નામદાર નક્કી કરો આને 'હેટ સ્પિચ' કહેવાય કે નહીં
હોરાઈઝન - ભવેન કચ્છી
'સરકાર, સંસદ અને સુપ્રીમ કોર્ટ બંધારણનું રક્ષણ કરી શકે તેમ લાગતું નથી. આપણે શેરી પર ઉતરી
અહિંસક આંદોલન સાથે મેલી મુરાદને ડામીને જંપીશું' એક્ટિવિસ્ટ હર્ષ માન્દરના ભાષણનો વિવાદ
CAAના વિરોધમાં ચાલતા આંદોલને દિલ્હીમાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું તે માટે જલદ ભાષણો કેટલા જવાબદાર ?
સી એ એ (નાગરિક સુધારા બીલ)ના વિરોધમાં પ્રસરતા જતા આંદોલન તરફથી દેશ આખાનું ધ્યાન હાલ કોરોના વાયરસનાં ખોફ તરફ ફંટાઈ ગયું છે. આંદોલને ગયા મહીને દિલ્હીમાં જે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને ૨૭ના મૃત્યુ તેમજ હજારથી વધુ ઘાયલ થયા હતા તેના લીધે માનવ અધિકારના સંદર્ભે વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં અત્યારે બે જૂથો વચ્ચે કેસ ચાલી રહ્યા છે.
નિવૃત્ત આઈ એ એસ અધિકારી અને એકટીવિસ્ટ હર્ષ માંદર સહિતના એક જૂથે દિલ્હીની કોમી પ્રકારની ટારગેટેડ અને ભારે શરમજનક પાશવી હિંસાની ઘટના માટે ભાજપના અનુરાગ ઠાકુર , પરવેશ વર્મા અને કપિલ મિશ્રા જેવા નેતાઓ કે જેઓએ આંદોલનકારો દેશદ્રોહીઓની ટોળકી છે અને તેઓને ઉડાવી દેવી જોઈએ તેવી સ્પીચને જવાબદાર ગણી કડક સજાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે તો બીજી તરફ સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ આંદોલનકારોને ભડકાવતી એકટીવિસ્ટ હર્ષ માન્દરની સ્પીચને તોફાન માટે સ્ફોટક ભૂમિકા સમાન ગણાવી પગલા લેવાની માંગ કરી છે. જો કે સુપ્રીમ કોર્ટે આ મામલે બંને પક્ષોને ખાસ કોઈ દાદ નથી આપી. સરકારની નજરે કન્હૈયા કુમાર અને હર્ષ માન્દરના ભાષણમાં કોઈ ફર્ક નથી. હર્ષ માન્દરે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સીટીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લઘુમતીઓની હાજરીમાં જે ભાષણ આપેલું તેની ઝલક લઈએ તે પહેલા હર્ષ માન્દરનો આછેરો પરિચય મેળવીએ.
હર્ષ માન્દરે આઈ એ એસ અધિકારી તરીકે મધ્ય પ્રદેશ અને છત્તિસગઢમાં બે દાયકા સુધી આદિવાસી વિસ્તારના ઉત્કર્ષ માટે ફરજ બજાવી હતી પણ ૨૦૦૨માં ગુજરાતમાં જે કોમી હિસા ફાટી નીકળી હતી ત્યાર પછી તેમનું હૃદય હિંસામાં જેઓ માર્યા ગયા તેમના કુટુંબીઓની હાલત જોઈ દ્રવી ઉઠયું હતું. કેટલાયે નાગરિકો બેઘર પણ બની ગયા હતા. હર્ષ માન્દરે તેમની ક્લાસ વન નોકરીને તિલાંજલી આપી આવા અસરગ્રસ્તો તેમજ માનવ અધિકારનું જતન કરવામાં તેમનું બાકીનું જીવન સમપત કરી દેવાનો નિર્ણય લીધો હતો. હર્ષ જમીન, મજદૂર, ફેરિયાઓ, ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબો, દલિતો, કોઈ એક ચોક્કસ સમુદાય પર હુમલો થાય તો તેમની કાયદાકીય ન્યાય અને સુરક્ષા માટે લડનારા અને આરોગ્યના હક્કોની સમાનતા માટે પણ કાર્યરત છે. અમદાવાદની આઈ આઈ એમમાં પણ આવા વિષયોને વિશ્વ પરિપ્રેક્ષ્યમાં મુલવીને તેઓ લેકચર આપવા આવતા હોય છે.
