પેથાભાઈ પરિવારમાં તકરારનો માહોલ
હું, શાણી અને શકરાભાઈ - પ્રિયદર્શી
વડોદરા જતી ટ્રેનમાં ચડવા જતાં જે ગરબડ થઈ, શકરાભાઈ સ્ટેશને જ લટકી પડયા અને શાણીબહેનને લઈને ગાડી ઉપડી ગઈ. ગાભરા ગાભરા બની ગયેલા શકરાભાઈને મોબાઈલની મદદથી પરીએ મમ્મીને સમાચાર આપ્યા. મમ્મીએ વિશાલને યાદ કર્યો. અને વિશાલે શકરાભાઈના ભત્રીજા જયેન્દ્ર ત્રિવેદીને મોબાઈલ પર થયેલી ગરબડની સહેજ વાત કરી. શાણીબહેનને મહેમદાવાદ જ ઉતારી લેવાનું કામ સોંપી દીધું.
બધું ઠીક ઠીક પતી ગયું. શાણીબહેન અને પરી મહેમદાવાદના સ્ટેશન પર અને શકરાભાઈ અમદાવાદ સ્ટેશને ગભરાટમાં. પરીના ફોનથી ફેન્ટાએ વિશાલને યાદ કર્યો. વિશાલે ફટાફટ બધે ફોન કરી દીધા. શકરાભાઈને સધિયારો આપ્યો કે શાણી આન્ટીને જયેન્દ્રભાઈ ત્રિવેદીએ મહેમદાવાદ ઉતારી દીધા છે અને વળતી જ ટ્રેનમાં એ પાછાં અમદાવાદ આવી જશે.
વિશાલના આશ્વાસન અને વળતી જ ટ્રેનમાં શાણી આન્ટી અમદાવાદ આવી જશે એવી ખાતરીથી શકરાભાઈના જીવમાં જીવ આવ્યો. વિશાલે એમને બાંકડા પર સ્વસ્થ થવા અને ચા પીવાની વિનંતી કરી જોઈ, પણ શકરાભાઈનો જીવ જ ક્યાં હતો ? શાણી મહેમદાવાદ ગભરાઈ ગઈ હશે અને પરી ! એમનો જીવ ડામાડોળ થવા માંડયો.
વિશાલ સતત મોબાઈલ પર ટ્રેનની માહિતી મેળવ્યા કરતો હતો. એણે અન્કલ શકરાભાઈને હિંમત આપી. 'અન્કલ' મહેમદાવાદથી એક ટ્રેન અમદાવાદ તરફની હમણાં જ સ્ટાર્ટ થઈ છે. મોડી સાંજે એ અમદાવાદ આવી જશે. હવે અડધા કલાકનો જ સવાલ છે. શકરાભાઈને તો અડધો કલાક અડધા યુગ જેવો ભાસ્યો : 'વિશાલભાઈ, ગાડી મહેમદાવાદથી નીકળી ચૂકી છે ?'
'હા અન્કલ. હવે તમે જરા ફ્રેશ થાવ.'
શકરાભાઈ ઘડી ઘડી એમની ઘડિયાળમાં જોયા કરે. વિશાલ એમને હિંમત આપવા એમની બાજુમાં જ બેઠો એની પડખે રશ્મિ.
શકરાભાઈએ માંડ અડધો કલાક વિતાવ્યો. બેત્રણ વાર વિશાલને પૂછી લીધું, 'ગાડી હવે કેટલે પહોંચી હશે ?'
વિશાલે એમને ધરપત આપી : 'અન્કલ ! ગાડી બારેજડી વટાવી ચૂકી છે. હવે માત્ર દસ મિનિટ' શકરાભાઈ ભાવવિભોર થઈ ગયા. તેમણે વિશાલનો હાથ પકડી લીધો. 'બેટા તું ન હોત તો...'
'અન્કલ ! ભગવાન હાજરા હજૂર છે. ગમે ત્યાંથી મદદે આવી શકે છે.'
વિશાલ પોતે ભગવાન કે ધર્મની બાબતમાં જુવાન પેઢીના યુવકોની જેમ ખાસ શ્રધ્ધાળુ નહોતો. પણ અન્કલને આશ્વાસન આપવા માટે તેણે ભગવાનને યાદ કરી લીધા.
અચાનક એ ઊઠયો : 'અન્કલ ! ટ્રેન આવી રહી છે. હું શાણી આન્ટીને લેવા પ્લેટફોર્મ પર જઉં છું. રશ્મિ તમારી સાથે જ બેઠી છે.'
