82 નોટ-આઉટ .

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- જેનામાં ભારોભાર ટેલેન્ટ ધરબાયેલી છે, જેનામાં ખરેખર કામ કરવાની ધગશ છે એને ઉંમર સાથે શી લેવાદેવા? લેખક-ગીતકાર જાવેદ અખ્તર ૮૨ વર્ષની ઉંમરે ફિલ્મ ડિરેક્ટ કરવા માટે થનગન થનગન થઈ રહ્યા છે...
- તાકેઓ કિમુરા
પે લી ચવાઈને ચુથ્થા થઈ ગયેલી કહેવત છે, જે કેટલીય વાર ખોટી પડી ચૂકી છે - 'પાકા ઘડે કાંઠા ન ચડે'. પાકા ઘડે કાંઠા જરૂર ચડી શકે. ન ખાતરી થતી હોય તો પૂછી જુઓ જાવેદ અખ્તરને. હિન્દી સિનેમાના ઇતિહાસની સૌથી પાવરફુલ લેખકજોડી સલીમ-જાવેદ પૈકીના એક એવા જાવેદ અખ્તરે, કે જે ગીતકાર તરીકે પણ ખૂબ સફળ રહ્યા છે, તેમણે તાજેતરમાં ઘોષણા કરી: હું હવે ફિલ્મ ડિરેક્ટ કરવાનો છું! જાવેદ અખ્તરનું હાલ ૮૨મું વર્ષ ચાલે છે! જીવનના નવમા દાયકામાં પ્રવેશ્યા પછી જાવેદમિંયા પહેલી વાર એવું કામ કરવાના છે જે ફિલ્મમેકિંગની સમગ્ર પ્રક્રિયામાં સૌથી કઠિન ગણાય છે - ફિલ્મનું નિર્દેશન કરવાનું કામ.
'મારે મૂળ તો ફિલ્મ ડિરેક્ટર જ બનવું હતું,' જાવેદ અખ્તર કહે છે, 'મેં વિચારેલું કે કોલેજ પૂરી કરીને હું બોમ્બે જતો રહીશ. પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોઈન કરીશ અને ગુરૂ દત્તનો આસિસ્ટન્ટ ડિરેક્ટર બની જઈશ. એમની સાથે બે-એક વર્ષ કામ કરીશ એટલે મને ડિરેક્શનની એબીસીડી આવડી જશે ને પછી હું સ્વતંત્રપણે ફિલ્મો ડિરેક્ટ કરવા લાગીશ. તમે અઢાર વર્ષના હો ત્યારે તમને બધું બહુ સીધું-સરળ લાગતું હોય છે. મેં માની લીધું હતું કે મુંબઈ પહોંચતાંની સાથે જ ગુરૂ દત્ત વિના વિલંબે મને કામ પર રાખી લેશે. આવું માનવાનું જોકે મારી પાસે કારણ પણ હતું. ગીતકાર સાહિર લુધિયાનવી મારા દોસ્તાર હતા, અને સાહિરસાહેબે ગુરૂ દત્તની 'પ્યાસા' ફિલ્મ માટે ગીતો લખેલાં. મને હતું કે મારું સાહિર-કનેક્શન કામ આવશે જ.'
પછી? સાહિર કનેક્શન કામ આવ્યું? જાવેદ અખ્તર કહે છે, 'મારા કમનસીબ જુઓ. ૧૯૬૪ની ચોથી ઓક્ટોબરે મેં મુંબઈમાં પગ મૂક્યો, ને છ જ દિવસ પછી, ૧૦ ઓક્ટોબરે ગુરૂ દત્ત ગુજરી ગયા. ગુરૂ દત્તને આસિસ્ટ કરવાનું ને પછી ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મમમેકર બનવાનું મારું સપનું, સપનું જ રહી ગયું.'
