Get The App

મનને નર્કાગારમાંથી મુક્ત અને સ્વર્ગપંથી બનાવવાના આઠ ઉપાયો કયા?

એક જ દે ચિનગારી - શશિન્

Updated: Mar 14th, 2020

GS TEAM

Google News
Google News
મનને નર્કાગારમાંથી મુક્ત અને સ્વર્ગપંથી બનાવવાના આઠ ઉપાયો કયા? 1 - image


પ્રત્યેક પળે એ વાતને વાગોળો કે હું એક સુખી માણસ છું અને આ પાર્થિવ જીવનમાં 'ઇમાનદાર જીવાત્મા' બનવું એ જ મારે મન સ્વર્ગ છે

એક ધર્મગુરૂએ લોકોને સંબોધિત કરતાં કહ્યું : 'જેમને સ્વર્ગ જોઇતું હોય તે ઉભા થાય !'

અને તમામ લોકો ઉભા થઇ ગયા. ત્યારબાદ ધર્મગુરૂએ બીજી જાહેરાત કરી : 'જેમને નર્ક જોઇતું હોય તેઓ ઉભા થાય'

જવાબમાં બધા નિરુત્તર ! કોઈ ઊભું ન થયું !

'સ્વર્ગે જવા માટે પહેલાં નર્કનો અનુભવ કરવો પડે છે ! સ્વર્ગે જવા માટે જેમણે નર્ક ભોગવ્યું હોય તે ઉભા થાય'

અને નર્ક ભોગવી ચૂકેલા પુષ્કળ લોકો ઉભા થયા.

'હજી પણ સ્વર્ગે જવા નર્ક ભોગવવા ઇચ્છતા માણસોને છૂટ છે કે નર્ક ભોગવી સ્વર્ગ માટે અઠવાડિયા પછી અહીં આવે'

અને સ્વર્ગ પામવા માટે નર્ક ભોગવવા ઇચ્છનારા સહુ વિદાય થયા !

સ્વર્ગને બહાર શોધવાની લાલચમાં પ્રલોભનદાતાઓના ચક્કરમાં લાખ્ખો લોકો અટવાય છે ! પણ એમને સ્વર્ગનું સરનામું કોઈ આપી શક્તું નથી ! કારણ કે ભ્રમમાં માણસ ધરતી બહારના કોઈ પ્રદેશમાં સ્વર્ગને શોધવા માંડે છે !

તમારું અંત:કરણ તમને પોકારી પોકારીને કહે છે : મારી પાસે સ્વર્ગનું સરનામું છે, પણત્યાં પહોંચવાની કેડી છે, રાજમાર્ગ નથી ! સુંવાળાપણાના અભરખા સેવનારને કદીયે સ્વર્ગના 'શાન્ત મહેલ'માં પ્રવેશ મળતો નથી.

- સ્વર્ગનું સરનામું દેવાલયોમાં નથી. - સ્વર્ગનું સરનામું ધર્મોપદેશમાં નથી ! - આલિશાન રાજ મહેલો કે ભવ્ય ઇમારતોમાં નથી ! - દ્રવ્યના ઢગલાઓમાં નથી - કીર્તિ કેરાં કોટડામાં પણ નથી.

સ્વર્ગ છે તમારા નિર્મળ, નિર્દોષ, નિરાભિમાની નમ્ર, નેકનિયત અને નિખાલસ આત્મામાં.

- જ્યાં શેતાનિયત છે, ત્યાં નર્ક છે. - જ્યાં ઇન્સાનિયત છે ત્યાં સ્વર્ગ છે. - જ્યાં મધુર અને વિશુધ્ધવાણી છે ત્યાં સ્વર્ગ છે ! - જ્યાં સંતોષ છે, ત્યાં સ્વર્ગ છે - જ્યાં સ્વાર્થ, લાલચ અને અસંતોષ છે ત્યાં નર્ક છે.

