અતિ સૂક્ષ્મ બેક્ટેરિયા અને વાઈરસની દુનિયામાં ડોકિયું
હોટલાઈન - ભાલચંદ્ર જાની
કદમાં અતિસૂક્ષ્મ છતાં સમસ્ત દુનિયાને ધમરોળનાર....
ભગવાન નામનો જાદુગર તેના કોથળામાંથી એક પછી એક નવા જીવાણુ અને વિષાણુ બહાર કાઢી ધરતી પરની સમતુલા જાળવી રાખે છે
'માનવી પર અંકુશ રાખવા કુદરતે ડાયનોસોર જેવાં વિકરાળ અને વિરાટ પ્રાણીઓને બદલે માત્ર સૂક્ષ્મ જીવાણુથી જ કામ ચલાવી લીધું. કાળા માથાના માનવીને આ પામર જીવો ઘણા બધા પાઠ શીખવી શકે છે.' આવું કહેનાર જર્મન જીવશાસ્ત્રી ડોક્ટર રોબર્ટ કોચ સાવ સાચા લાગે છે કારણ કે દર વર્ષે સવા કરોડથી વધુ લોકો જંતુજન્ય રોગોને કારણે મૃત્યુ પામે છે.
તાજેતરમાં જ કોરોના વાઇરસે જે રીતે આખા વિશ્વમાં દેકારો બોલાવ્યો છે એ જોતાં સમજી શકાય કે નરી આંખે પણ ન દેખાય તેવા વિષાણુ માનવજાતને કેટલી પાંગળી બનાવી શકે છે. જોત જોતામાં વિશ્વના ૭૦થી વધુ દેશોમાં ફેલાઇ ચૂકેલા આ વાઇરસે મહિનાની અંદર ૩૫૦૦થી વધુના જાન લીધા છે.
એઈડ્સ, કમળો, મેલેરિયા, ટાઈફોઈડ, કોલેરા, ન્યુમોનિયા, ફ્લુ, ગાલપચોરિયા, શીતળા, ઓરી, અછબડા જેવા અસંખ્ય રોગોની વાત છોડો, શરદી જેવા રોજિંદા રોગ ફેલાવતા વિષાણુઓ પર પણ વિજ્ઞાાનીઓ વિજય મેળવી શક્યા નથી. કેન્સરની સામે મેડિકલ સાયન્સની કોઈ કમાલ કારગત નીવડે એ પહેલાં તો એઈડ્ઝના વાઈરસે વિશ્વભરમાં ભયાનક હાહાકાર મચાવી દીધો છે. (કેન્સર કોઈ જીવાણુ કે વિષાણુને કારણે થતો નથી.)
ચોમાસુ આવે એટલે રોગચાળાનો વાયરો ફાટી નીકળે છે. લોકો ઘરમાં પાણી ઉકાળીને પીવા લાગે. ક્લોરિન, ફટકડીના ઉપયોગથી માંડીને જાતજાતના વોટર ફિલ્ટરનો વપરાશ વધી જાય.
સાવચેતી માટે જરૂરી એવા ગમે તે ફિલ્ટર કે ગમે તેટલી સચોટ વૈજ્ઞાાનિક પધ્ધતિઓ માણસ અપનાવે, પણ ભગવાન નામનો જાદુગર તેના કોથળામાંથી એક પછી એક નવા જીવાણુ અને વિષાણુ બહાર કાઢી ધરતી પરની સમતુલા જાળવી રાખે છે. અસંખ્યરોગ ફેલાવતા બેક્ટેરિયા અને વાઈરસ વિશે જેમ વધુને વધુ સંશોધન થતું જાય છે તેમ કુદરતની એકથી એક ચડિયાતી કરામતો આપણને ચકિત કરતી જાય છે.
ઉનાળા દરમિયાન, તળાવ, સરોવર અને બીજા જળાશયોની સપાટી નીચે બેસી જાય પછી વરસાદના પહેલા ઝાપટાંથી એનું પાણી ડહોળું બને છે. તળિયે ઠરી ગયેલો કચરો પાણીમાં બીજા અસંખ્ય જીવાણુઓને પેદા કરે છે. એ જ કારણસર ચોમાસા દરમિયાન પાણી ઉકાળીને પીવાની સાવચેતી રાખવામાં આવે છે.
