Magazines

'મૌન સંવાદ'

By GS TEAM
13 Jun 202617 mins read
'મૌન સંવાદ'

- પ્રા. ગજુ પટેલ

- 'આપણું મળવું એક કુદરતી મળવું હતું અને આજે પણ જે રીતે મળીએ છીએ તે કુદરતની કૃપા વિના સંભવિત નથી. આપને મેં પ્રત્યક્ષ કે પરોક્ષ મનભરીને માણ્યા છે...'

- વર્ષો થઇ ગયાં ન તો અવનિ સ્ટુડિઓ પર આવી કે ન તો કોઈ એના તરફથી કોઈ સમાચાર આવ્યા. તેમ છતા કોઈ જાણે કેમ ક્યારે ક આલોકને અવનિની હાજરીનો એહસાસ થતો હતો

'ઉ ત્કૃષ્ટ આનંદ કે પરમાનંદની પ્રાપ્તિ માટે અંતરના ઊંડાણમાં મૌનની ઉદ્ભવના જ્યારે આકાર લેતી હોય છે, ત્યારે સૃજન પ્રક્રિયા શરૂ થાય છે. પરિણામ સ્વરૂપે કલાકાર પોતે જે રૂપને કે આકારને અંત:ચક્ષુઓ વડે અવલોકે છે, તે યથાર્થરૂપને અલૌકિક અને આગવી શૈલીથી અનુકૂળ માધ્યમ દ્વારા સર્વ સમક્ષ રજૂ કરે છે. તેમ છતાં તેમાં કુદરતનું સર્વાંશે અનુકરણ તો રહેલું જ છે.

ચિત્રકાર આલોકની કેટલીક ચિત્રકૃતિઓમાં સમુદ્રના અગાધ તળને ન આંબી શકનારું મૌન ભાસે છે, તો ક્યાંક ક્યાંક કલકલ વહેતા મુક્ત ઝરણાંની નિખાલસતા! માનવીની અવ્યક્ત લાગણીઓની ભરમાર તો વળી નિબિડઅંધકારની પેલી કોરની ઊગતી પ્રકાશપૂંજની ટશરો.'

અવની ઉપરોક્ત, આલોકના 'વનમેન શો'નું જાણીતા કલા વિવેચક ડૉ. નિખિલેશ મુખોપાધ્યાયનું અવલોકન વાંચી રહી હતી, અને એના ચહેરા પર અકળ લાગણીઓની રેખાઓ અંકાતી નજરે પડતી હતી. એની વિશાળ ઝીલ શી ભૂરી આંખોમાં અજીબોગરીબ ભાવોની દ્રષ્ટિ રચાતી હોય એવું લાગતું હતું. અખબારની અઠવાડિકમાં નિયમિત પ્રસિદ્ધ થતી 'કલાકારની સૃજન સૃષ્ટિ'ની કોલમ વાંચવાનું અને માણવાનું અવનીને જાણે વ્યસન થઈ ગયું હતું. ડૉ. નિખિલેશ મુખોપાધ્યાયે આજ સુધીમાં દેશ-વિદેશના અનેક નામી અને નવોદિત કલાકારોનાં સોલો શો, કે ગુ્રપ શો જેમાં ચિત્ર, શિલ્પ, ગ્રાફિક્સ કે અન્ય પ્રકારની કલાકૃતિઓનું યથોચિત રસદર્શન કર્યું હતું. કોઈ પણ કલાકૃતિનું તેઓ ખૂબ જ બારીકાઈથી અને અર્થના ઊંડાણપૂર્વક શબ્દાલેખન વડે ભાવકના ચિત્તતંત્રને સ્પંદિત કરી દેતા. ચિત્રકાર જે ભાવ, રંગ, રેખા, આકાર, સંયોજન અને ભાવને સુપેરે રજૂ કરતો તેટલી જ સરળતાથી અને સહજતાપૂર્વક ડૉ. નિખિલેશ ભાવકને ભાવાબ્ધિમાં ગરકાવ કરી દેતા. આમ સર્જક અને આલોચક દ્વારા દર્શક-ભાવક આનંદની અનુભૂતિ કરી શકતા. કલા આમેય આનંદ પ્રદાન કરવાના હેતુ માટે જ સર્જાયેલી છે પછી તે પ્રકૃતિ દ્વારા રચાતી હોય કે કલાકાર દ્વારા.

ડૉ. નિખિલેશે દેશ અને પરદેશનાં અનેક મ્યુઝિયમો તેમજ આર્ટ ગેલેરીઓની મુલાકાત લઈ તેની વિગતવાર માહિતીઓની લેખમાળા દ્વારા વાચકો અને કલાકારોને ઘણી બધી રીતે ઉપકારક થઈ પડયા છે.

