તાળું અને કૂંચી .
આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ
કુદરતનો ખજાનો હંમેશા ખુલ્લો જ રહેવાનો. જ્યાં જ્યાં માનવસર્જિત તાળા છે ત્યાં ત્યાં અવિશ્વાસનું, સંશયનું ઝરણું પણ હોવાનું...
તાળુ અને કૂંચીનો આપણે સુરક્ષા માટે ઉપયોગ કરીએ છીએ પણ એની ઉત્પત્તિના મૂળમાં માણસજાત પ્રત્યે થયેલો અવિશ્વાસ છે એનું શું ? ચોરી જેવી વૃત્તિ-પ્રવૃત્તિ જ સમાજમાં ના હોત તો તાળા-કૂંચીની સમાજને જરૂર પડત ખરી ? તાળાં દુર્જનોને લોભાવે છે તો ક્યારેક સજ્જનોને લલચાવે પણ છે.
ઘર હોય કે ગોદામ, બેંક હોય કે પેઢી, મોલ હોય કે મંદીર જ્યાં જ્યાં કંઈક ને કંઈક કિંમતી ખજાનો છે, તે ચોરાઈ ના જાય તે માટે લોખંડનું કે પિત્તળનું, સોનાનું કે રૂપાનું તાળુ હોવાનું... તાળ એટલે તાળું. માણસમાં વિશ્વાસ ન રહ્યો એટલે તાળમાં વિશ્વાસ મુકયો... સજીવમાં શ્રદ્ધા ન રહી એટલે નિર્જીવને સહારે ગયા... તાળું લટકે છે - એટલે ત્યાંથી મહેમાનો અને ચોરો પાછા ફરી જાય છે. તાળુ નહિ હોય એવી અપેક્ષાથી આવનારાઓને તાળુ ધક્કો પહોચાડે છે. નિરાશા વ્યાપી વળે છે. આગંતુકના હર્દય ઉપર પ્રકૃતિએ ક્યાંય ખજાનાને તાળાં માળ્યા છે ? ના એ ખજાનો મહત્વનો નથી ?
માણસને માણસ પર અવિશ્વાસ જનમ્યો એ અવિશ્વાસનું ફળ તાળું છે બેંકના લોકરો એ તાળાં છે તિજોરીઓને તાળા હોય છે. જેલના દરવાજે અને મંદિરના દરવાજે પણ તાળાં જ હોય છેે. તાળાંનું કામ સંરક્ષવાનું, સાચવવાનું એટલે જ તો એમને રખવાળિયાં કહેવામાં આવતાં માનવ નિર્મિત બધા જ ખજાના તાળાબંધ હોવાના. એ તાળાં ગમે તેટલા તોતિંગ હોય તો પણ એ તુટે તો છે જ. એ પટારાનું હોય કે પેટીનું, કબાટનું હોય કે ઘરનું, તિજોરીનું હોય કે મંદિરનું, તાળું તુટે છે. તાળાં ખજાનો સાચવે છે અને આશ્વાસન છે, એ તાળાં માનવીની વૃત્તિઓને વકરાવે છે, બહેકાવે છે, નિસ્તકોટિએ લઈ જાય છે. ગુનેગારોની સંખ્યા તાળાવાળા પ્રદેશમાંજેટલી હશે એટલી સંખ્યા તાળા વગરના પ્રદેશમાં કદાચ જોવા નહિ મળે એ ઘટના શું સૂચવે છે ?
તાળા એ આશ્વાસન અવશ્ય પૂરી પાડે, ઘડીક નિરાંતજીવ પણ કરી શકે પણ હંમેશને માટે આપણને ફફડાટ જતો નથી. કાયમી ફફડાટ મુકત થઈ શકતા નથી કેમ ? ડર છે કદાચ તાળુ તુટે તો ? ભૌતિક ખજાના અને ભૌતિક તાળા કાયમી નિરાંતનો પરિચય ક્યારેય ન કરાવી શકે એવી કાયમી નિરાંત તો કુદરતની પાસેથી જ પ્રાપ્ત થાય - નહી ને, દરિયાને, આકાશને, કુવાને, ધરતીને ક્યાંય તાળા જોયાં ? શું એ ખજાના નથી ? એ કુદરતી ખજાના છે. લૂંટાય એટલા લૂંટો... જ્ઞાાનના ભંડારો છે - ખાલી કરાય એટલા કરો.. કશું ખુટવાનું નથી પછી એને તાળા શા માટે ? આપણે તો લૂંટાઈ ગયા પછી, જે કશું નથી બચ્યું એની નિરાશામાં સરી ન પડીએ એટલે તાળાં મારીએ છીએ તાળા એ રીતે બચાવ પ્રયુક્તિ છે.
