Get The App

વિનાશકારી વાઈરસ બાબતે વિજ્ઞાન, વેપાર અને વિચાર: ''વ્હાય સો સિરિયસ'' ?

સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

Updated: Mar 15th, 2020

GS TEAM

Google News
Google News
વિનાશકારી વાઈરસ બાબતે વિજ્ઞાન, વેપાર અને વિચાર: ''વ્હાય સો સિરિયસ'' ? 1 - image


કોરોના વાઈરલ ઇન્ફેકશનના હાઉ અંગે ચાલતા ગપ્પા અને બીક વચ્ચે ઇકોનોમિકસથી ઇન્ફેકશન સુધીનું ઈતિહાસ સાથે એ ટુ ઝેડ સાયન્ટીફિક એનાલિસીસ અને સાચી અધિકૃત સાવચેતીઓ!

વિજ્ઞાાનીઓ ભલે રસી શોધવા મહેનત કરે પણ કુદરત માણસના વસતિવધારાને નાથવા નવા વાઈરસની છાને ખૂણે ધાર કાઢે છે ! આ જંગ સનાતન છે

એક્ઝામ સીઝન ચાલે છે, ત્યારે ચોમેર ઉભરાઈ પડેલા કોરોનાવાઇરસની ચર્ચામાં ભાગ્યે જ કોઈએ જવાબ દીધો છે, એવો મોસ્ટ બેઝિક ક્વેશ્ચન સૌથી પહેલા : કોરોનાવાઈરસને  બંગાળી સ્ટાઈલમાં કોરોના કેમ કહેવાય છે ? 

કોરોના વાઈરસનો ફોટો જુઓ. ગોળાકાર ઉપર નાના-નાના સેકડો ટોપકા દેખાય છે. એક્ચ્યુઅલી, આપણા સૂર્ય ફરતે ય આવા ટોચકા છે. પણ સળગતા સૂર્યની મહાતેજસ્વી સપાટીને કારણે દેખાતા નથી. પ્રકાશનો એ અણીદાર કોરોના પૂર્ણ સૂર્યગ્રહણ વખતે કાળા પડેલા સૂર્ય ફરતેની રિંગ સ્વરૂપે જોવા મળે. જેનું યોગ્ય નામાભિધાન આપણે ત્યાં થયું છે : સૂર્યકંકણ. જૂની રજવાડી ડિઝાઈનનું સોના કે હીરાનું કંગન જેમાં વર્તુળાકાર ફરતે ચમકતા દાંતા હોય. એ આકારને લીધે નામ પડયું કોરોના. 

આજકાલનો નથી.જૂનો શોધાયેલો છે. ૨૦૧૩માં ય ચામાચીડિયામાંથી માનવજાતમાં આવ્યો એની હોહા નાના પાયે થયેલી. સાર્સનો ઘાતક નીવડેલો રોગચાળો પણ એક પ્રકારના કોરોના વાઈરસનો જ હતો. એટલે ડેટોલ જેવા જંતુનાશકો પર એનું નામ છે. એમાં કોઈ કાવતરું નથી. પણ આ એનું વધુ આધુનિક અને અપગ્રેડેડ સ્વરૂપ છે. એટલે એનાથી થતા રોગને 'સીઓવીઆઈડી૧૯' એવું નામ અપાયું, છતાં બધા કોરોનાને રોગ કહી ચલાવી લે છે.

વાઈરસ એટકની તો ફલાણી નવલકથામાં આગાહી હતી એવું માનીને ય દંગ થઇ જવાની જરૂર નથી. વિશ્વમાં વૈજ્ઞાાનિકો દાયકાઓથી ચેતવણી આપતા જ રહ્યા છે. અનેક વાર્તા અને ફિલ્મોનો આ પ્લોટ છે. 'આઈએમ લીજેન્ડ'થી લઈને 'રેસિડેન્ટ ઈવિલ' સુધીની પોપ્યુલર ફિલ્મોમાં આવો પ્લોટ બહુ વખત આવી ગયો છે, જ્યાં રાતોરાત માનવવસાહતો વેરાન થઈ જાય, પૃથ્વી સૂમસામ થઈ જાય. આ બધી ફિલ્મોના વિલનનું નામ છે : વાઈરસ ! 'ડૂમ્સ ડે' હોય કે 'આઉટબ્રેક' આ જ વાત છે. કોરોનાનું આરંભનું વર્ઝન ચીનમાં બેટ યાને ચામાચીડિયામાંથી આવ્યું એ પછી બનેલી સોડરબર્ગની રોગચાળા પરની એમેઝોનમાં ઉપલબ્ધ ફિલ્મ 'કોન્ટેજીયન'માં એ બતાવાયું છે.