કલામાં ઊંડી રૂચિને કારણે હવે તો ડૉ. નિખિલેશે કલાસર્જન પણ આદર્યું છે, અને ટૂંક સમયમાં જ જગવિખ્યાત મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરીમાં 'વનમેન શો' કરવાની તૈયારી પણ કરી રહ્યા છે. એવું અવનીએ જાણ્યું હતું. આમ તો અવની ડૉ. નિખિલેશને કેટલાક સમયથી પ્રત્યક્ષ મળી નથી પરંતુ જ્યારે એણે ચિત્રકાર આલોકના 'સોલો શો' વિષેનો ડૉ. નિખિલેશ મુખોપાધ્યાયનો વર્તમાન પત્રમાં લેખ વાંચ્યો અને કલાસર્જન વિષે કદાચ ચિત્રકાર કે શિલ્પકાર જે કંઈક જાણતો હોય એના કરતાં કલાકૃતિઓનો આલોચક વધુ ઊંડાણપૂર્વક સમજતો હોય એવું અવની માનવાને લગભગ મજબૂર બની ગઈ, એને એ સમજાતું ન હતું કે પ્રથમ કોને મળવું જોઈએ? સર્જકને કે આલોચકને? તે તર્ક કરતી હતી કે સર્જક જે કંઈ સર્જન કરે છે તે નિર્ભેળ વિચારો અને અતાર્કિકતાના વાતાવરણ તેમજ સંવેદનાઓનું એક પ્રકારનું ભાવ જગત પોતાના સર્જનોમાં હૂબહૂ તાદ્દશ કરે છે. જ્યારે આલોચક એથી આગળ શબ્દપ્રપંચતાની ખટમીઠી, રેશમી-સુંવાળી, ખરબચડી તેમજ અગમ્ય અને અદ્દશ્ય, અમૂર્ત આકારોની સંવેદના અથવા ભાવસૃષ્ટિને શબ્દોના માધ્યમથી રજૂ કરે છે. અવની મૂંઝવણ અનુભવતી હતી કે હવે કઈ રીતે કોનો ક્યારે સંપર્ક કરવો જોઈએ? પ્રથમ કલાકારને મળવું જોઈએ કે આલોચકને? અને અવનીએ નિર્ણય કર્યો કે સર્જક પહેલો પછી આલોચક સાથે રૂબરૂ મળવું.

પરંપરિત ભાતીગળ વાસ્તુશિલ્પના આધારે બંધાયેલ સૈકા પુરાણા વિશાળ મહાલય જેવા મકાનના કમ્પાઉન્ડમાં અવનીની ઓડી કાર પ્રવેશી રહી હતી ત્યારે મુખ્ય દરવાજે ઉભેલા ચોકીદારે કારને રોકતાં પૂછ્યું, 'મેડમ સા'બકો મિલના હૈ?'

'જી હાં.'

'સા'બ બાહર ગયે હૈ, અભી આતે હી હોંગે, આપ અંદર જા કે બૈઠિયે, મૈં આપકે લીયે ઠંડા પાની લાતા હું...'

'થેન્ક યુ.'

કહી અવનીની કાર આગળ વધી અને મકાનના મુખ્ય દરવાજા પાસે ઊભી રહી. અને પાસે ઊભેલા સેવકે અવનીને આવકાર આપ્યો. ઠંડુ પાણી પીતાં પીતાં અવનીની નજર બગીચાના ખૂણે ખૂણે ફરી વળી, તે દિગ્મૂઢ બની બધું જોવા લાગી.

'મેટલ કાસ્ટીંગ, વુડકાર્વિંગ, સંગેમરમર તેમજ આગ્રાના લાલ પથ્થરમાંથી તરાસેલાં મનોહર શિલ્પોથી શોભતા નાનકડા બગીચામાં ઉભરાતા સૌંદર્યનું વર્ણન કરવું મારા માટે તો અશક્ય જ હતું. વળી અનેક પ્રકારના ફૂલછોડ એમાં ઉમેરો કરતાં હતાં. અને એ બધાનો યોજનાપૂર્વકનો લેઆઉટ હતો એ ધ્યાનાકર્ષક કહી શકાય. આમેય અપ્રતિમ સૌંદર્યને મૌન વડે જ માણી શકાય છે, એ મને અહિં સમજાયું. સૌંદર્યની કોઈ પરિભાષા કે સીમા નથી હોતી, તે તો અગાધ અતળ સમુદ્રની જેમ અને અનંત બ્રહ્માંડની જેમ અપરિમિત હોય છે. એને કોણ પામી શકે, અને પામે તો માત્ર એમાંથી આનંદ.

રાજસ્થાનના સર્વોત્તમ પ્રકારની સંગેમરમરની આધુનિક અને પરંપરિત મૂર્તિઓનો સૌંદર્ય અને કલાવૈભવ મને સૌથી વધારે આકર્ષી ગયો. ખુશ્બુથી મઘમઘતા બગીચાની મીઠી સુગંધ, નયનાકર્ષક ફૂલોના રંગો અને અનેકવિધ પ્રકારની મૂર્તિકલાએ મારો અંતરાબ્ધિમાં અનેરો આનંદોલ્લાસના તરંગોને તરંગિત કરી દીધા. હું કલાકારની સર્જન સૃષ્ટિમાં એકાકાર થઈ ગઈ.'

'મેડમ સા'બ આ ગયે હૈ, આપ મિલ સકતે હૈ...'

સૌંદર્ય પાન કરતી અવનિ ઓચિંતાનો ઉપરોક્ત અવાજ સાંભળતાં જાણે સપનાવસ્થામાંથી સફાળી જાગી ગઈ હોય તેમ -

'ઓહ! થેન્કસ્ સો મચ...'

અને નજીકમાં જ ઉભેલા આલોકને જોઈ શિષ્ટાચારપૂર્વક નજીક જઈ 'આઈ એમ અવની... અવની પટેલ!'

'પ્લીઝ ટેઈક અ સીટ.' ગાર્ડન ચેર તરફ આલોકે ઇશારો કર્યો અને બંને બેઠા. આલોકે પૂછ્યું...

'વુડ યુ લાઈક કૉફી? ઓર એની કોલ્ડ્રીંક્સ?'

'થેન્ક યુ સર... કો....'

