ઈંગ્લીશ 'ગાઈડ' V/s હિન્દી 'ગાઈડ' .

- બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી
- વાત એમ હતી કે આર. કે. નારાયણની અંગ્રેજી નવલકથા 'ધ ગાઈડ' વાંચીને દેવ આનંદ એટલા અભિભૂત થઈ ગયેલા કે તે રીતસર આર.કે. નારાયણની પાછળ પડી ગયેલા !
પૂ નાની ફિલ્મ ઇન્સ્ટીટયુટમાં એક સમયે એવું કહેવાતું હતું કે જો તમે 'ગાઈડ' જેવી ફિલ્મ શી રીતે બનાવાય તે સમજી શકો તો તમે બોલીવૂડમાં ક્યારેય ફલોપ નહીં થાવ!'
એક તો એફટીઆઇઆઇના લોકોને આપણી હિન્દી ફિલ્મો આમ પણ ખાસ 'સમજાતી' નથી ! ઉપરથી ત્યાં હિન્દી ફિલ્મો 'ભણાવતા' પણ નથી, (બધી વિદેશી ફિલ્મોનાં જ એનાલિસિસ થાય છે), ત્યાં એમને 'ગાઈડ' - તો ઉખાણું જ લાગે ને ? છતાં, 'ગાઈડ'માં એવું તે શું હતું કે ઇન્સ્ટીટયુટમાં આવી વાત થતી હતી? તો એ સમજવા માટે 'ગાઈડ'ના મેકિંગની આખી દાસ્તાન સમજવા જેવી છે.
વાત એમ હતી કે આર. કે. નારાયણ (આર. કે. લક્ષ્મણના ભાઈ અને 'માલગૂડી ડેયઝ'ના લેખક)ની અંગ્રેજી નવલકથા 'ધ ગાઈડ' વાંચીને દેવ આનંદ એટલા અભિભૂત થઈ ગયેલા કે તે રીતસર આર.કે. નારાયણની પાછળ પડી ગયેલા ! નારાયણજીએ એમને ખુબ ટટળાવ્યા, પણ છેવટે દેવ સાહેબની જીદ સામે એમણે નમતું જોખવું જ પડયું. પણ એ ક્યારે ? જ્યારે દેવ આનંદે કહ્યું કે, 'આ ફિલ્મ હું અંગ્રેજીમાં બનાવીશ !'
યસ ! 'ગાઈડ' અંગ્રેજીમાં (પણ) બની હતી ! એમાંય, દેવ આનંદે જરાય કસર છૂટી ના જાય એટલા માટે ૧૯૬૨ના પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા અને ૧૯૬૫માં સાહિત્ય માટેના નોબેલ પ્રાઇઝ વિનર 'પર્લ બક' નામનાં લેખિકાને 'ગાઈડ'ની પટકથા-સંવાદ લખવાનું કામ સોંપ્યું ! (બાય ધ વે, પર્લ બકનું ગુજરાતી 'મોતીબેન હરણ' થાય, હોં !)
હવે જ્યારે ખુદ મોતીબેને સ્ક્રીપ્ટમાં હીરા-મોતી ટાંક્યા હોય પછી શું જોવાનું હોય, એવું વિચારીને દેવ સાહેબે ફિલ્મના ડિરેકટર તરીકે અમેરિકામાં સાવ ઓર્ડીનરી ગણાતા 'ટેડ ડેનિયલ વ્સ્કી' ('જેક ડેનિયર વ્હીસ્કી' નહીં, યાર !) ને રાખી લીધા. અને બોસ, બધી બબાલોની શરૂઆત ત્યાંથી જ થઈ...
દેવ સાહેબે મોટા ઉપાડે એવું પ્લાનિંગ કરેલું કે અંગ્રેજી અને હિન્દી વર્ઝનોનું શૂટિંગ એકસાથે જ કરવાનું ! બસ, લોચો ત્યાં જ થયો ! એક તો દેવ સાહેબે પેલાં મોતીબેને લખેલી અંગ્રેજી સ્ક્રીપ્ટનું હિન્દી ટ્રાન્સલેશન કરાવી રાખેલું. ઉપરથી વિજય આનંદને છેક છેલ્લી ઘડીએ જ એ સ્ક્રીપ્ટ પહોંચાડવામાં આવી. એમાંય શૂટીંગના પહેલા જ દિવસે જ થયોં મોટો ઝગડો !