આગાહી તો ૨૦૧૮માં ચીનમાં આવેલી ટૂંકી વાર્તા 'મિસ બોક્સ મેન'માં ય આવી જ વાઈરસ પ્રભાવિત દુનિયાની હતી. ચીની લોકો પાસે દુકાળમાં અનાજ ન લીલોતરી શાકના અભાવે જાતભાતનો ચીતરી ચડે એવો માંસાહાર કરવાનો લાંબો ઈતિહાસ છે. એમને હજુ ખાંડવી કે પાતરાંના સવાદની ખબર જ નથી. મોટા ભાગના વાઈરસ પ્રાણીઓમાં સુષુપ્ત હોય પણ માણસના સંપર્કમાં સીધા આવે ત્યારે એક્ટીવ થઇ જાય છે. સીધું કોઈ પશુપંખીનું લોહી પીવાથી નહિ, કારણ કે પાચકરસો એને ખતમ કરી નાખે હોજરીમાં. પણ જખમ ખુલ્લો આવે, બોડી ફ્લ્યુઈડસની એઈડ્સના એચઆઈવીની જેમ આપ લે થાય કે નાક-મોં-સ્પર્શથી શ્વાસમાં આવે ત્યારે. કોરોનાના પ્રમુખ લક્ષણોમાં એટલે જ શ્વાસ ચડવો ને થાક લાગવો છે. અને ટ્રેજેડી એ છે કે નોર્મલ ફ્લુ અને એમાં શરૂઆતના તબક્કે ભેદ કરવો જોઇને મુશ્કેલ છે. એટલે રાહ જોવી પડે. દર્દીને એકાંતવાસ ઉર્ફે આઈસોલેશનમાં રાખવો પડે. એટલી સુવિધા ય ક્યાંથી ઉભી થઇ શકે જો રોગ ઝડપથી ફ્રેલાય તો ? ફ્લુનો વાઈરસ તો ગરમી વધે એમ ગાયબ થઇ જાય છે દર વર્ષે.

કોરોનાનું એવું થવું જોઈએ પણ થશે કે કેમ એ બાબતે એકમતી નથી. કારણ કે નવો છે. એટલે વેઇટ એન્ડ વોચની પેનિક સિચ્યુએશન છે. વાસ્તવમાં એ સમજવું જોઈએ કે જેના પર કોઈ એન્ટીબાયોટિક દવાઓ લાગુ જ નથી પડતી એવાઈરસ છે કઈ બલા ?

લેટિન ભાષામાં વાઈરસ એટલે પોઈઝન. ઝેર. વાઈરસ પૃથ્વીની સજીવસૃષ્ટિનો બહુ જૂનો જોગી છે. આ માઈક્રોબ-વિષાણુ-વિશે પારાવાર પરીક્ષણો થાય છે, પણ આજે ય માનવજાતીનું જ્ઞાાન તેવા વિશે ભાંખોડિયા ભરે છે. વાઈરસ આમ તો ઝેરી સ્વભાવના દગાખોર માણસ જેવો જ છે. પોતે જ્યાં રહે, જ્યાંથી શક્તિ મેળવે એ હોસ્ટ (યજમાન)ને જ ખતમ કરવાની તાકાત અને તાસીર એ ધરાવે છે !

વાઈરસ અત્રતત્રસર્વત્ર (કેટલાંક જાણકારોના અનુમાન મુજબ તો અખિલ બ્રહ્માંડમાં) સર્વવ્યાપી છે. પરમ ચૈતન્યની માફક અદ્રશ્ય અને સર્વશક્તિમાન છે. દરિયાના પાણીનાં એક ટીપાંમાં એક અબજ (જી હા, અબજ !) વાઈરસ હોઈ શકે છે. એમાં ય વળી અપરંપાર વૈવિધ્ય છે. ૧૦૦ લીટર પાણીમાં પ્રકારની દ્રષ્ટિએ એક લાખથી વધુજાતના વાઈરસો હોઈ શકે ! બધા જ માણસને કનડતા નથી. પણ એકચ્યુઅલી જીવતા બોમ્બ છે, ગમે ત્યારે કુદરત એના એક ઈશારે તેને સંહાર માટે 'એક્ટિવેટ' કરી શકે છે !

