Magazines

તમને તમારું સ્ટેટસ મુબારક .

By GS TEAM
13 Jun 20267 mins read
તમને તમારું સ્ટેટસ મુબારક                                                .

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- 'મેં શું જિંદગી બગાડી તારી? આટલો મોટો બંગલો છે. ઘરમાં ત્રણ લોકો અને પાંચ નોકરો છે. ચાર ગાડીઓ છે. હું પ્રિન્સિપાલ છું. તું પ્રોફેસર તરીકે નોકરી કરે છે...'

'દિ ગ્વિજયનું ભવિષ્ય નક્કી કરવાનો બીજો તબક્કો આવી ગયો છે. એક તબક્કામાં તો આપણે સફળ રહ્યા હવે બીજા તબક્કામાં પણ સફળ થઈએ તેવું આયોજન કરવું પડશે. મારી પાસે કેટલીક પ્રોફાઈલ છે તું જોઈ લેજે. તને ગમે તે સાઈડમાં રાખજે અને દિગ્વિજયને પણ બતાવી દેજે... મારી પસંદગી મેં કરી લીધી છે. તમે લોકો એક વખત છોકરી પસંદ કરો પછી હું મારો નિર્ણય જાહેર કરીશ.' પ્રમોદરાયે એકદમ ઠંડા અવાજે કહ્યું. 

'અમારી પસંદગીને તમે ક્યાં ક્યારેય સ્વીકારી છે, માની છે કે પ્રાધાન્ય આપ્યું છે. તમે જે નક્કી કર્યું હશે તેની આગળ અમારું કશું ચાલવાનું જ નથી.' - 

આરતીબેને કહ્યું.

'આરતી મારે તારી સાથે કોઈ ચર્ચા નથી કરવી. તને જે કહ્યું તે કરી લેજે. તારા છોકરાને પણ કરાવી લેજે.' - પ્રમોદરાયનો અવાજ થોડો વધારે ભારે થઈ ગયો.

'રાય સાહેબ બુમો ના પાડશો. તમે અમને ગુલામ રાખ્યા છે તે અમને ખબર છે. અમે ગુલામ તરીકે તમારો નિર્ણય સ્વીકારી લઈશું. આ રીતે અમારી પાસે મહેનત ન કરાવશો. તમારા સોશિયલ સ્ટેટસ, તમારા મોભા અને તમારા પરિવારના નામને સેટ થાય તેવું નામ જણાવી દો એટલે હું દિગ્વિજયને કહી દઈશ.' - આરતીબેને જવાબ આપ્યો.

'આરતી આ રાય સાહેબ દેશની જાણીતી કોલેજમાંથી એકના પ્રિન્સિપાલ છે. પ્રમોદરાય જોબનપુત્રાનું બહુ મોટું નામ છે શિક્ષણજગતમાં. આરતી ઠક્કરમાંથી તમે જ્યારે આરતી પ્રમોદરાય થયા ત્યારે તમને પ્રોફેસર તરીકે નોકરી મળી હતી. મને મારા સ્ટેટસ અને નામનું કાયમ અભિમાન છે અને રહેશે.' -પ્રમોદરાય છંછેડાયા.

'રાય સાહેબ તમે ક્યારેય આરતીને પસંદ જ નહોતી કરી. તમે તો આરતીની પીએચડીની ડિગ્રી અને તેના પિતા કેશવપ્રસાદની સંપત્તીને પસંદ કરી હતી. કેશવપ્રસાદની એકની એક દીકરી, લાટી બજારનો ધિકતો ધંધો અને પીએચડી થયેલી સ્ત્રી મળી જાય એટલે સોનામાં સુગંધ ભળે. પ્લીઝ મારે તમારી સાથે કોઈ ચર્ચા કરવી નથી.' - આરતીબેન આટલું બોલીને રસોડા તરફ જવા લાગ્યા અને પ્રમોદરાય ઉકળી ઉઠયા. તે આગળ કંઈક બોલવા જાય ત્યાં જ દિગ્વિજયે ઘરમાં પ્રવેશ કર્યો.

'મારા લગ્ન કરાવવાની વાતો ચાલતી લાગે છે. ઘરનું વાતાવરણ તો એવું જ કહે છે. મહારાજે ગુલામો માટે આદેશ જાહેર કર્યો છે કે હજી રાહ જોવાઈ રહી છે? મહારાજ ઘરના બંને ગુલામો તમારી સામે છે, આદેશ કરો. આ વખતે એક ગુલામ તમારા આદેશ સામે બંડ પોકારવાનું નક્કી કરીને આવ્યો છે.' - દિગ્વિજયે કહ્યું અને પ્રમોદરાય સોફામાંથી ઊભા થઈ ગયા.

