ડૉક્ટરને ક્યારે મળવું અને શ્રેષ્ઠ સારવાર લેવી એ કોણ કહેશે ?
શોધ સંશોધન - વસંત મિસ્ત્રી
'સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ'ના સર્વે પ્રમાણે વર્ષ ૨૦૧૨માં ઉધરસ માટે સૌથી વધુ દર્દીઓ ડૉક્ટરને મળ્યા હતા આ ઉપરાંત અન્ય બાબતે પણ ડૉક્ટરને ક્યારે મળવું જોઈએ ? (૧) ૧૫ દિવસથી વધુ તીવ્ર ઉધરસ રહે, (૨) તાવ ત્રણ દિવસથી વધુ રહે અથવા ૧૦૩ ડિગ્રીથી વધે (૩) કશા કારણ વિના વજન ઘટે (૪) અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડે અને તે તીવ્ર હોય, (૫) ઝાડામાં ફેરફાર થાય, બ્લડ આવે, વધુ પેશાબ થાય (૬) પેટમાં તીવ્ર દુ:ખાવો થાય કે એબ્ડોમેન કે પેલ્વિસમાં તીવ્ર પીડા થાય. (૭) માથાનો દુ:ખાવો થાય સાથે આંખમાં બ્રાઈટ ફલેશ થાય (૮) ઊંઘ તનાવમાં મોટા ફેરફાર થાય (૯) માથાની ઇજા સાથે ઊંઘમાં બદલાવ આવે ત્યારે ડૉક્ટરને મળવું. આ સૂચનો સીડીસી અને અન્ય તબીબી સંસ્થાઓ આધારિત છે.
(અ) સારા તબીબ અને હોસ્પિટલ
ડૉક્ટરની પસંદગી કરતાં પહેલાં તેની ડિગ્રી કે ક્ષમતા અનુભવ, વ્યવહાર અને કેટલો ચાર્જકરે છે એ જાણવું જોઈએ.
(બ) નવા ડૉક્ટર અને તમારી જૂની ફાઈલ
તમે કરાવેલ ઓપરેશન ઉપરાંત વારસાગત રોગ તેમજ ડાયાબિટીસ, લોહીનું દબાણ અને સોરાયસીસ જેવી બિમારીઓની નોંધ સાથે રાખવી.
(ક) ડૉક્ટર અને તમારા વચ્ચેની વાતચીત
દરેક હોસ્પિટલના નિયમો રિસેપ્શનિસ્ટ પાસેથી જાણવા. એપોઇન્ટમેન્ટ તમારા હાજર રહેવાનો સમય છે. અગાઉના દર્દીમાં વધુ સમય થાય તો શાંતિ રાખવી પણ ઇમરજન્સી હોય તો જાણ કરવી.
ઓપરેશન કરાવવાની જરૂર જણાય તો તેનાથી થતાં કોમ્પ્લીકેશન અને ખર્ચ જાણીને જ સંમતિપત્ર પર સહી કરવી. હોસ્પિટલમાં એક-બે અનુભવી સગા-મિત્રોને સાથે રાખવા.
મહિલાઓએ બ્રેસ્ટ ફિડિંગ, પ્રેગનન્સી અને વ્યસનની વિગતો જણાવવી એટલે એ બાબત ધ્યાનમાં રાખી દવા લખી શકાય. દવાઓ કેવી રીતે અને જમીને કે ભૂખ્યા પેટે તે જાણી લેવું.
એઝિથ્રોમાઇસિન, રિમામ્પીસિન, ટ્રેરાસાયકલીન ભૂખ્યે પેટે લેવાની હોય છે એટલે ડૉક્ટરની સૂચના ધ્યાનમાં રાખવી.
(ડ) ડૉક્ટરની મુલાકાત પછી તમારી ફરજ
ડૉક્ટરે લખી આપેલી દવાઓ લેવી અને ના મળે તો ડૉક્ટરને પર્યાય પૂછવો. જાતે જ દવા બંધ ના કરવી. કોર્સ પૂરો કરવો. દવાની એલર્જી થાય, વિશેષ ઊંઘ આવે. ઝાડા થાય તો ડૉક્ટરને જણાવવું.
કદાચ બીજા ડૉક્ટર પાસે જાવ તો માંદગીની ફાઈલ, રીપોર્ટ લઈ જવો અને જરૂર લાગે તો અગાઉના ડૉક્ટરની સાથે સંપર્ક કરાવવો. આમ કરવાથી દવા રિપીટ થશે નહિ. તમારો ખર્ચ, સમય અને હાડમારી ઓછા થશે.
દવા નિયમિત ના લેવાઈ હોય તો ડૉક્ટરને શરમ વિના જાણ કરશો જેથી તે નવા પ્રિસ્ક્રિપ્શનમાં યોગ્ય ફેરફાર કરી શકે. ઝાડા, ઊલ્ટી, મેલેરિયા, ફન્ગલ ઇન્ફેકશન, બેક્ટેરિઅલ ઇન્ફેકશન વગેરે નિયમિત દવા લેવાથી મટે છે.
હૃદય રોગ, બ્લડ પ્રેશર, વા, ડાયાબિટીસ જેવા રોગોમાં તમારે ધીરજથી લાંબો સમય માટે દવા લેવાની રહે છે તેનું ધ્યાન રાખશો.