વિશાલ ઝડપથી પ્લેટફોર્મ પર પહોંચ્યો. શાણીબહેનનો ડબો માંડ શોધ્યો. શાણીબહેન કાગડોળે કોઈ આવે તેની રાહ જોઈ રહ્યા હતા.
બારીમાંથી તેમણે વિશાલને ઝડપથી ડબ્બે ડબ્બે ફરતો જોતાં જ બૂમ મારી : 'વિશાલ ! વિશાલ !'
વિશાલ એમનો અવાજ સાંભળતાં જ એમના ડબ્બા આગળ પહોંચી ગયો: 'આન્ટી ! જરાય ચિંતા ના કરશો અન્કલ હેમખેમ છે.'
'એ ક્યાં છે ?' અધીરાં શાણી આન્ટી પૂછવા માંડયા.
'બહાર બાંકડે જ બેઠા છે. તમારી જ રાહ જુએ છે.' પરીએ વિશાલનું ધ્યાન દોર્યું : 'વિશાલભાઈ !'
'અરે મારી બહેન !' કહેતાં એણે પરીને તેડી લીધી અને કપાળ ચૂમી લીધું. પરીને તો જાણે વસંત બેઠી. વિશાલભાઈ પર એ ઓળઘોળ થઈ ગઈ.
શાણી આન્ટીને સાચવીને વિશાલ સ્ટેશનની બહાર લઈ આવ્યો. પરીએ પણ 'બા'નો હાથ ઝાલી રાખ્યો હતો.
વિશાલની સાથોસાથ ચાલતા શાણીબહેનને જોતાં જ શકરાભાઈના જીવમાં નવચેતન આવ્યું. 'શાણી આવી ગઈ,' એ 'હાશ'નો ઉદ્ગાર કરી ઊઠયા. શાણીબહેનને જોતાં જ શકરાભાઈ જાણે સામૈયુ કરવા જતા હોય તેમ સાથે ગયા. બંને વૃદ્ધો જાણે નવા પરણેલા હોય તેમ ભેટયા.
વિશાલને મોટી હાશ થઈ ગઈ કે જાણે એક મોટું સરસ કામ થઈ ગયું. રશ્મિને માથે શાણી આન્ટીએ હાથ મૂક્યો.
શાણીબહેન અને શકરાભાઈ જરા સ્વસ્થ થયા. ચા-બા પીવાના તો હોશ જ ક્યાં હતાં ? એમણે વિશાલને ચાની ચોખ્ખી ના પાડી દીધી. બંને - દંપતી ઘરે જવા ઉતાળવા થઈ ગયા છે એ સમજી જઈને વિશાલે ટેક્સી મંગાવી. મોટા કદની ટેક્સીમાં - સહુ સમાયા.
વિશાલની સૂચના મુજબ ટેક્સીવાળાએ એમની સોસાયટીમાં કાર વાળી.
શાણીબહેન - શકરાભાઈ હાશ કરીને નીચે ઊતર્યા. વિશાલને પણ ઊતરી જવા બહુ આગ્રહ કર્યો, પણ વિશાલે અને રશ્મિએ એક અવાજે ના પાડી : 'ઘેર અમારી ચિંતા થતી હોય. પરીએ વિશાલનો હાથ પકડી રાખ્યો. 'ના, ના વિશાલભાઈ ! હું તમને આઈસ્ક્રીમ ખવડાવ્યા વિના નહિ જવા દઉં.' રશ્મિભાભી ! તમે એમને આગ્રહ કરો.' પણ રશ્મિએ વાત હસી કાઢી. 'બેટા... તારા વિશાલભાઈ કોઈનું ય માને તેવા નથી. પરીને ગાલે ચૂમી ભરી બંને પોતાને ઘરે પહોંચ્યા.'
એમની જ રાહ જોવાતી હતી. પરિવારનાં બધાં જ શાણી શકરાભાઈની ગરબડ ગોટાળાની ઘટના વિશે જાણવા આતુર હતા.
વિશાલે બધી વાત ટૂંકમાં સમજાવીને કહ્યું : 'છેવટે ભગવાનની કૃપાથી અન્કલ-આન્ટી બંને અમદાવાદ સ્ટેશને ભેગાં થઈ શક્યા.'
બાબલાએ તરત કોમેન્ટ કરી: 'અન્કલ-આન્ટી ઘોઘે જઈ આવ્યા અને આપણા હીરાએ તેમનો પુન: મિલાપ કરાવી આપ્યો.' ગુડ... વેરી ગુડ.