ખેર, ફિલ્મમેકર નહીં, પણ ફિલ્મરાઇટર તરીકે જાવેદ અખ્તરે કેવું જબરદસ્ત સુપરસ્ટારડમ હાંસલ કર્યું તે આપણે જાણીએ છીએ. સલીમ ખાનના સંગાથમાં એમણે 'શોલે', 'જંઝીર', 'દીવાર', 'ત્રિશૂલ'થી માંડીને 'મિસ્ટર ઇન્ડિયા' સુધી કુલ ૨૪ ફિલ્મો લખી, જેમાંની મોટા ભાગની હિટ પૂરવાર થઈ. સલીમ ખાનથી અલગ થયા પછી જાવેદ અખ્તરે એકલપંડે ૧૪ ફિલ્મો લખી ('બેતાબ', 'મશાલ', 'સાગર' વગેરે). સલીમ ખાન સાથે જોડી સલામત હતી ત્યારથી જ જાવેદ અખ્તરે ફિલ્મો માટે ગીતો લખવાનું શરૂ કરી દીધું હતું. 'સિલસિલા' (૧૯૮૧) ગીતકાર તરીકેની એમની પહેલી ફિલ્મ. જોડી તૂટી તે પછી સલીમસાહેબ લૉ પ્રોફાઇલ બનીને જાહેર જીવનથી દૂર થતા ગયા, પણ જાવેદ અખ્તર પરથી સ્પોટલાઇટ કદી દૂર ન થઈ. એમની રાજકીય વિચારધારા સાથે સંમત ન થનારા ઓછા નથી, પણ મુદ્દો એ છે કે જાવેદ અખ્તર ખુદને સતત રિલેવન્ટ રાખી શક્યા છે... અને હવે ફિલ્મ ડિરેક્ટર બનવાની ઘોષણા કરીને એમણે સાબિત કરી દીધું છે કે તેઓ ખુદને સમયાંતરે રી-ઇન્વેન્ટ પણ કરી જાણે છે.
જાવેદસાહેબના તો ઘરમાં જ બબ્બે સફળ ફિલ્મ ડિરેક્ટરો બેઠાં છે- દીકરો ફરહાન અખ્તર અને દીકરી ઝોયા અખ્તર. જાવેદસાહેબ કહે છે, 'મારા મિત્રો અને શુભેચ્છકો મને સતત કહ્યા કરતા હતા કે ડિરેક્શન કરો, ડિરેક્શન કરો. તેઓ મને ટોન્ટ પણ મારતા હતા કે જુઓ, તમારાં સંતાનો ફિલ્મ ડિરેક્ટર બની ગયાં, પણ તમે ફિલ્મ બનાવવાની ફક્ત વાતો જ કરતા રહ્યા. મેં આટલી વાર લગાડી એનું એક કારણ તો એ કે હું બહુ આળસુડો છું. ફિલ્મ ડિરેક્ટર હોવું એ ખૂબ જવાબદારીવાળું કામ છે... અને બીજું, મને અંદરથી લાગવું જોઈએ કે હા, હું ડિરેક્ટર બનવા માટે બિલકુલ રેડી છું.'
જાવેદ અખ્તરે ફિલ્મ લખીને રેડી કરી નાખી છે. આવતા વર્ષની શરૂઆતમાં શૂટિંગ શરૂ થાય તેવી સંભાવના છે. ફિલ્મ કેવા પ્રકારની છે ને એમાં કોણ કોણ એક્ટિંગ કરશે તે વિશે તેમણે હજુ સુધી મગનું નામ મરી પાડયું નથી. ભલે. આપણે રાહ જોઈશું.
ખરેખર, પ્રતિભાની નવી રંગછટા જીવનના કોઈ પણ બિંદુએ સપાટી પર આવી શકે છે. જેનામાં ભારોભાર ટેલેન્ટ ધરબાયેલી છે, જેનામાં ખરેખર કામ કરવાની ધગશ છે એને ઉંમર સાથે શી લેવાદેવા? આ સંદર્ભમાં એક જપાની ફિલ્મમેકરને યાદ કરવા જેવા છે. નામ છે એમનું તાકેઓ કિમુરા. તેઓ ક્યારે ફિલ્મ ડિરેક્ટર બન્યા હતા, જાણો છો? ૯૦ વર્ષની વયે!
મૂળ તો તેઓ આર્ટ ડિરેક્ટર. ૨૭ વર્ષની ઉંમરથી, ૧૯૪૫ની સાલથી, ફિલ્મલાઇનમાં તેઓ સક્રિય હતા. જપાનના ટોચના ડિરેક્ટરો સાથે એમણે કામ કર્યું. એમના બાયોડેટામાં આર્ટ ડિરેક્ટર તરીકે ૨૦૦ જેટલી ફિલ્મો બોલે છે, જેમાંની કેટલીય ફિલ્મો આર્ટ ડિરેક્શનના મામલામાં સીમાચિહ્નરૂપ ગણાય છે. તેમની ટેકનિકલ સમજ અદ્ભુત હતી. તેઓ માનતા કે ફેન્ટસી તો જ લોકોને ગમે, જો એના પાયામાં નક્કર તથ્ય અને ઊંડા રિસર્ચવાળી વાસ્તવિકતા હોય. એમની સાથે કામ કરી ચૂકેલા ડિરેક્ટરો અને કલાકારો કહે છે કે તેઓ અખતરા કરવાથી ક્યારેય ગભરાતા નહીં. એમનું એનર્જી લેવલ એટલું ઊંચું રહેતું અને તેઓ એક દિવસમાં એટલું બધું કામ કરી નાખતા કે એમના કરતાં અડધી ઉંમરના માણસો પણ હાંફી જાય. તેઓ ખુદ ગોડાઉનમાં જઈને સેટ માટે જરૂરી સામગ્રી પસંદ કરે. બાંધછોડ કરવાનો વિચાર પણ નહીં કરવાનો. 'ચાલશે' જેવો શબ્દ એમની ડિક્શનરીમાં નહોતો. તાકેઓ કિમુરાએ કેટલીક ફિલ્મો લખી છે, કેટલાકમાં એક્ટિંગ પણ કરી છે. તેઓ સિનેમા સંબંધિત લેક્ચરો આપે, ફિલ્મોના રિવ્યુઝ લખે. તેમને ડ્રોઇંગનો પણ શોખ એટલે નવરાશની પળોમાં પેઇન્ટિંગ કરવા બેસી જાય. આટલું બધું કામ કર્યા પછી ઘરડે ઘડપણેય આ મહાશયે નિવૃત્ત થવાનું નામ ન લીધું. ૯૦ વર્ષની ઉંમરે તેમણે ફિલ્મ ડિરેક્ટર તરીકે જીવનને નવી દિશા આપી.