હવે જોઈએ હર્ષ માંદરનું વિવાદાસ્પદ ભાષણ અને તમે જ નક્કી કરો કે તેમાં કેટલી પારદર્શકતા છે. શ્રોતાઓ છે જામિયા યુનિ.ના વિદ્યાર્થીઓ અને સી એ એની વિરુદ્ધના શાહીન બાગ જેવા આંદોલનકારીઓ.
'હું આજે એક સૂત્રને જન્મ આપીશ. આપણે શા માટે આ લડત કરીએ છીએ અને લડત કરનાર આપણે કોણ? આ આંદોલન સૌથી પહેલા આપણા દેશ માટેનું છે તે પછીનાં ક્રમે બંધારણની રક્ષા માટેનું અને તે પછી કોઈ અંગત લગાવ કે પ્રેમ માટેનું છે. વર્તમાન કેન્દ્ર સરકારે માત્ર આ દેશના મુસ્લિમ ભાઈઓ અને બહેનોને નથી પડકાર્યા કે તેઓ સામે યુદ્ધ માત્ર જાહેર નથી કર્યું પણ આઝાદીના આંદોલન વખતે આપણા રાષ્ટ્રના ઘડવૈયાઓએ જેવા ભારતનું સ્વપ્ન સેવેલું તેને ચકનાચૂર કરવા તરફ તેઓ દેશને લઇ જઈ રહ્યા છે.
આઝાદ થયા પછી દેશ કેવો હોવો જોઈએ તેની ચોક્કસ રૂપેરી કલ્પના સ્વાતંત્ર્યના સેનાનીઓએ સજાવી હતી. એક એવો દેશ જ્યાં તમે ઈશ્વરને માનો કે અલ્લાહને કે પછી કોઈને પણ ન માનો તો પણ સમાન દ્રષ્ટિ સાથે સુખેથી રહી શકો. તમે કઈ જાતિના છો કે કઈ ભાષા બોલો છો તે પણ મહત્વનું નહીં હોય. તમે ગરીબ હો કે શ્રીમંત બધાને સમાન માનવીય અભિગમથી જ જોવાશે અને તે રીતે તેઓ જોડે સમાન સન્માનથી વર્તન થશે. તમામના સમાન હક્કો રહેશે.
આજે એવી સ્થિતિ છે કે દેશના એવા લોકો કે જેઓએ આઝાદીના જંગમાં ક્યારેય ભાગ નથી લીધો કે બલિદાન નથી આપ્યું તેઓ આ દેશના મુસ્લિમોને ભારત દેશ માટેના તેમના પ્રેમ અને વફાદારીના પુરાવા માંગે છે. જે મુસ્લિમ બિરાદરો ભારતમાં છે તેમના પૂર્વજોએ તેમની પસંદગીથી ભારતને ગળે લગાવ્યું હતું. તેઓ પાસે આઝાદી વખતે પાકિસ્તાન જવાનો વિકલ્પ હતો છતાં. જ્યારે મુસ્લિમ સિવાયના ભારતીયોને આ દેશમાં રહેવાની જ એક માત્ર તક હોઈ તેઓ તો અહીં જ હોવાના.(તેમાં કઈ નવું નથી)
આજે જે પણ લોકો સરકારમાં છે તેઓ એવું પુરવાર કરવા માંગે છે કે પાકિસ્તાનના સ્થાપક ઝીણા તેમની માન્યતા અને જીદમાં સાચા અને ગાંધીજી ખોટા હતા. મને લાગે છે કે તેમની પાર્ટીનું નામ ભારતીય જનતા પાર્ટીની જગાએ ભારતીય જિન્નાહ પાર્ટી હોવું જોઈએ. ઝીણાએ કહેલું કે ભારત એક નહીં બે દેશ હશે. મુસ્લિમ પાકિસ્તાન અને હિંદુ ભારત. આપણે આ સરકારને એમ કહેવા માંગીએ છીએ કે તમામ ધર્મો , સામાજિક અને આથક ભિન્ન વર્ગોને સમાન હક્ક હોવા જોઈએ. તમને જે લોકો તમારી રાષ્ટ્રીયતા અંગે પૂછે છે કે તમારા હક્કો છીનવી લેવા માંગે છે તેઓને પડકારવા માટેનું આ આંદોલન છે. દેશના બંધારણને કે જેણે આપણને પ્રેમ અને મિત્રાચારીથી બાંધી રાખ્યા છે તેના આત્માનું રક્ષણ કરવા માટેની આ લડત છે.