'મમ્મી, મેં સંગીતા સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો છે. મેં તેના પરિવારને સમજાવ્યો છે. સંગીતાને પપ્પાનો ભય લાગે છે પણ મને વિશ્વાસ છે કે તે માની જશે. મને એવી પણ આશા છે કે, અમારા લગ્ન માટે પપ્પા પણ માની જશે અને મારે અન્ય કોઈ નિર્ણય લેવો નહીં પડે.' - દિગ્વિજયે કહ્યું.

'એ છોકરા, મર્યાદામાં રહીને વાત કરજે. તને ખબર નથી કે તું કોની સાથે વાત કરી રહ્યો છું? હું તારો બાપ હોવાની પહેલાં પ્રતાપરાય જોબનપુત્રા છું. તારા જેવા સત્તર છોકરડાઓ રોજ મારી આગળપાછળ ફરે છે. બોલવામાં ભાન રાખજે. આ ઘરમાં એક જ વ્યક્તિનો નિર્ણય ચાલે છે અને ચાલશે.' - પ્રતાપરાય ભડકી ગયા.

'અમને ખબર જ છે પપ્પા. તમારા નિર્ણય તમારા ઘરમાં ચાલે છે. હવે નિર્ણય મારી લાઈફ અને વાઈફ વિશે લેવાનો છે. મને એક વ્યક્તિ તરીકે આ નિર્ણય લેવાનો અધિકાર છે. હું તમારી સામે બંડ નથી પોકરાતો. સામાજિક મર્યાદાનો ભંગ નથી કરતો પણ હા તમારા સ્ટેટસના ચક્કરમાં મારી લાઈફ બગાડવા પણ નથી માગતો.' - દિગ્વિજયે સામે જવાબ આપ્યો.

'તું એવું માને છે કે, અમારા કરતા તું વધારે સારી રીતે દુનિયાને સમજે છે. તને લાગે છે કે, તું વધારે સારી રીતે આ નિર્ણય કરી શકીશ. તારી ત્યાં જ ભુલ થાય છે. તારા કરતા વધારે દિવાળી જોઈ છે મેં. આપણા ઘર માટે કોણ સારું અને કોણ ખોટું તેની મને વધારે ખબર છે. મારી સાથે ખોટી દલીલો ના કરીશ.' -  પ્રતાપરાયે ફરી મોટા અવાજે કહ્યું.

'તમે બરાડા પાડશો એટલે તમારી વાત સાચી નહીં થઈ જાય, રાય સાહેબ. તમે હજી પણ બસ તમારું.... તમારું... તમારું... જ કર્યા કરો છો. તમારું ઘર, તમારો સંસાર, તમારો પરિવાર, તમારો મોભો, તમારી મર્યાદા, તમારું સ્ટેટસ... ઘરમાં બીજા લોકોનું જાણે કે અસ્તિત્વ જ નથી. તમારા માન અને મોભામાં તમે મારી આખી જિંદગી બગાડી હવે આ છોકરાની જિંદગી ખરાબ કરવા બેઠા છો?' - આરતીબેન વચ્ચે પડયા.

'મેં શું જિંદગી બગાડી તારી? આટલો મોટો બંગલો છે. ઘરમાં ત્રણ લોકો અને પાંચ નોકરો છે. ચાર ગાડીઓ છે. હું પ્રિન્સિપાલ છું. તું પ્રોફેસર તરીકે નોકરી કરે છે. દિગ્વિજય પણ હવે પ્રિન્સિપાલ થવાનો છે. આટલી નાની ઉંમરે કોઈ એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ થવું કંઈ નાની વાત નથી. તમારા માટે આટલું બધું કર્યું છતાં તમે એમ કહો છો કે મેં તમારી જિંદગી ખરાબ કરી છે.' - પ્રતાપરાય ભડક્યા.

'સાહેબ, હું પ્રોફેસર બની અને આટલા વર્ષોથી નોકરી કરું છું વાત સાચી છે. મારા પગાર ખાતાની વિગતો તમારી પાસે છે. તેમાંથી શું ખર્ચ થાય છે કે ક્યાં ઈન્વેસ્ટમેન્ટ થાય છે તેની વિગતો મને મળતી નથી. દિગ્વિજયને મેડિકલમાં જવું હતું છતાં તમે ધરાર તેને એન્જિનિયરિંગ જ કરાવ્યું. તેને સારી કંપનીમાં જોબ કરવી હતી, વિદેશ જવું હતું પણ રાય સાહેબની જીદને કારણે તેને પણ ટિચિંગ લાઈનમાં જ આવવું પડયું. આ બધા સામે વાંધો નથી પણ સંગીતા તેને ગમે છે અને તેની સાથે લગ્ન કરવા છે તો તેમાંય તમને વાંધો છે?' - આરતીબેને કહ્યું.