તાકેઓ કિમુરાને કંઈ એકાએક ફિલ્મ ડિરેક્ટર બનવાની ઇચ્છા જાગૃત નહોતી થઈ. તેઓ દાયકાઓથી ફિલ્મ નિર્દેશક બનવાની ખ્વાહિશ ધરાવતા હતા. તેમને લાગતું હતું કે આર્ટ ડિરેક્ટર તરીકે હું એકનું એક કામ રિપીટ કર્યે રાખું છું. તેઓ એવી ફિલ્મ બનાવવા માગતા હતા, જેમાં આર્ટ ડિરેક્શન બેકગ્રાઉન્ડમાં નહીં, પણ સેન્ટરમાં હોય. તેઓ કહેતા, 'પ્રત્યેક શબ્દની આગવી ગરિમા હોય છે, તે રીતે ફિલ્મનું પ્રત્યેક ફ્રેમનું પોતાનું આગવું અસ્તિત્વ હોય છે, આગવો ધબકારો હોય છે.' તેઓ એવું કશુંક બનાવવા માગતા હતા જેમાં સરરિયલિઝમ અને રિયલિઝમ એકમેકમાં ભળી જતા હોય.
...અને આવા ઉદ્દેશ સાથે એમણે ૯૦ વર્ષની ઉંમરે જીવનની પહેલી ફુલ લેન્થ ફિચર ફિલ્મ ડિરેક્ટ કરી, જેનું ટાઇટલ હતું, 'ડ્રીમીંગ અવેક' (૨૦૦૮). આ ફિલ્મમાં એમણે સ્મૃતિ અને સમયની વાત ભારે કાવ્યાત્મક રીતે, નોન-લિનીઅર શૈલીમાં રજૂ કરી. બોક્સ ઓફિસ પર ફિલ્મે ભલે તરખાટ ન મચાવ્યો, પણ આર્ટિસ્ટિક વેલ્યુને કારણે આ ફિલ્મ એક માઇલસ્ટોન પૂરવાર થઈ. 'ઓલ્ડેસ્ટ ડેબ્યુ એઝ અ ફિચર ફિલ્મ ડિરેક્ટર' તરીકે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં તાકેઓ કિમુરાનું નામ નોંધાયું. ના, એક ફિલ્મ બનાવીને તેઓ અટકી ન ગયા. પછીના વર્ષે તેમણે બીજી ફુલ લેન્થ ફિલ્મ ડિરેક્ટ કરી - 'ધ ગોલ્ડન ફ્લાવર' (૨૦૦૯). ૨૦૧૦માં એમનું નિધન થયું.
માણસ ધારે તો જીવનની અંતિમ ક્ષણ સુધી જીવંત રહી શકે છે. હા, શરીરે સાથ આપવો જોઈએ. જો તંદુરસ્તી પર પહેલેથી ધ્યાન આપ્યું હોય તો શરીર પણ કહ્યાગરું થઈ જતું હોય છે. આપણા જાવેદ અખ્તર પણ આમ તો ૮૨ વર્ષેય કડેધડે છે. એમની પહેલી ડિરેક્ટોરિયલ ફિલ્મની પ્રતીક્ષા રહેશે...
શો-સ્ટોપર
રંગભેદ એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બહુ મોટી સમસ્યા છે. ફિલ્મો મોટા ભાગે ગોરા ગોરા હીરોલોગને ધ્યાનમાં રાખીને જ લખાતી હોય છે.
- નવાઝુદ્દીન સિદ્દીકી









