Get The App

નોખી- અનોખી ચિત્રવંદના

રસવલ્લરી - સુધા ભટ્ટ

Updated: Mar 14th, 2020

GS TEAM

Google News
Google News
નોખી- અનોખી ચિત્રવંદના 1 - image


અભિવ્યક્તિનું સજ્જડ સાધન છે ચિત્રો

પૃથ્વીના સૌ કલારસિકોએ એ તો ચોક્કસપણે જાણી- નાણી લીધું છે કે વૈશ્વિક સ્તરે ચિત્રકળાની ઉંમર શોધવાની કવાયત કરવાની કોઈ જ આવશ્યકતા નથી. માનવના જન્મ સાથે જ અભિવ્યક્તિના જોરદાર સાધન તરીકે ચિત્રકળાનો આરંભ થયો છે. માટીમાં, રેતીમાં, કાચા- પાકા મકાનો બન્યા ત્યારથી ભીંતો પર, ગુફામાં, કાળમીંઢ પથ્થરો ઉપર - અરે, ત્યાં લગી કે માનવના શરીર અને ખાસ તો ચહેરા પર આડી- ઉભી- ત્રાંસી રેખાઓ અને બિંદુઓમાં આ કળાના પ્રયોગો કરીને આદિ માનવોએ મન ઠલવ્યાં છે; એટલું જ નહિ પરંતુ પરસ્પર વ્યવહાર માટે પણ ચિત્રો જ નિમિત્ત બન્યાં છે. પશુની પીઠ ઉપર આડાઅવળાં ચિત્રાંકનો થકી નિશાનીઓ થતી. કેટલેક સ્થળે ચિત્રોના નિશ્ચિત વળાંકોએ એક ચિત્રલિપિનું સ્વરૂપ પકડયું.

પછી તો ગાડુ ચાલ્યું. આકારો બદલાયા, માધ્યમ બદલાયા, અભિવ્યક્તિ અને અનુભૂતિ- બન્નેની રીત બદલાઈ. પેલા ચિત્રાકારો વર્ણમાં- અક્ષરમાં તબદીલ થયા. પરિણામે અર્થપૂર્ણ અસંખ્ય ભાષાઓ અને તેમની આગવી લિપિઓ અભ્યાસ ક્ષેત્રે સ્થિર થઈ. હા, તેની સાથે અપાર વિષયો પણ સંલગ્ન થયા પણ મૂળ ચિત્રકળાએ પોતાનું પોત પાતળું પડવા દીધું નહિ. એના લસરકા સમય સાથે સ્વરૂપ બદલતા રહ્યા અને ચિત્રકામ એક ખાસ વિષય તરીકે એની વૈવિધ્યસભર અર્થછાયા સાથે અડીખમ રહ્યું.

પરિણામની ચિંતા વગર સહજ પ્રયત્ને યોગ્ય પરિમાણ મળે

પ્રકૃતિ પ્રેમ, સ્થાપત્ય પ્રેમ અને રૂપચિત્રોના વિષયો ખેડનાર વંદનાબહેન કાગળ પર જળરંગ થકી અનેરી આભા રેલાવતા રંગોનું અનોખું સાયુજ્ય યોજે છે. એમને શ્વેતશ્યામ ચિત્રોમાં પણ પોતાનું મન મૂકીને અંદર વિસ્તરી જવું ગમે છે. ગુરુ શ્રી સુખલાલજીની નિશ્રામાં નિયમિતપણે પાંગરતા આ કલાકાર રસિકજનોની વાત સાથે સંમંત થતા માને છે કે, 'જે ચિત્રની નીચે એના નામ કે વિષય લખવા પડે તે ચિત્ર શા કામનું ?'સૌ પ્રથમ તો ચિત્રાત્મક દ્રશ્ય હૃદયમાં ઉગે છે જે પછીથી ગમતા માધ્યમ સાથે વિકસે છે. ક્યાંક બીજ પડયાં હોય તો વરસાદના વ્હાલથી એ અંકુરિત થાય એની કળા કૉળે છે.

