Magazines

રાશિ કરતાં નક્ષત્રનો વધુ મહિમા કરતું જૈન જ્યોતિષશાસ્ત્ર!

By GS TEAM
13 Jun 20266 mins read
રાશિ કરતાં નક્ષત્રનો વધુ મહિમા કરતું જૈન જ્યોતિષશાસ્ત્ર!

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- પાંચ ગ્રંથોમાં બીજા ગ્રંથ સામુદ્રિકતિલકમાં ઘણી માહિતી આપવામાં આવી છે, જેમાંની ઘણીખરી માહિતીનો ઉપયોગ હસ્તસંજીવન ગ્રંથમાં કરવામાં આવ્યો છે

- સમગ્ર જ્યોતિષશાસ્ત્ર જ સંવેગી જૈન સાધુ માટે વર્જ્ય ગણેલું છે. તેમાં પણ સામુદ્રિકશાસ્ત્ર અને હસ્તરેખાશાસ્ત્ર વિશેષત: વર્જ્ય છે. આમ છતાં પ્રાચીનકાળના જૈનાચાર્યોએ આ અંગે ગ્રંથો લખ્યા છે

ભ દ્રબાહુસંહિતા પણ એક જૈન જ્યોતિષનો મહત્વનો ગ્રંથ છે. ફળજ્યોતિષનો એક વિભાગ અષ્ટાંગનિમિત્ત છે. તે આ પ્રમાણે છે, ૧. અંગવિદ્યા જેમાં પુરૂષ અને સ્ત્રીનાં અંગના આકાર-પ્રકારના આધારે ભવિષ્યકથન કરવામાં આવે છે, ૨. સ્વપ્નશાસ્ત્ર,૩. સ્વરશાસ્ત્ર, ૪. ભૌમશાસ્ત્ર, ૫. વ્યંજનશાસ્ત્ર, ૬. લક્ષણશાસ્ત્ર, ૭. ઉત્પાતશાસ્ત્ર, ૮. અંતરીક્ષશાસ્ત્ર.

જૈન ઇતિહાસ અનુસાર ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી આ નિમિત્તશાસ્ત્રના મહાન જ્ઞાતા હતા. જોકે વર્તમાનમાં પ્રાપ્ત ભદ્રબાહુસંહિતાના કર્તા ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી જ છે તે અંગે પ્રાય: દરેક વિદ્વાનને શંકા છે. આ ગ્રંથની રચના પુરાતત્વાચાર્ય શ્રી જિનવિજયજીની માન્યતા અનુસાર અને તેમને પ્રાપ્ત હસ્તપ્રતનો લેખનકાળ વિ. સં. ૧૪૮૦ આસપાસનો હોવાથી, ૧૧મી-૧૨મી સદીની હોવાનું અનુમાન છે. આમ છતાં સામાન્ય માન્યતા પ્રમાણે તે ભદ્રબાહુસ્વામીની રચના છે.

નરચંદ્ર જ્યોતિષ પણ જૈન જ્યોતિષનો મહત્વનો ગ્રંથ છે. આ ગ્રંથ જૂની ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલો હોવાથી તેમાં જોડણી જૂની ગુજરાતી પ્રમાણે છે અને તે કાળમાં શબ્દોની જોડણી નિશ્ચિત થઈ ન હોવાના કારણે આજની શુદ્ધ ગુજરાતી ભાષાની સરખામણીમાં તે કદાચ અશુદ્ધ લાગે પરંતુ વિષયની માહિતી વધુ મહત્વપૂર્ણ છે. આ ગ્રંથ નરચંદ્રસૂરિ નામના આચાર્ય મહારાજનું સંકલન છે. પુસ્તક પ્રકાશન કરનારે તેનાં ૧૮૪ પ્રકરણ કર્યાં છે. આમાં જ્યોતિષના ઘણા વિષયોને આવરી લીધા છે. છેલ્લે ગ્રહશાંતિ માટેના જાપનું પ્રકરણ છે. જ્યારે પ્રથમ પ્રકરણ તિથિ સંબંધી છે. દરેક પ્રકરણના નામની પહેલાં જૂની પદ્ધતિ પ્રમાણે 'અથ' શબ્દ મૂકેલો છે. એટલે કે પ્રથમ પ્રકરણનું નામ 'અથ શ્રી તિથિ વિચાર' આપ્યું છે. અહીં તિથિ શબ્દની જોડણી પણ તે પુસ્તકમાં આપેલી જોડણી જ રાખી છે.