વાત એમ બની કે ઉદયપુરમાં જ્યાં આઉટડોર શૂટિંગ રાખેલું ત્યાં પેલા અમેરિકન ડિરેકટરે એક સીનનું શૂટિંગ પતાવીને વિજય આનંદને કીધું કે 'હવે તમે પણ તમારા હિન્દી વર્ઝનના શૉટ્સ લઇ લો..'
વિજય આનંદ સમસમી ગયા. એમણે એ જ ઘડીએ દેવ આનંદને સંભળાવી દીધૂં કે 'આ તો કંઇ રીત છે ? મારાથી આ રીતે કામ નહીં થાય !' દેવ આનંદે સમજાવવાની કોશિશ કરી કે ભાઈ, સ્ક્રીપ્ટ તો રેડી જ છે ને ? એમાં વચ્ચે વચ્ચે ગાયનો નાંખી દઈશું....
પણ વિજય આનંદ મક્કમ હતા. એમણે કહ્યું કે, 'જો મારી પાસે ડિરેકશન કરાવવું હોય તો આખી સ્ક્રીપ્ટને ધરમૂળથી બદલવી પડશે. આ અનુવાદિયું કામ નહીં ચાલે !'
દેવ આનંદે જાણીજોઇને એમના મોટાભાઈને ઉશ્કેરવા માટે આ 'દાવ' રમ્યો હોય કે પછી ખરેખર વિજય આનંદની 'હટી ગઈ' હશે, એ તો ખબર નથી, પરંતુ ત્યાર બાદ વિજય આનંદે જે રીતે 'ગાઈડ' બનાવી એ જ પેલી ફિલ્મ ઇન્સ્ટીટયુટના સ્ટુડન્ટો માટે એક 'સિલેબસ' બની શકે !
શી રીતે ?
તો સાહેબો, સૌથી પહેલાં તો વિજય આનંદે 'ગાઈડ'નાં અફલાતૂન છતાં મિનિંગફૂલ ગીતો તૈયાર કરાવ્યાં.
કેમકે જ્યાં એક અદ્ભૂત નૃત્યાંગનાની સ્ટોરી હોય ત્યાં ડાન્સ અને સોંગ ના હોય તો ચાલે જ કેમનું ? (જોકે હોલીવૂડનાં મોતીબેન અને ટેંડભાઈએ તો ગાયનો રાખ્યાં જ ના હોય ને ??)
અને ગાયનો પણ કેવાં કેવાં ? જેના માટે સચિનદેવ બર્મન બોલ્યા હતા કે 'ગાઈડ'નાં ગીતોની ધૂન બનાવવામાં મેં સૌથી વધુ સમય લીધો હતો...' અને જેનાં લિરિક્સ માટે જાવેદ અખ્તર પણ કુરબાન થઇને કહે છે કે, 'ક્યું નાચે સપેરા ?' વાહ, શૈલેન્દ્રને સિર્ફ તીન લબ્ઝોં મેં કિતની બડી બાત લિખ દી હૈ !
કાશ, મૈં અપની પુરી કરિયર મેં એકાદ લાઇન ઐસી લિખ પાતા.. દૂસરોં કો નચાનેવાલા સપેરા ખુદ ક્યું નાચને લગા હૈ ?'
આવી જ એક ગજબની પંક્તિ છે કે 'આજ ફિર જીને કી તમન્ના હૈ' પછી શૈલેન્દ્રએ એવું કેમ લખ્યું કે 'આજ ફીર મરને કા ઇરાદા હૈ?'
અંગ્રેજી અને હિન્દી વર્ઝનનો સૌથી મોટો ફરક તો ફિલ્મના ક્લાઈમેક્સમાં છે. જ્યાં વરસાદ વરસ્યો નથી, દુકાળની દારૂણ પરિસ્થિતિ છે, એવામાં સંજોગોનો માર્યો સાધુ બની ગયેલા દેવ આનંદને કોઈ ગેરસમજને કારણે આમરણાંત ઉપવાસ કરવા પડે છે... અહીં અંગ્રેજી વર્ઝનમાં તો રીતસર ભક્તોનો 'મેળો' બતાડી દીધો છે ! ખાણીપીણીની લારીઓ લાગી ગઈ છે અને બેક ગ્રાઉન્ડમાં 'હેપ્પી મ્યુઝિક' વાગી રહ્યું છે ! જ્યારે હિન્દીમાં ? 'રામા મેઘ દે, પાની દે છાયા દે રે...' ગીત આવે છે ! (જોયું? આ ફરક છે.)