પરંતુ માત્ર પાણી ગરમ કરવાથી રોગના ભયમાંથી મુક્ત થઈ જવાતું નથી. સુક્ષ્માતિ સૂક્ષ્મ જીવાણુઓ શોધી કાઢનાર વિજ્ઞાાનીઓએ (બેક્ટેરિયા લોજિસ્ટે) એવા વાઈરસ પણ શોધી કાઢ્યા છે જેને ૨૫૦ થી ૩૦૦ ડિગ્રી સેન્ડિગ્રેડ ઉષ્ણતામાને પણ મારી શકાતા નથી. કેટલાક લોકો તો પાણી બેસ્વાદ બની જાય એ બીકે માત્ર કહેવા પૂરતું કોકરવરણું ગરમ પાણી કરે છે. પાણીને સો ડિગ્રી જેટલું ગરમ પણ થવા દેતા નથી જ્યારે શૂન્યથી પણ નીચે ૪૦ ડિગ્રી શીતમાન હોય તેવા અતિશય ઠંડા ધૂ્રવ પ્રદેશમાંય અમુક પ્રકારના બેક્ટેરિયા અને વાઈરસ જીવતાં રહી શકે છે. કમળો, કોલેરા કે આંખ આવવાનો રોગચાળો ફેલાય ત્યારે છાપામાં અમુક પ્રકારના વાઈરસ અને બેક્ટેરિયાની વાતો વાંચવા મળે છે. પરંતુ પૃથ્વી પર વસતા દરેક જીવ (માનવી, પશુ-પક્ષી અને બીજા જીવો ઉપરાંત વનસ્પતિ સુધ્ધાં) ની જિંદગી સાથે ચેડાં કરતાં બેક્ટેરિયા અને વાઈરસ વિશે આપણે બહુ જ ઓછું જાણી છીએ.
વાઈરસ એટલે કે વિષાણુઓની શોધ થઈ નહોતી ત્યારે વિષાણુજન્ય રોગો દૈવી પ્રકોપથી થાય છે એમ માની લેવામાં આવતું. દાખલા તરીકે બાળલકવા એક પ્રકારના વાઈરસથી થાય છે, પરંતુ મેડિકલ સાયન્સ પાસે આ રોગના વિષે કોઈ નિદાન નહોતું ત્યાં સુધી મોટાભાગના લોકો તેને દૈવી કોપ તરીકે ઓળખાવતા. ગ્રામ્યપ્રજામાં આજે પણ કેટલાક માને છે કે સંધ્યા સમયે કોઈ બહાર ખુલ્લામાં સૂતું હોય તો સંધ્યાદેવીનો અદ્રશ્ય રથ તેના પગ ઉપરથી ફરી જતાં એના પગ જડ બની જાય છે!
શીતળાના રોગનો ઈલાજ શોધાયો ન હતો અને શીતળાની રસી વિકસાવવામાં આવી નહોતી ત્યાં સુધી આ રોગ માટે પણ દૈવી કોપનું કારણ અપાતું. શીતળા રસી તો છેક ૧૭મી સદીમાં શોધાઈ હતી પરંતુ તેનો વ્યાપક ઉપયોગ ૧૯૨૦ પછી (ભારતમાં ૧૯૪૦ પછી) થવા લાગેલો. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે ૧૯૪૯ પછી શીતળાનો રોગચાળો ફેલાયો હોવાનો એક પણ કિસ્સો વિશ્વમાં ક્યાંય નોંધાયો નથી. (એકલ દોકલ કેસની આ વાત નથી.)
