Magazines

ઈંગ્લેન્ડની સફર શરૂ થઈ ત્યારે વલ્લભભાઈએ પહેલી વખત કોટ-પેન્ટ-જેકેટ પહેર્યા

By GS TEAM
13 Jun 20263 mins read
ઈંગ્લેન્ડની સફર શરૂ થઈ ત્યારે વલ્લભભાઈએ પહેલી વખત કોટ-પેન્ટ-જેકેટ પહેર્યા

- સરદાર @150-હસિત મહેતા

- વિકટોરીયન યુગની વિન્ટેજ સ્ટીમર

- મહાપરાણે કેપ્ટને વલ્લભભાઈનો પતો મેળવ્યો. તેમને જગાડીને કહ્યું કે 'આ તમારી કેબિન નથી. તેથી તમારે વધારાનું ભાડું ભરવું પડશે.'

- વલ્લભભાઈ મુંબઈથી સ્ટીમરમાં ચઢ્યાં. અહીં પહેલી વખત તેમણે છરી-કાંટાથી ખાવાનો પ્રયત્ન શરુ કર્યો. પણ જેવી મુસાફરી શરુ કરી કે તરત જ તબિયત લથડી. દરિયો તોફાની હતો, તેથી હાલકડોલક થતી સ્ટીમરમાં વલ્લભભાઈને ખૂબ ઉલટીઓ થવા માંડી. 

બો રસદમાં જીવનની છેલ્લી નીચલી અદાલતનો કેસ ચલાવીને, અસીલને જીતાડીને વલ્લભભાઈ ઈ.સ.૧૯૧૦ના ઓગષ્ટમાં નીકળી ગયાં. બોરસદમાં છેલ્લાં નવ-દસ વર્ષથી ઠરીઠામ થયેલું વલ્લભભાઈનું ગૃહજીવન આખરે સમેટાઈ ગયું. બોરસદથી મુંબઈ અને મુંબઈથી ઈંગ્લેન્ડ જવા નીકળેલાં વલ્લભભાઈએ ફરી કદી બોરસદમાં રહેવા, વકીલાત કરવા કે ઘરસંસાર માંડવાનો વિચારસુદ્ધાં કર્યો નથી. હા, બોરસદ સત્યાગ્રહ વખતે કે બોરસદ પ્લેગ સંકટમાં તેમણે ગણત્રીના મહિનાઓ સ્થાનિક નિવાસ કર્યો હતો, પણ એ સમયના વલ્લભભાઈ તો ગાંધીસેવક,દેશેસવક, સ્વાતંત્ર્યસેનાની વલ્લભભાઈ હતા. બોરસદથી બૅરિસ્ટર થવા નીકળેલાં વકીલ વલ્લભભાઈનું વ્યક્તિત્વ આ સમયે તો પેલા જાહેરસેવક વલ્લભભાઈમાં ઓગળી ગયું હતું.

અસાધારણ ઉતાવળથી અને નાટકીય અંદાજમાં વલ્લભભાઈએ બોરસદ છોડયું હતું, તેનો અજંપો ઘણાં સ્નેહી-મિત્રો-પરિવારજનોને હતો. તેઓ ઈંગ્લેન્ડ પહોંચ્યા પછી ચારેક મહીને, તા.૧૬-૧૨-૧૯૧૦ના રોજ મોટાભાઈ નરસિંહભાઈને એક પત્રમાં દીલગીરી લખતાં જણાવે છે કે 'નવો કાયદો અમલમાં આવવાથી લાચારી સાથે મારે ઉતાવળ કરી અહીં આવવાની જરુર પડી. નહીં તો ફરીથી મારાથી આવવાનું બની શકે તેમ નહોતું.હું ધારું છું કે તમને બધાને તેથી માઠું લાગ્યું હશે. પરંતુ મારાથી પછીથી આવવાનું બને તેમ નહોતું. તેથી ઉતાવળ કરવી પડી. હવે ઈશ્વર કરશે તો વખત જતાં વાર લાગશે નહીં, અને ફરીથી તમારાં બધાના અને માતાપિતાના દર્શનનો ભાગ્યશાળી થઈશ.'

