ખટાશ વિહોણી આંબલી .

- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
આપણે સીધો વાર્તાપ્રવેશ કરીએ. લેખક છે શક્તિસિંહ પરમાર.
વાર્તાનો સંક્ષેપ
વાર્તા ચકુ નામની કન્યાના મુખે, પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાઈ છે. 'ખાટલીમાં પડી પડી હું અંકાશ નીરખતી હતી. કેવું જોતી વારમાં મોહી પડાય એવું હતું! જે દિ' રાતની રાણી એનાં આણાંનું તોરણ પરોવતી બેઠી હશે, અને કોઈના આવ્યાના ભણકારે એના ઘરના જાળિયે દોટી ગઈ હશે.. ને સંધુંયે વેરાઈ પડયું હશે આખાયે આભમાં..અને ટમટમવા લાગ્યું.' ફરજાના ખૂણામાં કંઈક ખખડાટ થયો અને ચકુને યાદ આવ્યું કે ટીડો સસલાં લાવ્યો'તો ઈનો અવાજ હશે. 'આ..વ આઉંઉં... હાય માડી..આવું કોનું છોકરું રોવે છે અધરાતે?... તેયાં તો વંડી કોર ઓછાયો દેખ્યો ને શેરીની ટુબલાકડીના અજવાસમાં મીંદડી દેખી.. આ એક ધોળી મીંદડી હમણાંથી બૌ હળી ગઈ છે, મૂંઈ છેય કેવી રૂપાળી...' ખાટલીમાં પડી ચકુ ઝોકે-કહો કે ઝોલે ચડી ગઈ. બહેનપણીઓ ચકુની પૂંઠે પડી હતી. 'હવે તો અમને ઈનું નામ કે?' લાભુએ તોડ કાઢયો, 'એની એબીસીડીનો અખશર આ લોટના કીડિયારામાં લખ, અમીં વરતી જાશું.' ચકુએ નન્નો ભણ્યો.
સવારે ઊઠતાંવેંત ચકુના મનમાં પેલ્લો સવાલ થ્યો, 'અત્તારે મીતેસ શું કરતા હશે?' તેણે ચૂલા ઉપર ચડીને જાળિયા વાટે બા'ર જોયું. કોઈ અણસાર ન મ્ળે. ઘડિયાળે મૂંઈ ઠોબારી. ફેર્ય ચૂલે ચડીને જોયું. ત્યાં તો નીકળ્યા દલ્લીના કુંવર. મીત્તેશ કુમાર. ખાટામીઠ્ઠા રંગનાં ચશ્માં, ગોરી ડોક પર ઉપસેલો હાડીયો,ઈશ્ટીલની વીંટી, મેંદી રંગ્યા કોરા વાળના ઊડ ઊડ થતા ઓડીયા... ભાવનગરની કોલ્યેજમાં જઈને શુંય ગન્યાનની ભેંશું દો'તા હશે! ચકુ ધોણ્ય લઈને નળે પહોંચી ત્યાં તો લાડુએ પોણાભાગનાં લૂગડાં ધોઈ વાળ્યાં'તાં. 'ઉભડકી નમીને કપડાંને ધોણ્ય કરતી લાડુને મેં નિરાંતે જોઈ..પાતળી લીસ્સી ડોક પર ચોંટેલી ભીની લટો, નમીને લૂગડાં ધોતી ત્યારે ઈના કમખાને ઝરૂખે આવીને લૂગડાંનાં ધબધબાટ હાર્યો તાલ મેળવતું એનું અઢારમું વરસ, મેંદાના લોટના પિંડા જેવી સુંવાળી પગની પિંડીઓ...' લાડુએ લાલ હીંગોળા રંગે નખ રંગેલા. 'મીતેશ જાયને કોલેજે રોજ, તે ઈને અમથું કીધું કે ગામમાં જાય તો લાવે, ઈ તો હાંચમાંચ લઈ આવ્યો.' આટલું બોલીને લાડુએ વળ દઈને લૂગડું નીચોવ્યું. મોઈ-ડાંડિયો રમતા બે-પાંચ છોકરા ગોઠણ સમાણું લૂગડું ઊંચું લઈને બેઠેલી બે સહિયરો સામે તાકતા ઊભા હતા. ચકુ કશું સમજી નહિ પણ લાડુએ ધોકો ઉગામીને એમને હાંકી કાઢયા. નળ પર બેઠેલી મધમાખીઓમાંની એક ચકુને ડોક હેઠયે ચોંટી ગઈ. કાળી બળતરા ઊપડી. પાછા વળતાં વાટમાંથી લાડુએ કાતરાં વીણ્યાં. ચકુ બોલી, 'હું ખાટી વસ્તુ નૈ ખાઉં.' લાડુ હસી પડી, 'ઈ ખટાશના જ તો પૈસા બેહે છે ચકુબાઈ.. આંબલી મોળી હોત તો તો કયો ભોજોભાઈ એનો ભાવ પૂછવાનો હતો?'