'માધવ... એક કૉફી મેડમ માટે અને મારા માટે લેમન જ્યુસ લઈ આવ... અને હા મેડમ માટે કંઈક નાસ્તો પણ...' આલોકે માધવને કહ્યું.

'હાં સા'બ... અભી લાયા...' માધવ ઝડપથી ત્યાંથી ચાલ્યો ગયો... મનમાં વિચારતો રહ્યો કે આજે સા'બ મેડમને જોઈને કંઈક અલગ મૂડમાં લાગ્યા. કોફી, બિસ્કીટ અને લેમન જ્યૂસ આવી ગયો... કૉફીની ચૂસ્કી લેતાં લેતાં ભાવવિભોર બનેલી અવનીએ ધીમેથી કહ્યું, 'સર ડૉ. નિખિલેશ મુખોપાધ્યાયના આપના 'શોલો શો' ના અવલોકન લેખને મેં અખબારમાં વાંચ્યો, એમ કહીશ કે માણ્યો અને આપને મળવાની ઉત્કટ ઇચ્છા થઈ આવી જો કે એક્ઝીબીશનને હું માણી ન શકી... જેથી આજે આપની સમક્ષ આવી.'

'મળવા આવ્યાં... વેરી મચ ગ્લેડ ટુ સી યુ... સ્મિત સહ આલોકે અવનિનું અધુરું વાક્ય પૂરું કરતાં કહ્યું, અને પોતાના સ્ટુડિયો તરફ અવનિને આવવા ઇશારો કર્યો. અવનિ આલોકના તાજાં તૈયાર થયેલા વિશાળ કદનાં પેઇન્ટિંગ્સ જોઈને મંત્રમુગ્ધ થઈ ગઈ. આજ સુધીમાં આવાં બહુમૂલ્ય અને વિવિધ ટેકનિકવાળાં, વિષય વસ્તુને નિરૂપતાં ચિત્રો ક્યાંયે જોયાં ન હતાં. આલોકે કહ્યું કે સૌ પ્રથમ આ પેઇન્ટિંગ્સનો 'વનમેન શો' દિલ્હીમાં યોજીશ અને ત્યાર બાદ દુનિયાના વિવિધ દેશોમાં. પ્રકૃતિની સંવેદનાઓને મૂર્તિમંત કરતાં મારાં ચિત્રોને સર્જનાત્મક રીતે મેં કેટલો ન્યાય આપ્યો છે એ સમજવું તો મારા માટે કઠિન છે પરંતુ મેં મારી સર્જનશક્તિ અને તન્મયતાને સંપૂર્ણપણે ન્યાય આપ્યો છે એમ કહી શકીશ...'

'સો એક્સલંટ, બ્યુટિફુલ, વંડરફુલ, વોવ... આઈ રિયલી ગોટ અ ચાન્સ ટુ એન્જોઇંગ રિયલ વર્લ્ડ ઓફ આર્ટ, આઈ કાન્ટ એક્સપ્રેસ ઇટ ઇન વર્ડ્સ...' અવનિ બોલતી જતી હતી... એની નજર બધા ચિત્રો પર પ્રવાસી બની આગ વધતી જતી હતી. ભૂરી ભૂરી આંખોની કીકી. જાણે ડાયમંડની જેમ તગતગતી હતી... ચહેરા પર કોમળ રેશમી વાળની લટો ફરફરતી હતી. ચંચળ કાયા વધુ કામણગારી બની તરવરતી હતી. આલોક ઘડીભર જાણે શ્વાસ લેવાનું ચૂકી જતો હતો. હ્યુમન પોટ્રેટ તો ઘણાં કર્યા પરંતુ અત્યાર સુધીમાં એવું સૌંદર્યોત્તમ પાત્ર જોયાનું એને યાદ ન હતું અને એના ચહેરા પર મધુરું સંતોષભર્યું સ્મિત ફરકતું હતું. અવનિના અપ્રતિમ સૌંદર્ય કરતાં તેના બાળસહજ નિખાલસભર્યા સ્વભાવથી આલોક વધુ પ્રભાવિત થયો. તેણે અવનિને કંઈક કહેવા વિચાર્યું પરંતુ જે વિચાર આવ્યો તેનું શબ્દરૂપ તેણે ન આપ્યું. કદાચ શબ્દરૂપ આપવા આ સમય યોગ્ય ન હતો, પરંતુ આલોક વિચારતો હતો કે 'આ લાવણ્યાને એકાએક એવું તો શું થયું હતું કે ન જાન ન પહેચાન મેં તેરા મહેમાન' ઉક્તિને તેણે સાબિત કરી?!' ખૈર! એવી અનજાન વ્યક્તિઓ તો રોજબરોજ આલોકને ઘણીયે મળવા આવતી હતી તેમાં સૌથી મોટો વર્ગ પ્રશંસકોનો રહેતો અને અન્યમાં પ્રેસ રિપોર્ટરો કલા વિવેચકો, બૌદ્ધિકો, લેખકો, કવિઓ, તત્વચિંતકો, ફિલ્મસ્ટારો, ઉદ્યોગપતિઓ, ચિત્રો ખરીદનારાઓ, સંગીતકાર ક્યારેક પોલિટીશ્યનો ય ખરા. એ વિચારતો હતો અને અનેક તર્ક વિતર્કોમાં ઘેરાતો હતો કે આ બધામાં મિસ? મિસિસ? અવનિ કોણ હશે? વિચારોની ક્ષણોથી લથબથ આલોકને મૌન અવસ્થામાં અવનિ એકીટશે તાકી રહી જાણે એ પણ મૌનના પ્રવાહમાં સરી પડી, અને બંનેની નજર પરસ્પર ટકરાતાં... 'કેમ શું થયું આપ મૌન થઈ ગયા?' અવનિએ એકાએક આલોકને પૂછ્યું... આલોકે સામેથી ઉચ્ચાર્યું 'આપ ક્યાં ખોવાઈ ગયાં હતાં...' અને બંનેનું હળવું સ્મિત-હાસ્ય વાતાવરણમાં ફરી વળ્યું...

