Get The App

ચુંબન : લાખો વર્ષોની પ્રેમયાત્રા

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
ચુંબન : લાખો વર્ષોની પ્રેમયાત્રા 1 - image

- ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી

વિજ્ઞાનની દુનિયામાં કેટલીક શોધો એવી હોય છે, જે આપણને આપણા પોતાના અસ્તિત્વ વિશે, આપણી લાગણીઓ વિશે અને આપણી સૌથી સ્વાભાવિક વર્તણૂકો વિશે અલગ રીતે વિચારવા મજબૂર કરે છે. આવી જ એક પ્રક્રિયા એટલે : ચુંબન. ચુંબન એક સરળ, સ્વાભાવિક અને રોમેન્ટિક ક્રિયા છે. જે બે વ્યક્તિ એકબીજા માટે પ્રેમ, સ્નેહ અને લાગણી વ્યક્ત કરવા માટે કરે છે. 'યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ' અને 'ફ્લોરિડા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી'ના સંશોધકોએ હમણાં જ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તાજેતરમાં રજૂ થયેલ તેમનું સંશોધન બતાવે છે કે 'લગભગ ૫૦,૦૦૦ વર્ષ પહેલાં આપણા પૂર્વજો એટલે કે પ્રાચીન મનુષ્યો : નિએન્ડરથલ્સ પણ ચુંબન કરતા હતા!'

આ સંશોધન 'એવોલ્યુશન એન્ડ હ્યુમન બિહેવિયર' નામની પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલમાં 'અ કમ્પેરેટિવ અપ્રોચ ટુ ધ ઇવોલ્યુશન ઓફ કિસિંગ' શીર્ષક હેઠળ પ્રકાશિત થયું છે. સંશોધકોએ શોધી કાઢયું છેકે 'આજથી લગભગ ૧.૬૯ થી ૨.૧૫ કરોડ વર્ષ પહેલાં, ગ્રેટ એપ્સના એક સામાન્ય પૂર્વજમાં ચુંબન કરવાની આદત વિકસિત થઈ હતી.' વૈજ્ઞાનિક સંશોધનનું પરિણામ સ્પષ્ટ દર્શાવે છે કે 'ચુંબન એક જૈવિક રીતે વિકસિત વર્તન છે. કોઈ સભ્યતા કે સંસ્કૃતિને લગતી માત્ર સાંસ્કૃતિક શોધ નથી. સામાન્ય વાચકને સવાલ જરૂર થાય કે 'વિજ્ઞાનીઓએ લાખો વર્ષ પહેલા હોમોસેપિયનના પૂર્વજો જેવા ગ્રેટ એપ્સ વર્ગમાં ચુંબન થતું હતું? તેના પુરાવા કેવી રીતે મેળવ્યા હશે? 

- બોનોબો અને માનવની પ્રેમકથા

ચુંબનનો ઇતિહાસ શોધવો એ એક જટિલ પડકાર છે. વિજ્ઞાનીઓ માટે ચુંબન એક 'ઉત્ક્રાંતિમય કોયડો' છે, કારણ 'બોનોબો' વાંદરાઓ, જે આપણા સૌથી નજીકના જીવંત સંબંધીઓમાંના એક છે, સંઘર્ષ ઉકેલવા માટે અને શાંતિ સ્થાપવા માટે પણ ચુંબન કરે છે. જે દર્શાવે છે કે  'ચુંબન માત્ર રોમેન્ટિક વર્તન નથી, પરંતુ સામાજિક બંધન માટેનું એક શક્તિશાળી સાધન છે'. એક સરેરાશ ચુંબન દરમિયાન લગભગ ૮ કરોડ બેક્ટેરિયા, એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જાય છે. આ સંખ્યા ભયજનક લાગે છે, પરંતુ મોટાભાગના બેક્ટેરિયા હાનિકારક હોતા નથી. આપણી રોગપ્રતિકારક શક્તિ તેમની સાથે સારી રીતે લડી શકે છે! આમ છતાં પણ, મનુષ્ય આરોગ્ય માટે આવું જોખમી વર્તન શા માટે વિકસિત થયું હશે? લાખો વર્ષો સુધી આ વર્તણુક કેવી રીતે ટકી રહી હતી?

