Magazines

પીડા વચ્ચે જાગતો અંતરાત્મા .

By GS TEAM
14 Mar 20263 mins read
પીડા વચ્ચે જાગતો અંતરાત્મા                                      .

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

જે મોજાં, ફિણ અને પરપોટા જળથી અલગ નથી તેમજ સ્વમાંથી પ્રગટેલી સમષ્ટિ  એકમેકથી ભિન્ન નથી. અષ્ટાવક્ર સંહિતા 11-04

જીવન તો ચિત્ત અને ચૈતન્યનું તાના-બાના છે.  એકની ઈજા કે પીડા સૌની ઈજા-પીડા છે. અહીંની દરેક વસ્તુ અને વ્યક્તિ એકમેક સાથે અંતરંગ રીતે ગુંથાયેલી છે. આવી સમજ, સભાનતા અને પ્રતીતિમાંથી કરુણા પ્રગટે છે. ક્યારેક એકાદ આઘાતજનક ઘટના આપણી અંદર સુષુપ્ત પડી રહેલ માનવ્ય, સંવેદના, નિસ્બત, આદર્શ, મૂલ્યને સક્રિય બનાવે છે અને કરુણા પ્રગટાવે છે. આવી જ્યોતિર્મય પળે કરુણા  એક શબ્દ, ખ્યાલ, સૂત્ર મટીને જીવન બદલી નાખતો અનુભવ બની જાય છે. ત્યારે-ત્યારે એક માણસ સાથે આખી માનવજાત ઉર્ધ્વ અને ગરિમાપૂર્ણ બને છે. આપણને ૧૧ સપ્ટે. ૨૦૧૧ નો ન્યૂયોર્ક શહેર પરનો અમાનવીય હુમલો યાદ છે. જેમાં મારનાર અને મરનાર કુલ મૃત્યુનો સરવાળો ૩૦૦૦ થી વધારે હતો. ત્યારબાદ ગ્રાઉન્ડ ઝીરો પર દિવસો સુધી રેસ્ક્યુ અને ક્લિનઅપ ટીમે કામગીરી કરી. તેમાં એક મિક્કી વિલીસ નામનો અમેરિકન ફિલ્મ મેકર પણ હતો. જે સ્વેચ્છાએ મદદ માટે આવેલો. જ્યાં તેણે લાગલગાટ ૪૦ કલાક કામ કર્યું. આખરે થાકીને બે ઘડી પોરો લેવા તે એક ખાલી એપાર્ટમેન્ટમાં આડો પડયો. તેની મિચેલ આંખોથી તેને એક વિઝન (ગુડ-કાલ્પનિક-પારલૌકિક) દેખાયું હતું. જે તેણે અંતરચક્ષુથી જોયું- જે માનવ ઐક્યનું હતું. 

તે જાગીને બહાર આવે છે અને તે ત્યાં સૌને બધું ભૂલીને કામ કરતા જુએ છે. તે સૌ સાથે  એક ઈન્ટર-કનેક્ટેડનેસ અનુભવે છે. ક્યારેક ટ્રોમેટિક અનુભવ પછી વ્યક્તિ બદલાઈ જાય છે, તે ખુલે છે-ખીલે છે. વિઝન ઓફ લાઈફ કે જીવન દર્શન એક સર્જનાત્મક  કૃત્ય છે. તેમાંથી સ્પંદન અને ઊર્જા, સામીપ્ય અને સુમેળ રચાય છે. જ્યારે જીવનના પડકારો અને  ચૈતન્યની કટોકટી સામા આવે છે ત્યારે આ હાર્મોનિક્સ દેખાય છે. જ્યારે એકલ દોકલ માણસને એમ થાય કે આમાં હું ઓછો પડીશ ત્યારે સૌ એકમેકની નજીક આવે છે. તે ધરતીકંપ કે વાવાઝોડું, આક્રમણ કે યુદ્ધ હોઈ શકે. આવા સમયે એક અવ્યાખ્ય વર્તુળ રચાય છે અને સૌ-દરેક પોતાનું સર્વસ્વ અને સર્વોચ્ચ ન્યોછાવર કરે છે. એકમેક વચ્ચેની બધી સીમાઓ ઓગળી જાય છે અને અસંમતીઓ ઐક્યના વહેણમાં ધોવાઈ જાય છે.

આપણે ઐતિહાસિક રીતે અનેક વખત જોયું છે કે પીડા વચ્ચે અંતરાત્મા જાગે છે, વિનાશ વચ્ચે આત્મા  ઉજાસે છે, આક્રમકતા વચ્ચે ઐક્ય અનુભવાય છે અને પશુતા વચ્ચે પ્રેમ બોલે છે. આપણી અંદરથી જ કોઈ અત્યાર સુધી ન જોયેલ અદભુત માણસ નીકળી આવે છે. કલિંગનાં યુદ્ધ પછી સમ્રાટ અશોકમાંથી બૌદ્ધ સાધુ પ્રગટયા તો વિએટનામ યુદ્ધની હિંસામાંથી આપણને ઝેન માસ્ટર થાય ન્હાટ હાન મળી આવ્યા. ભારતીય દર્શને સર્વોચ્ચ, ચૈતન્ય શિખરેથી 'વસુધૈવ કુટુંબકમ' કહ્યું.

રહસ્યવાદી કવિ વિલીઅમ બ્લેક રજકણની સૂરજ થઈ જવાની પળને આ રીતે વર્ણવે છે :

રેતીના કણમાં બ્રહ્માંડ જોઈ લેવું,

એકાદ જંગલી ફૂલમાં સ્વર્ગ નિરખી લેવું,

હથેળીમાં આનંત્ય અને કલાકમાં શાશ્વતી ચાખી લેવી...