નર્સિંગ: અદ્વિતીય સેવાનો આનંદ .

- આજકાલ-પ્રીતિ શાહ
- નર્સિંગ મહાન વ્યવસાય છે. પથારીમાં સૂતેલા દર્દીઓ અમારા માતા-પિતા જેવા છે. અહીં સંવેદના અને સહાનુભૂતિની સાથે ગરિમા રહેલી છે
પો તાના કાર્ય પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ એક એવી શક્તિ પ્રગટાવે છે કે, જે સાધારણ લાગતા પ્રયત્નોને અસાધારણ સફળતામાં પરિવર્તિત કરે છે. આ હકીકત પાંચ દાયકાથી નર્સ તરીકે કાર્ય કરતાં હિંદુંબી કૌરોમ કક્કાડાના જીવનમાં પ્રતિબિંબિત થાય છે. કેન્દ્ર શાસિત લક્ષદ્વીપની રાજધાની કવરત્તીમાં જન્મેલા અને ઉછરેલા હિંદુંબીના પિતા ચેરિયા કોયા સ્વાતંત્ર્યસેનાની હતા. કેરળના માલાબારમાં ૧૯૩૦ના એપ્રિલ મહિનામાં કાલીકટથી પય્યાનૂર સુધી ચાલીને અને સમુદ્રના પાણીને ઉકાળીને મીઠાનો કાયદો તોડયો હતો તેમાં ભાગ લીધો હતો અને કવરત્તી આવ્યા ત્યારે ભારતનો ધ્વજ લઈને આવ્યા હતા. હિંદુંબીના પિતાએ પોતાની પુત્રીનું નામ હિંદુસ્તાન પરથી પાડયું છે. તેનું હિંદુંબીને પણ ગૌરવ છે. હિંદુંબીને નાનપણથી જ શ્વેત વસ્ત્રોમાં કામ કરતી નર્સ પ્રત્યે આકર્ષણ હતું. તેઓ નવમા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે અંગ્રેેજીના શિક્ષકે પૂછયું હતું, 'તારે ભવિષ્યમાં શું બનવું છે?' તેમણે તરત જ જવાબ આપ્યો હતો, 'નર્સ.'
દસમા ધોરણ પછી એમણે કોઝીકોડ મેડિકલ કૉલેજમાં ૧૯૬૮માં નર્સિંગના કોર્સમાં પ્રવેશ મેળવ્યો અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો. તેઓ અહીં ચાર વર્ષ રહ્યા, એમાં એક પણ વખત કવરત્તી આવ્યા નહોતા, કારણ કે કોઝીકોડથી કવરત્તીના સમુદ્ર માર્ગે તે સમયે માત્ર બે નાની નાવની જ અવરજવર રહેતી અને કવરત્તી પહોંચતા ઘણા દિવસો લાગી જતા. નર્સિંગ અને મિડવાઇફરી અર્થાત્ પ્રસૂતિ કરાવનાર દાઈ તરીકેનો અભ્યાસ પૂર્ણ કરીને તેઓ કવરત્તી આવ્યા અને ત્યાંની ઇંદિરા ગાંધી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે નિમણૂક પામ્યા, ત્યારે કવરત્તીમાં અન્ય બે નર્સ કેરળથી આવી હતી, પરંતુ લક્ષદ્વીપમાંથી સ્ટાફ નર્સ તરીકે જોડાનારા એ સમયે તેઓ પ્રથમ નર્સ હતા. એ સમયે વારંવાર વીજળી જતી રહેતી. ૧૯૭૫થી તેઓ દર્દીની સર્જરી વખતે જરૂર પડયે કેરોસીનથી ચાલતો દીવો કે ફાનસ લઈને ઊભા રહેતા.