પ્રાચીન ભારતીય ગ્રંથોમાં માનવ વર્તન અને સંબંધોનો વિસ્તૃત અભ્યાસ મળે છે. વાત્સ્યાયનનું 'કામસૂત્ર', જે લગભગ ૨૦૦૦ વર્ષ જૂનું છે, ચુંબન અને શારીરિક સ્નેહના વિવિધ પ્રકારોનું વૈજ્ઞાનિક વર્ગીકરણ આપે છે. તેમાં ૭ વિભાગ અને ૩૬ પ્રકરણો છે. આ ગ્રંથ માત્ર રોમેન્ટિક માર્ગદર્શિકા નથી, પરંતુ માનવ વર્તનનો એક ગહન અભ્યાસ છે. આધુનિક ભારતીય વિજ્ઞાનીઓ પણ નર્મદા ખીણ અને અન્ય સ્થળોએ મળતા પ્રાચીન માનવ અવશેષોના અભ્યાસમાં સક્રિય છે. આધુનિક વિજ્ઞાનીઓ પ્રાઈમેટોલોજી (વાંદરા અને એપ્સનો અભ્યાસ), ઉત્ક્રાંતિ જીવવિજ્ઞાન, અને આંકડાશાસ્ત્રને એકસાથે લાવ્યા છે. આ જટિલ પ્રશ્નનો જવાબ શોધવાનો માર્ગ વિજ્ઞાનીઓનાં સામૂહિક જ્ઞાને મોકળો કર્યો છે. જેમ એક જટિલ પઝલને ઉકેલવા માટે વિવિધ ટુકડાઓ જોઈએ છે, તેમ આ સંશોધનમાં પણ વિવિધ વિજ્ઞાન શાખાઓનું યોગદાન રહ્યું છે.

ચુંબન અંગેનો વૈજ્ઞાનિક અભ્યાસ મુખ્યત્વે ૨૦મી સદીમાં શરૂ થયો. ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં પ્રાણીશાસ્ત્રીઓએ શોધ્યું કે ચિમ્પાન્ઝી, બોનોબો અને અન્ય પ્રાઈમેટ્સ પણ મોં-થી-મોં સંપર્ક કરે છે. આ માત્ર માનવી પૂરતું જ સીમિત વર્તન નથી. વાંદરાઓની દુનિયામાં પણ ચુંબન પ્રક્રિયા થતી જોવા મળે છે. વાસ્તવમાં, ધુ્રવીય રીંછ, વરુ, અને અલ્બાટ્રોસ પક્ષીઓમાં પણ ચુંબન જેવી વર્તણૂક જોવા મળે છે.

- હોઠોમાં છુપાયેલો ઇતિહાસ 

હાડકાં, ખોપરી કે પથ્થરના સાધનો આપણને આપણા જ ભૂતકાળ વિશે ઘણું બધું કહી શકે છે. પરંતુ ચુંબન જેવી કોમળ, ક્ષણિક વર્તણૂક વિશે, આર્કિઓલોજી મૌન બની જાય છે. ચુંબનનો સીધો પુરાવો પુરાતત્વીય અવશેષોમાંથી મળી શકે નહીં, તો પછી આ રહસ્યને વિજ્ઞાનીઓ કેવી રીતે ઉકેલ્યું છે? તેનો જવાબ સરળ છે : વિજ્ઞાનીઓએ તુલનાત્મક પ્રાણીશાસ્ત્ર અને ઉત્ક્રાંતિના સિદ્ધાંતો અને કોમ્પ્યુટર સીમ્યુલેશન પદ્ધતિનો ઉપયોગ કરીને પરિણામ મેળવ્યા છે. હવે અહીં ઉત્ક્રાંતિના સિદ્ધાંતની વાત આવી છે તો...

ઉત્ક્રાંતિના સિદ્ધાંતની સમજ માટે આપણે ચાર્લ્સ ડાર્વિનના યુગ સુધી પાછા જવું પડે. ૧૮૫૯માં પ્રકાશિત 'ઓન ધ ઓરિજિન ઓફ સ્પીસીઝ' પુસ્તકમાં ડાર્વિને સમજાવ્યું હતું કે 'જીવોની વિવિધ પ્રજાતિઓ એક સામાન્ય પૂર્વજમાંથી વિકસિત થઈ છે.' આ વિકાસ પ્રક્રિયા લાખો વર્ષોમાં થાય છે. અસ્તિત્વ ટકાવવા માટે ઉપયોગી લક્ષણો હોય છે, તે આગળની પેઢીઓમાં વારસાગત રીતે પસાર થાય છે, ટકી રહે છે. મધમાખીઓ કેવી રીતે ફૂલોનો રસ શોધે છે? આ સવાલની માફક માનવ વર્તણૂકો પણ ઉત્ક્રાંતિના લાંબા પ્રવાસનું પરિણામ છે.