ઢોકળાં કે પાઉં પકવવા માટે સૂક્ષ્મ બેક્ટેરિયા કે અમુક પ્રકારની ફૂગનો ઉપયોગ થતો જ હોય છે જે ઘણાના ખ્યાલ બહાર છે. બહુ ઓછી બહેનો જાણતી હશે કે દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયામાં નરી આંખેય ન દેખાય એવા સૂક્ષ્મ જીવાણુ કામ કરે છે. દહીં લાંબો સમય મૂકી રાખવામાં આવે અને તે ખોટું થઈ જાય ત્યારે તેમાં જંતુ દેખાય છે. પરંતુ આપણા ખાવાલાયક દહીંને પણ સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ તપાસી એ તો તેમાં અસંખ્ય બેક્ટેરિયા હલનચલન કરતાં જોવા મળે. અલબત્ત, આ જાણ્યા પછી દહીં ખાવાનું છોડી દેવાય નહીં. કારણ કે દહીંના એ બેક્ટેરિયા શરીર માટે બિલકુલ હાનિકારક નથી તેમ જ ખાટાં ઢોકળાં કે હાંડવા જેવી વાનગીમાં આથો લાવવાની પ્રક્રિયા છે તે આથોય અમુક બેક્ટેરિયા થકી જ આવે છે. સાદી સમજ માટે આપણે બેક્ટેરિયાને, જીવાણુ અને વાઈરસને વિષાણુ કહીં એ તે સગવડ પૂરતું ચાલે, પરંતુ જીવશાસ્ત્રીઓ આ બેમાં જે મોટો તફાવત જુએ છે તે મુજબ બેક્ટેરિયા સૂક્ષ્મ હોવા છતાં માઈક્રોસ્કોપ હેઠળ જોઈ શકાય છે. ટાંચણીની અણી પર દસ હજારથી પણ વધુ બેક્ટેરિયા સમાઈ શકે છે. પરંતુ વાઈરસ તો તેનાંથી ય વધુ સૂક્ષ્મ હોય છે. તેને જોવા ચાલુ માઈક્રોસ્કોપ નહીં, ખાસ પ્રકારના ઈલેક્ટ્રોન-માઈક્રોસ્કોપ વાપરવા પડે. તેના વડેય વાઈરસ સીધેસીધા દેખાતા નથી. તેના દર્શન કરવા બાયોલોજિસ્ટે ઉપકરણ વડે તેની તસવીર પાડી તેને હજારો ગણી મોટી કરીને જોવી પડે.
બેક્ટેરિયાને એકકોષી જીવ પણ કહી શકાય. સૂર્યમંડળમાં પૃથ્વીની ઉત્પત્તિ થયા પછી ધરતી પર પહેલો જે જીવ વિકસ્યો તે બેક્ટેરિયા હોવાનું મનાય છે. એક અંદાજ પ્રમાણે ૩૦ ટ્રિલિયન (૩૦ હજાર અબજ) બેક્ટેરિયા ભેગા કરો ત્યારે તેનું કુલ વજન ૨૮ ગ્રામ (એક ઔંસ) થાય. માઈક્રોબાયોલોજિસ્ટ બેક્ટેરિયાનું માપ માઈક્રોનમાં માપે છે. એક માઈક્રોન પ્રમાણે ૦.૦૦૦૦૪ ઈંચ થાય. મોટાભાગના બેક્ટેરિયા ૦.૨ થી ૫૦ માઈક્રોન જેટલી લંબાઈ ધરાવતા હોય છે. અત્યાર સુધીમાં જીવશાસ્ત્રીઓએ બેક્ટરિયાની ૨૦૦૦ થી વધુ જાતો શોધી કાઢી છે. જેમાં કેટલાય બેક્ટેરિયા તો એવી સ્થિતિમાં રહે છે. જ્યાં પૃથ્વી પરનો બીજો કોઈ જીવ લાંબો સમય અસ્તિત્વ જ ન ધરાવી શકે. પૃથ્વીથી ૧૦ કિલોમીટરની ઊંચાઈએ જ્યાં હવા પણ ન હોય એવા વાતાવરણમાં ય બેક્ટેરિયા મળી આવ્યા છે. સમુદ્રની સૌથી વધુ ઊંડાઈએ જ્યાં પ્રચંડ દબાણ હોય ત્યાં પણ આ પ્રકારના બેક્ટેરિયા અને વાઈરસ મળી આવ્યા છે. 'એન્ડોર્સવોર' તરીકે ઓળખાતાં બેક્ટેરિયા તો સૌથી શક્તિશાળી જીવાણુ હોવાનું માનવામાં આવે છે. કારણ કે તેને મારી નાખવા ૩૦૦ ડિગ્રીથીય વધારે ઉષ્ણતામાન ધરાવતી વરાળમાં કલાકો સુધી તેને રાખવા પડયા હતા.
વાઈરસ તો વળી બેક્ટેરિયાથી પણ સૂક્ષ્મ હોય છે. તેને માપવા માઈક્રોન નહીં પણ 'એંગ સ્ટ્રોમ' નામનું નવું એકમ વિજ્ઞાાનીઓેએ અપનાવવું પડયું. એક એંગસ્ટ્રોમ બરાબર એક ઈંચનો એક લાખમો ભાગ થાય! તમન ેકદાચ પ્રશ્ન થશે કે આટલા સૂક્ષ્મ વિષાણુ કોણે કેવી રીતે શોધી કાઢ્યા હશે?