'તમે લોકો કારણ વગરની દલીલો કરો છો. મને સંગીતા ગમતી નથી. તેની કોઈ કેરિયર નથી. તેના પરિવારનું કોઈ સોશિયલ કે ઈકોનોમિકલ સ્ટેટસ નથી. સંગીતાના પપ્પાને કરિયાણાની દુકાન છે અને એની મમ્મી નાના છોકરડાઓને ચિત્રો દોરતા શીખવાડે છે. સંગીતા પોતે માસ્ટર્સ પરાણે કરી શકી છે. આ લોકોની સાથે તું મારી અને મારા પરિવારની સરખામણી કરે છે. હું પ્રિન્સિપાલ છું. મારો છોકરો પ્રિન્સિપાલ થવાનો છે. તું પોતે પ્રોફેસર છે અને પેલા મમરા-પૌઆ વેચતા માણસની છોકરીને આ ઘરમાં લાવવી છે તારે. કેટલી સ્માર્ટ અને એલિજિબલ છોકરીઓ લાઈન લગાવીને તૈયાર છે મારા દિગ્વિજય માટે? હું એ બધાને છોડીને સોશિયોલોજીમાં એમ.એ.બી.એડ કરનારી છોકરીને મારા ઘરની પુત્રવધૂ બનાવું.' - પ્રતાપરાય બરાબરના ગુસ્સે થયા અને બરાડા પાડવા લાગ્યા.

'મિ. પ્રતાપરાય જોબનપુત્રા તમારી વાતનો એક જ અર્થ છે કે, તમે સંગીતા સાથે મારા લગ્ન કરાવવા માગતા નથી. તમે જીદ ઉપર ચડયા છો. વેરી ગુડ. મારી પણ જીદ છે કે, હું લગ્ન કરીશ તો સંગીતા સાથે બાકી તમારી બતાવેલી છોકરીઓ સાથે તો હું લગ્ન કરવાનો જ નથી. મને તમારો કોઈ નિર્ણય મંજૂર નથી. મમ્મી તારે શું કરવું છે તે તું નક્કી કરી લેજે?' - દિગ્વિજય પોતાનો નિર્ણય જણાવીને ઘરના ઉપરનામાળે જતો રહ્યો. 

'તારે મનમાની જ કરવી હોય તો આ ઘર તારા માટે નથી. તારી મનમાનીમાં તારી મા સાથ આપતી હોય તો તેને પણ તું અહીંયાથી લઈ જઈ શકે છે. આ ઘરમાં મારા સ્ટેટસ અને મારા મોભાને નુકસાન થાય તેવું કશું જ કરવામાં આવશે નહીં અને કરવા દેવામાં પણ આવશે નહીં. મારા ઘરમાં મારો જ આદેશ સર્વોપરી રહેશે.' - પ્રતાપરાયે ચુકાદો આપી દીધો. 

પગથિયાં ચડતા દિગ્વિજયે અટકીને તેમની સામે જોયું અને સ્મિત કર્યું. તે ઉપર પોતાના રૂમમાં જતો રહ્યો. બીજી તરફ આરતીબેન પણ રસોડામાં જતા રહ્યા. પ્રતાપરાય રૂમમાં જતા રહ્યા.

'અશોક હજી સુધી ચા કેમ બની નથી. આજે રવિવાર છે અને હજી સુધી ચા-નાસ્તો તૈયાર થયા નથી. ભાભી સાહેબ ક્યાં છે?' - પ્રતાપરાયે બીજા દિવસે સવારે બગીચામાં નાસ્તાના ટેબલ પાસે ગોઠવાતા કહ્યું. તેમણે હાથમાં છાપું લીધું. તેમણે છાપું ફેરવ્યું ત્યાં અંદરથી કંઈક નીચે પડયું. તેમણે ઉપાડયું તો એક કવર હતું. તેમણે કવર ખોલ્યું તો અંદર એક લેટર હતો.

'આદરણીય રાય સાહેબ, 

તમારા સ્ટેટસ, તમારા મોભા અને તમારી માનસિકતાના કારણે મેં મારી આખી જિંદગી કુરબાન કરી દીધી. મને સુવિધાઓ અને ભૌતિક સુખ અઢળક મળ્યું છે પણ ક્યારેય સ્નેહ અને શાંતિ મળ્યા નથી. આ ઘરમાં મારી સાથે જે વિત્યું તે હવે હું દિગ્વિજય કે તેની આવનારી પત્ની અથવા તો સંતાનો સાથે થવા દેવા માગતી નથી. હું અને દિગ્વિજય તમને કાયમ માટે છોડીને જઈએ છીએ. મેં તમને સ્વેચ્છાએ છૂટાછેડા આપી દીધા છે. મારી આજદિન સુધીની તમામ કમાણી હવે તમારી પાસે રાખજો. તમને તમારું સ્ટેટસ મુબારક.' - લિ. તમારી ગુલામીથી મુક્ત થનાર માતા-પુત્ર. 

પ્રતાપરાય આઘાતમાં તે પત્રને જોતા રહ્યા.