પુત્રવધૂ સ્તુતિ પ્રેમવર્ષિણી બનીને સાસુમા તપોજાદેવીના જીવનમાં આવી હતી

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'સંતોષનો સૂકો રોટલો, બેઈમાનીનું ઘી ચોપડેલા રોટલા કરતાં વધુ મીઠો લાગે છે.' તપોજાદેવીનું જીવનદર્શન
'બા પ રે ! રાતના બાર વાગી ગયા. હજી સુધી સ્તુતિ સૂવા માટે પોતાના શયનખંડમાં ગઈ નથી ? બિચારી, મારા પગ દબાવતાં-દબાવતાં અહીંયા જ સૂઈ ગઈ લાગે છે. તેના લગ્ન થયાને હજુ બે-ત્રણ મહિના જ થયા છે. તેના હરવા-ફરવાના દિવસો છે, પણ મારી તબિયતને કારણે આખા ઘરની જવાબદારી બિચારી સ્તુતિ પર આવી પડી છે. ચાલ, એને ઉઠાડીને એના રૂમમાં જઈને આરામથી સૂઈ જાય તેમ કરું.' - આમ મનોમન વિચારતા તપોજાદેવીએ સ્તુતિને જગાડી અને તેના રૂમમાં જઈને સૂઈ જવા
માટે કહ્યું.
... ત્યારે સ્તુતિએ ઉત્તર આપ્યો : ''મમ્મીજી, તમારે આજે અગિયારસનો ઉપવાસ હતો અને તમે સાંજે ફરાળ કરતાં નથી. એટલે તમને ગરમ દૂધ પીવડાવવા માટે આવી હતી, પરંતુ તમને ગાઢ નિંદ્રામાં જોઈને હું તમારા પગ દબાવવા બેસી ગઈ. તમે ક્યારે ઊઠો અને હું તમને ક્યારે દૂધ પીવડાવું એની રાહમાં મારી આંખ પણ મળી ગઈ. લો, મમ્મીજી હવે દૂધ પી લો એટલે હું જાઉં.''
તપોજાદેવીની આંખો ભીની થઈ ગઈ. તેમણે સ્તુતિના મસ્તક પર વહાલભર્યો હાથ ફેરવ્યો અને કહ્યું : ''લાવ બેટા, હું દૂધ પી લઉં એટલે તું પણ સૂવા જઈ શકો.''
સ્તુતિના ગયા બાદ તપોજાદેવીથી સામેની દિવાલ તરફ એકાએક જોવાઈ ગયું. શ્લોકના પપ્પાજી ધુ્રવકુમારનો ફોટો કેવો રૂઆબદાર લાગતો હતો. અને ત્યારે તપોજાદેવીનો પોતાનો પણ કેવો વટ હતો ! તપોજાદેવી બનીઠનીને બહાર નીકળતાં, ત્યારે જ તરત જ તેમના સાસુમા કહેતાં : ''તપોજા, થોડીક સાદી રહેજે જરા, નહીં તો લોકોની નજર લાગી જશે બેટા'' અને ત્યારે ધુ્રવકુમાર તરત જ બોલી ઉઠતા ''ના તપોજા, એવું નથી હોં. આ તો તું મમ્મીની સેવા કરે છે, એટલે મમ્મી તને મસકો મારે છે.'' અને બધાં ખડખડાટ હસી પડતાં.
''ના બેટા ના, એવું નથી. તપોજા તું સાક્ષાત્ ગૃહલક્ષ્મી છે. મારો દીકરો ધુ્રવ ભાગ્યશાળી છે કે તેને તારા જેવી રૂપાળી અને ગુણિયલ પત્ની મળી છે. હું પણ તને ખરા દિલથી આશીર્વાદ આપું છું. તને પણ તારા જેવી પ્રેમાળ અને સેવાભાવી પુત્રવધૂ મળજો.''
તપોજાદેવીને સાસુમાના શબ્દો યાદ આવી ગયા અને તેમના પતિના ફોટા સામે જોઈને સ્વગત બોલ્યાં : ''જોયું ને શ્લોકના પપ્પા, તમારી મમ્મીજીના શબ્દો આજે સાચા પડયા છે. સ્તુતિ જેવી સુંદર અને સુશીલ પુત્રવધૂ મને મળી છે. મારું આ સુખ જોવા તમે પણ મારી સાથે હોત તો કેવું સારું ?'' - સાડીના પાલવથી આંખો લૂછતાં લૂછતાં તપોજાદેવી સૂવાનો પ્રયાસ કરવા લાગ્યા.
જિંદગી એ પાટા બદલીને દોડતી ગાડી જેવી છે. બદલાતા પાટા સાથે ગાડીના પૈડાનો ખટખટ અવાજ સાંભળતા રહેવાનો, જિંદગીની મુસાફરી પૂરી ન થાય ત્યાં સુધી.