અમુક રોગ એક વ્યક્તિને થાય પછી તેનો ચેપ બીજાને લાગે છે તેના માટે અમુક પ્રકારના અતિ સૂક્ષ્મ જીવાણુઓ જવાબદાર છે તેવી થિયરીની રજુઆત સૌ પ્રથમ ૧૯૪૬માં ઈટાલિયન ડોક્ટર ગીરોલામો ફાકાસ્ટોરોએ કરી હતી. અલબત્ત તેણે આ પ્રકારના જીવાણુઓને જોયા વગર જ તેમને 'સેમીનારિયા' (જીવાણુ) એવું નામ આપી દીધેલું. બેક્ટેરિયા અને બીજા અતિ સૂક્ષ્મ જીવાણુઓને જોવાનું સદ્ભાગ્ય સૌપ્રથમ એક ડચવતનીને પ્રાપ્ત થયું. મૂળ ચશ્માના કાચનો ધંધો કરનારો એન્ટોનીવાન લીઉવેનહુક નામનો એ વેપારી એકવાર દાંત ખોતરી રહ્યો હતો. કારણ કે દાંતમાં કોઈ ખાદ્ય પદાર્થ ભરાઈ જવાથી દુખાવો થતો હતો. દાંત ખોતરતાં ખોરાકનો કૂચો બહાર નીકળ્યો ત્યારે કુતુહલતાપૂર્વક જ તેણે એક બિલોરીકાચ નીચે એને તપાસ્યો તોે તેમાં હલનચલન કરતાં અસંખ્ય જંતુ દેખાયા. આ અનુભવ વર્ણવતાં તેણે કહેલું કે : 'નેધરલેન્ડની વસતિ કરતાં પણ વધુ સંખ્યામાં સૂક્ષ્મ જંતુઓ કલાત્મક રીતે હલનચલન કરતાં હતાં....!'
આ આકસ્મિક શોધ પછી તો એણે જુદા જુદા કાચ વડે જાત જાતનાં માઈક્રોસ્કોપ બનાવ્યા. બેક્ટેરિયા ઉપરાંત પ્રોટોઝોઆ, યીસ્ટ, બીજા ફૂગના પ્રકાર અને માઈક્રોબ્સ (સૂક્ષ્મ જીવો)ની અસંખ્ય જાતો શોધી કાઢી. માઈક્રોસ્કોપની શોધ વગર બેક્ટેરિયાને લગતું શાસ્ત્ર (બેક્ટેરિયોલોજી) ક્યારેય વિકસી શક્યું ન હોત અને તેથી જ લીઉવેનહુકને આ શાસ્ત્રના પિતા ગણવામાં આવે છે.
પાતળા સળિયા જેવા લાંબા આકારના બેક્ટેરિયા સૌથી વધુ જોવા મળતા હોવાથી ગ્રીકભાષામાં સળિયા માટે વપરાતા શબ્દ 'બેક્ટેરિયન પરથી બેક્ટેરિયા શબ્દ ઉદભવ્યો.
બેક્ટેરિયાની માફક વાઈરસની શોધ પણ આકસ્મિક રીતે થઈ હતી. ડીમિત્રી ઈવાનોવસ્કી નામનો રશિયન વનસ્પતિશાસ્ત્રી તમાકુને નુકસાન પહોંચાડતા રોગિષ્ઠ જીવાણુ પર અભ્યાસ કરતો હતો ત્યારે એકવાર તેણે રોગિષ્ઠ તમાકુનો રસ ફિલ્ટરમાં નાખી સ્વચ્છ બનાવવા પ્રયત્ન કર્યો ગમે એવા સૂક્ષ્મ જીવાણુ પણ પસાર ન થઈ શકે એવાં ફિલ્ટર વાપર્યા છતાં તેનો ગાળેલો રસ તમાકુના તાજા છોડ પર નાખ્યો ત્યારે છોડનેય રોગ લાગુ પડયો. ત્યાર પછી ઢોરો પર પ્રયોગ કરીને બેક્ટેરિયાથી ય સૂક્ષ્મ એવા અમુક જીવાણુ શોધી કાઢ્યા જે ફિલ્ટરમાંથી પણ પસાર થઈ જાય છે.