વાઈરસને રોગચાળાના ત્રાસવાદીમાં ફેરવવાનો કુદરતી ટ્રેનિંગ કેમ્પ આપણે જેમની ધરતી-આકાશ છીનવી લેવામાં લગીરે કસર નથી રાખી એવા પશુ-પંખીઓમાં ચાલે છે ! જગતમાં હાહાકાર મચાવી દેતા મસમોટા ઘાતક રોગોનું પાર્સલ કુદરતે માણસના સરનામે જંગલી પ્રાણીઓની કુરિઅર સવસ દ્વારા રવાના કર્યું છે ! સ્ટેનફોર્ડ જેવી યુનિવસટીઓમાંથી બાયોલોજીના વિજ્ઞાાનીઓ ૧૦૦ સંશોધકોની ટીમ બનાવી છેલ્લા વીસ વર્ષથી જગતભરના 'સંવેદનશીલ ક્ષેત્રો' ગણાતા જંગલો ખૂંદી બેઠા છે. 'ગ્લોબલ વાયરલ ફોરકાસ્ટિંગ ઈનિશ્યેટિવ' (જીવીએફઆઈ) જેવી એમની સંસ્થા જાણે કુદરતના રહસ્યમય સેબોટેજ પ્લાન પર ગોઠવેલા 'સર્વેલન્સ કેમેરા'નો પાઠ ભજવે છે. કોંગો, લાઓસ, માડાગાસ્કર, મલેશિયા, ચીન, કેમેરૂન, બ્રાઝિલ, કેન્યા...કોને ખબર પૃથ્વીના કયા ખૂણે નવો વાઈરલ બોમ્બ ચૂંપચાપ એસેમ્બલ થઈ રહ્યો હોય !

બેઝિકલી, જગતને સર્વનાશના ભુજપાશમાં લઈ લેનારા અનેક જીવલેણ રોગો આવ્યા છે. પશુઓમાંથી ! એઈડ્સ વાંદરાઓની ભેંટ છે, તો હિપેટાઈટિસ બી ગોરિલ્લાઓની ! પ્લેગ ઉંદરોએ આપ્યો છે, તો મલેરિયા મકાકે ! ડેન્ગ્યુ, ઈબોલા, યેલો ફીવર બધાના વાઈરસ 'પ્રાઈમેટ્સ' ગણાતા પ્રાણીઓમાં શસ્ત્ર?સજ્જ થયાં છે. પાડોશી બાંગ્લાદેશમાં ચામાચીડિયાથી જ ફેલાયેલા નિપાહ વાઈરસમાં ૩૫ મૃત્યુ થયા હતા ! પણ હજુ કોરોના કયા પશુમાંથી વુહાન પ્રાંતની એનિમલ માર્કેટમાંથી આવ્યો, એ જાણી શકાયું નથી. કદાચ ક્યારેય જાણી નહિ શકાય, કારણ કે ચીનમાં એ માર્કેટ તો ધોવાઈને સાફ થઇ ગઈ. ફોરેન્સિક પુરાવાઓ ય જતાં રહ્યા. 

ઘણા રોગનો ભોગ તો અંદરો-અંદર પશુ-પંખીઓ જ બને છે. ટાઈપ એ ઇન્ફલુએન્ઝાના વાઈરસ જેવા કેટલાક વાઈરસ એના મૂળ કરિઅર ગણાતા પંખીડાઓ માટે ભયજનક નથી, પણ ત્યાંથી માણસ સુધી પહોંચે તો ડેન્જરસ છે. હડકવા જેવા રોગો જે તે રોગિષ્ટ પશુના સંપર્કમાં આવેલા માણસ પૂરતા જ સીમિત રહે છે. એચઆઈવી જેવા તો માણસમાં પ્રવેશ્યા પછી પશુસૃષ્ટિને બદલે મનુષ્યમાં જ 'અઠે દ્વારકા' કરીને બિરાજી જાય છે !

આ 'આત્મઘાતી દસ્તો' માણસમાં પહોંચે છે કેવી રીતે ? એક તો જંગલી શિકારીઓ દ્વારા, જે આ પશુ-પંખીનો શિકાર કરતા એમના આંતરિક અંગોના સંસર્ગમાં આવે છે કે પોતાના શરીર પરના જખમમાંના લોહી સાથે શિકારનું લોહી-સાહજીકતાથી ભળવા દે છે. બીજા પેટ (પાલતુ) એનિમલ્સ કે ફાર્મ (ગાય, ડુક્કર, મરઘી) એનિમલ્સ મારફતે અને ત્રીજા માંસાહારમાં બેફામ બનેલા માનવીઓ દ્વારા ! જેમકે, લેટેસ્ટ પેશકશ એવો કોરોનાવાઈરસ !