અંદરના અદકેરા ભાવથી અપાર વૈવિધ્ય પ્રગટેજ. સ્થળ પર જઈને લેન્ડસ્કેપ કરવામાં માનતા આ કલાકારને ધરતી સાથે જડાયેલા ને જોડાયેલા રહેવું ગમે છે માટે એમાં ઉમળકો અને આનંદ દેખાય છે. સ્વચ્છ, સુંદર, શાંત, નિસર્ગની મઝા માણતા માણતા પેપર પર જળરંગ રેલાવવાનું એમને ખૂબ ગમે. હેરિટેજ સ્થળો કે અન્ય નિર્જીવ દેખાતા સ્થાપત્યોમાં પોતાનો સ્પર્શ આપી તેઓ એને જીવંત બનાવવા પ્રેરાય છે. કળા સાથેની સીધી અને સહજ વાત વંદનાબહેનને સતત જાગૃત અને કર્મશીલ રાખે છે. એમના ચિત્ર વિશ્વમાં ડોકિયું કરીએ ? આકાશ અને દરિયાના રંગ એક હોવા છતાં એની ઝાંય અલગ પડે અને વળી હોડી થકી એમના ઘાટા- ઘેરા છતાં શેઇડવાળા લસરકા ઉપસી આવે અને નાવ જો નાંગરેલી હોય તો સામેતેજ ફૂવારા છૂટતા ય દેખાય. તડકા છાયાની રમત સાથે બાગમાં ઝૂલતા પુલનો ઝોક ભારે કલાત્મક લાગે. પારદર્શકતા આવે ત્યારે પ્રતિબિંબો પણ કાઠું કાઢે છે.

ગાંધીજી ચિત્રો થકી બારાખડી શીખવવાના હિમાયતી હતા

ધરતીના છોરુ ને વનના વાસી એવા આદિવાસીઓ ઘણાં દેશોમાં હજી પોતાની મૂળભૂત જિંદગી જીવી રહ્યા છે. ભારત સહિત ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકન દેશો અને યુરોપમાં પણ આદિવાસીઓના હક્ક સમી ચિત્રકળા હજુ બરકરાર છે. ખુશીની વાત તો એ છે કે એ પ્રજાના જીવન પર આધુનિકતાના પવનો વાયા નથી અને તેથી એ ચિત્રકળા આજની તારીખે સચવાઈ રહી છે. અલબત્ત, હવે દુનિયા એને ઓળખે છે તેથી તેની કિંમત પણ લોકોને સમજાય છે. શહેરી સંસ્કૃતિ અને આદિવાસી વિસ્તાર સિવાયની ગ્રામ્ય સંસ્કૃતિમાં જે ધરખમ ફેરફારો દરેક ક્ષેત્રે આવ્યા છે એમાં ચિત્રકળા ય બાકાત નથી.

આ કળા પણ નિત્ય નવીન પ્રયોગો અને પ્રયાસને કારણે સફળતાની ક્ષિતિજો વટાવી રહી છે. કલાકાર મનસ્વીપણે પોતાને જે અભિપ્રેત છે તે કરવા માટે સ્વતંત્ર છે પરંતુ યાદ રહે નવાંનક્કોર કલા કર્મોમાં આપણી પરંપરાના બીજ ક્યાંકને ક્યાંક તો વેરાયેલા પડયાં જ હોય છે. માનવ આકૃતિ, પશુ- પક્ષીનાં અંકન, અવકાશી તત્ત્વો, નૈસર્ગિક તત્ત્વો, વનરાજી, ધાર્મિક ઉત્સવો, શોભાયાત્રાઓ, વરઘોડા, રાજવી કુટુંબો અને આમ પારિવારિક પ્રસંગો, રમતો, વાહનો, સ્થાપત્ય અને શિલ્પોનાં પણ ચિત્રો આજે પણ અપેક્ષિત પ્રેક્ષણીય અને સ્તુત્ય હોય છે. વિશ્વભરના નામાંકિત કલાકારોને પગલે આજની યુવા પેઢીના ઉગતા કલાકારો પણ ચિત્રકલાને વરેલા છે. તેની ખાતરી તેમના કર્તૃત્વને જોઈને થાય છે. અમદાવાદના અદના સેવક અને યુવા કલાકાર વંદનાબેન રાજીવ શાહના ચિત્રોમાંથી પસાર થતા ભાવકને ભાવતાં ભોજન જ જાણે મળી જાય.

Tags :