દુકાનો, ઓફિસો, ઘર, રાજમહેલ, ભંડારા, ભંડારો, ગોદામો, બેંકો, દેવળો, મંદિરો જેવા સ્થળોએ તાળા જ તાળા !! તાળા ને લોક, રખવાળીયું, ખંભાતી વગેરે નામે ઓળખવામાં આવે છે... માનવમનને આશ્વાસન પુરુ પાડનારાં તાળાં એ માનવમનની સરજત છે... માનવને થોડીક ધરપત થાય છે, ખજાનો સચવાઈ રહ્યાની પ્રતીતિ થાય છે... માનસિક શાંતિ રહે છે.. અલબત ઊંડે ઊંડે તો ફફડાટ જ હોય છે.
કોઈ કીડીએ, કોઈ હાથીએ, કોઈ પ્રાણીએ પોતાનો ખજાનો સાચવવા તાળા માર્યા છે ? એ પ્રાણીઓના ભાવિનું શું ? શુ, પક્ષીને તાળાનો વિચાર નહિ આવતો હોય ? પ્રકૃત્તિ સ્વભાવથી જ તાળા રહિત છે. કુદરતનો ખજાનો હંમેશા ખુલ્લો જ રહેવાનો. જ્યાં જ્યાં માનવસર્જિત તાળા છે ત્યાં ત્યાં અવિશ્વાસનું, સંશયનું ઝરણું પણ હોવાનું...
તાળુ એક તરફ હૈયાધારણ આપે છે બીજી તરફ એ જ તાળુ હૈયાને ફફડાટ પણ નોતરે છે. તાળુ જ્યારે માલિક દ્વારા બંધ થાય... ત્યાં સુધી માલિક ખોલે ત્યાં સુધી બંધ રહે ત્યારે એ તાળું કશુંક સાચવે છે - રક્ષણ કરે છે. એવું સાંત્વન રહે છે પણ જ્યારે એ તાળુ અન્ય કોઈથી ખુલે કે તૂટે ત્યારે એજ તાળુ વિશ્વાસઘાત કરે છે... આ કેવું ? જ્યારે તાળું કૂંચીથી વસાય છે ત્યારે એ જ જડતાળા ઉપર તાળુ વાસનારને કેવો વિશ્વાસ હોય છે, અને તાળું પણ કેવું મોં બંધ કરીને ચુપચાપ, નિર્જીવ સંત્રીની અદામાં ટટ્ટાર ઊભું રહે છે !
પોતાની જવાબદારી નિભાવવાની જાણે ખાતરી આપતું ના હોય ! જ્યાં જ્યાં કશુંક ચોરાઈ જવાની ભીતિ છે ત્યાં ત્યાં તાળાને અવકાશ છે... એને વાસનાર ઉપર જેટલો પ્રેમ હોય છે એટલો જ પ્રેમ એને ખોલનારો પણ કરે છે - તાળુ કોણ ખોલે છે - એ મહત્વનું છે. કૂંચી ચોરને પણ માલિક બનાવી દે- એમ પણ બને. મોબાઈલ કે ક્રેડીટ કાર્ડના ગોપનીય નંબરો એ તાળાં જ છે - પણ એ જ્યારે કોઈ જાણી જાય તો ? તમારો ખજાનો છૂ...
સમસ્યાઓથી માણસ ઘેરાઈ જાય, પલટાયેલી પરિસ્થિતિ માણસને અવાક બનાવી દે ત્યારે માણસ મુંઝારો અનુભવે છે. જ્યારે માણસ બે સહાય, લાચાર બની જાય ત્યારે પણ જે અનુભૂતિ કરે છે તે એક પ્રકારનું તાળું છે. પ્રત્યેક સમસ્યા તાળું છે. પ્રત્યે મુંઝારા તાળું છે - પ્રત્યેક કોયડા ઓ તાળુ છે અને ખોલવા માટેની ભેદી ચાવીની જરૂર છે. એ ચાવી આપણે ખોઈ નાખી છે જે આપણે જ શોધી કાઢવાની છે. ધર્મગ્રંથો વેદો, પુરાણો, ગીતા, સંતપ્રવચનો જેવા સ્થળોએ એ ચાવી પડેલી છે. માણસ જાતે અન્યત્ર લટકવા કરતાં નિર્ધારિત સ્થળેથી એ ચાવી ગોતી કાઢવી જોઈએ અને પોતાની સમસ્યાઓનો માર્ગ શોધી કાઢવો જોઈએ. એ ચાવી આપણા જીવનનું મોતી બની જાય છે.