અવનિ બધા પેઇન્ટિંગ્સ તરફ નજર ફેરવતાં ફેરવતાં ચહેરા પર વારંવાર આવતી લટને આમતેમ કરતાં મૌનને તોડી આલોકને નમસ્તે કહી ફરી મળવાનાં કોલ સાથે વિદાય માગી.

અચાનક અવનિના છૂટા પડવાના વાક્યથી આલોકે એક અણઉકલ્યો આંચકો અનુભવ્યો અને સહસા બોલી ઉઠયો.

'થોડું રોકાઈ જાવ તો... પ્લીઝ...'

'ઓહ, નો સર... ક્યારેક મળીશું ફરી...'

'ઓ.કે. મોસ્ટ વેલકમ... એઝ યુ વિશ એટ યોર ટાઇમ.'

આલોકે વધુ આગ્રહ ન કર્યો, અને એ પણ પૂછવાનું ભૂલી ગયો કે અવનિ હાલ શું કરે છે? સ્ટડી, સર્વિસ, બિઝનેસ?

કાર સુધી આલોક અવનીને મૂકવા આવ્યો અને અવનિ કારમાં સવાર થતાં 'બાય' કરતીક પૂર ઝડપે રસ્તા પર ઓઝલ થઈ ગઈ. આલોકે હવામાં પોતાનો હાથ ક્યાંય લગી ઉંચો કરી રાખ્યો અને પૂરઝડપે ઓઝલ થતી કારને તાકી રહ્યો. અનેક વિચારો સાથે અને પ્રશ્નોસહ પોતાના સ્ટુડિયોમાં એ દાખલ થયો, અવનીના અચાનક આગમનથી ઉદ્ભવેલી આહ્લાદક ક્ષણોને કેનવાસ પર ઉપસાવવા ચાર કોલને આંગળીઓ વડે પકડી કેનવાસ પર ઝડપભેર આલેખન કરવા લાગ્યો. માધવને કહી દીધું કે આજે કોઈ એને 'ડીસ્ટર્બ' ન કરે. સ્ટુડિઓનું બારણું અંદરથી બંધ કરી દીધું, તે સાંજ સુધી ન ખુલ્યું. સાંજના મોડે સુધી કેનવાસ પર બ્રશ ચાલતું રહ્યું. અવનિનું અપ્રતીમ સૌંદર્યમય પોટ્રેઇટ તૈયાર થઈ ગયું, જાણે કે અવનિ અહિં પ્રત્યક્ષ હાજર થઈ ગઈ હોય. આલોક એને વારંવાર અલગ અલગ એંગલથી જોતો રહ્યો અને વિતેલ પળોને એ વાગોળતો રહ્યો. બારણું ખોલ્યું, માધવને બોલાવી કહ્યું. બ્રશ પેલેટને સાફ કરી મૂકી દેજે. ત્યારે રાત્રે આઠેક જેટલા વાગી ગયા હતા. માધવે બધું ઠીકઠાક કર્યા બાદ આલોકને કહ્યું ''સા'બ આજ અભી આપકો એક પ્રોગ્રામમેં જાના હૈ, યાદ હૈ આપકો?''

'કૌનસા પ્રોગ્રામ માધવ? મુઝે યાદ નહિ.'

'ક્યોં આજ રાત નવ બજે ટાગોર હોલમેં જો પ્રોગ્રામ હોનેવાલા હૈ, યે રહા ઈન્વિટેશન કાર્ડ.' માધવે આલોકના હાથમાં કાર્ડ આપી કહ્યું, 'મૈં અભી ખાના લગાતા હું જલદીસે આપ ડાઇનિંગ હોલમેં આઈએ.' આલોકને ઈન્ડિયન મ્યુઝિક અને તેમાંયે 'ટ્રેડીશનલ મ્યુઝિક' ખૂબ જ ગમતું, વળી શાસ્ત્રીય કે 'ટ્રેડીશનલ ડાન્સ' અને સોંગ્સનો પણ એટલો જ ચાહક, પોતાનું અચ્છું કામ છોડીને પણ આવા પ્રોગ્રામને તે કદીયે મિસ કરતો નહિ. આજે તો એ ત્રિવિધ પ્રોગ્રામ હતો ટાગોર હોલમાં, ટ્રેડીશનલ મ્યુઝિક, સોંગ્સ અને ડાન્સ, તેના ચહેરા પર અનેરા આનંદની છોળો ઉછળી રહી હતી, આ આનંદની ઉછળતી છોળોમાં અવનીના અણધાર્યા મિલનનો પણ સમાવેશ થતો હતો. આલોકે ઝડપથી ડિનર પતાવ્યું, અને ડ્રાઇવરને કહ્યું કે ટાગોર હોલ પર કારને લઈ લે. ટાગોર હોલના કંપાઉન્ડમાં ઉત્તરે આવેલ કાર પાર્કિંગમાં કોન્ટેસાને પાર્ક કરીને આલોક પોતાના ડ્રાઇવરને હોલમાં નિયત સીટ પર બેસવા કહી એ વી.આઈ.પી. કક્ષમાં એન્ટર થયો. ડો. નિખિલેશ મુખોપાધ્યાયને જોઈ આલોક ખૂબ જ ખુશ થઈ ગયો. અન્ય મિત્રો પણ હતા જે બધા વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાંત હતા. ડો. નિખિલેશે આલોકને હવે પછીના આર્ટ એકઝીબીશનના પ્રોગ્રામ વિષે પૂછ્યું. આલોકે દેશમાં અને વિદેશમાં આગામી યોજાનારા 'સોલો શો' વિષે ટૂંકમાં વિગત જણાવી અને કહ્યું આજે એણે જીવનની સર્વોત્તમ કૃતિનું સર્જન કર્યું જેનો મને અનોખો આનંદ છે, જેની કોઈ તુલના કે વર્ણન પણ ન કરી શકાય... ડો. નિખિલેશે હસતાં હસતાં અને આલોકની પીઠ થાબડતાં કહ્યું, ''ભઈ તમે તો હરહંમેશના અનબીટેબલ આર્ટિસ્ટ છો તમારાં હરેક નિતનવાં પેઈન્ટિંગ્સ એક અનોખી સૌંદર્યસૃષ્ટિ કે ઘટના બની જાય છે. જોઈશ હવે તમારું માનચાહ્યું પેઇન્ટિંગ...''