અને અભી તો રૂકો... છેલ્લી પંદર મિનિટમાં દેવ આનંદનો પોતાના 'અંતરાત્મા' સાથેનો જેસંવાદ છે એ જ તો આખી ફિલ્મની 'ફિલોસોફી' છે ! વિજય આનંદે સંવાદ લખ્યો છે : 'સવાલ યે નહીં હૈ કિ મૈં જીયુંગા યા મરુંગા... સવાલ યે હૈ કિ ઉપર ભગવાન જૈસા કોઇ હૈ ભી યા નહીં ? અગર નહીં હૈ તો મેરે જીનેસે યા મરને સે કોઇ ફર્ક નહીં પડતા.... મગર હૈ, તો મુઝે દેખના હૈ કિ ઉસે ઉસ કે ઉપર આસ્થા રખનેવાલોં કી જરા સી ભી પરવા હૈ યા નહીં હૈ !'
આવું બધું આર. કે. નારાયણે એના પુસ્તકમાં તો ના જ લખ્યું હોય ને ? જો લખ્યું હોત તો પેલાં મોતીબેને એમની સ્ક્રીપ્ટમાં ઉમેર્યું હોત ! અને છેલ્લે 'ભારતીય દર્શન'ની અસલી અસર ત્યાં દેખાય છે જ્યારે દેવ આનંદ મોત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે
એના 'આત્મા'નો અવાજ ગુંજે છે : 'જિંદગી પીઘલકર પ્રકાશ બન ગઇ હૈ, સચ્ચાઇ મેરા રૂપ હૈ, તન રહે ના રહે, મૈં રહુંગા... મુઝે આગ મેં ફેંક દો મૈં જલુંગા નહીં, તલવાર સે કાટો, મૈં કટુંગા નહીં... ન સુખ હૈ, ન દુ:ખ હૈ, ન દીન હૈ ન દુનિયા, ન ઇન્સાન, ન ભગવાન... સિર્ફ મૈં હું, મૈં..
સિર્ફ મૈં !'
જોયું? આખું ભારતીય આત્મદર્શન આવી ગયું ને ? આ હતો ગોલ્ડીનો 'ગોલ્ડન ટચ' ! જો યુવાનીમાં આ બધું બહુ ધ્યાનથી ના સમજાયું હોય તો ફરીથી છેલ્લી ૨૫ મિનિટ યુ-ટયુબમાં જોઇ લેજો ! પછી તમને એ વાત સમજાશે જે પેલા ફિલ્મ ઇન્સ્ટીટયુટના બુધ્ધિજીવીઓને હજી સમજાતી નથી !
= 'ગાઈડ' રિલીઝ થતાં પહેલાં નવકેતન ફિલ્મ્સમાં સૌને જબરજસ્ત ટેન્શન હતું કે ભારતીય પ્રેક્ષકો આ ફિલ્મને સ્વીકારશે કે નહીં ? કેમકે એમાં વહીદા રહેમાન પરણેલી હોવા છતાં દેવ આનંદ સાથે 'લીવ-ઇન'માં રહે છે. ('પિયા તોસે નૈના લાગે રે' ગીતમાં તો રીતસર સુહાગરાત જેવું દ્રશ્ય પણ છે) છતાં વિજય આનંદે આખી ફિલ્મમાં આ રીલેશનશીપનું કોઇ 'જસ્ટીફિકેશન' આપ્યું નથી !
= 'ગાઈડ'ને સામટા સાત ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા.
= ૨૦૧૨માં 'ટાઇમ' મેગેઝિને 'ગાઈડ'ને બેસ્ટ બોલીવૂડ ક્લાસિકસના લિસ્ટમાં ચોથા નંબરે મુકી હતી.
= અંગ્રેજીમાં બનેલી 'ગાઈડ' પહેલાં રિલીઝ થઇ હતી અને અમેરિકામાં બહુ ખરાબ રીતે ફલોપ થઇ હતી.