૧૯૪૦માં ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપની શોધ થયા પછી પહેલીવાર વિજ્ઞાાનીઓને વાઈરસ જોવા મળ્યા. ત્યાર પછી તો વાઈરસની રચના, તેની જાતો, તેના ગુણધર્મો વિશે ખૂબ જ ઊંડુ સંશોધન થયું જે હજુય ચાલી રહ્યું છે.
બેક્ટેરિયા અને વાઈરસને લગતી ખૂબીની વાત એ છે કે આ બંને જીવ એક કોષી છે. તેમનું પ્રજોત્પાદન ઘણું જ ઝડપી હોય છે. લેબોરેટરીમાં બેક્ટેરિયા કે વાઈરસને ઉછેરવાની ટેક્નિક માટે 'કલ્ચર' શબ્દ વપરાય છે. તેમાં જોવામાં આવ્યું કે સાનુકૂળ સંજોગોમાં એક બેક્ટેરિયા કે એકવાઈરસનો કોષ છ કલાકમાં પાંચ લાખ બીજા જાતભાઈ પેદા કરે છે!
પીવાનાં પાણી, દૂધથી માંડીને દરેક પ્રકારનાં ખોરાકમાં આ સૂક્ષ્મ જીવો ક્યારે ઘુસી જાય છે તેની આપણને ખબર પડતી નથી. રસ્તા પર પિવાતા શેરડીના રસથી માંડીને ફાઈવસ્ટાર હોટેલમાં પીરસવામાં આવતાં ટીન પેક ફ્રૂટ જ્યુસમાં પણ 'ઈ-કુલી' નામના બેક્ટેરિયા જોવા મળે છે.
નાનાં બાળકો બહુ ગળ્યું ખાય ત્યારે પેટમાં કરમ પડે છે એવી માન્યતા છે. વાસ્તવમાં દરેક વ્યક્તિના શરીરમાં વધતા ઓછા પ્રમાણમાં કરમ હોય જ છે. આંતરડામાં અને જઠરમાં રહેતા આ કરમ એક પ્રકારના બેક્ટેરિયાનાં સ્વરૂપ જ છે પરંતુ શરૂઆતમાં સૂક્ષ્મ સ્વરૂપે રહેતા એ જીવાણુ અનુકુળ વાતાવરણમાં મળતાં ૬ ઈંચ સુધી લાંબા કરમિયા બની શકે છે.
મનુષ્યના શરીરમાં કુદરતે એક એવી અટપટી ગોઠવણી કરી છે જેને વિજ્ઞાાનીઓ આજ સુધી સંપૂર્ણ સમજી શક્યા નથી. કોઈ પણ જીવાણુઓ કે વિષાણુઓ શરીર પર ત્રાટકે ત્યારે શરીરની અંદર રહેલી પ્રતિકાર શક્તિ તેની સામે લડે છે. જીવાણુઓની આસુરી સેના સામે લડતું આ લશ્કર 'એન્ટી બોડીઝ' (રોગપ્રતિકારક શક્તિ) કહેવાય છે પરંતુ રોગ ફેલાવતા દરેક વિષાણુ કે જીવાણુ સામે લડવા દરેક માનવી એક સરખી શક્તિ ધરાવતો નથી.
દરેક તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં રોજ ૩૬૦ અબજ લાલ રક્તકણોનો નાશ થાય છે. આખા શરીરમાં પ્રાણવાયુનો પુરવઠો પહોંચાડતા આ રક્તકણો વૃધ્ધ થાય અથવા શારીરીક ઈજાને કારણે તેને ધસારો પહોંચે ત્યારે નાશ પામે છે. અને નષ્ટ થયેલાં આ રક્તકણોનું સ્થાન અસ્થિમજ્જા (બોનમેરો) માંથી પેદા થતા રક્તકણો લે છે. તમને પ્રશ્ન થશે કે રોજ આટલી મોટી સંખ્યામાં નાશ પામતા રક્તકણોનું શું થતું હશે, એ તો લોહીમાં કચરારૂપે ગણાય. પરંતુ અહીં કુદરતની બીજી એક કરામત કામ કરે છે. નષ્ટ થયેલા લાલ કણો શરીરની પ્રતિકાર શક્તિ કેળવતા એન્ટીબોડીઝના કામમાં પરોવાઈ જાય છે.
