ભારતીય હોકીની ઉજ્જવળ આવતીકાલ સમી મિઝો-ગર્લ સિએમી
Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત
ભારતના પૂર્વ સીમાડે આવેલા નાનકડા રાજ્યની ૧૯ વર્ષની સિએમીને વિશ્વ હોકી જગતનો રાઈઝિંગ સ્ટારનો એવોર્ડ
પિતાના અવસાનનો વજ્રાઘાત સહન કરીને રમવા ઉતરેલી સિએમીએ ભારતને આંતરરાષ્ટ્રીય હોકી સિરિઝની ફાઈનલ્સ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનાવ્યું હતુ
પ્રતિભાઓ પુષ્પો જેવી હોય છે. અનેક સંઘર્ષો પછી જ્યારે તે મહોરી ઉઠે છે, ત્યારે આખા બગીચાને મઘમઘાવી દે છે. સુગંધનો ોત બગીચાના મધ્યમાં જ હોય તે જરુરી નથી, પુષ્પ તો ગમે તે ખૂણામાં ઝાડી-ઝાંખરાથી ઘેરાયેલું હોય પણ તેની મહેંક દરેકને તેની હાજરીનો અહેસાસ કરાવે છે. વિશાળ ભારત દેશના છેક પૂર્વ સિમાડે આવેલા નાનકડા મિઝોરમની યૌવનના ઊંબરે ડગ માંડી રહેલી યુવતીએ પોતાની હોકી સ્ટીકના જાદુને સહારે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
છેલ્લા ત્રણ વર્ષથી ભારતીય મહિલા હોકી ટીમે મેળવેલી સફળતામાં મિઝોરમની લાલરેમ્સિએમીની જાદુઈ રમતનો ચમકારો અચૂક જોવા મળ્યો છે. અટપટું નામ ધરાવતી લાલરેમ્સિએમીને તેના કોચિસ અને સાથી ખેલાડીઓએ સિએમીનું હૂલામણું નામ આપ્યું છે અને તેણે તે સહર્ષ સ્વીકાર્યું પણ છે. વિશ્વ સ્તરે ભારતની મહિલા હોકી ટીમોને યુવા અને અનુભવી સ્તરના ખેલાડીઓની હોકી સ્પર્ધામાં સફળતા અપાવનારી સિએમીની વિશેષ પ્રતિભાની કદર હોકી વિશ્વએ કરી છે અને આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશને તેને વિશ્વની શ્રેષ્ઠતમ યુવા પ્રતિભા તરીકેના એવોર્ડના વિજેતા તરીકે જાહેર કરી છે. સિએમીની આ સિદ્ધિ એ ભારતીય હોકીમાં થયેલા નવા પ્રાણસંચારનું પ્રમાણ માત્ર છે.
એક સમયે હોકીની દુનિયામાં સોને કી ચિડિયાની ઓળખાતા ભારતની શીતકાલીન નિદ્રા જેવી મૂર્છાને ઉતારવા માટે સિએમી સહિતની યુવા પ્રતિભા કટિબદ્ધ છે અને તેમના પ્રયાસો થકી જ હવે ભલીભલી ટીમો ભારત સામે ટકરાતા ડરવા માંડી છે. ભારતીય મહિલા હોકીની આક્રમણ પંક્તિની મહત્વની ખેલાડી સિએમીની ઊંચાઈ પાંચ ફૂટ અને બે ઈંચ છે, પણ તેની પ્રતિભાની ઊંચાઈની ઊંચાઈથી ભલભલા જાણકારો પ્રભાવિત થઈ રહ્યા છે. આ જ કારણે તેનામાં ભારતીય હોકીની ભાવિ કપ્તાન બનવાની અને દેશને હોકીની બહુરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સુવર્ણની ઉંચાઈએ પહોંચાડવાની ક્ષમતા છે તેવું દ્રઢપણે મનાય છે.
આંતરરાષ્ટ્રીય હોકીમાં લાલ રેમ્સિ એમીના આગમન બાદ ભારતીય હોકી ટીમે વર્લ્ડ હોકી ફેડરેશનની હોકી સિરીઝ ફાઈનલ્સ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન તરીકેની ટ્રોફી જીતી છે. આ ઉપરાંત ભારતે એશિયા કપ અને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં રજત સફળતાનો ઈતિહાસ રચ્યો છે. આર્જેન્ટીનાની રાજધાનીમાં રમાયેલા વિશ્વની યુવા પ્રતિભાઓ વચ્ચેના ઓલિમ્પિક રમતોત્સવમાં સિએમીની જાદુઈ રમતને સહારે ભારતને રજત ચંદ્રક પ્રાપ્ત થયો. જે યુથ ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતની મહિલા હોકી ટીમને મળેલો અત્યાર સુધીનો સૌપ્રથમ ચંદ્રક હતો. આ ઉપરાંત તેણે દ્વિપક્ષિય મેચોમાં ભારતને સફળતા અપાવવામાં ઘણી મહત્વની ભૂમિકા ભજવી છે.