પાંચ દાયકાથી પણ વધુ સમય સુધી નર્સ તરીકે કામ કરતા તેમના જીવનમાં ઘણી વખત ઈમરજન્સી કેસ આવ્યા છે. ૧૯૮૮માં ચોમાસાની એક વરસાદી સાંજે અમિની આઇલેન્ડ પર પ્રસૂતિ કરાવવા જવું પડે તેમ હતું, પરંતુ તે દિવસે વાતાવરણ એટલું બધું ખરાબ હતું કે દરિયામાં કોઈ નાવ લઈને જવું શક્ય નહોતું. માત્ર ભારતીય નૌસેનાના જહાજમાં જ મુસાફરી થઈ શકે તેમ હતી, પરંતુ તે જહાજ એટલું મોટું હતું કે કિનારા સુધી લાવવું મુશ્કેલ હતું. આવા સમયે જહાજમાંથી કિનારે દોરડું નાખવામાં આવ્યું તેને બાંધી, દોરડાની સીડી બનાવીને જહાજ પર અને તેના દ્વારા અમિની આઇલૅન્ડ સુધી પહોંચીને સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી. એક વખત અગત્તી આઇલેન્ડ પર ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર સાથે ગયા, પરંતુ સ્ત્રીને એટલું બધું લોહી વહી ગયું હતું કે તેને હોસ્પિટલ દાખલ કરવી પડે તેમ હતી. તેને ફિશિંગ બોટમાં કવરત્તી લાવવા નીકળ્યા. રસ્તામાં લોહી ચડાવ્યું. હેમખેમ કવરત્તી પહોંચ્યા ત્યાં ડૉક્ટરે સિઝેરિયન કરીને બાળક અને માતાને બચાવ્યા. એ છોકરી આજે જ્યારે મળે છે ત્યારે તેને જોઈને પારાવાર આનંદ અનુભવે છે.
આવી જ રીતે એંડ્રોટ આઇલેન્ડથી ડૉક્ટર સાથે શિપમાં નીકળ્યા હતા. અંતિમ સમયમાં માતાના ગર્ભમાં બાળક ઊંધું થઈ ગયું, પરંતુ શિપમાં જ ડૉક્ટરે પ્રસૂતિ કરાવી. એક આઇલેન્ડ પર કોલેરા ફાટી નીકળ્યો હતો, ત્યારે દસ દિવસ રહીને લોકોની સતત સારવાર કરતા રહ્યા. પરિસ્થિતિ સુધરી પછી તેઓ કવરત્તી પાછા આવ્યા. ઈજાગ્રસ્ત દર્દીઓની સેવામાં પણ સતત હાજર રહેનાર હિંદુંબીને પૂછો કે ત્રેપન વર્ષની તમારી સેવામાં પડકારજનક ક્ષણ કઈ? ત્યારે અત્યંત સરળતાથી તેઓ કહે, 'એકેય નહીં! મને ક્યારેય મારું કામ મુશ્કેલ લાગ્યું નથી.' પરંતુ તરત જ એનું કારણ જણાવતાં કહે કે તેમના પરિવારનો એટલો બધો સાથ અને સહકાર છે કે તેના કારણે જ આટલી નિષ્ઠાપૂર્વક કામ કરી શકે છે. અડધી રાત્રે પણ કોઈ ફોન આવે તો તેના પરિવારમાંથી કોઈ તેમને હોસ્પિટલ સુધી મૂકવા આવે છે. જો કોઈ ઈમરજન્સી હોય તો દિવસ-રાત તેઓ હોસ્પિટલમાં જ રહી શકે છે.
આજે એંશી વર્ષે તેઓ સવારે પાંચ વાગ્યે ઊઠે છે. ઘરનું કામ કરીને સાડા સાત વાગ્યે હોસ્પિટલ જવા નીકળે છે. ૨૦૦૬માં વયને કારણે નિવૃત્ત થયા પછી પણ એમણે કામ ચાલુ રાખ્યું છે તેમના મનમાં નિવૃત્ત થવાનો ક્યારેય વિચાર આવ્યો નથી. આજે કવરત્તીમાં એવા કેટલાય લોકો છે જે હિંદુંબીને જોઈને પોતાનું વાહન ઊભું રાખીને કે તેમને મળે ત્યારે કહે કે આ બાળકની ડિલિવરી તમે કરી છે. પોસ્ટ-ઑફિસમાં કામ કરતી સ્ત્રીએ તેમને કહ્યું કે તમે જે છોકરીને આ દુનિયામાં લઈ આવ્યા તે અત્યારે સેક્રેટરીએટમાં કામ કરે છે. અત્યાર સુધીમાં વીસ હજારથી વધુ ઈમરજન્સી અને સર્જરીમાં એણે સહાય કરી છે. આજથી ચાર વર્ષ પહેલાં નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગેલનો ઍવૉર્ડ મેળવનાર હિંદુંબી માને છે કે, 'નર્સિંગ મહાન વ્યવસાય છે. પથારીમાં સૂતેલા દર્દીઓ અમારા માતા-પિતા જેવા છે. અહીં સંવેદના અને સહાનુભૂતિની સાથે ગરિમા રહેલી છે. ઈશ્વરની ઇચ્છા હશે અને હું સક્ષમ હોઈશ ત્યાં સુધી કામ કરતી રહીશ.'