માણસમાં રહેલી નીચતાનો જો તેને પોતાને ખ્યાલ આવે તો એ પોતાના મન અને હૃદયને સ્વર્ગોપમ બનાવી શકે. તમે એકવાર દિવસ દરમ્યાન કરેલા સ્વર્ગોપમ વિચારો અને પરોપકારી કાર્યોની યાદી બનાવી જુઓ. ક્ષમાના પ્રસંગો નોંધી જુઓ. પ્રલોભનો જતાં કરવાની ઉદારતાનો હિસાબ માંડી જુઓ.

અને તેની સામે ઇર્ષ્યા, દ્વેષ, સ્વાર્થ, લોભ, મોહ, આડંબર, વેરવૃત્તિ, ક્રોધ, ભ્રષ્ટતા અને અપ્રમાણિકતાનો સરવાળો કરી જુઓ. પહેલો સરવાળો અત્યંત નાનો અને નર્કતુલ્ય કામોનો સરવાળો મોટો હશે. પોતાનો સ્વભાવ નીચ છે, એવો ખ્યાલ આવવો એ આત્મજાગૃતિનું પ્રવેશદ્વાર છે. ચિંતાનાં વાદળોને તમારા ચહેરાનો વિસામો બનાવશો તો સ્વર્ગ તમારાથી દૂર અને નર્ક તમારાથી નજીક હશે. 

જગત પાસેની અપેક્ષાઓ આપણા મનને દૂષિત બનાવે છે. કોઈપણ કાળે દરેકને સંપૂર્ણપણે ગમતું જગત હતું જ નહીં. જગત તમારી સાથે કદમ મિલાવવાનું નથી જ નથી, તમે પ્રતિકૂળ રસ્તે ફસડાઇ ન પડો એવી કાળજી તમારી જવાબદારી છે. એવી જવાબદારી સમજનાર જગતને કે જગતના માનવીઓને નિંદશે નહીં.

કર્મચારી તરીકે તમે તમારા હાથમાં આવેલી ફાઈલનો તમારી આત્મીયતા અને ન્યાયવૃત્તિથી સિંચીને હસતે મોંઢે નિકાલ કરો તે તમારું સ્વર્ગ તમને મળતા પગારની પળેપળને સમર્પણથી સમૃધ્ધ કરો, એ તમારા મનની સ્વર્ગીયતા તમે બેંક કર્મચારીઓ હો, ગ્રાહકના મોંઢા તરફ નજર નાખ્યા સિવાય એને મશીનનો ઉપયોગ કરવા હડસેલી દો, તો તમારું મન સ્વર્ગીય ગણાશે નહીં. તમને મળતા માનવીને એટલા બધા પ્રેમ, સહકાર અને સ્મિતથી ભીંજવી દો કે એ તમારી ખાનદાની પર દુવા વરસાવતો વિદાય થાય તો માનજો કે ઇશ્વર પણ તમારા પર પ્રસન્ન છે. તમારું વ્યક્તિત્વ શાનદાર રાજપથ બનવું જોઇએ, તમારું વ્યક્તિત્વ સેવાનો એક્સપ્રેસ બનવું જોઇએ, ખાડાખૈયા ભરેલો પ્રતિકૂળ માર્ગ નહીં.

પ્રત્યેક પળે એ વાતને વાગોળો કે હું એક સુખી માણસ છું અને આ પાર્થિવ જીવનમાં ઇમાનદાર જીવાત્મા બનવું એ જ મારે મન સ્વર્ગ છે.

કોઇકે યોગ્ય જ કહ્યું છે કે : બે વસ્તુઓ વિશે આપણે કદી આકુળ-વ્યાકુળ થવું જોઇએ નહીં. જેમાં આપણો ઉપાય ચાલી શક્તો હોય તે અને બીજું જેમાં આપણો કોઈ પણ ઉપાય ચાલી ન શક્તો તે કેટલાક માણસોને પ્રશંસાની તૃપ્તિનો ઓડકાર ખાવાને બદલે દુર્વચનોના કોગળો કરવાની આદત હોય છે.