હોકી જેવી સાંઘિક રમત એટલે કે ટીમ ગેમમાં મહાન ખેલાડી એ કહેવાય છે કે જે પોતાની તક જતી કરીને પોતાની ટીમના સાથીઓને મદદ કરવા માટે તત્પર રહે. આ જ કારણે રમતની દુનિયામાં ગોલ ફટકારનારા ખેલાડી કરતાં તેને પાસ આપનારા ખેલાડીનું મહત્વ વિશેષ હોય છે અને સિએમીની ટીમ પ્રત્યેની નિષ્ઠા અને સાથી ખેલાડીઓ સાથેનો તાલમેલ ગજબનાક છે.
ખુદ કે લીયે નહી, ટીમ કે લીયે ખેલના હૈ. બસ, આ જ ધ્યેયની સાથે રમતી રહેલી સિએમીએ માત્ર હોકી સ્ટીકથી પોતાનુ જ નહી પણ પરિવારનું ભાગ્ય પણ બદલી નાંખ્યું છે અને આજે તે દુનિયાની શ્રેષ્ઠ ફોરવર્ડ ખેલાડીમાં સ્થાન ધરાવે છે. એક ઊચાંઈ પર પહોંચી ગયા બાદ તો બધુ આસાન બની જાય છે, પણ ત્યાં સુધી પહોંચવાની સંઘર્ષમય સફર જ સફળતાને બીજા કરતાં વધુ યાદગાર બનાવે છે. મિઝોરમની રાજધાની આઈઝોલથી પણ ૮૫ કિલોમીટર દૂર આવેલા નાનકડા શહેર કોલાસીબમાં રહેતા એક ખેડુત પરિવારમાં તેનો જન્મ થયો હતો.
સિએમીની પિતા લાલથાન્સાગા ઝોતે ખેતી કરીને ગુજરાન ચલાવતા. જ્યારે તેની માતા લાઝારમાવી ઘરનું કામકાજ કરવાની સાથે પતિને મદદ કરતી. દાદા-દાદી અને માતા-પિતાની સાથે સિએમીના પરિવારમાં ૧૦ સભ્યો રહેતા. તેના ઘરની નજીક જ હોકી ગ્રાઉન્ડ આવેલું અને ત્યાં ઘણી છોકરીઓ સાંજ પડે હોકી રમતી. સિએમી પણ શાળા છૂટયા બાદ માતા-પિતાને મદદ કરતી અને સાંજ પડે રમવા પહોંચી જતી. ઘરઆંગણે જ પોતાનાથી મોટી ઉંમરની છોકરીઓ પાસેથી હોકી શીખેલી સિએમીને સ્કૂલની ટીમમાં સ્થાન મળી ગયું અને ૧૦ વર્ષની ઊંમરે તેણે ઈન્ટરસ્કૂલ ટુર્નામેન્ટમાં શ્રે ખેલાડી તરીકેનો એવોર્ડ જીતી લાવી.
ઈન્ટર સ્કૂલની હોકી ટુર્નામેન્ટની સફળતાના પગલે તેની પસંદગી રાજ્યસ્તરની હોકી એકેડમીમાં કરવામાં આવી. ૧૧ વર્ષની ઉંમરે તે ઝ્હેનવાલ ખાતેની એકેડમીમાં તાલીમ મેળવવા માટે પહોંચી. જ્યાં ચાર વર્ષની સઘન તાલીમ બાદ તેણે મિઝોરમમાં જ નહી, પણ રાષ્ટ્રીય હોકીમાં ખળભળાટ મચાવ્યો. નાનકડી મિઝો-ગર્લની અસરકારક રમતથી ભારતના જુનિયર રાષ્ટ્રીય પસંદગીકારો એટલા પ્રભાવિત થયા કે તેમણે તેને ભારતની જુનિયર ટીમના કેમ્પ માટે દિલ્હી બોલાવી.
માત્ર ૧૫ વર્ષની વયે મિઝોરમથી નવી દિલ્હી આવી પહોંચેલી સિએમીને હિન્દીનો એક શબ્દ પણ આવડતો નહતો. પોતાની માતૃભાષા મિઝો ત્વાંગ જ જાણતી સિએમી માટે હિન્દી શીખવી એ હોકી રમવા કરતાં પણ કપરું કામ હતુ. જોકે, કોચ બલજીત સિંઘ સૈની અને રાનીરામપાલ સહિતની સાથી ખેલાડીઓએ તેને ભાષાની મર્યાદા ઓળંગવામાં ખૂબ જ મદદ કરી. જુનિયર એશિયા કપ અને એશિયન યુથ ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં અસરકારક દેખાવ કરનારી સિએમીની ગોલ ફટકારવાની ક્ષમતા અને ડિફેન્ડરોને હંફાવવાની કુશળતાને જોતા તેને ૧૬ વર્ષની ઊંમરે ભારતીય ટીમમાં સ્થાન મળી ગયું.