આપણે તે માટે દેશની શેરીઓ અને સડકો પર ઉતરી આવ્યા છીએ. આપણે આપણી આ લડાઈ સંસદના માધ્યમથી નહીં જીતી શકીએ કેમ કે આપણા જે નેતાઓ પોતાને બિન સાંપ્રદાયિક ગણાવે છે તેઓની નૈતિક હિંમત નથી કે આ માટે લડત આપે. તેવી જ રીતે આ લડાઈ સુપ્રીમ કોર્ટ પણ આપણને જીતાડી નહિ શકે. આપણે સુપ્રીમ કોર્ટના એન આર સી, અયોધ્યા,આર્ટીકલ ૩૭૦ નાબુદી જેવા કેસમાં જોયું છે કે સુપ્રીમ કોર્ટ માનવવાદી અભિગમ, સમાનતા અને બિન સાંપ્રદાયિકતાનું રક્ષણ કરવામાં નિષ્ફળ નીવડી છે. આમ આપણી લડતનો આખરી અંજામ સંસદ કે સુપ્રીમ કોર્ટ નહીં આપે. તે આપણે જ દેશવ્યાપી શેરીએ શેરીએ ઉતરીને આંદોલન છેડીને જ ન્યાય મેળવીને જ જંપીશું. અલબત્ત આપણો આ માટેનો માર્ગ અહિંસક અને ગાંધી ચીંધ્યો જ હોવો જોઈએ અને તે સિધ્ધાંતો પ્રમાણે આગળ ધપીશું.
જરા વિચારો કે આપણા દેશનું ભવિષ્ય કઈ તરફ જઈ રહ્યું છે તે કેવું લાગે છે?આપણા બાળકો માટે આપણે કેવું ભારત છોડીને જવા માંગીએ છીએ?આવા બધા પ્રશ્નોનો ઉકેલ શેરીઓમાં જ નહિ આપણા હૃદય અને મનના દ્રઢ સંકલ્પથી બહાર આવવો જોઈએ. તેઓ (આપણી સામેની સરકાર અને બહુમતી નાગરિકો) હિંસાનો માર્ગ અપનાવશે. આપણને તે માટે મજબુર કરશે. મહેરબાની કરીને તેઓની ચાલમાં ભરમાશો નહીં. આપણે બે ટકા હિંસાથી જવાબ આપીશું તો બદલામાં તેઓ ૧૦૦ ગણી હિંસા સાથે જવાબ આપશે. આપણે ભારે સંયમ સાથે અહિંસક આંદોલન જારી રાખીશું.ગાંધીજીને આપણા આદર્શ બનાવી રાખીશું. સરકારના તત્વો અંધકાર ફેલાવવાનો પ્રયત્ન કરે તો આપણે સામે પ્રકાશનું કોડીયું પ્રગટાવીશું. ધિક્કાર ફેલાવવાના ષડયંત્રમાં ફસાતા નહીં... બંધારણ અમર રહો .. આપસનો પ્રેમ અમર રહો.'
તો આવું હતું હર્ષ માન્દરનું ભાષણ જે સંસદ, સુપ્રીમ કોર્ટ અને વર્તમાન સરકાર આપણા બંધારણની રક્ષા કરવામાં નિષ્ફળ નીવડયું છે તેમ નિર્દેશ કરે જ છે પણ સરકારનો તો ઈરાદો જ લઘુમતીને ટાર્ગેટ કરવાના પૂર્વનિયોજિત ષડયંત્ર સમાન છે તેમ પણ હર્ષ સોઈ ઝાટકીને કહે છે. તેમના ભાષણમાં સૌથી આવકાર્ય બાબત એ છે કે તેઓશ્રી આંદોલનને અહિંસા અને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ ધપાવવાની અપીલ કરે છે. ભારત જેવા લોકશાહી દેશમાં હર્ષ માન્દરના ભાષણને રાષ્ટ્રદ્રોહી કે ધિક્કારની લાગણી ફેલાવતું તો ન જ કહી શકાય. જો કે ભાષણમાં જે લોકશાહી, સુપ્રિમ કોર્ટ અને સંસદના નેતાઓના સંદર્ભમાં હતાશા વ્યક્ત કરાઈ છે તેને લીધે પાકટ અને ઠરેલ ન હોય તેવા નાગરિકો હિંસા તરફ વળી શકે છે. કેટલીક વખત વક્તાનો ઇરાદો પણ ચાલાક હોઈ શકે છે. ગાંધીજી અને અહિંસાના માર્ગની વાત કરી આંદોલનકર્તાઓને તેઓ ઉશ્કેરાય તેવું આબાદ પેકિંગ પણ ભાષણમાં થઇ જ શકે.