જીવનને નિરાપદ રાખવાના ભ્રમ અને મોહમાં આપણે જીવનની સ્વાભાવિકતા છીનવી લઇએ છીએ. એ માટે એક નાનકડી વાર્તા 'એઝ ઇન એ લુકિંગ ગ્લાસ' દ્વારા અપાએલો બોધ મર્મ સ્પર્શી છે. વ્હાઇટ નાઇટ નામનો પ્રવાસી પ્રવાસે નીકળતી વખતે, રખેને ઊંદરો ત્રાસ આપે, એવા ભયથી ઊંદર પકડવાનું પિંજરૂ સાથે લઇ લે છે. અને રખે ને મધમાખીઓ કનડે, એવા ભયથી એક મધપૂડો પણ સાથે લઇ લે છે.

આવી રીતે ઘણા માણસો આવનાર નગણ્ય સંકટોના ડરથી ભયની બેઠક પર આગોતરું બૂકિંગ કરાવી લે છે ! એટલે જ કહેવાયું છે કે હજારો માણસોએ જીવનરૂપી મધપૂડામાંથી મધમાખીઓના ડંખ ખાધા વિના મધ મેળવવાનો પ્રયત્ન કર્યો છે તેમને સફળતા મળી નથી. આ વાતના સમર્થનમાં ઉદાહરણો આપતાં ઉમેરવામાં આવ્યું છે કે નંદ રાજાએ ધનમાં સુખ શોધ્યું, એન્ટનીએ લોકપ્રેમમાં સુખ શોધ્યું, બ્રૂટસે કીર્તિમાં સુખ શોધ્યું, સીઝરે રાજ્યવૃધ્ધિમાં સુખ શોધ્યું, પણ એમાંના પહેલાને એટલે કે નંદરાજાને વિનાશ મળ્યો, બીજાને એટલે કે એન્ટનીને અપમાન મળ્યું, બૂ્રટસને તીરસ્કાર મળ્યો, અને ચોથાને એટલે કે સીઝરને અકૃતજ્ઞાતા મળી છેવટે એ પ્રત્યેકનો નાશ થયો.

કોઇકનું આંસુ લૂછશો તો એનો બદલો તમને મોતીરૂપે મળશે. કોઇનું દુ:ખ ઓછું કરવા પ્રસન્ન ચિત્તે મદદરૂપ થવું એ મનને સ્વર્ગમાર્ગી બનાવવાનો પ્રયત્ન છે. મનને નર્કાગારમાંથી મુક્ત અને સ્વર્ગપંથી બનાવવાના આઠ ઉપાયો કયા ?

૧ અસલી સુખ સંતોષ અને મનની શાન્તિમાં છે. એટલે નકલી સુખ તરફ દોડશો નહીં.

૨ જેણે તમને જન્મ આપ્યો છે, તેની તમને સુખી બનાવવાની ઇચ્છા છે જ. એટલે અશ્રદ્ધાળુ બની સત્ય અને નેકીના માર્ગને અલવિદા ન કહેશો.

૩ પ્રત્યેક દિવસ શુભ, લાભ અને ચળ ચોઘડીઆથી ભરેલો છે, એમ માની ચિંતામુક્ત રહો.

૪ સદ્ગુણો નિરર્થક જતા નથી, એમ માની અંત:કરણમાં પ્રકાશ રેલાવો.

૫ તમે પોતે જ સ્વર્ગના રચવૈયા છો એમ માની બહાર સ્વર્ગ શોધવા મથશો નહીં.

૬ તમે તમારા મનોસામ્રાજ્યના માલિક છો, તેના દ્વારે પાટિયું લટકાવી દો કે અહીં શેતાનિયતને સ્થાન નથી.

૭ જીવનને કદીયે અભિશાપ માનશો નહીં.

૮ 'અધિક', 'હજી વધારે' નામના 

મૃગજળ પાછળ દોડશો નહીં.

Tags :