મોટાભાગની વ્યક્તિઓનાં શરીરમાં જંતુજન્ય રોગો ફેલાવે એવા વિષાણુઓ પેસી જવા છતાં તેની પ્રતિકાર શક્તિ આવા જંતુને હંફાવી શકે ત્યાં સુધી રોગનાં લક્ષણો દેખાતાં નથી. જે ઘડીએ વ્યક્તિના શરીરમાં થોડી ઘણી પણ નબળાઈ આવે કે તરત જ શરીરમાં પ્રવેશી ચૂકેલા જીવાણુ એન્ટીબોડીઝને ગાંઠયા વગર પોતાનું સામ્રાજ્ય ફેલાવી હરતીફરતી તંદુરસ્ત વ્યક્તિને રોગી બનાવી માંદગીના બિછાને સુવાડી દે છે!
એઈડ્ઝના દરદીઓમાં પણ એવું જોવામા ંઆવ્યું છે કે શરીરના શ્વેતકણોમાં ટી-હેલ્પર લિમ્ફા સાઈટેસ નામનાં શ્વેતરક્તકણો નબળા પડે ત્યારે એઈડ્ઝના વાયરસ વધુ વકરે છે. એઈડ્ઝ રોગ પહેલાં સ્ટેજમાં હોય ત્યારે બિલકુલ ખબર પડતી નથી. પછી જેમ જેમ રોગના વાઈરસ શરીરની પ્રતિકાર શક્તિને સંપૂર્ણપણે પોતાના વશમાં કરી લે ત્યારે દરદી મોતના મુખ સુધી જઈ પહોંચ્યો હોય છે.
વાઈરસ શરીરમાં પ્રવેશ્યા પછી પોતાની ઘૂસણખોરી પકડાય નહીં તે માટે શરીરના સંત્રી એવા એન્ટીબોડીઝને છેતરવાનો પ્રયત્નો પણ કરે છે. અમુક પ્રકારના વાઈરસ શરીરમાં પ્રવેશ્યા પછી આકાર અને રંગ બદલે એટલું જ નહીં, તેના કોષ માનવીના લોહી અને માંસપેશીઓના કોષો સાથે ભળી જઈ નવા જ વાઈરસ પણ પેદા કરી શકે છે. એઈડ્ઝના વાઈરસ તો એટલી ધીરી ગતિએ કામ કરતા હોય છે કે કોઈ એક વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી બે થી પાંચ વર્ષના લાંબાગાળે રોગ ઉથલો મારે છે.
શરદી જેવા સામાન્યરોગ અને એઈડ્ઝ જેવા સંહારક રોેગના વાઈરસ મેડિકલ સાયન્સને ગાંઠતા નથી તેનું કારણ વાઈરસની છળકપટ નીતિ છે. શરદીનો ચેપ લગાડનાર ૧૦૦ જેટલા પ્રકારના વાઈરસ હોય છે જે એકબીજાથી જુદા પડે છે. તેનો સામનો કરવો હોય તો કયા વાઈરસથી શરદી થઈ છે તે પહેલાં શોધી તેને ખતમ કરવા માટેની એન્ટીબાયોટિક દવા વાપરવી પડે.
અમેરિકાના 'નેચર' નામના સામયિકમાં વિસકોનસીન યુનિવર્સિટીના કેટલાક વિજ્ઞાાનીઓએ જાહેર કર્યું કે શરદીના વાઈરસની આખી જાત શોેધી કાઢવા તેમણે કમ્પ્યુટરની મદદથી શરદીના વાઈરસના વંશવેલાનો નકશો તૈયાર કર્યો છે. આ વાઈરસને અત્યારે માત્ર એચ.આર વી-૧૪ નામ આપવામાં આવ્યું છે.
ટાઈફોઈડના બેક્ટેરિયા વળી માનવીના શરીરમાં ઘૂસીને જુદા કામ કરે છે જે લોકોને એકવાર ટાઈફોઈડ થાય તેને બીજીવાર આ રોગ થતો નથી. આ પાછળનું કારણ સમજાવતા વિજ્ઞાાનીઓ કહે છે કે ટાઈફોઈડના જીવાણુ શરીરમાં ગયા પછી દર્દી ભલે માંદો પડે, પણ આ રોગમાંથી તે સાજો-નરવો બહાર આવે ત્યાં સુધીમાં તેના શરીરના એન્ટીબોડીઝ ટાઈફોઈડના જીવાણુ સાથે એવી દોસ્તી કરે છે કે ફરીવાર બહારના જીવાણુઓ એ વ્યક્તિ પર ત્રાટકીને તેને ટાઈફોઈડમાં માંદો પાડી ન શકે!