એક છાત્રાલય હતું તેમાં એવો નિયમ કે બાળકો બહાર જાય તો પોતાના કમરાને તાળું મારી ને જ જાય.. પણ એમાંથી કેટલાક બાળકો તાળુ ના મારે.. એટલે છાત્રાલયના ગૃહપતિને બાળકોને બોલાવીને ધમકાવે.. છોકરાઓ દલીલમાં એમ કહે - અમારા રૂમમાં એવો કોઈ ભારે ખજાનો નથી કે કોઈ ચોરી જાય અને બધાં બાળકો મિત્રો જેવા છે અમને વિશ્વાસ છે કે રૂમમાંથી ચોરીનહિ જ થાય એટલે અમે તાળું મારતા નથી.. પછી ગૃહપતિ હળવેથી તે બાળકોને કહેવા લાગ્યા - તમે બહુ જ સારા જ છો... પણ ક્યારેક કોઈ સારી વ્યક્તિના મનમાં પણ ખરાબ વિચારો આવી જવાની શકયતા રહેલી છે. તેથી જોે તમે તાળુ મારો તો કોઈ સજ્જન ચોર ના બની જાય...
આપણા દેશની સીમાઓ ઉપર સમુચિત પ્રબંધનો અભાવ હોય તો પડોશી દેશો એના પર હુમલો કરે કે પ્રવેશ કરી પોતાનો કબજો જમાવી દે એ બનવા જોગ છે. એટલે તાળાં દુરિત વૃત્તિઓને ભડકાવે છે - લલચાવે છે પણ સજ્જનોની સદ્વૃત્તિઓને સાચવે પણ છે...
તાળુ એ જડપદાર્થ હોવા છતાં એ જડતાંમાં પણ વિશ્વાસ પરોવી માણસને એની પાસેથી કામ કાઢવા કોશિશ કરી છે. જડપદાર્થો સાથે પણ આત્મીય સંબંધ સ્થપાય તો એ આપણને ચોક્કસ અનુકુળ થાય છે.. કયારેક અજ્ઞાાનમાં સડતો સમાજ પણ તાળામાં બંધ છે એમ જ કહેવાય.... 'તાળા વસાવાં', 'તાળા મારવાં' જેવા રૂઢિપ્રયોગમાં સામેનો માણસ સમસ્યાઓમાં ઘેરાઈ જાય અથવા એનો વંશ અટકી પડે. એવો અર્થ થાય છે. પ્રત્યેક તાળાનાં લગ્ન કોઈ ચોક્કસ ચાવી સાથે થયેલા હોય છે. એ અર્થમાં તાળું એ આત્મા હોય તો ચાવીને પરમાત્મા ગણીએ - એ બંનેના મિલનથી જનમારો સુધરી જતો હોય છે.
કૂંચી એટલે યુક્તિ, ઉપાય... મુક્ત કરવાનો માર્ગ કૂંચીઓ ખજાનાથી માલિક બને છે પણ ક્યોરય ખજાનાનો અહમ એણે કર્યો નથી... ચાવીઓ ખોવાઈ જાય છે ત્યારે જ પ્રશ્નો સર્જાય છે... ચાવીઓ જ સાચવવી પડે છે. ચાવીઓ જ ઉકેલ છે... એટલે જ નવી વહુની બરાબર કસોટી કર્યા પછી જ ઘરના પટારાની ચાવી સાસુ એના હાથમાં આપે છે.. આપણે પણ આપણા જન્મારાની ચાવી પરમાત્મા ને સોંપી દઈનેેે સુરક્ષાનો અનુભવ કરીએ છીએ.. એ કેવડી મોટી વાત છે !
ભવોભવનાં કર્મોના બંધનોમાં સપડાયેલા જીવોનાં કંઇ જનમારાનાં વસાઇ ગયેલાં કે કટાઇ ગયેલા તાળાં કોઇ ગુરૂના એકાદ શબ્દથી કે એકાદા લસરકાથી ખુલી જતાં હોય છે - એ વાત પણ પ્રત્યેક વ્યક્તિએ સમજી લેવી જોઇએ.