ચાલો ભાઈ હવે મારે એ તાજા સર્જનને માણવા જેમ બને તેમ સ્ટુડિઓ પર વહેલા આવવું પડશે.

અને પ્રોગ્રામ ચાલુ થયો. વિવિધ રંગોની રોશની સ્ટેજ પર છવાઈ ગઈ. સૌ પ્રથમ ટ્રેડીશ્નલ કહી શકાય એવું રાજસ્થાની મ્યુઝિક શરૂ થયું ત્યાર બાદ કાશ્મીરી સંગીતનો ભાતીગળ મધુર સૂર રેલાયો, અને ડાંગના અંતરિયાળ વનવાસીઓનાં વાજીંત્રોનું મીઠું મનમોહક સંગીત નૃત્યસહ રજૂ થયું. આલોકને વિચાર આવતો હતો કે 'એક્સપ્રેસનીઝમ'ને આધારિત પેઈન્ટિંગ્સનું સર્જન કરવું જોઈએ. અને થોડા વિચારોમાં એ લીન થઈ ગયો.

સ્ટેજ પર હવે બીજી નવી આઈટમ પ્રસ્તુત કરવાનું એનાઉન્સરે જાહેરાત કરી એ સાંભળીને એનું મન ન માનતું હતું કે જેનું નામ એણે સાંભળ્યું હતું તે ખરેખર...

ડો. નિખિલેશે આલોકની વિચારધારા તોડતાં પૂછ્યું, ''મિસ્ટર આલોક એક વાત તમને પૂછવાનું ભૂલી ગયો હું...''

''કઈ વાત''?

અને સ્ટેજ પર રોશની ઝબકી ઉઠી. રાજસ્થાની સંગીતની લહેરો હોલમાં જાણે ઉછળી પડી. એનાઉન્સરે રજૂઆત કરી! વિખ્યાત નૃત્યાંગના જેની તમે ઈન્તજાર કરી રહ્યા છો... દુનિયાભરમાં જેણે નૃત્યનો ડંકો વગાડયો છે, અનેક એવોર્ડથી જેઓ સન્માનિત થયાં છે એવાં રૂપના, લયના, અંગભંગીના, આરોહ અવરોહના માહિર મિસ અવનિ આપની સમક્ષ રાજસ્થાની લોકનૃત્યને ક્ષણ ક્ષણાર્ધમાં રજૂ કરી રહ્યાં છે તો હવે માણો આ નૃત્યને...

આલોકે નિખિલેશનો હાથ પકડી લીધો. નિખિલેશે કહ્યું, ''મિસ્ટર આલોક હું અવનિ વિષે જ તમને કહી રહ્યો હતો, કાર્ડ તમેં વાંચ્યું ન હોય, કાર્ડમાં એનું નામ તો હતું જ.' આલોકે કાર્ડ પર નજર કરી નામ તો હતું જ... સ્ટેજ પર હળવા મ્યુઝિક સાથે પાયલનો ઝનકાર થઈ રહ્યો હતો, અવનિનું નૃત્ય સોળે કળાએ ખિલિ ઉઠયું હતું. આલોકને નિખિલેશે કહ્યું - 'આજે એ તને મળવા આવવાની હતી. મળી ?'

'હા'

'કેવી લાગી તને?'

'મતલબ?'

'મતલબ કે -'

'સુંદર.'

'માત્ર સુંદર?'

'અતિ સુંદર.'

'પછી?'

'બસ થોડો સમય રોકાઈ.'

'શું થયું? આઈ મીન શી 

વાતો થઈ?'

'મારાં ચિત્રો એને ગમ્યાં. 

વખાણ કર્યાં.'

'એ સિવાય કંઈક તો ચર્ચા 

થઈ હશે!'

'ના'

'બને જ નહિ.'

'કેમ ના બને?'

'આલોક તે એના વિષે કંઈક જાણવાનો પ્રયત્ન કર્યો?'

'હા.'

'શું?'

'મૌન સંવાદ વડે એના અપ્રતિમ સૌંદર્ય વિષે'.

