Magazines

જેઠમાં જ્વાળાઓના જ્વારા .

By GS TEAM
16 May 20265 mins read
જેઠમાં જ્વાળાઓના જ્વારા                                                .

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- પરિવારમાં જેઠ ઘરનો મોભ ગણાય. બાપ પછીનો દરજ્જો એનો છે. જેઠની શરમ રખાય, જેઠનો મલાજો હોય, જેઠનું માન હોય, પણ અહીં તો જેઠે માજા મુકી દીધી છે

વૈ શાખના વાયરા એવા તો ક્યા સરોવરમાં ન્હાઈને આવ્યા કે જેઠ મહિનામાં એ જ્વાળા થઈ ગયા! ક્યાંક આગનો વરસાદ વરસ્યો, નહિ તો આટલી બધી લૂ આવે ક્યાંથી? વાયુની ફાળો ને તડકાની ઝાળો સરખી તીવ્રતા ધરાવે છે. જાણે સિંહરાજાની કેશવાળ ઊછળતી હોય! સાગરરાજમાં જળની ભરતી આવે એમ આકાશમાંથી તડકાની ભરતી આવી રહી છે! પંખીજગતને પણ આ તડકો બાળે છે - પ્રજાળે છે. હેઠે નાખે છે. ભોંય પડીને તરફડતાં એ નિર્દોષ પારેવાના મૃત્યુ માટે જવાબદાર કોણ? ધરતીની કાયા ધખી રહી છે. એ કાયા ઉપરની વનસ્પતિ પુષ્પો, પત્રો, વગેરેને જળનો શોષ પડી રહ્યો છે. ઘોર ઉનાળો એટલે જેઠ? હા, પૃથ્વીની કાયાને તાપના કોરડા વીંઝે છે એ જેઠ! જેઠ તડકાની આરતી ઉતારે છે અને હવનકુંડમાં અગ્નિને જ હોમે છે!

જેઠને ગૃહસ્થી કહીશું કે સંન્યાસી? રાય કહીશું કે રંક? જેઠમાં માણસના જેવી બીજાને બાળવાની વૃત્તિ આવી ક્યાંથી? જેઠ (જ્યેષ્ટ)નું મુરબ્બીપણું ક્યાં ખોવાયું? ધરતીને જોગણ બનાવવા નીકળી પડેલા જેઠને કહેવાનું મન થાય, આમાં ધરતીની નહિ, તારી કસોટી થઈ રહી છે! ધરતી તો સંન્યાસિની થઈ જાય, પણ એનામાં અપાર માતૃત્વ છલકાય છે... 

પરિવારમાં જેઠ ઘરનો મોભ ગણાય. બાપ પછીનો દરજ્જો એનો છે. જેઠની શરમ રખાય, જેઠનો મલાજો હોય, જેઠનું માન હોય, પણ અહીં તો જેઠે માજા મુકી દીધી છે. જેઠ જ તોફાની થયો છે જેઠની આંખોમાં જ અગ્નિ છે. પરિવારનું શું થાય? જેઠને કોણ કહે? કદાચ વૈશાખનું માને, પણ વૈશાખ તો ચાલ્યો ગયો છે! હવે અષાઢ આવે અને તેનાથી એ માની જાય તો ખરું, અષાઢ આવે ત્યારે ખરું! જેઠની પાસે કેસૂડાં છે પણ એય આગ ઝરતાં! અને ગુલમ્હોર દેખાય છે એ પણ પીતામ્બરી! આંબા ઊભા છે જેઠની સામે થનારા! એ આંબાની ડાળીએ ડાળીએ ગર્ભ રહ્યો છે. આંબો પુરુષ છે - એને ગર્ભ રહે? તમારા માન્યામાં ભલે ના આવે પણ જેઠની સાક્ષીમાં જ આંબે આંબે પ્રસૂતિ થતી હોય છે. જેઠ એની પ્રસૂતિ કરાવતો હોય એવું લાગે છે. જેઠમાં જેટલી ક્રૂરતા છે એટલો એ દયાવાન પણ છે. 

જેઠ આકરો લાગે છે પણ ખરેખર તો સૌથી મોટો યજ્ઞા (હવન) એનાં આંગણે થાય છે - એ હવનની જ્વાળાઓ સૂરજ અને સોમ સમી છે. એ મોટી જ્વાળાઓમાં જે જે કંઈ સ્વાહા થાય છે તે નામશેષ થવા માટે નહિ, પુન:જીવન માટે, પુનરોદ્ધાર માટે... એ હવનના ફળસ્વરૂપે અષાઢ મેઘ લઈને આવે છે એની આપણને ક્યાં ખબર છે? હવન કરવાની જવાબદારી ઘરમાં મોટા સંતાનની (જેઠની) જ હોય ને? જેઠના દિવસોમાં હવન થતાં હોય છે. એમાં ઓમ ઁ ઓમ ઁ જે કંઈ થાય છે તેનો વિનાશ નહિ, અમરષણાની એને આશિષ પ્રાપ્ત થતી હોય છે. 'જેઠમાં આવે પૂર તો છોકરાં ફાકે ધૂળ' એવી લોકોક્તિ પણ જાણીતી છે.