પોતાની ખડકીમાં પેસતાં ચકુને જાણ થઈ કે મીતેશના વેવિશાળ લાડુ વેરે ગોઠવાયા છે. બાએ વળગણી પરની ઓઢણી ઝાપટી. પાણીનું ઝીણું ધુમ્મસ ચકુના ચહેરે છવાયું. ચા મૂકવા ગઈ તો રાંધણિયું ધુમાડો ધુમાડો. ચૂલે બળતા ઈંધણાં હજી લીલાં હતાં. ચકુની આંખેથી પાણી જાય હાલ્યાં. રાતનું અભરે ભર્યું અંકાશ બપોરે સીમ જેવું વેરાન હતું. ભરતકામ ખોલ્યું. પોપટ અધૂરો હતો. ગણપતિ તો સાવ બાકી હતા. દોરાની ઘુંશ ઉકલતી નહોતી. વંડી પર ચડતી મીંદડીને જોઈ ચકુનો સાદ ફાટી ગયો- તેના પંજામાં સસલીનું બચ્ચું હતું. ત્યાં તો પોતાનું ભરતકામ લઈને લાડુ આવી. ચકુને હેરત થઈ : મીંદડીના હાથમાં બચ્ચું ને લાડુડીના નખ કાં રાતા? ચકુને થયું કે હું ને લાડુડી મળીને ઘુંશ ઉકેલી નાખશું. તે લાડુને તાણીને ભેટી પડી. લાડુના ચાકળાની સોય ચકુની છાતીમાં સ્હેજ ખૂંચી, પણ પછી લાડુએ તેને હેતથી એવી ભીંસી કે એ ખૂંચવું તો ક્યાંય ગોટમોટ થઈને ખોવાઈ ગયું.
વાર્તા વિશે
ચકુ મુગ્ધા છે, પરણવા જેવડી વયની છે, પ્રેમમાં પડુ-પડુ થઈ રહી છે. માટે તેને વિશ્વ આખું રંગીન લાગે છે. તે અંકાશનું કેવું રંગદર્શી વર્ણન કરે છે. રાતની રાણી 'આણાંનું તોરણ પરોવે' અને કોઈ આવ્યાના ભણકારે ઘરના જાળિયે દોટી જાય તે અસલ પોતાની ભાવદશાનું કરાયેલું આરોપણ છે. બે સખીઓ-ચકુ અને લાડુ- ઉત્તર-દક્ષિણ સ્વભાવની છે. ચકુ પોતાના મનના માનેલના નામનો પહેલો અક્ષર બોલવા પણ તૈયાર નથી, જ્યારે લાડુ અળવીતરા છોકરાઓને ધોકાથી ધિબેડી નાખવા પણ તૈયાર! ચકુ મીત્તેશ કુમારને લપાઈ છુપાઈને જાળિયેથી જોઈ લે છે, તો લાડુ સામે ચાલીને તેની પાસે ભાવનગરથી નેલ પોલિશ મગાવે છે. લાડુ લાવણ્યવતી હતી, એવું લેખક પોતે નથી કહેતા, પણ તેના જોબનનું વર્ણન ચકુના મોઢે કરાવડાવે છે. એક દિવસમાં ચકુને બે આઘાત લાગે છે. પહેલાં તો મીતેશને લાડુ પ્રત્યે કૂણી લાગણી છે તેની જાણ નેલપોલિશના પ્રસંગથી થાય છે. અને ઘરે પહોંચતાં સાંભળે છે કે તે બેનાં વેવિશાળ થયાં છે. આ સાંભળીને ચકુના હૈયામાં શું શું થાય છે તે લેખકે સંકેતો વડે દર્શાવ્યું છે : લાડુએ વળ દઈને લૂગડું નીચોવ્યું (ચકુનું હૈયું ભીંસાઈ ગયું),મધમાખી ચકુની ડોકે ડંખી ગઈ (કાળજે કાળી બળતરા ઊપડી), ઝાપટેલી ઓઢણીના છાંટા ચકુના ચહેરે ઊડયા (તેના અંગે પરસેવો વળ્યો), રાંધણિયાના ધુમાડાથી આંખે પાણી આવ્યાં (રુદન), બળતાં ઇંધણાં લીલાં હતાં (કુંવારાં સપનાં બળી ગયાં), ઝગમગતું આકાશ હવે વેરાન (દ્રષ્ટિ તેવી સૃષ્ટિ), ભરતકામમાં ગણપતિ સાવ બાકી હતા (ગણેશ હવે લાડુના માંડવે સ્થપાશે), મીંદડીના પંજામાં સસલાનું બચ્ચું અને લાડુના નખ રાતા (લાડુએ ચકુના અરમાન પીંખી નાખ્યાં), લાડુના ચાકળાની સોય ચકુને ખૂંચી (હૈયામાંથી હૈયાનો હાર જાય ત્યારે દરદ તો થાય ને.) ચકુ-લાડુ વચ્ચે હેત એવડું છે કે ચકુના મનમાંથી શોક્યભાવ ઓગળી જાય છે, માત્ર સખીભાવ રહે છે.
વિચાર, વાણી અને વર્તનમાં ચકુ મોળી છે જ્યારે લાડુ ખાટ્ટીમીઠ્ઠી છે. 'આંબલી મોળી હોત તો તો કયો ભોજોભાઈ એનો ભાવ પૂછવાનો હતો?' અહીં ચકુ વાર્તાના શીર્ષકને સાચું પાડે છે, 'ખટાશ વિહોણી આંબલી.'