વાઈરસની બાબતમાં જંતુશાસ્ત્રીઓ બીજી એક વાત પૂરી સમજી શક્યા નથી તે એ છે કે અમુક પ્રકારના વાઈરસ અમુક ચોક્કસ વર્ષના ગાળા પછી એકાએક ઉપાડો લે છે. હેલીનો ધૂમકેતુ દર ૭૬ વર્ષે દેખાય છે તેમ ફ્લુના વાઈરસ દર ૧૦ થી ૧૨ વર્ષે વિશ્વના કોઈને કોઈ દેશ પર ત્રાટકે છે. ૧૯૧૮માં ફ્લુનો રોગચાળો ફેલાયો ત્યારે વિશ્વના ૫૦ કરોડ લોકો આ બીમારીમાં સપડાયા હતા અને બે કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યાર પછી ૧૯૪૬, ૧૯૫૮, ૧૯૬૮, ૧૯૭૬ અને ૧૯૮૬ તથા ૨૦૦૭માં પણ ફ્લુનો રોગચાળો વિશ્વના અનેક દેશોમાં ફાટી નીકળેલો. ૧૯૩૪ અને ૧૯૮૬ વચ્ચેના ગાળામાં જુદા જુદા દેશોમાં ૪૧ વાર આ રોગચાળો ફેલાયો છે.
ઓસ્ટ્રેલિયા અને બ્રિટનના કેટલાક જીવશાસ્ત્રીઓ ખગોળશાસ્ત્રીઓ સાથે મળીને એવી શક્યતા ચકાસી રહ્યા છે કે શું ફ્લુ અને એવી બીજી બીમારી ફેલાવતા વાઈરસ અવકાશમાં બીજા કોઈ સ્થળેથી તો નહીં આવતા હોય ને? અમેરિકા કે રશિયાના અવકાશયાત્રી યાત્રા પૂરી કરીને પાછા પૃથ્વી પર આવે પછી તેમને અમુક દિવસ હવાચુસ્ત કાચના ઓરડામાં રાખવા પડે છે. એની પાછળનું એક કારણ એ કે બદલાયેલા વાતાવરણ અને હવાના દબાણને કારણે તેમના શરીર પર વિપરીત અસર ન થાય. પરંતુ બીજું મહત્ત્વનું કારણ એ છે કે તેઓ અવકાશમાંથી કોઈ વિચિત્ર વાઈરસ કે બેક્ટેરિયા સાથે લઈને આવ્યા હોય અને પૃથ્વી પર આવતાવેંત એકબીજાના સંપર્ક દ્વારા ફેલાવા લાગે તો રોગચાળો ફાટી નીકળે એટલે દરેક પ્રકારના સંભવિત વિષાણુઓથી મુક્ત કર્યા બાદ જ તેમને એરટાઈટ ઓરડામાંથી બહાર નીકળવા મળે છે.
જાતજાતના રોગો માટે કારણભૂત મનાતા વાઈરસ અને બેક્ટેરિયાને હંફાવવા વિજ્ઞાાનીઓએ માત્ર એક જ પધ્ધતિ વિકસાવાની છે, એ છે જીવાણુ અને વિષાણુને માનવીના શરીરના કોષો પર સવાર થઈ જતા અટકાવવાની. બીજા જીવિત કોષો વગર આ જીવાણુ જીવતા રહી શકતા નથી કે વિકાસ સાધી શકતા નથી એટલે આ પધ્ધતિ વિકસાવવામાં સફળતા મળે એવી દવા, રસી કે કોઈ રીત શોેધી શકાય તો શરદીથી એઈડ્ઝ સુધીના ઘણા રોગો પર અંકુશ લાવી શકાય.
