અહંકાર એટલે ક્રમશ: ફુલાતા ફુગ્ગામાં જીવવું .

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
જરૂરત વહી થી
જીતની કહી થી
બાકી સબ લિબાસ થા.
ઈરશાદ કામિલ
જીવનનું ડહાપણ આટલું તો છે : સંવાદ અને ભૂમિકા સંપન્ન થયે આપણે નાટકનો લિબાસ ત્યજી દેવાનો છે અને રંગમંચ પરથી કે જીવનમંચ પરથી ઉતરી જવાનું છે. પશ્વાદમાં પણ નથી સંતાવવાનું કે રોકાવાનું પણ નથી. એવી લાલચે કે કદાચ ફરીવાર વારો આવશે. ખબર નથી આપણે કેમ બચી જવું, ટકી જવું, છવાઈ જવું, કે પંકાઈ જવું છે. અહીં દરેકને નોંધાઈ કે ઓળખાઈ જવું છે. અન્ય કોઈ ઓળખે કે ન ઓળખે તો આપણાં હોવામાં શું વધઘટ થાય છે તેનો વિચાર કેમ નથી કરતાં? આપણા આત્મમુગ્ધ સમાજમાં એક સાયકો -પેથોલોજી જોવા મળે છે. આ મનો-રોગની ત્રણ અવસ્થાઓ છે; બધા મને ઓળખે, બધાં મને સમજે અને બધાં મને સ્વીકારે. અહીં દરેકને પોતાના હિસ્સામાં આવેલ નાનકડા તથ્યને મોટા સ્ટેજ પરથી પરમ કે અંતિમ સત્ય બનીને ઉછાળવું છે. તેથી જ આપણે આપણી નાની-મોટી પ્રાપ્તિને પર્યાપ્તી નથી ગણતા. આપણે સ્વ-સ્થ નથી થતા, આપણને ઘટનાઓની ભૂખ અને ઓળખની તરસ અમાપ છે. સાહિત્યકાર કહે છે આ મારું એકસો એકમુ પુસ્તક છે, ચિત્રકારનું એકસો એકમુ ચિત્ર છે, કોર્પોરેટની એકસો એકમી કંપની છે તો સાધકનો એકસો એકમો અપવાસ છે. ટૂંકમાં આ બધાંની એક સરખી અવસ્થા છે. ક્રમશ: આ અહં, ઓળખ, અસ્મિતા એવી ઊંચી દીવાલ રચે છે કે નથી કોઈ બહાર જઈ શકતું કે નથી કોઈ અંદર આવી શકતું. આ એક એવી કેદ છે જેમાં ચોકીદાર અને ગુનેગાર એક જ વ્યક્તિ છે.
અજ્ઞાન અને અહંકાર જોડિઆ ભાઈઓ છે. આ બન્નેને સાચવવામાં આપણું આત્મસન્માન ખોવાય છે. અહંકાર થકી બહેરાશ અને અંધાપો પણ આવે છે. તેથી નથી કોઈનો અવાજ સંભળાતો કે નથી સ્વની મર્યાદાઓ દેખાતી. અહંકાર એટલે ક્રમશ: ફુલાતા ફુગ્ગામાં જીવવું. કદાચ, અહંકાર ખરાબ રીતે કપાયેલા વાળ જેવો છે. આપણી સિવાય સૌને દેખાય છે. ક્યારેક એમ લાગે છે કે ઓળખ કે અહંકાર મોટો કરે તેવી સિદ્ધિ કરતા નમ્ર બનાવે તેવી ક્ષતિઓ સારી. તથાગત કહે છે 'અહંકારની લડાઈમાં પરાજિત જ વિજેતા છે.
અહંકારના સંયમન માટે આપણે સ્વયંને સ્ટેજ પરથી હોલમાં અને હોલમાંથી સ્ટેજ પર તટસ્થ બની નીરખવાનો છે. આપણે સ્વયંને અંધારમાંથી ઝળહળાટ માં અને ઝળહળાટમાંથી અંધારમાં નિરખવાનો છે. વિચારક જ્યોર્જ બર્નાર્ડ શો કહેતા 'જીવન એટલે સ્વયંની ખોજ નહીં પણ સ્વયં ને તરાશવો કે આકારવો.' જેમ વસંત ઋતુમાં અંતે પર્ણો ખરે, પુનમ બાદ ચંદ્ર ઘટતો જાય, વર્ષો બાદ નદીઓ ઓસરે તેવી જ આપણો સૂર્યાસ્ત પણ આપણે કેમ માપી અને પામી ન શકીએ? આપણે આવી પ્રાર્થના ન કરી શકીએ?
ઓ અસ્તિત્વ....
મને સથવારો અને સધિઆરો આપ,
આ પૃથ્વી પર, જીવન વચ્ચેથી,
સાવ સહજતાથી હળવાશથી,
કોઈ દેકારા કે પડકારા વિના,
કોઈને ઘાવ કે ઘસરકા કર્યા વિના,
જીવન-મંચ પર એક લટાર મારી, આપણાં સંવાદો બોલી, આપણી ભૂમિકા ભજવીને ઉતરી શકીએ તો તારો આભાર.
એ જીવનભર યાદ રાખવા જેવું છે કે સફળ બધું સરસ છે અને સરસ બધું જ સફળ છે એ બંને અતિતર્ક છે, વાસ્તવિકતા નથી.









