કૃત્રિમ રીતે પકાવેલી કેરી ઓળખતા શીખો!

- શોધ-સંશોધન-વસંત મિસ્ત્રી
કે રી એ વર્ષમાં એક જ વાર દેખા દે છે એટલે સૌને એના પ્રત્યે વિશિષ્ટ આકર્ષણ હોય છે. સામાન્ય રીતે કાચી કેરી લઈ તેને ઘાસ અને શણના કોથળા વચ્ચે પકવવામાં આવે છે. પાકી પીળા રંગની તૈયાર કેરી પણ અન્ય લોકોની પસંદ હોય છે.
કેરીને વિવિધ રસાયણોથી પકવવામાં આવે છે જે હાનિકારક હોય છે. આંબા પર કેરી ઝડપથી આવે અને મોટું ફળ થાય એ માટે વાડીમાં કલ્ટાર નામના રસાયણનો ઉપયોગ થાય છે. હવે પનીર, દૂધ, કેરી, વિવિધ મસાલાઓ ભેળસેળીયા મળતા થઈ ગયા છે એટલે આ બાબતે સચેત રહેવાની જરૂર છે.
કેરી જલ્દીથી પકવવા માટે પ્રતિબંધીત અને હાનિકારક એવા 'કેલ્શ્યમ કાર્બાઈડ'નો ઉપયોગ કેટલીક માર્કેટમાં થાય છે. જ્યારે આ રસાયણને ભેજમાં રાખવામાં આવે ત્યારે 'એસીટીલીન ગેસ' ઉત્પન્ન થાય છે. હવે આનાથી કેવી ઉપાધિ આવે છે એ જુઓ. આ રસાયણથી ડિઝિનેસ લાગે, ઉલટી થાય, માથું દુ:ખે, મોમાં બળતરા, મોમાં ચાંદા પડી જવા જેવી અસરો વર્તાય છે. કેરીનો સ્વાદ નબળો અને સુગંધ ઓછી આવે છે. કેરી બહારથી પાકી લાગે પણ અંદરથી કડક હોય છે. પાકતાં જ કાળાં ટપકાં પડે છે અને ઝડપથી બગડી જાય છે!
આવા જોખમ ઘટાડવા માટે અડધી કાચી હોય એવી કેરી જાણીતી દુકાનમાંથી ખરીદી ઘરે પકવો. કેરીને સારી રીતે ધોઈને ખાવ. ચળકતી એકસરખી પીળી કેરીથી દૂર રહો. કુદરતી રીતે પાકેલી કેરી લીલી-પીળી પીળી-લાલ (જાત પ્રમાણે), એકસરખી નહિ પણ સામાન્ય રંગવાળી હોય છે. તેમાં ડિચા પાસે સરસ સુગંધ આવે છે. તેના પર કાળાં ટપકાં હોતા નથી. સારી આફૂસના ડિચાં પાસે ખાડો હોય છે!
કુદરતી ઓર્ગેનિક પાકી કેરી ખાવાથી હેમોગ્લોબિન વધે છે. વિટામિન 'એ' અને 'સી' મળે છે. આંતરડાં સાફ રહે છે. જો તમે અંદરથી બગડેલી 'સોફ્ટ સ્પોન્જી ટિસ્યુ'વાળી કેરી ખાશો તો તે તમને અવારનવાર ટોઈલેટ તરફ પ્રસ્થાન કરાવશે!