જેઠ મહિનાની વ્હેલી સવારથી જ હોમ હવન પ્રારંભાય છે. ઋત્વિજો તરીકે કાળઝાળ સૂરજનાં સંતાનો છે અને સમિધ તરીકે પાવક હોમાય છે. આખો મહિનો યજ્ઞા ચાલે છે. એ યજ્ઞાના પરિણામરૂપે મોગરા ધવલ બની ગયા હશે કે શું? ખાટી કેરી એ યજ્ઞાના કારણે મીઠી થઈ જતી હશે કે શું? જેઠ મહિનો જબરો કે નબળો નથી સબળો છે - ઋષિ જેવો છે. એનાં કર્મોથી જ વર્ષભરની યાત્રા શુભદાયી અને ફળદાયી બને છે. એનાં કર્મોનું પરિણામ જ આકાશના પટમાં પલટો આણે છે. વાદળાં બંધાય છે અને પૃથ્વીના તલસાટની પ્રાર્થના આકાશ સાંભળે છે.

જેઠના દિવસોમાં સૂર્ય મહારાજાનો કોપ પ્રખર થાય તે પૂર્વેના ગાળામાં ખેતરને જઈ ખેડૂત વ્હાલ કરી આવે છે. ઘરના ઉકરડે એકઠું કરેલું છાણ, ખેતરમાં લઈ જઈ ખાતર સ્વરૂપે વેરે છે. ગાડાં જોડાય, ટ્રેક્ટર જોડાય, ટ્રક પણ જોડાય... મજૂરોના ચહેરા ઉપરથી, કાયા ઉપરથી પ્રસ્વેદ ટપકે છે એમ ગાડા-ટ્રેક્ટરમાંથી ખાતરની ઢગલીઓ ખેતરમાં ટપકાય છે... એ ઢગલીઓ દંતાળી-ખાંપી વડે વેરાય છે... ખેતરની કાયા તાપમાં તપી છે. ખાતરના ઔષધ એની કાયા ઉપર લેપ કરે છે. એ ખાતર ધરતીના દેહમાં ધરબાતાં થોડીક ટાઢક થાય છે. પગરખાં વગરના માણસને જેમ પગરખાં મળે એમ ખુલ્લા તપતા ખેતરને ખેડૂત ખાતરની ઢગલીઓ કરી પગરખાં પ્હેરાવે છે જાણે! વાડકાંટો કરી ખેતર સજાવે છે. નવરાશની પળોમાં વાણથી ખાટલા ભરાય છે. જીવી તરે છે કાવાં વળે છે, પાંગથો બંધાય છે, પાયા ટેરવાય છે ઘર સંચાય છે, નળિયાં ગોઠવાય છે, જેઠ આવનારા અષાઢની તૈયારી કરાવે છે. જેઠ જ સજ્જતા બક્ષે છે. જેઠ ભાવિનો વિચાર પણ કરે છે. જેઠ મહિનામાં ગંગાજીનો જન્મ થયો છે. એ કોણ ભુલી શકે? જેઠની પ્રખર તપસ્યાનું પરિણામ જ ગંગાજીનો જન્મ હશે કે શું? તેથી આપણો લોકકવિ ગાય છે - 'જેઠ અષાઢી મેહુલિયો જેઠાણી વાદળ વીજ રે'! પછી જેઠ મહિનામાં પવનો ફૂંકાય છે. આંધીઓ આવે છે. તોફાની પવન દૂરદૂરની સુગંધ તાણી લાવે છે. મૂળ તો જેઠની જે તપસ્યા છે. એ તપસ્યાથી કુદરત રાજી થઈ ગઈ છે. એ રાજીપો જેઠની કાયામાં આંધીરૂપે આવે છે. ધૂણે છે જેઠ!! પછી વરસાદની રાહ જોવાય છે. આકાશ ગોરંભાય છે. જેઠની પ્રાર્થના ગંગાને બોલાવી લાવે તો મેઘ કેમ રાજી ના થાય? અષાઢના દિવસો આવે છે - મેઘ વરસે છે - આકાશનું રૂપ બદલાય છે. ધરતી ટાઢી પડે છે - આ બધું જ જેઠની પ્રભાવક તપસ્યાનું પરિણામ છે... ધરતીના ઉદરમાં ગર્ભ રહે છે અને આખી સજીવ સૃષ્ટિનો આહાર ખેતરોમાં તૈયાર થાય છે - એ કૃપાનો ખરો યશ તો જેઠને જ આપવો જોઈએ. બોલો, આપવો જોઈએ કે નહિ? જેઠની તપસ્યાનું સુફળ જોઈને હિંદુસ્તાનની નારીઓ વટસાવિત્રીનું વ્રત જેઠ મહિનામાં જ કરતી હશે કે શું?