Magazines

રીંગણાં, ટામેટાં, ટીંડોળાં- શું આ શાકભાજીનું કાવ્ય છે?

By GS TEAM
14 Aug 20253 mins read
રીંગણાં, ટામેટાં, ટીંડોળાં- શું આ શાકભાજીનું કાવ્ય છે?

- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર

'બ ધું જ બધે વિખરાયેલું' નામના ઈશાન દોશીના કાવ્યની શરૂઆત આમ થાય છે :

'એક જાડું રીંગણું પડયું યારી રોડ પર

એનો ચમકતો જાંબલી રંગ દેખાયો

ઘરે જતી કામવાળી બાઈને.

આમતેમ જોયું,ઉપાડી લીધું,

રાતે એને ત્યાં બન્યું ઓળાનું શાક

.. ત્રણ ટામેટાં પડયાં વર્સોવામાં

એક ટામેટું કૂતરો ખાઈ ગયો,

એ કૂતરાને ટામેટું ખાતાં જોઈ વિચલિત માણસે

બીજા ટામેટા પર પગ મૂકી દીધો

કચડાયેલું ટામેટું જોઈ ત્રીજું ટામેટું ગભરાઈને

ફૂટપાથના ખૂણામાં અવાજ કર્યા વગર બેઠું

બે લીંબુ પડયાં સાત બંગલામાં

એક કડક લીંબુ આવ્યું કોઈ જાડી સ્ત્રીના પગ નીચે

પગ મરડાયો, કુંભની જાત્રા રદ થઈ

બીજું લીંબુ હતું કોઈ બિલ્ડિંગના ચોકીદારની કબિન પાસે

ચોકીદારની દાળ આજે સ્વાદિષ્ટ બની ગઈ

કાલની દાળ માટે અડધું લીંબુ સાચવી રાખ્યું'

રીંગણું,  ટામેટું, લીંબુ- ત્રણ શાકની વાત થઈ. કાવ્યમાં આગળ જતાં બીજાંયે આવવાનાં છે. તો શું આ શાકભાજીનું કાવ્ય છે? ના રે, શાકભાજીને નિમિત્તે કવિ અલગ જ વિષયને તાકે છે. 'રીંગણું પડયું'- ક્યાંથી પડયું? કેવી રીતે પડયું? ખુલાસો કરાયો નથી. 'જાડી સ્ત્રીનો પગ મરડાયો'- અહીં સ્થૂળ હાસ્ય છે. કોઈના શરીર પર હસવું, કે કોઈને થતા અકસ્માત પર હસવું, તેને ઉત્તમ હાસ્ય ન કહેવાય. 'જાડી સ્ત્રીની કુંભની જાત્રા રદ થઈ' કહીને કવિ કુંભની જાત્રા પર મૂછમાં હસી લે છે.

સરગવાની સીંગનું બંડલ પડયું ચાર બંગલામાં

મર્સિડિસમાંથી ઊતરતી અભિનેત્રીએ

દરવાજો ખોલતાં એ બંડલ જોયું.

પહેલાં ધ્યાન ન આપ્યું,

ખરીદી કરી પાછી આવી

બંડલ ત્યાં જ હતું,

ઉપાડી લીધું, ડ્રાઇવરે રિઅરવ્યૂ મિરરમાંથી નોંધ્યું.

અભિનેત્રીએ સરગવાની સીંગનો સૂપ બનાવ્યો

ડ્રાઇવરને નોકરીમાંથી કાઢયો, એ બહુ બીમાર પડતો હતો.

ભાગતાં ભાગતાં...

મનીષ નગરમાં પડયાં થોડાં ટીંડોળાં

આઝાદ નગરમાં કિલોભર બટેટાં

ગિલ્બર્ટ હિલ રોડ ઉપર લીમડાની મોટી ડાળી,

સાગર સિટીમાં ઘણા બધા કાંદા

જેનો ઉપયોગ થયો ત્યાંનાં અમુક ઝૂંપડાંની મટન અને ચિકન કરીમાં.'