'સ્પેનિશ ફલુ'ના નામે ઓળખાતા ઈન્ફલુએન્ઝાનો આતંક પહેલી વખત પ્રથમ વિશ્વયુદ્ધના અંતકાળે યુરોપ-અમેરિકામાં ત્રાટક્યો હતો અને બે થી અઢી કરોડ માનવોનો અધધધ મૃત્યુઆંક 'સ્કોર' કરીને રીતસર દુનિયાની છાતીનાં પાટિયાં બેસાડી દેતો ખૌફ પેદા કરી ગયો હતો. એ વખતની વસ્તીનો એક ટકો સાફ થઇ ગયેલો એમાં. આ 'મહામારી'નો મુખ્ય શત્રુ ઓર્થોમિકઝોવાઈરસ છેક ૧૯૩૩માં ઓળખાયો હતો. પછી તેની સામે એન્ટીબોડીઝ પ્રોગ્રામ કરતી રસી વિકસાવાઈ ! કોઈ પણ એન્ટીવાઈરલ રસી હકીકતે એ વાઈરસથી જ બને.

કોઈ પણ ફ્લુના વાઈરસની સપાટી પર બે પ્રકારના પ્રોટીન હોય. એક ઉપસેલા દાંતા જેવું હિમોગ્લુટાનીન, જે એને અન્ય શરીરના કોષમાં ગાબડું પાડી દાખલ થવામાં મદદ કરે. વળી, એ કોષમાં દાખલ થયા બાદ તેના જ માલમસાલાના ઉપયોગથી વાઈરસ પોતાની નવી આવૃત્તિનો ગુણાકાર (જેતે યજમાન રોગીના ભોગે) કરે અને એ નવા વાઈરસને કોષ તોડી બહાર નીકળી ફેલાવા માટે ભીંગડા જેવું બીજું પ્રોટિન જોઈએ,જેને કહેવાય ન્યુરામિનિડેઝ.આ ન્યુરામિનિડેઝ ૯ પ્રકારના હોય અને હિમોગ્લુટાનીન ૧૬ પ્રકારના ! માટે બંનેની સીરીઝ બને. સ્વાઇન ફ્લુનો વાઈરસ એટલે એચવનએનવન નામે ઓળખાયેલો. આ હોરર ફિલ્મોમાં વળગી જતા ભૂતની જેમ કોઈના શરીરમાં પ્રવેશીને પછી પોતાની કોપી કરવા માટે એ યજમાનના રસોડે ધાડ પાડતો હોવાથી કોઈ પણ વાઈરલ ઇન્ફેકશન વધે ત્યારે નબળાઈ વધે છે. શક્તિ વાઈરસ પણ ચૂસે ને લડવા માટે રોગપ્રતિકારક દ્રવ્યો બનાવવા શરીર પણ વાપરે. એટલે જ એનો મોટો ઉકેલ છે : રેસ્ટ. આરામ. 

વાઈરસ માત્ર હોસ્ટમાં 'ઘોસ્ટ' વેડાં કરીને શાંત પડતો નથી, એને ધર્મગુરુઓ કે નેતાઅભિનેતાઓની જેમ પ્રચારપ્રસારનું ભારે ઘેલું હોય છે. કુદરતનો મૂળ ધર્મ જ રિ-પ્રોડકશન છે. એટલે ફૂલોમાં રંગસુગંધ છે, માણસમાં જાતીય આકર્ષણ છે. ફ્લુ એવરેજ એક માણસને ચેપ લગાડે તો કોરોના ચારને એવો અંદાજ છે.છીંક, ઉધરસ જેવા ફલુના લક્ષણો ખરેખર તો વાઈરસને નવા નિશાન પર 'થ્રો' કરવા માટેની પ્રોગ્રામ્ડ તરકીબો છે. તાવ હકીકતમાં તેની સામે લડતી શરીરની આંતરિક લડાઈને કારણે આવતો તપારો છે. આપણા શરીરે ઉત્ક્રાંતિ અને વિજ્ઞાાનની રસીની સહાયથી ઈન્ફલુએન્ઝાના જુના વાઈરસને ઓળખી એને મારી હટાવવાની લશ્કરી તાકાત કેળવી લીધી છે. 