શ્લોકને સુખી બનાવવો એ તેના પપ્પા ધુ્રવકુમારનું એકમાત્ર લક્ષ્ય હતું. ધંધામાં ઈમાનદાર રહેવાને કારણે નફો કરતાં ગ્રાહકના સંતોષને તેઓ વધુ મહત્વ આપતાં હતા. ધુ્રવકુમારની સાથે જ વેપાર-ધંધો શરૂ કરનાર તેમના સાથીઓ તાલેવંત થઈ ગયા હતા. એમનો પરિવાર વૈભવ-વિલાસની છોળો વચ્ચે જીવતો, દેશ-પરદેશના પ્રવાસો કરતો, પાર્ટી મેળાવડા યોજી પોતાની અમીરીનું પ્રદાર્શન કરતો... એ જોઈ ક્યારેક ધુ્રવકુમારનું મન ઈમાનદારી સાથે બાંધછોડ કરવા ડગવાની તૈયારી કરતું પણ તપોજાદેવી તરત જ તેમને રોકતાં અને કહેતાં : ''તમે દેખાદેખીમાં ફસાશો નહીં. સંતોષનો સૂકો રોટલો બેઈમાનીનું ઘી ચોપડેલા રોટલા કરતાં વધુ મીઠો લાગે છે એટલે મળ્યું તેને માણવામાં જ સુખ છે. મેં વૈભવી જીવનના સ્વપ્નો જોવાની મારા મનને આદત જ નથી પાડી. મારે મન સાદગી અને સંતોષ એ જ જીવનનું સૌંદર્ય છે. અને મારા એ સંસ્કારો આપણા પુત્ર શ્લોકને પણ હું આપવા ઈચ્છું છું.''
ત્યારે ધુ્રવકુમાર દલીલ કરતાં કહેતાં : ''પણ તપોજા, દુનિયામાં આજે પૈસો જ સર્વસ્વ બની ગયો છે. ન કરે નારાયણને હું કાલે અનંતની યાત્રાએ ઊપડી જાઉં તો શ્લોકની સ્થિતિ કેવી દયાજનક બની જાય ! સત્યનો પાલવ પકડનારા તનમનથી તારાજ થયાના દાખલા શોધવા પડે તેમ નથી. આદર્શો હંમેશા માણસને લૂંટતા રહ્યા છે. જગત આદર્શવાદીની પ્રશંસા કરે, પણ એની પીડામાં સહભાગી બનવાની કોઈને દરકાર નથી હોતી.''
''અરે, હિમાલય જેવા તમારા અડગ મનને થયું છે શું ? કપરા દિવસો અને અમંગળ ઘટનાઓનો ભય સેવવો એ માનસિક નિર્બળતા છે. હું તો ઈશ્વરના ભરોસે જીવનારી બાઈ છું. અને મને શ્રધ્ધા છે કે ભગવાન સદાય આપણી સાથે જ રહેશે. ભગવાનની ઈચ્છાને જ સર્વોપરી ગણવી જોઈએ.'' તપોજાદેવી પતિના ભયનું નિવારણ કરવા પ્રયત્ન કરતા હતા.
શ્લોકના પપ્પા ધુ્રવકુમારનો વેપાર ઠીક ઠીક ચાલી રહ્યો હતો. કુટુંબે થોડામાં ગુજારો કરવાનું વ્રત સ્વીકાર્યું હતું એટલે ગૃહસ્થ જીવનમાં કશો કચવાટ નહોતો. શ્લોકના પપ્પા માનતા કે તપોજાદેવીના પુણ્યથી ઘર સુખી છે. પરંતુ કાળચક્ર ગણિતનો સ્વીકાર કરી નથી ઘૂમતું ! ક્યારેક એની ગતિ અકારણ જ એટલી વક્ર બની જતી હોય છે કે ભલભલા માણસની જિંદગીમાં આકસ્મિક આંધી સર્જાય છે.
એક દિવસ શ્લોકના પપ્પા ધુ્રવકુમાર ઓફિસેથી પાછા ફરી રહ્યા હતા. ગાડી ધીમી ગતિએ ચલાવી રહ્યા હતા, પણ એકાએક ચક્કર આવતાં તેમણે ગાડીના સ્ટીઅરીંગ પરનું સંતુલન ગુમાવ્યું અને ગાડી રોડના ડિવાઇડર પર ચડી ગઈ અને સડક પાસેના ઝાડ સાથે અથડાઈ. અકસ્માત થવાથી લોકો ભેગા થઈ ગયા અને ધુ્રવકુમારને હોસ્પિટલ પહોંચાડયા પણ, રસ્તામાં જ ધુ્રવકુમારનો જીવનદીપ બુઝાઈ ગયો.
તપોજાદેવીના જીવન પર આભ તૂટી પડયું. સગા વહાલાએ બિઝનેસ સમેટી લેવાની સલાહ આપી. શ્લોક હજી માંડ આઠ વર્ષનો હતો, એટલે કેટલાક શુભચિંતકોએ તપોજાદેવીને નવો સંસાર માંડવાની સલાહ આપી.