'બસ કલાકારની આજ તો ખૂબી છે, શબ્દાતીતના કિનારે રહી મૌન સંવાદ વડે જ તો અગમ્ય સૃષ્ટિનું સર્જન કરે છે પરંતુ હું એ પૂછું છું કે એ શું કરે છે? ક્યાં રહે છે? વગેરે કંઇક તો પૂછ્યું હશે.'

'સાચું કહું તો મને એ માટે સમય જ ન મળ્યો કે એને હું કંઈક પૂછું.'

'હવે ફરી મળે તો પૂછી લેજે-' અને નિખિલેશ ધીમેથી હસી પડયો. આલોક પણ એમાં જોડાયો અને કહ્યું ''હવે પૂછવાની જરૂર નથી જણાતી, અવની કોણ છે. શું છે? તે જોઈ લીધું.'' બંને એના નૃત્યને મનભરી માણવા લાગ્યા. પ્રોગ્રામ પૂરો થયે બંને અવનીને મળી એના ઉત્કૃષ્ટ નૃત્ય માટે અભિનંદન પાઠવ્યાં. આલોકે આવતી કાલે અવનીને પોતાના સ્ટુડિઓ પર અચૂક પધારવાનું આમંત્રણ આપ્યું, અને કહ્યું ''તમે આશ્ચર્યચકિત થઈ જશો મારા સ્ટુડિઓની આવતી કાલની મુલાકાતથી. આવશો ને?''

અવનીએ તરત જ ખૂબ જ આનંદથી સંમત્તિ દર્શાવી દીધી અને નિખિલેશ સાથે અવની છૂટા પડયા. કારપાર્કિંગ સુધી આવતાં નિખિલિશે અલોકને કહ્યું, ''દોસ્ત અવનીની મુલાકાતની જેમ મારી પણ પ્રથમ મુલાકાત જ છે. જે દિવસે તને મળી એ જ દિવસની સવારે મને મળી અને તમારા પેઈન્ટિંગ્સની ખૂબ જ પ્રશંસા કરી, આલોચના પણ કરી અને તમને મળવા માટે એણે મને પણ જણાવેલું, 

એ નૃત્યકાર છે એટલું એણે મને જણાવેલું. પરંતુ એથી વિશેષ કશું નહિ. મારામાં અને તમારામાં ફર્ક એટલો જ છે કે તમે અત્યંત ભાવુક બની મારા કરતાં એના પ્રતિ વધુ અકર્ષાયા. ખરું ને? મૂળ તો કલાકાર ખરા ને! સૌંદર્યના ચાહકો-પૂજારી કહેવડાવનારા.''

''સૌંદર્યના પૂજારી કહેવડાવનારા નહિ, સાચા અર્થમાં સૌંદર્યના પૂજારી કહો ડો. નિખિલેશ.'' આલોકે વાક્યને સુધારતાં કહ્યું.

''અરે ભાઈ જે હોય એ પણ તમેં સૌંદર્યપાન કરતાં કરતાં હૃદયની ધડકન ચૂકી ગયા છો એવું તો નથી ને?''

હળવી મજાક કરતાંક નિખિલિશે છૂટા પડવાની આલોક પાસે રજા લઈ પોતપોતાના નિવાસ તરફ વાહનોને હંકારી મૂક્યાં. આલોક પોતાના સ્ટુડિઓ પર પહોંચી અવનિના પોટ્રેઇટ સામે બેસી ચહેરાના ભાવોમાં વધુ જીવંતતા લાવવા શું કરવું જોઈએ તે વિષે વિચારી રહ્યો. જે ગંભીરતા ચહેરા પર લીંપાયેલી હતી તે થોડીક હળવી કરવા આલોકે વિચાર્યું પરંતુ તેમ કરવા જતાં જો કંઇક વિક્ષેપ ઊભો થાય તો તે પુન: યથાવત કરવું મુશ્કેલ પણ થઈ પડે વળી જે ભાવ ચહેરા પર અંકિત થયેલા હતા તેનાથી અવનિનું વ્યક્તિત્વ ઉત્કૃષ્ટપણે આપી રહ્યું હતું. આલોકે કશું જ કરવાનું માંડી વાળ્યું અને આવતી કાલના સૂર્યોદયની રાહ જોવામાં નિદ્રાધિન થઇ ગયો.

બીજા દિવસે આલોક સવારથી જ અવનિની રાહ જોવા લાગ્યો, સવારના નવ વાગ્યા...દશ...અગિયાર...બાર થવા આવ્યા. મધ્યાહ્ન વિત્યો આલોકે ગઇકાલે રાતના રજૂ થયેલ અવનિના નૃત્યોના વિવિધ અંગભંગિઓનાં સ્કેચબૂકમાં સ્કેચ દોરવા માંડયા, અનેક સ્કેચ તૈયાર થઇ ગયા. સાંજ થવા આવી. આલોકની ધીરજ ખૂટતી ગઈ.. હવે એના પાગલપન પરે ખુદ પર ધૃણા થવા લાગી. એક અજાણ સ્ત્રીના કોઈ પણ ઝાઝા પરિચય વિના આટલો વલોપાત શેનો? કલાક અડધા કલાકની અણધારી મુલાકાતથી કોઈ આત્મીયજન નથી બની જતું. એણે એવો અભિગમ, ભાવ તો પ્રગટ કર્યો નથી, એ તો માત્ર મારી કલાથી આકર્ષાઈને મારી ઔપચારિક મુલાકાતે આવી હતી, રોજે રોજ એવી તો કેટકેટલીયે વ્યક્તિઓ મળવા આવતી, હું ખરેખર નાદાન છું, ભોળિયો છું. નિખિલેશે સાચું જ કહ્યું હતું કે કલાકાર સૌંદર્યના પૂજારી હોય છે પરંતુ તેણે કદીએ ભાવુક ન બનવું જોઇએ. કારણ કે એવું બનવું તેના કલાયાત્રામાં રૂકાવટ પણ ઊભી થઇ શકે. ભાવુકતા ક્યારેક કલાકારનો વિનાશ પણ નોતરે.. વિનાશને પણ નોતરી શકે. બરબાદીની ઊંડી અતળ અંધકારમય ખીણમાં ધકેલી દે છે... જ્યાંથી એ પોતાના અસ્તિત્વને સદાને માટે ખોઈ દે છે, જ્યાંથી એ કદી વાપસ ન આવી શકે. એનું ઉદાહરણ મહાન ડચ આર્ટિસ્ટ વિન્સેન્ટ વાન ગોગે એક સ્ત્રીની લાલસામાં અંતે પોતાનો વિનાશ નોતર્યો હતો. કલાના ઇતિહાસમાં આવું બનતું રહે છે.

