગયા ત્યારે ખબર પડી તેમની પત્ની સુધાંશુ બાલાનું તે દિવસે, તે જ સમયે મરણ થઈ ગયું હતું જ્યારે તેમણે તેનું છાયા સ્વરૂપ પોતાની સામે આવીને ઊભું રહેલું જોયું હતું. તે વખતે તેમને એવું લાગ્યું હતું કે ખરેખર તેમની પત્ની જ તેમની આગળ ઊભી છે ! પણ તે તો તેના મરણ પછી તેણે ધારણ કરેલું પ્રેત શરીર હતું. આ ઘટના પછી તેમને પારલૌકિક દુનિયા પર વિશ્વાસ ઉત્પન્ન થયો અને પ્રતીત થયું કે મરણ સાથે પરલોકનો ઘનિષ્ટ સંબંધ છે. મૃત્યુ અને પરલોકની બાબતમાં વધુ જાણવા તેમણે મદ્રાસમાં આવેલ થિયોસોફીની સંસ્થામાં જોડાયા અને પ્રેતાત્મ વિદ્યા પણ શીખી લીધી. તે સુધાંશુ બાલાને પ્રત્યક્ષ જોવા માંગતા હતા. 

તે પછી તેમને તંત્ર અને યોગ તરફ આકર્ષણ થયું. એક રાત્રે નલિનીકાન્તે જોયું કે તેમની શય્યા પાસે એક જ્યોતિર્મય, દિવ્ય પ્રકાશથી ઘેરાયેલા સંત, યોગી ઊભા રહ્યા છે. તેમણે તેમને કહ્યું - 'વત્સ, આ મંત્ર ગ્રહણ કર.' તે યોગીએ નલિનીકાંતને એક મંત્ર લખેલું બિલીપત્ર આપ્યું. પછી પળ ભરમાં તે અંતર્ધાન થઈ ગયા. તેમણે તે મંત્ર જાપ કરવાનું શરૂ કર્યું. આનું રહસ્ય જાણવા ઈચ્છતા તેમને સ્વપ્નમાં એક વૃદ્ધ સંતે આપીને કહ્યું - 'વત્સ, તારા ગુરુ તારાપીઠના વામા ખેપા છે. તું તેમની પાસે જા.' નલિનીકાંત બીરભૂમ જિલ્લાની તારાપીઠમાં ગયા અને તાંત્રિક યોગી, સાધુ વામા ખેપાને મળ્યા. સિદ્ધિયોગી વામાખેપાએ તેમને મંત્ર-તંત્રની સાધના પદ્ધતિ શીખવી. તે પ્રમાણે તે સાધના કરતા રહ્યા. ગુરુની કૃપાથી એમની લૌકિક ઈચ્છા અલૌકિક રીતે પૂરી થઈ. તે તેમની મૃત પત્ની સુધાંશુ બાલાને પ્રત્યક્ષ જોવા માંગતા હતા. એક દિવસ એક દિવ્ય, અલૌકિક સૌંદર્ય ધરાવતી યુવતી તેમની સન્મુખ પ્રગટ થઈ. તેના દૈવી તેજથી પહેલાં તેમની આંખો અંજાઈ ગઈ. ધીરે ધીરે તેમને દેખાતું થયું તો તેમના વિસ્મયનો પાર ના રહ્યો. તે તેમની પત્ની સુધાંશુ બાલા (સુધા દેવી) હતી : તે અનિમેષ નજરે તેને જોતા જ રહ્યા. પછી એક ચમકારો થયો. તેમણે જોયું તો ત્યાં સુધાંશુ બાલા નહોતી, પણ અત્યંત દૈદીપ્યમાન દિવ્ય સૌંદર્ય ધરાવતા કોઈ દેવી હતાં. તેમણે પૂછ્યું 'આપ કોણ છો ?' તો તે દેવીએ કહ્યું - 'હું તારી ઈષ્ટદેવી છું. તારી આરાધ્યા તારા દેવી છું.'

તારા દેવીના દર્શન કર્યા બાદ તે મૂર્છિત થઈ ગયા. જ્યારે ભાન આવ્યું ત્યારે જોયું કે તે તેમનું માથું ગુરુ વામા ખેપાના ખોળામાં છે અને સૂતેલા છે. તેમણે પોતાના અનુભવની વાત ગુરુને કરી તો તેમણે કહ્યું - 'તું ધન્ય થઈ ગયો. તું ભાગ્યશાળી છે કે તને તારા દેવીએ સાક્ષાત્ દર્શન આપ્યા. તારા દેવીએ પહેલાં તારી પત્નીના રૂપે પ્રગટ થયા અને પછી સાક્ષાત્ પોતાના અસલ સ્વરૂપે તને દર્શન આપ્યા.'

તે પછી વામા ખેપાના નિર્દેશ પ્રમાણે પુષ્કર તીર્થમાં ગયા અને સ્વપ્નમાં જેમણે વામાખેપા પાસે જવાનું કહ્યું હતું તે મહાત્માને જોયા. તે સ્વામી સચ્ચિદાનંદ સરસ્વતી હતા. ત્યાં તેમની પાસે રહી જ્ઞાાન સાધના કરી તેનાથી પ્રસન્ન થઈ તેમણે નલિનીકાન્તને સંન્યાસની દીક્ષા આપીને એમનું નામ નિગમાનંદ રાખ્યું. તે પછી ઉદાસિનાચાર્ય સુમેરુદાસ મહારાજ પાસેથી વિશેષ યોગ સાધના શીખ્યા. સ્વામી નિગમાનંદે કામાખ્યા શક્તિપીઠમાં જઈ હઠયોગની સાધના કરી અનેક સિદ્ધિઓ મેળવી. કામાખ્યા પહાડી પર તપ કરી પહેલાં સવિકલ્પ સમાધિ અને પછી નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિ કરી. એવું કહેવાય છે કે સિદ્ધયોગી વામા ખેપાના નિર્દેશથી તે તારાપીઠ છોડીને પુષ્કર આવ્યા તે પૂર્વે રસ્તામાં થોડો સમય કાશી રોકાયા હતા. ત્યાં દેવી અન્નપૂર્ણા માતા રૂપ બદલીને તેમને ભાવતી મીઠાઈ આપી ગયા હતા. તે રાત્રે સ્વપ્નમાં આવીને પોતાનો પરિચય આપી ગયા હતા કે તેમને બપોરે મનગમતા મીઠાઈ આપી જનારા તે જ હતાં. પરમહંસ નિગમાનંદે યોગ સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા બાદ તેનો માનવતાના કલ્યાણ માટે ઉપયોગ કર્યા હતો. આ યોગસિદ્ધિઓ થકી તેમણે ઘણા બધાની ગંભીર બીમારીઓ પણ દૂર કરી હતી અને મોટા સંકટમાંથી એમને બચાવ્યા હતા. ૨૯ નવેમ્બર ૧૯૩૫ના રોજ કલકત્તામાં એકાંતમાં બેસી બપોરના સમયે મહાસમાધિ લઈ પોતાના પ્રાણનો ત્યાગ કરી લીધો હતો.