સામાન્ય રીતે સૂર્ય એક રાશિમાં એક મહિનો રહે છે, જ્યારે ચંદ્ર એક રાશિમાં સવા બે દિવસ રહે છે. મંગળ પ્રાય: દોઢ મહિનો અને બુધ તથા શુક્ર લગભગ એક મહિનો રહે છે. ગુરૂ લગભગ ૧૩ મહિના, શનિ અઢી વર્ષ, રાહુ અને કેતુ દોઢ વર્ષ એક રાશિમાં રહે છે.

જૈન પરંપરાના આ મહાન આચાર્ય ભગવંતો દ્વારા પણ જ્યોતિષશાસ્ત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં ખાસ કરીને જ્યોતિષશાસ્ત્રના વિદ્વાન તરીકે ભદ્રબાહુસ્વામીનું નામ એક મહાન પ્રભાવક આચાર્ય તરીકે ગણાયું છે. તેમું જ્યોતિષશાસ્ત્ર સંબંધી જ્ઞાન બહુ જ વિશદ અને સૂક્ષ્મ કક્ષાનું હતું. તેમની ગણતરી ચોક્કસ હતી. તેમણે રચેલા ગ્રંથ ભદ્રબાહુસંહિતા નામે પ્રસિદ્ધ છે. આ ગ્રંથ વિશે દેશ-વિદેશમાં ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના ઊંડા સંશોધન બાદ નવીન દ્રષ્ટિકોણ આપનાર પૂજ્ય આચાર્યશ્રી નંદીઘોષસૂરીશ્વરજી કહે છે કે જૈન પરંપરામાં જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્રનું મહત્વ વિશેષ રહ્યું છે. તેમાં પણ તેના ચોથા ભાગ સુધીની ગણતરી કરવામાં આવી હતી. શ્રી કલ્પસૂત્ર વગેરે જૈન આગમોમાં ચોવીશ તીર્થંકર પરમાત્માના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ જેવી મહત્વપૂર્ણ ઘટનાઓ. જેને 'કલ્યાણક' કહેવામાં આવે છે તેનું વર્ણન કરતાં તેનો સમય અર્થાત્ કાળ બતાવતાં તે દિવસ અને તે સમયે વર્તતા ચંદ્ર સંબંધી નક્ષત્ર બતાવવામાં આવે છે, પણ તે સમયની ચંદ્રની રાશિ બતાવવામાં આવતી નથી. મતલબ કે રાશિ કરતાં નક્ષત્ર મહત્વનું છે. તેનું કારણ એટલું જ છે કે એક રાશિમાં ચંદ્ર સવા બે દિવસ રહે છે જ્યારે એક નક્ષત્રમાં ચંદ્ર માત્ર એક જ દિવસ રહે છે. જે રીતે રાશિના પોતાના ગુણધર્મ અર્થાત્ વિલક્ષણતા હોય છે તે રીતે દરેક નક્ષત્રની પોતાની આગવી વિલક્ષણતા હોય છે. તે કારણથી જૈન પરંપરામાં રાશિ કરતાં નક્ષત્રનું વિશેષ મહત્વ છે.

બીજી એક મહત્વની વાત એ છે કે કેટલીક પરંપરામાં અને ખાસ કરીને પાશ્ચાત્ય પદ્ધતિમાં સૂર્યનું મહત્વ છે. અને તે કારણે તેઓના પંચાંગ અર્થાત્ કેલેન્ડરમાં એટલે કે તેમની પરંપરામાં સૂર્યના રાશિ, અંશ, કલા, પ્રાય: દરેક અંગ્રેજી મહિનાની તારીખે દર વર્ષે એક જ આવે છે. અંગ્રેજી કેલેન્ડર સૂર્ય અનુસાર બનેલું છે જ્યારે ભારતીય પરંપરામાં ચંદ્રનું મહત્વ હોવાથી ભારતીય પંચાંગ ચંદ્રને અનુસરે છે. ભારતીય પરંપરામાં વ્યક્તિનાં નામ પણ તેના જન્મ સમયના ચંદ્રની રાશિ પ્રમાણે રાખવામાં આવે છે. તેમાં પણ જૈન પરંપરામાં નક્ષત્રનું મહત્વ વિશેષ છે.