આલોકે નિખિલેશના એક લેખમાં 'કલાકાર' વિષેનાં મંતવ્યો યાદ કર્યા, પરંતુ આલોક વિચારતો હતો કે પોતે એ સર્વે બાબતોથી સજાગ જ છે. અને તરત જ અવનિ વિષેની ઉદ્ભવેલી લાગણીઓને સામાન્ય ગણી તેને દૂર કરી.

કુદરતના અપ્રતિમ સૌંદર્યને કલાકાર પોતાના કેનવાસ પર કે અન્ય માધ્યમ પર કંડારી લે છે, બસ એટલો જ એનો હક્ક છે અથવા કર્તવ્ય છે. સૃષ્ટિ પરના અનંત સૌંદર્યને એ કેનવાસ પર અંકિત કરે છે. એ કેનવાસનો એ માલિક છે પરંતુ સૃષ્ટિ પરના સૌંદર્યનો કલાકાર માલિક નથી. જો કે કલાકાર એ કુદરતથી સૌથી નજીકનો વ્યક્તિ છે. કલાકાર હંમેશાં કુદરતનું અનુકરણ કરતો રહ્યો છે અને અનુકૃતિ પણ કરતો રહ્યો છે. આલોકે અવનિની યાદને તરત જ પોતાના ભાવનેક્ષાત્મક ક્ષણોને હંમેશને માટે દૂર કરી દીધી.

વર્ષો થઇ ગયાં ન તો અવનિ સ્ટુડિઓ પર આવી કે ન તો કોઈ એના તરફથી કોઈ સમાચાર આવ્યા. તેમ છતા કોઈ જાણે કેમ ક્યારે ક આલોકને અવનિની હાજરીનો એહસાસ થતો હતો.

તેમ છતાં આલોકે એના એહસાસની અનુભૂતિ કરતાં કરતાં કલાની ઉપાસનામાં વૃદ્ધત્વ સુધીનો કાળ જીંદગીના પડાવ સુધી આવી પહોંચ્યો. નિખિલેશ મુખોપાધ્યાય નિયમિત રીતે એના દેશ પરદેશમાં યોજાતાં કલાપ્રદર્શનોના 'રીવ્યુઝ' લખીને દૈનિકપત્રોમાં અને નામી મેગેઝીનોમાં પ્રગટ કરતો રહ્યો. ડૉ. નિખિલેશનાં આલોકના કલા અંગેના લેખોને કારણે મહામૂલાં પેઇન્ટિંગ્સ કરોડોની કિંમતમાં વેચાતાં રહ્યાં. દેશ વિદેશમાં ખ્યાતનામ બનેલા આલોકને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય કલાએ અનેક માનપત્રો એવોર્ડ જેવાં મળી ચૂક્યાં હતાં. છતાં 'કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેતું કદાચન'ની ઉક્તિને જીવનમાં ઉતારી માત્ર કલા સાધનામાં ડૂબેલા આલોકને હવે માત્ર કલા એ જ જીવન અને જીવન એ જ કલા દ્વારા જીવન વ્યતિત કરવાનું નક્કી કરી દીધું હતું. મનુષ્યનું ચાહ્યું મળે જ એ જરૂરી નથી. પ્રારબ્ધમાં જે છે તે કોઈ લઇ કે ચોરી શક્તું નથી અને જે મળવાનું છે તે મળીને જ રહે છે. અવનિ જીવનમાં આવી અને ન આવી એનું પણ કંઇક કારણ હશે - આલોક ગમે તેટલું વિચારે કે અવનિ વિષે વિચારવું કે યાદ ન કરવું પરંતુ એ એના બસની વાત ન્હોતી.

આલોક પાસે અઢળક નાણાં હતાં. માનમરતબો હતો, સંપત્તિ હતી, રાજાશાહી ઢબનો વિશાળ મહેલ હતો, નોકર ચાકર હતા સુખ સાહ્યબી હતાં તેમ છતાં કંઇક ખૂટતું હતું અને તે પત્નિ...