અમેરિકા અને બ્રિટનના જીવશાસ્ત્રીઓએ બેક્ટેરિયાની મદદથી એઈડ્ઝ લ્યુકેમિયા, પ્લેગ, રક્તપિત્ત અને બીજા રોગો સામે શરીરની પ્રતિકારશક્તિ વધારે એવી રસી બનાવવાનાં કેન્દ્રો સ્થાપ્યાં છે. વારસાગત રીતે ખોડ ઉતરી આવતી હોવાથી જિંદગીભર ઠિંગુજી બની રહેતાં બાળકોનો વિકાસ વધે તેવા હોર્મોન્સ વધારવા પણ બેક્ટેરિયાનો ઉપયોગ થઈ રહ્યો છે. ડાયાબિટીસના દર્દીને ઈન્સ્યુલીનનાં ઈન્જેક્શન લેવાં ન પડે અને શરીરમાં જ જરૂરી ઈન્સ્યુલીન પેદા થવા માંડે તે માટેના બેક્ટેરિયા પણ વિકસાવાઈ રહ્યા છે.
બેક્ટેરિયા અને વાઈરસને લગતાં સંશોધન કરતી લેબોરેટરીમાં જરા સરખી પણ ભૂલ થાય તો કોઈ નવા જ પ્રકારનો રોગચાળો ફેલાવતા વિષાણુ ઉત્પન્ન થઈને માનવજાતમાં હાહાકાર મચાવી દે. આવું ન બને એ માટે બાયોલોજિકલ રિસર્ચ લેબોરેટરીમાં અત્યંત કડક જાપ્તો રાખવો પડે છે. કહે છે કે કોરોના વાઇરસ પણ આ જ રીતે વુહાન (ચીન)ની લેબોરેટરીમાંથી પ્રયોગો દરમિયાન છટકી જતાં રોગચાળો ફેલાયો છે.
બ્રિટનમાં વિલ્ટ શાયર ખાતેની આવી એક લેબોરેટરીનો દાખલો લઈએ તો તેમાં પ્લેગ અને શીતળાની રસીની સાંઠ લાખ શીશીઓ ખૂબ જ તોતિંગ ડીપ ફ્રિઝરમાં સાચવી રાખવામાં આવે છે. બહારના કોઈ વિષાણુ આ લેબોરેટરીમાં ભળી જઈને કંઈક નવી ઉપાધિ ઊભી ન કરી દે એ માટે લેબોરેટરીના સ્ટાફના દરેક સભ્ય પર કડક નજર રાખવામાં આવે છે. એકાદ કર્મચારી અગાઉથી જણાવ્યા વગર કામ પર ગેરહાજર રહ્યો હોય અથવા કામકાજના સમયે આઘાપાછા થાય તો તરત જ તેની ઝડતી લેવામાં આવે છે. આવા કડક જાપ્તા પાછળનું કારણ એ છે કે અગાઉ એક કર્મચારી કુતુહલવશ એક સીરમને અડક્યો પછી બીજા દિવસે તે કામ પર આવ્યો નહીં. તપાસ કરતાં ખબર પડી કે તેને પ્લેગ થયો હતો.
બેક્ટેરિયા કે વાઈરસ અંગે સંશોેધન કરતી પ્રયોગશાળામાં વિજ્ઞાાનીઓ સંશોધન માટે ઉપયોેગમાં લેવાતા ઉપકરણોને પણ રબરનાં મોજા પહેર્યા વગર અને બીજા રક્ષણાત્મક કપડાં વગર અડતા નથી. જાણેઅજાણે પણ જીવાણુના સંસર્ગમાં આવી ન જવાય તેની પૂરતી કાળજી લેવી પડે છે. મુંબઈ કે અમદાવાદની સાર્વજનિક હોસ્પિટલોમાં કમળાના દર્દીની સારવાર કરનારા ડોક્ટરો-નર્સોનેય રોગ ફેલાવતા હેપેટાઈટીસ -બીના વાઈરસ ભક્ષી ગયા હતા. દર્દીને અપાતી ઈન્જેક્શનની સોય કે બીજાં વાસણો-વસ્ત્રોને જંતુરહિત કરવામાં જરાસરખી ઊણપ રહે તો આ વાઈરસ તેના સંસર્ગમાં આવનારને કમળાનો દર્દી બનાવી દઈ ખતમ કરવા મથે છે.
જીવાણુ અને વિષાણુના આ માયાવી રહસ્યો માનવીને હંમેશાં હંફાવતા જ રહેશે કે શું? સૂક્ષ્મતાને કારણે આપણે તેને પામર કહીએ છીએ. પરંતુ આ પામરો અબજોની સંખ્યામાં પેદા થાય ત્યારે ફૂંફાડા મારતા ચીની ડ્રેગનને પણ ઢીલો ઢફ કરી નાંખે છે.