આમ ઈંગ્લેન્ડમાં બૅરિસ્ટર થવા માટે ઈન્ડિયાના લૉ-ગ્રેજ્યુએટ થવું, એટલે કે એલ.એલ.બી. પાસ હોવું ફરજ્યાત થવાનું હોવાને કારણે વલ્લભભાઈએ પળવારનો વિચાર કર્યા વગર ઈંગ્લેન્ડ જવાની ઉતાવળ કરી હતી. અન્યથા મેટ્રિક પછી ડાયરેક્ટ ડિસ્ટ્રીક્ટ પ્લીડરની પરીક્ષા આપીને વકીલ થયેલાં વલ્લભભાઈ કદી ઈંગ્લેન્ડ જઈને બૅરિસ્ટર થઈ શકે તેમ નહોતું. મોટાભાઈને લખેલાં પત્રમાં આ ખુલાસો અને વસવસો વ્યક્ત કર્યા પછી આગળ લખ્યું છે કે ઘર માટે મેં મારાથી બનતું કર્યું છે, અને ત્યાં આવીને આગળ ઉપર પણ કરતો રહીશ. પરંતુ અહીં ઈંગ્લેન્ડ બેઠાં મારાથી કાંઈ (ઘર માટેની મદદ) થઈ શકે તેમ નથી.'

આપણે આજે ધારી પણ ના શકીએ કે ઈન્ડિયા છોડીને ઈંગ્લેન્ડ જતી વખતે વલ્લભભાઈની જીવનદશા અને મનોદશા કેવા કપરાં કાળમાંથી પસાર થતી હશેે. એકતરફ પત્ની અવસાન, બીજીતરફ મોટાભાઈના જીવનમાં પણ વિધૂરતા, ત્રીજીતરફ બે નાનકડાં સંતાનોના ઉછેરની જવાબદારી, ચોથી તરફ પોતાના અને બાળકોના ભણતરના ખર્ચાઓ તથા પંચાગ્નિ રુપે ઘરની નબળી પરિસ્થિતિ. આવા પડકારો ઝીલીને આ અડગ મનનો માનવી હીમાલયશા સંકટો સામે ડગ્યો નહીં, પણ લઢ્યો અને જીત્યો. પરિણામ સ્વરુપ તેમણે ઓછા સમયમાં, ઓછા ખર્ચે અને ઓછી સગવડે ઈંગ્લેન્ડની બૅરિસ્ટરી પ્રાપ્ત કરી લીધી હતી.

ઈંગ્લેન્ડની સફર શરુ કરતી વખતે વલ્લભભાઈએ જિંદગીમાં પહેલી વખત કોટપાટલૂન, જેકેટ અને નેકટાઈ પહેર્યા. થોમસ કૂક એન્ડ સન્સની પાસબુક(પાસપોર્ટ) લઈને વલ્લભભાઈ મુંબઈથી સ્ટીમરમાં ચઢ્યાં. અહીં પહેલી વખત તેમણે છરી-કાંટાથી ખાવાનો પ્રયત્ન શરુ કર્યો. પણ જેવી મુસાફરી શરુ કરી કે તરત જ તબિયત લથડી. દરિયો તોફાની હતો, તેથી હાલકડોલક થતી સ્ટીમરમાં વલ્લભભાઈને ખૂબ ઉલટીઓ થવા માંડી. તેમાં વળી ખાવા-પીવાનું પણ ફાવે નહીં. છરી-કાંટાથી ખાવાનો મહાવરો નહીં. વાતાવરણ માફક આવે નહીં, અને અંગત કાળજી લેનારું પણ કોઈ નહીં. આમ ને આમ ત્રણેક દિવસ પસાર થયાં. બેચેન વલ્લભભાઈ સ્ટીમરમાં પોતાની સીટ(બર્થ) છોડીને ઉપલા વર્ગની એક ખાલી કેબિનમાં ઘૂસી ગયાં, અને ત્યાં જ બે એક દિવસ પડી રહ્યાં. સ્ટીમરના કેપ્ટન તેમની સીટ ખાલી જોઈને તેમને શોધવા મંડયા, પણ વલ્લભભાઈ તો પેલી બંધ કેબિનમાં સૂતા હતા, તે ક્યાંથી મળે?

મહાપરાણે કેપ્ટને વલ્લભભાઈનો પતો મેળવ્યો. તેમને જગાડીને કહ્યું કે 'આ તમારી કેબિન નથી. તેથી તમારે વધારાનું ભાડું ભરવું પડશે.'વલ્લભભાઈ ઉવાચ : 'મારી ડીપોઝીટમાંથી નાણાં કાપી લેજો, પણ અત્યારે મારાથી ઊઠી શકાય તેમ નથી.' આ સાંભળી કેપ્ટન હળવા પડયાં, તેમણે જરુરી દવા વગેરેની સગવડ કરી. એમ કરતાં થોડા દિવસ પછી વલ્લભભાઈ જીવનની પ્રથમ દરિયાઈ મુસાફરીમાં સ્વસ્થ થઈ શક્યાં.