પછી તો એક સંપૂર્ણ મિત્ર તરીકે ગરજસારે એવો ડૉ. નિખિલેશ હતો અને તેણે વારંવાર આલોકને લગ્ન કરી લેવાની ફરજ પાડી હતી છતાં નિખિલેશની વાત આલોકે ન માની અને કોઈ અગમ્ય કારણ આપી વાતને કે સલાહને લટકતી રાખી. વૃદ્ધત્વએ આખરે આલોકને ઘેરી લીધો અને હવે ઘણું મોડું થઇ ગયું. આલોક નિખિલેશને કહે તો જો લગ્ન કરીશ તો મારી કલા રૃંધાઈ જશે... વગેરે વગેરે પાયાવિહોણાં કારણો બતાવી છટકી જતો. એ કહેતો, કલાકાર તરીકે આલોક મરી જશે, રહી જશે માત્ર આલોક. પરંતુ નિખિલેશ માનવા તૈયાર ન હતો કે આલોકનો એ વિચાર કે નિર્ણય સાચો હતો. અવનિના પ્રોટ્રેઇટને આલોકે જીવની જેમ આજ સુધી સાચવી રાખ્યું હતું. કરોડોના કિંમતનાં પેઇન્ટિંગ્સ કરતાં સૌથી કિંમતી હોય તેમ એ પોટ્રેઇટ આલોકના મનમાં સૌથી અમૂલ્ય હતું.

રાત-દિન કલા સાધનામાં વ્યસ્ત આલોકની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં કોઇકની ઇન્તજાર ડોકાતી હતી. પોતાના સ્ટુડિઓમાં એક દિવસ નિરાંતે ઇઝીચેરમાં પોતાની લાંબી કાયાને લંબાવી અવનીના પોટ્રેઇટ સામે બેઠો હતો. અવનીના અપ્રતિમરૂપને જાણે આંખો વડે પી રહ્યો હતો. એણે અર્ધખુલ્લા બારણા તરફ ધીમેથી આગંતુક પ્રતિ જોયું. એક એની જ ઉમરની અપંગ સ્ત્રી લાકડાની ઘોડીના સહારે 'મે આઈ કમ ઇન સર?' કહી ઊભી હતી.

હંસની પાંખોની શુભ્રતા જેવા લાંબા કેશ-ઝુલ્ફાંને પોતાની આંખ સામેથી ખસેડીને જોતાં જોતાં આલોક ઊભો થયો. પરિચિત અવાજ વર્ષો પછી પણ આલોક ભૂલ્યો ન હતો.

'અવનિ...અવની...આ શું હું જોઈ રહ્યો છું?! તું અવનિ જ છે?!'

આલોક દિગ્મૂઢ થઇ ઊભો થઇ અવનિ પાસે પહોંચી ગયો.

'મેં તમને પ્રોગ્રામના બીજે જ દિવસે તમને મળવા આવવા પ્રોમિસ કર્યું હતું. પરંતુ વિધિની વક્રતા તો જુઓ.... એક જીવને બચાવવા જતાં ગાડી એક ઝાડ સાથે ટકરાઈ અને મારી આ દશા થઈ... મહિનાઓ સુધી સારવારમાં રહ્યા બાદ થોડી ઠીક તો થઇ પણ મેં એક પગ ગુમાવી દીધો અને આજે આ હાલતમાં તમારી પ્રત્યક્ષ છું, છતાંય હું પળેપળ તમારી જ છું. તમારી હરેક પ્રવૃત્તિ વિષે ડૉ. નિખિલેશ મને વાકેફ કરતા હું તમારી કલાસાધનામાં અંતરાયરૂપ ન્હોતી થવા માગતી. ડૉ. નિખિલેશ બધું જાણતા હતા.'

આલોક અવાચક બની સાંભળતો રહ્યો. અવનિ આગળ બોલતી રહી, 'આપણું મળવું એક કુદરતી મળવું હતું અને આજે પણ જે રીતે મળીએ છીએ તે કુદરતની કૃપા વિના સંભવિત નથી. આપને મેં પ્રત્યક્ષ કે પરોક્ષ મનભરીને માણ્યા છે. ડૉ. નિખિલેશ મારા માનેલા મોટાભાઈ છે. મેં એમની પાસેથી વચન લીધું હતું કે હું તમારી બહેન છું એવું કદીએ આલોકને કહેશો નહિ અથવા તો મારા વિષે કોઈ વાત ન કરશો. એ મારી મરજી હતી. મારા મોટાભાઈએ એ પાળ્યું જ હશે એની મને ખાત્રી છે.'

'આનંદ ક્યારે જીવલેણ બની જાય છે, કદાચ એ પ્રમાણે થયું હોત તો આજે હું જીવંત ન હોત પરંતુ મારે અકસ્માતમાં મારો પગ ગુમાવીને પણ તમને માણવાના હતા. લગ્ન કરીને કે સાંસારિકતા ભોગવવાથી જ પરસ્પર આત્માની ઐક્યતા સાધી શકાય છે એમ હું નથી માનતી. આલોક હું તમમય છું કે તમે મુજમય છો એ તો સાબિત થઇ ગયું. તમે બનાવેલા મારા પોટ્રેઇટને મને બતાવો ને સ્હેજ સહારો ચાલવા માટે આપશો?'

આલોકે ભીની આંખે અવનિને સહારો આપી પોટ્રેઇટ પાસે લઇ જાય છે, અવનિના ચહેરા પર આનંદ અને ગંભીરતાનાં ભાવો યથાવત ઉપસેલા હતા. અવનિ પ્રથમવાર જ પોતાના આ અપ્રતિમ રૂપાળા પોટ્રેઇટને જોઈ રહી. આલોક અવનીના વૃદ્ધ છતાં તેજસ્વી ચહેરાને તાકી રહ્યો. બંનેના અંત:કરણમાં આનંદનો સાગર ઉમટી રહ્યો હતો. ડૉ. નિખિલેશે બંનેને આશિર્વાદ આપ્યા, અને એક મૌન સંવાદની શરૂઆત થઈ.