આથક મુશ્કેલીની સામે સંઘર્ષ કરતાં કરતાં આગળ વધી રહેલી સિએમીને તેની સાથી ખેલાડીઓએ ક્યારેય કોઈ વાતનું ઓછું આવવા દીધું નથી. ૨૦૧૭માં રમાયેલા એશિયા કપમાં સિએમીના શાનદાર દેખાવને સહારે ભારતે સુવર્ણ સફળતા હાંસલ કરી હતી અને આ સુવર્ણ ચંદ્રકે તેને દેશભરમાં ઓળખ અપાવી. જ્યારે મિઝોરમમાં તો ઘરે-ઘરે લોકો તેને ઓળખવા માંડયા. આ સફળતાના પગલે તેની અને તેના પરિવારની આથક હાલતમાં ખાસ્સો સુધારો થયો.
ભારતીય મહિલા હોકી ટીમમાં નિયમિત સ્થાન મેળવી ચૂકેલા સિએમીએ ૨૦૧૮માં એશિયન ગેમ્સ અને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં રજત સફળતા હાંસલ કરી. જેના પગલે ઈંગ્લેન્ડમાં રમાયેલા હોકીના વર્લ્ડ કપ માટેની ટીમમાં તેને સ્થાન આપવામાં આવ્યું. ૧૮ વર્ષની સિએમી ભારતની ટીમમાં સૌથી યુવા વયની ખેલાડી હતી. તેણે વર્લ્ડ કપમાં નોઁધપાત્ર દેખાવ કર્યો પણ ભારત આઠમા સ્થાને રહ્યું. એશિયન ગેમ્સમાં ચંદ્રક જીતનારી તે પહેલી મિઝો-સ્પોર્ટસપર્સન બની.
આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સફળતાના શિખરો સર કરી રહેલા સિએમીની ખરી કસોટી ૨૦૧૯માં થઈ. જાપાનના હિરોશીમામાં આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનની વર્લ્ડ સિરીઝ ફાઈનલ્સ ટુર્નામેન્ટ ચાલી રહી હતી અને ભારતને સેમિ ફાઈનલમાં રમવાનું હતુ, તેના એક દિવસ અગાઉ જ સિએમીના પિતાનું હૃદયરોગના હૂમલાને કારણે અવસાન થયું. પિતાના મૃત્યુનો વજ્રાઘાત સહન કરીને પણ સિએમીએ દેશ માટે રમવાનું પસંદ કર્યું અને તેની શાનદાર રમતને સહારે ભારતને ટુર્નામેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતી બતાવ્યો.
સિએમીના પિતા તેને રાષ્ટ્રીય ટીમ તરફથી સતત સફળતા મેળવતા જોવા ઈચ્છતા હતા અને પિતાની ઈચ્છા પુરી કરવા માટે જ તેણે પોતાના અંગત દુ:ખ-દર્દને છુપાવીને દેશ માટે રમવાનું પસંદ કર્યું હતુ. તેના આ નિર્ણયની દેશ-વિદેશમાં ભારે સરાહના થઈ. હોકી સિરિઝ ફાઈનલ બાદ પણ તેણે ટોકિયો ઓલિમ્પિક ક્વોલિફાયરમાં ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું અને ટીમને રમતોના મહાકુંભમાં સ્થાન અપાવ્યું હતુ.
માત્ર ત્રણ વર્ષના ટૂંકાગાળામાં ભારતીય હોકીની ઓળખ બની રહેલી સિએમીને આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના વાષક એવોર્ડસમાં શ્રેષ્ઠ યુવા મહિલા ખેલાડી તરીકેના ખિતાબ માટે પસંદ કરવામાં આવી. આ એવોર્ડમાં ચાહકોની સાથે સાથે જુદા-જુદા દેશોના રાષ્ટ્રીય ફેડરેશનો, કોચીસ અને ખેલાડીઓએ વોટ આપ્યા હતા, જે દર્શાવે છે કે, સિએમીની પ્રતિભાએ વૈશ્વિક સ્તરે કેટલો મોટો પ્રભાવ પાડયો છે. હજુ તેની સામે લાંબી કારકિર્દી પડી છે અને તેના જેવી પ્રતિભાસંપન્ન ખેલાડીઓ ભારતીય હોકીને હજુ વધુ ઊંચાઈએ પહોંચાડશે તે નિશ્ચિત છે.