પણ તપોજાદેવીએ તમામ સૂચનો ફગાવતા કહ્યું : ''લગ્નજીવન નથી સાધન કે નથી ગોઠવણ. દામ્પત્ય એ પૂજાનો વિષય છે. મંદિરમાં દેવતાની મૂર્તિનો લોપ થઈ જાય, એટલે મંદિરનો ઉલાળીયો ન કરાય. શ્લોકના પપ્પા મારા આરાધ્ય હતા. ઈમાનદારી અને ઈન્સાનિયતના અવતાર સમાન હતા. એમને દગો કરું તો મારો પ્રેમ અને મારું નારિત્વ લજવાય. શ્લોક એમની થાપણ છે. એને હું ઉછેરીને મારા દામ્પત્યનું ઋણ અદા કરીશ.''
અને તપોજાદેવીએ પતિનો બિઝનેસ સંભાળી લીધો હતો. શ્લોકને પ્રેમથી ઉછેરવામાં એમણે કશી જ ખામી આવવા ન દીધી. ધુ્રવકુમાર જેવા જ આદર્શો અને ઈમાનદારીના શ્લોકના જીવનમંત્ર બની ગયા હતા. શ્લોક અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતો. હાયર સેકંડરી બોર્ડની પરીક્ષામાં ૯૫ % માર્કસ
મેળવવાને કારણે તેને મેડીકલમાં આસાનીથી પ્રવેશ મળી ગયો અને શ્લોકે એમ.બી.બી.એસ.માં ઝળહળતી સફળતા મેળવી ડોક્ટર બનવાનું પોતાનું સ્વપ્ન પૂરું કર્યું હતું.
સ્તુતિ પણ શ્લોક સાથે મેડીકલમાં જ અભ્યાસ કરતી હતી. પણ એનું સ્વપ્ન એક આદર્શ ગૃહિણી બનવાનું હતું. સ્તુતિને શ્લોકની સાદગી અને નમ્રતા ખૂબ જ ગમતી હતી. એની મમ્મી તપોજાદેવીએ જે રીતે જીવનના અનેક સંઘર્ષો વેઠીને તેને ઉછેર્યો હતો, ભણાવી ગણાવીને તૈયાર કર્યો હતો, એને લીધે સ્તુતિને તપોજાદેવી પ્રત્યે પણ અનહદ માન હતું.
સ્તુતિએ પણ નાનપણમાં માતાની શીળી છાયા ગુમાવી હતી. એટલે તપોજાદેવીની પુત્રવધૂ બની તે માતૃપ્રેમની ઝંખના પૂરી કરવા અને સંઘર્ષો સાથે લડી લડીને થાકી ગયેલી એક બળીજળી સ્વાવલંબી માતાની સેવા કરવા ઈચ્છતી હતી. સ્તુતિના પપ્પાએ તપોજાદેવી સાથે મુલાકાત ગોઠવી શ્લોકના હાથની માગણી કરી હતી. શ્લોક પણ સ્તુતિના સ્વભાવની ખાનદાની અને ભારતીય સંસ્કારો પ્રત્યેની એની રુચિને સુપેરે જાણતો હતો. એણે સ્તુતિ સાથેના લગ્નનો પ્રસ્તાવ વધાવી લીધો હતો. લગ્નની પાછળ ખોટા ખર્ચ ન કરવાની માન્યતા ધરાવતા તપોજાદેવીએ સાદગીથી સ્તુતિ અને શ્લોકનો લગ્નોત્સવ સંપન્ન કર્યો હતો.
ડો. સ્તુતિએ લગ્ન પછી ડો. શ્લોકના ઉંબરે પગ મૂક્યો ત્યારે એણે ગૃહપ્રવેશ વખતે કહ્યું હતું : ''હું તપોજાદેવી નામની કોઈ સાસુની પુત્રવધૂ બનીને આ ઘરમાં પ્રવેશવા નથી આવી, પણ પિયરમાં માતૃપ્રેમનાં અધૂરા રહેલા અરમાનો પૂરા કરી, આ ઘરને ઠારવા માટે ડો. શ્લોકની પત્ની બનીને આવી છું. મમ્મી, હું તમારી ખરા હૃદયથી સેવા કરીશ. લોકો મને જુનવાણી કે ગામડીયણ ભલે ગણે, પણ હું આપના સુખને મારા જીવનનું પ્રથમ કર્તવ્ય માનીશ...''
... આજે જગતમાં દેવતા સમાન લોકો શોધ્યા નથી જડતાં, ત્યારે આપણી સમક્ષ એવી વ્યક્તિ હાજર હોય તો તેને સમર્પિત થવું એ પણ એક દેવપૂજા જ છે. મમ્મી, હું મારા પતિ શ્લોકને તેના પિતાશ્રીની જેમ ઈમાનદારીના પંથે ચાલવામાં સદાય સાથ આપીશ. કોઈપણ ભોગે, મારા પતિનું ખિસ્સુ ભારે બને અને આત્મા હલકટ બને એ મને મંજૂર નહીં હોય.
અને પુત્રવધૂ સ્તુતિના ઓવરણાં લઈને તપોજાદેવીએ માતૃભાવે દીકરી બનવાના કોડ સાથે આવેલી સ્તુતિને ગૃહપ્રવેશ કરાવ્યો હતો. ત્યારથી સ્તુતિ પ્રેમવર્ષિણી બનીને સાસુ તપોજાદેવીની સેવા કરી રહી છે.