ચિત્રના લસરકાની અપાર શક્તિ
ઝહીર મિર્ઝા કહે છે કે ઓપન ઇઝલનો હેતુ એ કેનવાસ પર ચિત્ર દોરવા કરતાં વિશેષ તો લોકો તેના ભય અને જજમેન્ટથી મુક્ત થાય તે છે
આ જકાલ સહુ પોડકાસ્ટ સાંભળે છે, પરંતુ બોટકાસ્ટ વિશે સાંભળ્યું છે? જાણીતા કલાકાર અને જાહેરખબર ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનાર ઝહીર મિર્ઝાને સતત નવા અને મૌલિક વિચારો આવતા રહે છે. ગયા વર્ષે દુબઈ સ્થિત ઈશારા આર્ટ ફાઉન્ડેશને કેરળના કોચીમાં 'એમ્ફીબીયન એસ્થેટિક્સ' નામના પ્રદર્શનનું આયોજન કર્યું હતું તેમાં તેઓ ગયા હતા. પ્રદર્શનના આર્ટ ડિરેક્ટર અને તેમના મિત્ર રિયાસ કોમુને તેમણે જણાવ્યું કે અહીં તેમણે કંઈ કરવાનું નથી, ત્યારે રિયાસ કોમુએ ઝહીર મિર્ઝાને ક્રૂઝમાં કોચીની ટૂર કરાવી અને કોચીનું મટ્ટનચેરી, કોલ્લમનું પારાવુર, અર્નાકુલમનું ચેંદામંગલમ અને પત્તનમ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પુરાતત્ત્વની દ્રષ્ટિએ કેવું મહત્ત્વ છે તે દર્શાવ્યું. ત્યાંની મૌખિક પરંપરા અને વેપાર, ધર્મ તેમજ ગુલામીના ઇતિહાસ વિશે જાણવા મળ્યું. માનવસંસ્કૃતિ કોઈ પણ નદી કે જળાશયની આસપાસ પાંગરે છે તેનું જીવંત ઉદાહરણ કેરળ છે.
સમગ્ર અનુભવની ઊંડી છાપ લઈને ઝહીર મિર્ઝા મુંબઈ જવા નીકળ્યા, ત્યારે ઍરપોર્ટ પર નાસ્તો કરતી વખતે ટીસ્યૂ પેપર પર લખ્યું, 'પોડકાસ્ટ', પણ તરત બીજી ક્ષણે 'પોડ' પર લીટી મારીને ઉપર લખ્યું 'બોટ'! જે પોડકાસ્ટ પાણી પર થાય તે બોટકાસ્ટ! અને એ રીતે બોટકાસ્ટની શરૂઆત કરી. આ બોટકાસ્ટમાં અનેક ઇતિહાસકારો, વિદ્વાનો અને સંશોધકોનો સાથ લીધો. ઝહીર મિર્ઝાની ઇચ્છા એક સો બોટકાસ્ટ બનાવવાની છે. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટ, આર્કિટેક્ચર અને ડિઝાઈનની ડીનોવો યુનિવર્સિટીના વિકાસમાં તેમજ માસ્ટર્સ પ્રોગ્રામ ઘડવામાં તેમનો મહત્ત્વનો ફાળો છે. જાણીતી કંપનીઓના મોટા અભિયાનો ચલાવવામાં, ક્રિયેટિવ જાહેરખબર બનાવવામાં તેમજ કલાક્ષેત્રે શિક્ષણ, ક્રિયેટિવિટી અને ઇનોવેશનમાં સતત કાર્યરત રહીને મૌલિક વિચારોથી સહુનું ધ્યાન ખેંચતા રહ્યા છે.
૧૯૬૬માં જન્મેલા ઝહીર મિર્ઝા આજે સાઠ વર્ષની ઉંમરે પણ નવીન પ્રયોગો કરે છે. તેમને લાગ્યું કે ચિત્રકલાને આર્ટગેલરીમાંથી બહાર કાઢીને ભારતની શેરીઓમાં અને રસ્તા પર લાવવી જોઈએ. આજે ગેલરીમાં પ્રદર્શનો થાય છે અને ચિત્રો વેચાય છે તેમને આશ્ચર્ય એ છે કે આ કલા છે કે કોઈ બ્રાંડ? કલા એ કોઈ એક વર્ગની માલિકી નથી, તેના પર સહુ કોઈનો અધિકાર છે. એમાંથી 'ઓપન ઇઝલ'નો વિચાર જન્મ્યો! ઇઝલ એટલે એક પ્રકારનું સ્ટેન્ડ કે ઘોડી, જેનો ઉપયોગ ચિત્રકારો કેનવાસ મૂકીને ચિત્ર કરે છે. મુંબઈના અત્યંત ભીડવાળા કે ગીચ વિસ્તારમાં આવું ઇઝલ મૂક્યું. લોકો ઊભા રહીને જોવા લાગ્યા. ચિત્ર કરવા નિમંત્રણ આપ્યું. કેટલાક લોકો વિચારમાં પડયા, કેટલાક ખચકાયા તો કેટલાકે નજીક જઈને બ્રશ તો પકડયું, પણ ધીમે ધીમે ચિત્ર દોરવાનું શરૂ કર્યું.