ફેન્ટા બાબલા પર એની કોમેન્ટ માટે એવા તો ખીજાઈ કે એની આંખમાંથી તણખા ઝર્યા. બાબલો એનું જગદંબા સ્વરૂપ જોઈ શેહ પામી ગયો. પેથાભાઈએ અને પટલાણીએ વિશાલના બહુ બહુ વખાણ કર્યા. 'આપણો વિશાલ તો કુલદીપક છે.' રશ્મિ પણ એવી જ એને યોગ્ય મળી એ ફેન્ટાએ વિશાલને અભિનંદન આપીને વધાવવા એનો ખભો જરા પકડયો. વિશાલ એકદમ ઓ... ઓ... ઓ... નો દુ:ખદ ઉદ્ગાર કરી ઊઠયો. ફેન્ટા ડઘાઈ જ ગઈ. પોતે કેવી ભૂલ કરી બેઠી હતી ! વિશાલે કહ્યું : 'મમ્મી' જરાય વસવસો રાખીશ નહિ, મને બાવાજીએ ખભા પર એમનો ચીપિયો ફટકાર્યો હતો ને ! એ જગ્યાએ તારા હાથનું દબાણ આવ્યું એટલે કળતર થઈ આવ્યું.
રશ્મિ ય સિયા વિયા થઈ ગઈ.
એ તો બીજે દિવસે એને ગામ વડોદરા જતી રહેવાની હતી. લગ્ન પહેલાં સાસરે કેટલા દિવસ રહેવાય ? લોકમુખે ચર્ચા થાય.
એણે દુ:ખાતે હૈયે કહ્યું, 'મમ્મી ! એમ હવે ફેન્ટાને મમ્મી જ કહેવા માંડી હતી ? મમ્મી ! મારે કાલે તો જવું જ પડશે. છૂટકો જ નથી, એણે જરા ભીની આંખે વિશાલ તરફ નજર નાખી.'
વિશાલ હબકી ગયો. 'રશ્મિ ! તું... તું... સામે જ જઈશ ?'
'હા વિશાલ ! ત્યાં મારી જરૂર પડી છે, તને લગભગ મળવા જ આવ્યો છે. હું રોજ તને મોબાઈલ કરીશ.'
વિશાલને રશ્મિના સધિયારાથી સંતોષ થયો નહિં. એ શૂન્ય મનસ્ક જેવો રશ્મિને જોઈ રહ્યો.
રાતે વિશાલના ખભાનું કળતર વધી ગયું. એ પીડા ન વેઠવાથી પડખાં બદલતો હતો.
સવારે વિશાલના જાગરણે કરેલી રાતી આંખો જોઈ. રશ્મિ પણ હસી ગઈ. ઘડીક વડોદરા જવાનું ટાળવાની ઈચ્છા થઈ આવી. પણ મન મક્કમ કરી રશ્મિને વિશાલને ખભે નાજુક આંગળા મૂક્યા. 'વિશાલ જો તું નાસિપાસ થાય તો મારા સોગંદ છે.' તને જરૂર મટી જ જશે. વિશાલ ! બેસ્ટ લક બીજે દિવસે સવાર ગમગીન ઉગી.
વિશાલ નિરાશ હતો. રશ્મિએ મનને બરાબર મક્કમ કરી સહેજ પણ આંખ ભીની નહિ કરવાની આંખને તાકીદ કરી.
આવા પ્રસંગે પુરૂષો પોપટ બની જતા હોય છે. સ્ત્રીઓની મક્કમતા આવા જ કેટલાક પ્રસંગોમાં પતિને અને પરિવારને હિંમત પૂરી પાડે છે. વિશાલે રશ્મિને બસ સ્ટોપ પર મૂકવા જવાની ઈચ્છા પરાણે પરાણે રોકી.
રશ્મિ વિશાલભાઈ.
બાબલો ફરી ઝબક્યો, વિશાલને મળતાં સહેજે દસ પંદર દિવસ તો થશે. ફરી પાછા વિશાલના લગ્ન... ?
એકદમ પટલાણીએ નાક પર આંગળી મૂકી તેને ચૂપ રહેવા તાકીદ કરી.
બાબલો ફેન્ટા પાસે બબડતો જ રહ્યો. લગ્ન પહેલાં સાસરે આટલા બધાં દિવસ રહી ગઈ. હવે લગ્ન જલદી ના ઉકેલાય તો.
વિશાલ આ સાંભળીને બોલી ઉઠયો : 'મારે હમણાં લગ્ન કરવા નથી પપ્પા' ઉતાવળ ના કરશો. રશ્મિ ય ઉતાવળ નહિ જ કરે એની મને ખાતરી છે.'
'હાસ્તો ! વૈશાખ સુધી બે મહિના નિરાંત એકલા મોંજ માણી લેવાની...' અને ધીમું ઘૂરક્યો ! કોણ જાણે કોની કમનસીબી અમારા પરિવારને ચોંટમાં છે ?