અલબત્ત હર્ષ માન્દરે આવું કર્યું છે તેમ કહેવાનો ઇરાદો નથી પણ ટોળાના માનસને પરખવું કઠિન હોય છે. હર્ષ માન્દરની તુલનામાં ભાજપના નેતાઓ દ્વારા 'આંદોલનકારોને ગોળીએ ઉડાવી દેવા જોઈએ' તે વાક્ય કોઈપણ સંદર્ભમાં ગુંડાઓ જ બોલી શકે તે જાણવા સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોવાની પણ જરૂર નથી. દેશની એકતાના ફેબ્રિક્સને ભારે હાની આવા નેતાઓ પહોંચાડી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ સખ્ત શબ્દોમાં આવા તત્વોને જાહેરમાં ખખડાવી શિસ્ત ભંગના પગલા જાહેર કરવા જોઈએ. ચુંટણી પંચ કે સુપ્રીમ કોર્ટની રાહ શું કામ જોવી. જો હાઈ કમાન્ડ તેમ નહિ કરે તો બધા એવું માનવા લાગશે કે આડકતરી રીતે ભાજપની આ ચાલ છે. મોટા નેતાઓ ન બોલી શકે તે મેસેજ અને ભાષા મધ્યમ કે નાના કદના નેતાઓના મોંએ મુકવામાં આવે છે.
તો બીજી તરફ જે પણ એક્ટીવિસ્ટ છે તેઓ જે સમુદાય માટે અવાજ ઉઠાવતા હોય તેઓ પાસે પણ દેશને શું અપેક્ષા છે અને આઝાદી પછી તેઓ ક્યા ક્ષેત્રમાં હજુ સુધારો અને પરિવર્તન લાવી શકે તેમ છે તેનો ખુલ્લા દિલથી સંવાદ કરવો જોઈએ. ખરેખર તો બહુમતી અને લઘુમતી, ઊંચ કે નીચ તે શબ્દ જ પરીભાષાથી દુર થઇ જવો જોઈએ. દેશ માટે તેમના નાગરીકો દ્વારા યોગ્ય અને આદર્શ વર્તન અને પ્રદાન કેવું હોઈ શકે તે જ ધ્યેય હોવો જોઈએ. જો કોઈ સમુદાયને સી એ એ કે પછી એનસીઆર અંગે કાલ્પનિક ભય હોય તો તે હરગીઝ ચલાવી ન લેવાય. હા, અમલીકરણમાં જે પડકારો કે અંતરાયો ઉદ્ભવી શકે તેની ચર્ચા માટે એકટીવિસ્ટો માધ્યમ બની શકે. શા માટે અત્યારથી જ જાણે આઝાદી વખતના ભાગલા જેવા દ્રશ્યો વર્તમાન સરકાર સર્જશે તેમ ભયનું વાતાવરણ જોવા મળે છે અને ભાષણમાં પણ તે જ ઝેર ફેલાવાય છે તે સમજાતું નથી.હર્ષ મંદાર જેવા આંદોલન નેતા જાતે જ માથે પાઘડી પહેરી લે છે કે વડાપ્રધાન મોદી તેના જેવા માટે 'અર્બન નક્શલ' શબ્દનું પ્રયોજન કરે છે.
એક સવાલ એ પણ થવો જોઈએ કે સી એ એ કે દેશની નાગરિક નોંધણી જેવા સરકારના નિર્ણયની સામે ગાંધીજી હોત તો તેમણે આંદોલન છેડયું હોત? શાહીન બાગમાં બેઠા હોત? ગાંધીજીએ અંગ્રેજ જેવા શાસકો કે જેઓએ આપણા દેશનો કબજો લઈને આપણને ગુલામ બનાવ્યા હતા તેઓ સામે આઝાદીનું આંદોલન કર્યું હતું. પ્રત્યેક ઘરેલું અને તે પણ બેઈમાન ઈરાદા સાથેના દેશભરમાં છાશવારે થતા ફૂટપાથિયા આંદોલન કે જ્યાં મંચ પાછળ જઈને ઠંડા પીણાની ચુસ્કીઓ અને ફાસ્ટ ફૂડના બાઈટ લઇ લેવાતા હોય તેવા અહિંસક ધરણા જોડે ગાંધીજીનું નામ જોડવું તે રાષ્ટ્રપિતાનું અપમાન કહેવાય. સંવાદ કેળવીએ અને ગેરસમજ દુર કરીએ તે જ વર્તમાન સમયની આવશ્યકતા છે.