Magazines

વસંત ચિત્તની ઋતુ છે, હૃદયની અવસ્થા છે

By GS TEAM
14 Feb 20262 mins read
વસંત ચિત્તની ઋતુ છે,  હૃદયની અવસ્થા છે

- લેન્ડસ્કેપ - સુભાષ ભટ્ટ

સૌંદર્ય ખાતર મેં જીવનની આહુતી આપી. હજુ ભાગ્યે જ કબર સાથે દોસ્તી થઈ ત્યાં બાજુમાં જ કોઈ સત્યના શહીદને પણ દફનાવવામાં આવ્યો. તેણે કોમળ સ્વરમાં મને પૂછયું 'તું શેના ખાતર પરાજીત થઈ?' મેં ઉત્તર આપ્યો 'સૌંદર્ય ખાતર.' તે બોલ્યો 'હું સત્ય ખાતર, બન્ને એક જ છે.  આપણે મિત્રો છીએ!' - એમિલી ડિકીન્સન 

જીવન અવકાશમાં ઉડાન ભરવા માટે સત્ય અને સૌંદર્ય બે પાંખો છે. આ સત્ય અને સૌંદર્ય જીવવાનું કે મરવાનું કારણ હોઈ શકે. બુદ્ધિ અને હૃદયનું કે સ્વપ્ન અને વાસ્તવિકતાનું કોકટેલ જ જીવન જીવવાનો નશો બનાવે છે. આ વસંત -તુ તો  છે, જીવનમાં બહેકવાનો સમય! રોબીન વિલિઅમ્સ તો કહે છે 'વસંત એટલે પ્રકૃતિની એ કહેવાની અદા, આવો પાર્ટી કરીએ'

જીવન-પ્રેમીમાં આસ્થા, પ્રતીક્ષા અને પ્રાર્થના છલોછલ હોય છે તેથી જ તેને બધે અર્થ અને આનંદ દેખાય છે. તે દરેક પળને કલાકૃતિ જેમ માણી શકે છે, દરેક સ્થળને કાવ્ય જેમ પામી શકે છે. અદ્દભુત જર્મન કવિ રિલ્કે તો કહેતો 'વસંત ફરી આવી. પૃથ્વી એક  એવું બાળક છે જેને કાવ્યો આવડે છે.' વસંત ચિત્તની ઋતુ છે.  હૃદયની અવસ્થા છે. તેનામાં સ્વયં જીવનને જ પ્રેમિકા બનાવી નાખવાની ક્ષમતા છે. આપણે સૌ તો જીવન કોરસમાં ગીતો ગાવા આવ્યા છીએ અને વસંત તો આપણી રિમાઇન્ડર છે. કમનસીબે, આપણે જગતના વ્યાપારમાં સાંજ પાડી દઈએ છીએ-ગીત અધૂરા રહે છે. વસંત તો ખુલ્લી બારી -બારણામાંથી માણવાનો કોન્સર્ટ છે. જીવન કોઈ પરફેક્ટ મોમેન્ટ નથી પણ આપણે પળને જીવીને સદીની મોજ લેવાની છે. એકવીસ આવતીકાલો કરતા આ સામે  આવીને ઉભેલી પળ મૂલ્યવાન છે. દરેક દિવસને પરમની  ગિફ્ટ ગણી રેપર અનફોલ્ડ  કરવાનું છે. આખરે તો  સૌંદર્ય અને સર્જન તો ઘડે છે આત્મતત્વને. લ્યુથર બરબેન્ક આપણને સલાહ આપે છે 'કોઈ તમારી માટે ફૂલો લાવે તેની રાહ ન જુઓ તમારું ઉપવન રચો અને આત્માને શણગારો.'

આપણા જીવન સૌંદર્યના વિશ્વકવિ રવીન્દ્રનાથ તો પૂછે છે, 'વસંતમાં શું માત્ર ખીલેલાં જ ફૂલોનો મેળો ભરાય છે? સુક્કા પાંદડાં અને ખરેલાં ફૂલની રમત જોતા નથી?' પાનખર અને વસંત એક જ જીવન-ચૈતન્યના બે આયામો છે.

કદાચ જીવન કોઈ; વ્યાખ્યાન નથી કે તાળીઓનો  ગડગડાટ  જોઈએ, સભા નથી કે શ્રોતાઓનું ટોળું જોઈએ, 

ભવાઈ નથી કે સંગીત મંડળી જોઈએ,  લગ્ન મંડપ નથી કે ઝળહળાટ જોઈએ.. 

જીવન તો આપણો  રાગ અને આપણું  ગીત, આપણું કેનવાસ અને આપણું ચિત્ર, આપણા  શબ્દો અને આપણું  કાવ્ય! 

જીવન તો કોઈ પરોઢની કે સંધ્યાકાળની આપણી  કેડી અને આપણી લટાર. બસ, ક્યાં જઈએ છીએ તે પૂછયા સિવાય સાથે ચાલવા લાગે તેવો એક દોસ્ત જોઈએ..પછી તો વિલ યુ બી માય વેલેન્ટાઇન? એ દરખાસ્ત વસંત ઋતુને કે સ્વયં જીવનને પણ પૂછી શકાય ?