નિએન્ડરથલ્સ અંગે આપણી સમજ છેલ્લી બે સદીઓમાં ખૂબ બદલાઈ છે. નિએન્ડરથલ્સ લગભગ ૪,૦૦,૦૦૦ વર્ષ પહેલાં યુરોપ અને પશ્ચિમ એશિયામાં વસ્યા હતા. ૧૮૫૬માં જર્મનીની નિએન્ડર ખીણમાં પ્રથમ વખત નિએન્ડરથલનું હાડપિંજર મળ્યું હતું, ત્યારે વિજ્ઞાનીઓએ તેને એક અલગ માનવ પ્રજાતિ તરીકે ઓળખાવી હતી. તેને નવું નામ 'હોમો નિએન્ડરથેલેન્સિસ' આપ્યું હતું. તેમની શારીરિક રચના 'હોમો સેપિયન્સ'થી થોડી અલગ હતી. મોટું નાક, ભમરનું મજબૂત અને ઉપસેલું હાડકું, અને ટૂંકું પણ મજબૂત શરીર. પ્રારંભમાં તેમને અસંસ્કારી, અશિક્ષિત અને આદિમ માનવામાં આવતા હતા. પરંતુ છેલ્લાં ૫૦ વર્ષોના સંશોધનોએ સાબિત કર્યું છે કે 'નિએન્ડરથલ્સ અત્યંત બુદ્ધિશાળી હતા, તેઓ સાધનો બનાવતા હતા, આગનો ઉપયોગ કરતા હતા, તેમની પોતાની અલગ સંસ્કૃતિ ધરાવતા હતા.' ૨૦૧૦માં વિજ્ઞાનીઓએ નિએન્ડરથલનો સંપૂર્ણ જીનોમ (આનુવંશિક સંકેત) ઉકેલ્યો હતો. જેના ઉપરથી જાણવા મળ્યું છે કે 'આફ્રિકા બહારના આધુનિક મનુષ્યોમાં ૧% થી ૪% જેટલું ડીએનએ નિએન્ડરથલ પાસેથી મળેલ છે.

ફીલ-ગુડ' ફેક્ટરનું  જૈવ-રાસાયણિક ડી-કોડિંગ

જ્યારે બે હોઠ એકબીજાને સ્પર્શે છે, ત્યારે માત્ર એક સાદી ક્રિયા જ થતી નથી. આખું શરીર એક રંગબેરંગી રાસાયણિક ઉત્સવમાં ડૂબી જાય છે. આ ક્ષણે, લાખો વર્ષોના ઉત્ક્રાંતિનો સાર એક સુંદર અનુભવમાં પ્રગટ થાય છે. હોઠના કોમળ સ્પર્શની સાથે જ, મગજમાં ડોપામાઇનના ફુવારા છૂટી પડે છે. જાણે કોઈએ આનંદના દરવાજા ખોલી નાખ્યા હોય. મગજનું રિવોર્ડ સેન્ટર પ્રજ્વલિત થઈ જાય છે. પ્રથમ એેડ્રેનાલિન લોહીમાં ઝડપથી વહે છે. હૃદય પોતાની સામાન્ય ગતિથી અચાનક વિમુખ થઈને ઝડપી ધબકારા મારવા લાગે છે. જે હૃદય મિનિટમાં ૬૦-૭૦ વાર ધબકતું હોય, તે હવે ૧૦૦ કે તેથી વધુ વાર ધબકે છે. રક્તવાહિનીઓ વિસ્તરે છે. ગાલ પર કોમળ લાલાશ ફરી વળે છે. પછી આવે છે ઓક્સીટોસિન.  જેને 'પ્રેમનું રસાયણ' કહે છે. જ્યારે મુક્ત થાય છે, ત્યારે બે લોકો વચ્ચે એક અદ્રશ્ય, પણ અતિ શક્તિશાળી બંધન બંધાય છે. ચહેરાના ૩૪ સ્નાયુઓ એકસાથે સક્રિય થાય છે. હોઠ પરનાં લાખો ચેતાકોષો, સંવેદનાઓને મગજમાં મોકલે છે.જ્યાં પ્રેમની ભાષાનું ડી-કોડિંગ થાય છે.  

 જ્યારે આટલું બધું ઉત્તેજક બની રહ્યું હોય, ત્યારે શરીરનું સ્ટ્રેસ હોર્ર્મોન, 'કોર્ટિસોલ'નું લેવલ ધીમે ધીમે ઓછું થવા લાગે છે. ફેફસાં વધુ ઓક્સિજન ખેંચે છે. જાણે શરીરને આ તીવ્ર અનુભવ માટે વધારાના બળતણની જરૂર હોય. મોંમાં લાળના ગ્રંથીઓ વધુ સક્રિય થઈ જાય છે. આ લાળ માત્ર ભેજ જ નથી આપતી, પણ તેમાં એન્ટીબેક્ટેરિયલ તત્વો હોય છે. જે પ્રાકૃતિક રીતે દાંત અને પેઢાંનું રક્ષણ કરે છે. આ બધી પ્રવૃત્તિમાં માનવ કેલરીઓ પણ બળે છે. એક મિનિટના ઉત્સાહી ચુંબનમાં લગભગ ૨-૬ કેલરી બળી જાય છે. છેલ્લે સેરોટોનિનની સફર શરુ થાય છે. સુખના હોર્મોન સેરોટોનિનથી શરીરમાં તૃપ્ત થઇ છે. માનસિક શાંતિ, સંતોષ, અને એક મધુર થાકનો અનુભવ થાય છે. ચુંબનની થોડી ક્ષણોમાં માનવ શરીર, એક સંપૂર્ણ જૈવિક સંગીત વગાડે છે. રસાયણો, હોર્મોન્સ, સ્નાયુઓ, ચેતાતંત્ર, બધાં મળીને એક અવિસ્મરણીય આનંદ સર્જે છે.  ચુંબન જૈવ-પ્રાકૃતિક કલા છે. માનવ સંબંધોની સૌથી સુંદર બાયો-કેમિકલ અભિવ્યક્તિ છે.