અજાણ્યા લોકોને કોઈ પણ પ્રકારના ઉચાટ કે ડર વગર ચિત્ર દોરવાનું કહે છે. અહીં ચિત્ર કરતી વખતે કોઈની સાથે સરખામણી કરવાની નથી કે કોઈ શું કહેશે એની ચિંતા પણ કરવાની નથી. તેઓ ઓપન ઇઝલના માધ્યમથી લોકોમાં કલા પ્રત્યે જાગૃતિ લાવવા માગે છે. તેઓ બગીચામાં, બજારમાં, વધુ લોકોની અવરજવર હોય ત્યાં અને લોકપ્રિય કે જાણીતી હોટલ કે કાફેની બહાર ઓપન ઇઝલ રાખે છે. અહીં ચિત્ર કરવા માટે કોઈ ડિગ્રીની જરૂર નથી કે કોઈ સમીક્ષકનો ભય રાખવાની જરૂર નથી. રંગો દ્વારા માત્ર પોતાની ભાવનાને અભિવ્યક્ત કરવા માટેની આ જગ્યા છે. ક્યારેક તો કેટલાક લોકો આવીને પૂછે છે, 'શું ખરેખર હું ચિત્ર દોરી શકું?' ઘણા તો એમને કહે છે કે, 'હું બહુ સારું ચિત્ર દોરતો નથી', ત્યારે ઝહીર હસતાં હસતાં તેમને નિમંત્રે છે કે અહીં કશું ખરાબ કે સારું નથી, માત્ર ચિત્ર દોરો.
ઝહીર મિર્ઝા કહે છે કે ઓપન ઇઝલનો હેતુ એ કેનવાસ પર ચિત્ર દોરવા કરતાં વિશેષ તો લોકો તેના ભય અને જજમેન્ટથી મુક્ત થાય તે છે. આ પ્રયોગ સામાન્ય વ્યક્તિના માનસિક અને સામાજિક સ્તર પર ઊંડી અસર કરે છે. અસમથી આવીને સૂરતમાં રહેતી મહિલા ચિત્ર કરતાં ખચકાટ અનુભવતી હતી, પરંતુ પછી તેણે નદીનું ચિત્ર દોર્યું. ઝહીર મિર્ર્ઝાએ તેની સાથે વાત કરી, ત્યારે તેણે જણાવ્યું કે આ બ્રહ્મપુત્રા નદી છે. ભાવુક થઈને કહ્યું કે બ્રહ્મપુત્રા અમારું જીવન છે અને ભૂપેન હઝારિકાનું એ વિશેનું ગીત ગણગણવા લાગી. જે વસ્તુ શબ્દોથી વ્યક્ત થતી નથી તે ચિત્ર દ્વારા વ્યક્ત થતી હોય છે. તેમનું માનવું છે કે સામાન્ય વ્યક્તિ જ્યારે હાથમાં પીંછી પકડે છે ત્યારે તે રંગો સાથે તાદાત્મ્ય સાધે છે. કલા, આનંદ અને લાગણીઓનું મિશ્રણ વ્યક્તિને ઊર્જાથી ભરી દે છે. મુંબઈ, દિલ્હી, સૂરત, નાસિક, અમદાવાદ જેવા શહેરોમાં ઓપન ઇઝલના કાર્યક્રમો યોજનાર ઝહીર કહે છે કે મોટાઓ કરતાં બાળકો બહુ ઝડપથી આગળ આવીને ચિત્ર દોરવા ઉત્સુક હોય છે અને કલાક પછી પણ તેને છોડતા નથી. ભારતના દરેક શહેરમાં ઓપન ઇઝલનો ફેલાવો થાય તેવું ઝહીર મિર્ઝાનું સ્વપ્ન છે, કારણ કે તેઓ માને છે કે ચિત્રના એક લસરકામાં ઘણી શક્તિ રહેલી છે.