શાક પડતાં જાય છે,ટપોટપ- ચાર બંગલામાં, મનીષ નગરમાં, આઝાદ નગરમાં, હિલ રોડ પર, સાગર સિટીમાં... પગપાળા જઈએ તો મુંબઈના આ વિસ્તારો એક પછી એક આવે. તો શું શાક બધાં પગપાળા ગયાં? જુદે જુદે સ્થળે પડયાં શી રીતે? શાક વેરવિખેર થયાનું કારણ છેક છેલ્લે જાણવા 

મળે છે.

એની લારી સાથે ભાગતો શાકભાજીવાળો પહોંચ્યો

એના વિખરાયેલા ઝૂંપડા પાસે

એનું બધું જ બધે વિખરાયેલું

એની ઘરવાળી રસ્તા ઉપર પડેલાં રીંગણાની જેમ

બુલડોઝરની સામે રડતી, આળોટતી

એનાં બાળકો ત્રીજા ટમેટાંની જેમ ગભરાયેલાં

એની પોતાની આંખોમાંથી અડધા લીંબુનાં ટીપાં જેવાં આંસુ

રસ્તા ઉપર સુકાઈ રહ્યાં હતાં.

એણે બચેલી સરગવાની સીંગ ફેંકી બુલડોઝર ઉપર

પોલીસવાળાએ દંડરૂપે એની લારી પલટી

બધાં જ શાકભાજી ત્યાંથી ભાગી છૂટયાં.

બધું જ બધે વિખરાયેલું.'

શાકભાજીવાળાનું ઝૂંપડું બુલડોઝર હેઠળ કચડાઈ રહ્યું હતું. 'ડેમોલિશન ડ્રાઇવ'ની જાણ થતાંવેંત તે ઘર ભણી ભાગ્યો. લારી છોડીને ભાગે તો રોજીરોટી છિનવાઈ જાય; એટલે હાથલારી ધકેલતો, હાંફળો ફાંફળો ભાગ્યો. તેના માર્ગનો નકશો કવિએ દોર્યો જ છે :  યારી રોડથી સાગર સિટી. આકાશમાંથી ફગાવાતાં વસ્ત્રાભૂષણો વડે જેમ સીતાના અપહરણનો માર્ગ કળી શકાયો હતો, તેમ લારીમાંથી પડતાં શાકભાજી વડે જાણી શકાય કે કાછિયો કયા રસ્તે ગયો. ઘરવખરી પણ બકાલુંની જેમ વિખરાયેલી પડી હતી. ઘરવાળી રસ્તે પડેલા રીંગણાની જેમ આળોટતી હતી. (જાંબલી લૂગડું પહેર્યું હશે?) બાળકોની સરખામણી ગભરાયેલા ટમેટા સાથે, અને આંસુની સરખામણી લીંબુનાં ટીપાં સાથે કરીને કવિએ શાકભાજીની ઉપમા સળંગ જાળવી છે. કાછિયાએ શી રીતે પ્રતિકાર કર્યો? સરગવાની સીંગ ફેંકી, બુલડોઝર પર. સીંગ પાતળી હોય, બુલડોઝરને ગલીપચી પણ ન કરી શકે. આ તો આક્રોશ વ્યક્ત કરવાની માત્ર એક રીત. છતાં પોલીસવાળાએ લારી પલટી નાખી. આને 'દંડ' કહીને કવિએ વ્યંગ કર્યો છે. દંડ કારવાઈ કર્યા પછી થાય. અહીં તો મનમાની કરાઈ છે. લારી પરનાં બધાં શાકભાજી ભાગી છૂટયાં, અર્થાત્ સૌ ઝૂંપડપટ્ટીવાળાં નાઠાં. ઘરવાળીનું, બાળકોનું અને ઝૂંપડીમાં રહેનારનું મૂલ્ય કાંદાબટાટાથી વધુ ક્યાં છે, એવો કવિએ કટાક્ષ કર્યો છે. સાગર સિટી સુધીની દોડાદોડમાં શાક જેને હાથ ચડે છે તે મહદંશે ગરીબો અથવા ભૂખ્યા પ્રાણી છે. કવિએ ચાલતી કલમે કચડાયેલા સમાજનું ચિત્ર દોર્યું છે.