પણ આ નવો ૨૦૧૯ના અંતમાં ત્રાટકેલો કોરોનાવાઈરસ વાઈરસ 'છૂપો રૂસ્તમ' બની કારગિલમાં ભરવાડોના વેશમાં નાકાબંધી તોડી પાકિસ્તાની સૈનિકો ભરાયેલા, એમ શરીરના કોષોમાં પેસે છે. પછી પોતાની નકલો તૈયાર કરવા શરીરની શક્તિની ચોરી કરે છે. (માટે થાકની ફરિયાદ થાય છે) શેતાન વાઈરસો ઘણી વખત પોતાના શિકારને એટલે જલદી સ્વધામ પહોંચાડતા નથી કે એની મારફતે (એને જીવિત રાખી) વઘુમાં વઘુ શિકાર સુધી ફેલાઈ શકે (જેમકે, પ્રમાણમાં લાંબુ જીવતા એઇડ્સના દર્દી !). માટે એનો સપાટો તરત સપાટી પર દેખાતો નથી અને ઘણી વખત ખબર પડે ત્યાં સુધીમાં એની બોડી સીસ્ટમને ભરખી જવામાં વાઈરસ સફળ થઈ જતાં દર્દી મૃત્યુ પામે છે. પ્રારંભિક તબક્કે થોડી દવાઓની સહાયથી શરીરને લડાઈમાં ટેકો આપી શકાય. શરીરની ઈમ્યુનિટી સીસ્ટમ સારી હોય, ડાયાબિટીસ કે હાઈપરટેન્શન જેવા બીજા રોગ ન હોય તો તેને હંફાવી શકાય છે. કોરોનાના નોંધાયેલા કેસીઝનો હવે ૯૦ દેશોનો વર્લ્ડવાઈડ ડેટા એવું કહે છે કે એનું મુખ્ય ખુવારી ચીન, દક્ષિણ કોરિયા, ઈરાન અને ઈટાલીમાં છે. પણ એ થાય એમાં ૮૦%ને તો કોઈ સારવાર વિના આપોઆપ મટે છે. મરણ તો હજુ પ્રમાણમાં ઘણા ઓછા છે ને ફેલાવો ય એટલો હજુ નથી. 

હજુ વિશ્વ આરોગ્ય સંસ્થા એને વૈશ્વિક રોગચાળો જાહેર કરે એટલી ખુવારી એનાથી નથી થઇ. મોટાભાગના મોત તો સાઠ વર્ષથી વધુ વય ધરાવતા વૃધ્ધોના થાય છે. જેમની રોગપ્રતિકારક શક્તિ ઓલરેડી કુદરતે જ રિવર્સ ગીઅરમાં મૂકી દીધી છે. પણ ભય છે બધાને એના ફેલાવાનો. જેથી રેન્ડમ આમ જ ચાલે તો વખત જતા કરોડો મરી શકે. કારણ કે , બધાને ઉપલબ્ધ થાય એવી સસ્તી ને જથ્થાબંધ રસીનું પ્રોડકશન એ શોધાઈ ગયા પછી કરવાનું ય આસાન નથી, સસ્તું ય નથી. એનાય રિએક્શન આવે. 

વિજ્ઞાાનીઓ ભલે રસી શોધવા મહેનત કરે પણ કુદરત માણસના વસતિવધારાને નાથવા નવા વાઈરસની છાને ખૂણે ધાર કાઢે છે ! આ જંગ સનાતન છે. માણસને એમ છે કે પોતે પૃથ્વીનું કેન્દ્ર છે. પણ પ્રકૃતિ માટે તોઆસુરી વાઈરસ પણ એનું સંતાન છે !

મોત પણ મેઈડ ઇન ચાઈના ? એવી રામગોપાલ વર્માની વાત તો એમના નામ વગર વાઈરલ થઇ ગઈ. ચીનમાં કોરોના વાઈરસના એટેકથી 

મોટો ફટકો પડયો છે. જમાવેલી સંપત્તિ મોટી છે એટલે આંચકો ખમી જશે પણ ગાબડું જેવુતેવું નથી. ચીનમાં એક જ સામ્યવાદની પક્ષની એકહથ્થુ સરકાર છે, વિરોધ પક્ષ નથી. ફ્રી મીડિયા પણ નથી. ઘણા માને છે કે કોરોનાથી ત્યાં થયેલી જાનહાનિનો આંકડો મોટો હશે. પણ સાચો કદી નહિ મળે. અમુકને તો એવી ય શંકા છે કે ચીનનો ભરોસો નહિ, મારી પણ નાખે ચેપ ફેલાતો અટકાવવા. 