જ્યોતિષશાસ્ત્ર સંબંધી જૈન ગ્રંથોની વિશેષતા એ છે કે તેમાં મોટેભાગે જે તે દિવસે જન્મનાર વ્યક્તિ અર્થાત્ જાતકના ભવિષ્ય કે સ્વભાવ અથવા સ્વરૂપ વગેરેની ખાસ કોઇ ચર્ચા કરવામાં આવી નથી. માત્ર મુહૂર્ત અંગેની ચર્ચા-વિચારણા કરેલી છે અને તેમાં પણ ગૃહસ્થોને લગતાં કાર્યોનાં મુહૂર્તનું તો માત્ર દિગ્દર્શન જ કરાવેલું હોય છે જ્યારે જિનાલયના નિર્માણ માટેની જમીનથી લઈ તેના ખાતમુહૂર્ત, શિલાસ્થાપનથી લઈ છેક પ્રતિષ્ઠા સુધીના દરેક પ્રકારના કાર્ય સંબંધી મુહૂર્ત તથા દીક્ષા, પદપ્રદાન સંબંધી મુહૂર્ત અંગે બહુ જ સૂક્ષ્મતાથી નિરૂપણ કરેલું હોય છે.

જોકે સમગ્ર જ્યોતિષશાસ્ત્ર જ સંવેગી જૈન સાધુ માટે વર્જ્ય ગણેલું છે. તેમાં પણ સામુદ્રિકશાસ્ત્ર અને હસ્તરેખાશાસ્ત્ર વિશેષત: વર્જ્ય છે. આમ છતાં પ્રાચીનકાળના જૈનાચાર્યોએ આ અંગે ગ્રંથો લખ્યા છે. જૈન સામુદ્રિકશાસ્ત્રમાં પાંચ ગ્રંથો ઉપલબ્ધ છે અને તે અમદાવાદના સારાભાઈ મણિલાલ નવાબ તરફથી પ્રકાશિત થયેલા છે. આ ગ્રંથોમાં હસ્તસંજીવન, સામુદ્રિકતિલક અને સામુદ્રિકશાસ્ત્ર એવા ત્રણ ગ્રંથો મહત્વના છે તે સાથે બીજા બે ગ્રંથો હસ્તકાંડ અને અર્હચ્ચુડામણિસાર નામના બે ગ્રંથોનો પણ તેમાં સમાવેશ કરેલ છે. આ ગ્રંથોનું સંપાદન શાસ્ત્રી હિમ્મતરામ જાનીએ કરેલું છે.

આ પાંચ ગ્રંથોમાં બીજા ગ્રંથ સામુદ્રિકતિલકમાં ઘણી માહિતી આપવામાં આવી છે, જેમાંની ઘણીખરી માહિતીનો ઉપયોગ હસ્તસંજીવન ગ્રંથમાં કરવામાં આવ્યો છે. આ હસ્તસંજીવન ગ્રંથના કર્તા ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી છે. તેમના ગુરૂનું નામ શ્રી કૃપાવિજયજી હતું અને કોઈપણ કારણ હોય તેઓ પોતાની ઉપર શ્રી વિજયપ્રભસૂરિજીના આશીર્વાદ હોવાનું જણાવે છે. એટલે તેઓ કદાચ શ્રી મેઘવિજયજીના દીક્ષાદાતા ગુરૂ હોવાનો સંભવ છે. વળી તેઓ ઉપાધ્યાય વિનયવિજયજી અને મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના સમકાલીન હતા.