- જૈવિક વારસામાં મળેલી પ્રેમની ભાષા

ચુંબનની વ્યાખ્યા શું?  વિજ્ઞાનીઓએ ચુંબનની જે  વ્યાખ્યા નક્કી કરી, તેનો અર્થ આ મુજબ હતો ઃ 'બિન-આક્રમક, મોં-થી-મોં સંપર્ક જેમાં ખોરાકનું સ્થાનાંતરણ સામેલ ન હોય.' સરળ શબ્દોમાં કહીએ તો, કેટલાક સજીવના માતા-પિતા, પોતાના સંતાનોને પોતે ચાવેલો ખોરાક આપે છે, તે ચુંબન નથી. એટલું જ નહીં કેટલીક માછલીઓમાં જોવા મળતી 'કિસ-ફાઈટિંગ' પણ ચુંબન પ્રક્રિયા નથી. ફક્ત શાંતિપૂર્ણ, સ્નેહભર્યા મોં-થી-મોં સંપર્ક જ, ચુંબનની શ્રેણીમાં આવે છે. આ સંશોધનની પદ્ધતિ અત્યંત નવીન અને વૈજ્ઞાનિક રીતે મજબૂત છે. સંશોધકોએ સૌપ્રથમ આધુનિક પ્રાઈમેટ પ્રજાતિઓ વિષે વૈજ્ઞાનિક સાહિત્યમાંથી ડેટા એકત્રિત કર્યો હતો. તેમણે ચિમ્પાન્ઝી, બોનોબો, ઓરંગુટાન અને અન્ય વાંદરાઓમાં જોવા મળતા, ચુંબન વર્તનનો વિસ્તૃત અભ્યાસ કર્યો. 

વૈજ્ઞાનિક સંશોધનમાં 'બેયેશિયન મોડેલિંગ' નામની આંકડાકીય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મોડેલ પ્રાઈમેટ પરિવારના વૃક્ષની વિવિધ શાખાઓમાં ચુંબન ક્યારે વિકસિત થયું તેની સંભાવના ગણે છે. સંશોધકોએ આ મોડેલને એક કરોડ વાર ચલાવ્યું હતું. જી હા, એક કરોડ વખત! આટલી વિશાળ સંખ્યામાં સિમ્યુલેશન્સ ચલાવવાથી પરિણામો ચોંકાવનારા અને સ્પષ્ટ મળ્યા હતા. જેનો સાર ઃ લગભગ ૧.૬૯ થી ૨.૧૫ કરોડ વર્ષ પહેલાં ગ્રેટ એપ્સના એક સામાન્ય પૂર્વજમાં 'ચુંબન' વિકસિત થયું હતું. વિજ્ઞાન દર્શાવે છે કે 'ચુંબન કોઈ એક માનવ શોધ નથી, પરંતુ લાખો વર્ષો જૂની જૈવિક પ્રવૃત્તિ છે.'

વિજ્ઞાનીઓ કેટલીક ચેતવણીઓ પણ આપે છે. જેને તેઓ જૈવિક નિર્ધારણવાદ તરીકે ઓળખે છે. જૈવિક નિર્ધારણવાદ જણાવે છે કે 'સજીવોમાં બધા જ ગુણધર્મો જનીનો દ્વારા નક્કી થાય છે.' સાચું કહીએ તો આવું માનવું ખતરનાક બની શકે છે. માનવ વર્તણૂક જૈવિક અને સાંસ્કૃતિક બંનેનું મિશ્રણ છે. આપણે સ્વતંત્ર ઇચ્છાશક્તિ ધરાવીએ છીએ. મનુષ્ય પોતાની કામવૃત્તિ અને પ્રવૃત્તિઓને નિયંત્રિત કરી શકે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણથી ચુંબન જૈવિક ક્રિયા હોઈ શકે છે. પરંતુ ચુંબન ક્યારે, કોને, અને કેવી રીતે કરવું? તે સંપૂર્ણપણે હોમોસેપિઅનનો વ્યક્તિગત નિર્ણય છે.