એટલું ખરું કે ચીને એ જ લોખંડી તાકાતના જોરે ફટાફટ હોસ્પિટલ ઉભી કરી ને કોઈ માનવીય ફરિયાદો ધ્યાને લીધા વિના કડક હાથે રોગચાળો વસતિના પ્રમાણમાં ફેલાતો મંદ કરી દીધો. ત્યાં લોકશાહી નથી.બીજા ય બીમાર દર્દીઓ હોય પણ ઘેર રહેવાનું તો ઘેર જ રહેવાનું ને નહિ તો મરી જવાનું. પણ બહાર નહી નીકળવાનું ને ધંધા કે સ્કૂલ બંધ કરી દેવાના તો કરી જ દેવાના. ટેકનોલોજીનો ય સારો ઉપયોગ કર્યો. એપ બનાવી છે. એમાં રેડ સિગ્નલ હોય એને પોલીસ નહી પણ ડ્રોન કેમેરા ચેક કરે. ( એટલે ઓળખીતાઓ લાગવગથી છટકે નહી ) ને ૧૪ દિવસ બહાર ન જવા દે. યેલો મતલબ માઈલ્ડ. પણ ૭ દિવસ ઘેર રહેવાનું. ગ્રીન કરવા માટે મેડીકલ ટીમને રિક્વેસ્ટ કરવાની. એ જ કરી શકે.

પણ બીજું આથક સંકટનું વાઈરસ જેટલું જ જોખમી ને વૈશ્વિક છે. કેટલાય ધંધા જગતના એવા છે જેનું ટોટલ પ્રોડક્શન કંપની યુરોપ કે અમેરિકાની હોય તો ય ચીનમાં જ થાય છે. એ બધા ઠપ્પ થી ગયા છે દિવસોથી. એ માલની અછત સર્જાવાની. કારણ કે બધા રૂપિયા એક જ બેંકમાં હતા ને એ કાચી પડી, એવો ઘાટ થયો છે. આજે જગતની ફેક્ટરી ચીન છે. પણ આ ઘટના બાદ હવે ઘણા દેશો બીજે ય ઓલ્ટરનેટ પ્રોડક્શન ખોટ ખમી લઇ શોધશે.

કાં જાતે કરશે, વીસમી સદીમાં અમેરિકા કરતું એમ. લેતા આવડે તો એડવાન્ટેજ ઇન્ડિયા, જો આપણને હિન્દુ મુસ્લિમ સિવાય આગળ જોતા આવડે તો, કોરોના એ જો કે કોમવાદ હાલ પુરતો ઘટાડી દીધો અહીં એ સાઈડ ઈફેક્ટ ખરી ! ચીનમાં બેકારી વધશે. પ્રોડક્શન ઘટના ને ખર્ચ વધતા આવક ઘટશે. એની અસર પણ ગ્લોબલ આવશે, આવવા લાગી છે શેરબજારમાં. 

વળી, અર્થતંત્રો તો જ ચાલે જો ઉત્પાદન થાય ને ખરીદી થાય. કોરોનાના પેનિક એટેકમાં પબ્લિક પ્રોગ્રામ્સ જ બંધ થવા લાગ્યા છે. એટલે એટલો ખર્ચ ન થાય ને અમુક ધંધા પર અવળી અસર થાય. ક્ડ ઓઇલના ભાવ ઘટે કારણ કે લોકો ઘરની બહાર ન નીકળે.કસીનો હોય કે એરલાઈન્સ, ટુરિઝમ હોય કે ટુર્નામેન્ટ બધે ભેંકાર સૂનકાર છે. ઈટાલીમાં તો વેનિસ જેવા સન્ગ્ર ભૂતિયા બાસે અત્યારે ખાલી હોઈને ! કડાકો સિનેમા ઇન્ડસ્ટ્રીમાં ગ્લોબલી બોલે. ચીનને લીધે જેમ્સ બોન્ડ ફિલ્મની રિલીઝ એપ્રિલથી નવેમ્બરમાં ગઈ છે. જાપાનમાં ટોકિયો ઓલિમ્પિક અને ભારતમાં આઈપીએલ રમાશે કે નહિ એ અનિશ્ચિત છે.