અંગોપાંગલક્ષણ સ્વરૂપ સામુદ્રિકતિલક ગ્રંથ આ વિષયનો સર્વાંગ સંપૂર્ણ ગ્રંથ કહી શકાય, જે આર્યા છંદમાં રચેલો છે. જોકે પ્રાચીન કાળથી દરેક વિષયના ગ્રંથો સંસ્કૃત ભાષામાં અને તે પણ શ્લોકબદ્ધ પદ્યમાં રચવામાં આવતા હતા અને તેટલા માટે જ પ્રાચીન કાળમાં દરેક વિદ્વાન માટે છંદનું જ્ઞાન આવશ્યક માનવામાં આવતું હતું. આ ગ્રંથમાં પ્રયોજાયેલા આર્યા છંદનું પંક્તિઓને વૃત્તરત્નાકર નામના છંદના ગ્રંથમાં સ્થાન મળે છે જે તેની વિશિષ્ટતાઓને પ્રમાણિત કરે છે. આ ગ્રંથના રચયિતા મહારાજા કુમારપાળના મંત્રી હતા. તેઓ રાજકાજમાં તો કુશળ હતા જ પણ સાથે સાથે કવિત્વશક્તિવાળા અને વિવિધ પ્રકારના સાહિત્યના સર્જનમાં પણ નૈપુણ્ય ધરાવતા હતા. તેમનું નામ જગદેવ હતું. તેઓ જેમ સ્ત્રી અને પુરૂષ સંબંધી લક્ષણશાસ્ત્રના નિષ્ણાત હતા તેમ અશ્વપરીક્ષા અને ગજપરીક્ષાના પણ નિષ્ણાત હતા. વળી તેમણે રચેલ સ્વપ્નશાસ્ત્ર પણ પ્રાપ્ત છે. આ ગ્રંથના બે વિભાગ છે. તેમાં કવિએ પોતાના માટે લખ્યું છે કે - પરહૃદયાભિપ્રાયં પર ગદિતાર્થસ્ય વેત્તિ યરતત્વમ્ । સત્યં ભુવને દુર્લભસમ્પત્તિ: સ કવિરેકૈક: ।।

સ્વપ્નશાસ્ત્ર અને સામુદ્રિકતિલકમાં પ્રાપ્ત પ્રશસ્તિના લેખક, આ શ્લોકના રચયિતા જગદેવ પોતે જ છે. તેથી તેના સ્થળ અને કાળ માટે બીજી કોઈ સાબિતી આપવાની જરૂર નથી. મહારાજ કુમારપાળનો સમય જ તેમનો સત્તાકાળ અર્થાત્ અસ્તિત્વકાળ છે. 

હસ્તકાંડ પાર્શ્વચંદ્ર નામના જૈનાચાર્યની કૃતિ છે, જેમના ગુરૂનું નામ શ્રી ચંદ્રસૂરિ હતું. તેમનો કાળ લગભગ બારમા સૈકાનો છે. બસ! એટલી માહિતી તેમણે આ ગ્રંથમાં આપી છે. અર્હચ્ચૂડામણિસાર ગ્રંથ ચૂડામણિ નામના ગ્રંથની સંક્ષેપ જ હોવાનો સંભવ છે કારણ કે બંને ગ્રંથોનો વિષય એક જ છે.

ત્રીજો ગ્રંથ સામુદ્રિકશાસ્ત્ર છે, જે અતિપ્રાચીન છે પરંતુ તેના કર્તા કોણ છે, તે જાણી શકાયું નથી. આ ગ્રંથના પ્રથમ અધ્યાયમાં હાથ જોવાની રીત, ૩૨ લક્ષણો તથા શરીરનું સંક્ષિપ્ત વર્ણન છે, બીજા અધ્યાયમાં પુરૂષનાં વિવિધ અંગોનાં લક્ષણો-આકાર વગેરેના આધારે તેનું ફળકથન છે. ત્રીજા અધ્યાયમાં સ્ત્રીનાં વિવિધ અંગોનાં લક્ષણો-આકારના આધારે તેનું ફળકથન છે. ટૂંકમાં, જૈનાચાર્યો દ્વારા વિવિધ પ્રકારના સાહિત્યની સાથે જ્યોતિષશાસ્ત્ર અને સામુદ્રિકશાસ્ત્ર સંબંધી સાહિત્યનું પણ નિર્માણ થયેલું છે.