પબ્લિક ભેગી કરવાનું રિસ્ક કોણ લે ? જ્યાં આ મહીને ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલ મુલતવી રહ્યો એ દુબઈમાં વર્લ્ડ એક્સ્પો આ વર્ષે જ છે.હમણાં સમર વેકેશન આવશે, પણ કોઈ ફરવા ન જાય તો કેટલાયના જગતમાં ચૂલા જ સળગે નહીં ! વિડીયો ગેઈમ મેકર્સનો વાષક મેળાવડો ય આઈફાની જેમ  કેન્સલ થયો છે. એક મોટી વાત એ છે કે મોબાઈલ હોય કે ગેઈમ કે વર્ચ્યુઅલ રિયાલીટીના ચશ્માં કે હેડફોન - મોટા ભાગનું તો ચીનમાં જ કોન્ટ્રાક્ટ પર બને છે. અરે ઘણા બીજા રોગોની દવાઓ પણ. આમજ ચાલે તો બીજા રોગોના દર્દીઓ ય વધવા લાગે, એમની દવાઓ મોંઘી થાય ને વાઈરસથી વધુ કારમી મંદી આવી જાય !

બીજી બાજુ અમુક ધંધામાં અણધારી તેજી આવી ગઈ છે. કોરોના વાઇરસનો ચેપ માસ્કને લીધે નહિ જ લાગે એવી કોઈ ગેરેંટી નથી, એવી અમેરિકામાં સત્તાવાર જાહેરાત કરવી પડી છે. કારણ કે આડેધડ નોર્મલ લોકો માસ્ક ખરીદવા દોડયા છે. ખરેખર એની જરૂર જેણે ઇન્ફેકશન કોઈ પણ હોય એ દર્દી કે મેડિકલ પ્રોફેશનમાં દર્દી સાથે કામ લેતાહોય એમને વધુ છે. પણ એમના માટે પૂરતા માસ્ક,ગ્લવ્ઝ કે થર્મોમીટર નથી.એ માટે ગ્લોબલ ડિમાન્ડ ફાટી નીકળી છે. ચલતા પૂર્જા ધુતારાઓ પણ ખોટા માલ ધાબડીને સોદા કરવા ફૂટી નીકળ્યા છે ! એવી જ જબરી માંગ હેન્ડ સેનિટાઈઝરને હેન્ડવોશની પણ છે ! આમાં જે પહેલાથી સ્ટોક રાખીને બેઠાં હશે એમને તો છપ્પર ફાડ કે સોના બરસેગા બિકોઝ ઓફ કોરોના !

ચીનને બહુ ફાંકો હતો પોતાની ટ્રેડીશનલ ચાઈનિઝ હર્બ્સ, મશરૂમ ને દવાઓનો. મલ્ટીલેવલ માર્કેટિંગથી ટુરિઝમ સુધી, ફિલ્મોથી સરકારી સંસ્થાઓ સુધી એનો પ્રચાર કરી ગપ્પનો વેપાર મોંઘા ભાવે આપણા સુધી થતો હતો. આ સુપરપાવર શરીરનો ફુગ્ગો કોરોનાએ બરાબર ફોડી નાખ્યો છે. ચીને તમાચો મારી ગાલ લાલ રાખવા પ્રયાસ કર્યો પણ જગતને ખબર પડી ગઈ કે ચીનની દવાઓ કે ખોરાક કે કરાટે કંઈ ચીનાઓને બચાવી શકતા નથી એકાદ વાઈરસ સામે ય !

આપણે ત્યાં વળી ગુટકા, રોડ એક્સીડેન્ટસ, ગંદા વાસી ખોરાક, કુપોષણ, મચ્છર, રમખાણો ને અસ્વચ્છતાથી અનેકગણા વધુ લોકો, અરે સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકો સહિત ઓલમોસ્ટ રોજ હજારો મરે છે. પણ એ બાબતે સતેજ ન થતા લોકો કોરોનાને લીધે બધું બંધ કરી સાવચેત રહેવાનીં સુચના આપે એ વિચિત્ર લાગે જ ! ખુદ ડોક્ટર હોઈને આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધને આ ડિઝાસ્ટર બાબતે સાચે જ સારી અગમચેતીના પગલા લીધા છે.

આપણી હકીકત જોતા આજની હાલત ઘણી સલામત છે. પરીક્ષા ને ભીડ બધું રાબેતા મુજબ છે. સીએએ વખતે એનઆરસીની ચર્ચામાં જનતાને આગોતરી વિશ્વાસમાં ન લઈને પેનિક ફેલાવા દેવાની ભૂલ સરકારે કોરોનામાં નથી કરી, ને સ્વયં વડાપ્રધાને મોરચો સંભાળી લીધો છે. દરેક રોગચાળાની જેમ જો કે કપૂર ને તુલસીહળદર જેવા નિર્દોષ ઉપચારો તો ઠીક, પણ વિષ્ણુસહસ્ત્રનામના જપથી રોગપ્રતિકારક શક્તિ વધે ને એવું સરકારી પુસ્તિકામાં લખનારા ધુપ્પ્લબાજો ય મેદાને આવી ગયા છે ને વોટસએપમાં તો રાફડો ફાટયો છે શાો કે ઓલ્ટરનેટ થેરેપીના નામે ગૌમૂત્ર કે લવિંગ લસણ જેવા ઊંટવૈદાના ગપ્પાનો !

તો કરવું શું ? સાયન્ટીફિકલી હાઈજીન, ચોખ્ખાઈ. વઘુ લોકો સ્પર્શતા હોય. એવી જગ્યાએ ખુલ્લા હાથે સ્પર્શવાનું ટાળવું. હેન્ડલ નોબ હોય કે ટ્રેન થીએટર બસ ફ્લાઈટની સીટ. આલ્કોહોલિક એજન્ટસ વાઈરસને ખતમ કરે છે. માટે ચહેરા-હાથને તેનાથી સાફ કરવા ! પ્યાસીઓ, ધીરા રહેજો. આલ્કોહોલ પીવાને આ સાથે લાગતું વળગતું નથી. થોડા કલાકો બહાર જીવતા વાઈરસની વાત છે ! સાબુથી વારંવાર હાથ ધોવાનું કે સેનેટાઇઝર વાપરવાનું રાખવું. બહારનું જંક ફૂડ ન ખાવું, જરૂર વિનાનો અનહાઈજેનિક સ્પર્શ ટાળવો.  ફોરેનમાં ઇબોલા વખતે કોણી અડાડી અભિવાદન કરવાની કે લિફટના બટન દબાવવાની ટેવો શરુ થયેલી !

માણસ અજાણતા પણ દિવસમાં હજારો વખત ( જી હા, હજારો ) એના ચહેરાને અડયા કરે છે. આંખ, નાક,મોંના 'ટી શેપ'ને સ્પર્શવાનું ઘટાડવું. ચેપ એનાથી વધુ આવે. આ નેચરલ રિસ્પોન્સ હોઈને સહેલું નથી. ઉલટું સાઇકિક થઇ જાય ઘણા ને ગિલ્ટ અનુભવે હાથ મિલાવીને કે ખુદના ફેસને ટચ કરીને ! પછી મનોરોગી થઇ સતત હાથ જ ધોયા કરે એમ પણ બને ! કોરોના વાઈરસ અતિશય ઝડપી જીવલેણ બધા માટે નથી.એ સારા સાથે ખરાબ સમચાર એટલે છે કે એનો ચેપ એ શરીરમાં ગુપ્ત રહે ત્યારે સાદી શરદી તાવ લાગતા બીજે ફેલાય.માટે છીંક ને ઉધરસથી એ અમુક અંતરે ફેલાતો હોઈને એના દર્દીઓએ વાતોમાં માસ્ક ન પહેરે તો છ ફીટનું અંતર રાખવું જોઈએ. નિર્જીવ ફોન જેવી સપાટી પર એ કેટલા કલાક કે દિવસ ટકી રહે એમાં મતભેદ છે. માટે સ્પિરિટ કે આલ્કોહોલના પોતાથી એ સાફ રાખવા. ખાંસી કે છીંક વખતે આડો આપણો હાથ નહિ, પણ કોણી રાખવી એટલે ઝટ આંગળીથી એનો ચેપ પાછો બીજે ન જાય !

એન્ડ ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ-રેસ્ટ, ઈટ એન્ડ સ્લીપ વેલ ! માણસને નિદ્રાની ભેટરોગપ્રતિકારશક્તિ મજબૂત કરીને વિષાણુઓ સામે મુકાબલો કરવા સજ્જ થવા તો મળી છે ! કોરોના નાના બાળકોને તરત ઝપેટમાં નથી લઇ શક્યો. બાળકો ઊંઘ આવે ત્યારે સુવે છે ને ભૂખ લાગે ત્યારે મોટે ભાગે પૌષ્ટિક ખોરાક ખાય છે,ને એમના સેલનો ગ્રોથ ઝડપી છે. માટે આરામમાં જ રામ છે વાઈરલ ઇન્ફેકશન કોઈ પણ હોય તો.

ફાસ્ટ ફોરવર્ડ 

નમસ્તેની બોલબાલામાં જે હેન્ડશેક સાઈડ પર રહી ગયો એ ગર્મજોશી વાળું હસ્તધૂનન કેમ આવ્યું બધે ? બે અજાણ્યા મળે ત્યારે હાથ મેળવી હાથમાં હુમલો કરવાની હથિયાર નથી એ બતાવી વિશ્વાસ જીતવા !

Tags :