Magazines

અમને બાળકોને બંદૂકની ગોળીઓ નહીં, પણ ગુલાબનું ફૂલ આપો!

By GS TEAM
13 Jun 20268 mins read
અમને બાળકોને બંદૂકની ગોળીઓ નહીં, પણ ગુલાબનું ફૂલ આપો!

- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- ભૂખમરાને જીવલેણ હથિયાર તરીકે વાપરનારા આ લશ્કરીદળોનાં સંઘર્ષને કારણે દેશની અડધી વસ્તી એટલે કે લગભગ અઢી કરોડ લોકો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે....

આ કાશી ડ્રોન અને મિસાઇલ્સનાં આક્રમણોને કારણે હવે અવકાશી યુદ્ધ ખેલાય છે, પરંતુ એની સાથોસાથ જમીન પર ખેલાતા મહાવિદારક યુદ્ધની વાત જગત સાવ વિસરી ગયું છે! આજના વિશ્વ પર એક નજર કરીએ તો ખ્યાલ આવે કે સ્થળાંતરે માનવજાત પર એવું મહાસંકટ ઊભું કર્યું છે કે જે આ યુદ્ધની ખુંવારી કરતા પણ અનેકગણું વધારે અને દૂરગામી છે.

સ્થળાંતરની વાત કરીએ, ત્યારે ઇઝરાયેલ વિનાશક હુમલાઓ દ્વારા આજે ગાઝાની પ્રજાને એમના વતનમાંથી હાંકી કાઢે છે તે યાદ આવે. સિરિયામાં ચૌદ વર્ષનાં લાંબા યુદ્ધ પછી બોંતેર લાખ સિરિયન લોકો આંતરિક પ્રદેશોમાં સ્થળાંતિરત થયા છે અને પચાસ લાખથી વધુ શરણાર્થીઓ આસપાસનાં દેશોમાં વસે છે. નેવું ટકા સિરિયન પ્રજા આજે ગરીબીની રેખા નીચે જીવન બસર કરી રહી છે. ભારતની નજીક આવેલા મ્યાનમારમાં સ્થળાંતરિત લોકોની સંખ્યા આજે પાંત્રીસ લાખથી વધુ થઈ ગઈ છે અને ત્યાંથી નીકળેલા દસ લાખ રોહિંગ્યા શરણાર્થીઓ હજી અસુરક્ષિત કેમ્પોમાં વસી રહ્યા છે. જ્યારે હૈતીની અડધી વસ્તીને સહાયની જરૂર છે. લગભગ ચોપન લાખ લોકો ભીષણ ભૂખમરાનો સામનો કરે છે અને સાત લાખથી વધુ લોકો સ્થળાંતિરત થયા છે, જેમાં અડધાથી વધુ બાળકો છે.

બીજી બાજુ બુર્કીના ફાસો, માલી અને નાઇજર પ્રદેશના છવ્વીસ લાખ લોકો બીજા સ્થળે ચાલ્યા ગયા છે અને સાડા ત્રણ લાખ લોકો શરણાર્થીઓ છે. અફઘાનિસ્તાન ભૂકંપ, પૂર જેવી કુદરતી આફતોને પરિણામે પાકિસ્તાન તથા ઈરાન દ્વારા અફઘાનોનાં થતા દેશનિકાલની કાર્યવાહીને કારણે દેશની અડધી વસ્તીને આજે સહાયની જરૂર છે. જ્યારે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોનાં સિત્તેર લાખ લોકો સ્થળાંતિરત થયા છે, તો યેમેનનાં એક દસકાથી ચાલતા યુદ્ધમાં પિસ્તાળીસ લાખ લોકોને ઘરબાર છોડીને બીજે આશરો લેવો પડયો છે.

૨૦૨૨ના ફેબુ્રઆરીથી રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો અને આજે યુક્રેન લગભગ તબાહીના આરે આવીને ઊભું છે. વાનુઆતુ નામનો પેસિફિક ટાપુનો દેશ હવામાનનાં પરિવર્તન સામે લડવા માટે ઝઝૂમી રહ્યો છે અને અમેરિકાથી મેક્સિકો, એલ સાલ્વાડોર અને ગ્વાટેમાલાનાં વતનીઓને એમના દેશમાં પાછા મોકલવામાં આવે છે. ટ્રમ્પ કડક પગલાંની તલવાર અમેરિકામાં વસતા ભારત, ચીન સહિત અન્ય દેશોનાં મૂળ વતનીઓ પર તોળાઈ રહી છે અને વિઝાની ચાબુક દ્વારા ટ્રમ્પ વિદેશીઓ પ્રત્યે વધુ કડકાઈ દાખવી રહ્યાં છે.

આ પ્રકારનું સ્થળાંતર સૌથી વધુ તો લોકોમાં ભય અને અનિશ્ચિતતા સર્જે છે, કારણ કે એમને આવતી કાલે ક્યાં આશ્રય મળશે અને ક્યાં ભોજન મળશે એનો કોઈ અંદાજ હોતો નથી. વળી અજાણ્યા વાતાવરણમાં એકાએક જઈને વસવું એ શરણાર્થીઓને માટે મોટો સવાલ છે. એમની ભાષા, સંસ્કૃતિ અને લોકો જુદા હોય, ત્યારે એ દેશ એમને માટે વાસ્તવમાં સાવ અજાણ્યો મુલક હોય છે. વળી કોઈ દેશમાં કમાણી કરવાના અને સુખી જીવન જીવવાનાં અનેક સ્વપ્નાંઓ લઈને વ્યક્તિએ રાત-દિવસ પસીનો પાડયો હોય, ત્યાંથી એક જ ક્ષણમાં તત્કાળ સ્થળાંતર કરવાની સ્થિતિ આવે, ત્યારે વ્યક્તિ એનું સઘળું ખમીર ગુમાવી બેસે છે. સ્વાસ્થ્યની જરૂરી સારવાર પામતો નથી અને હતાશા, ચિંતા અને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જેવી માનસિક બીમારીઓથી એ પીડિત થઈ જાય છે. માત્ર એ પોતાનું ઘર કે પ્રદેશ ગુમાવતો નથી, પણ એના મૂળિયાં ગુમાવવાની પારવાર વેદના અનુભવતો હોય છે સ્થળાંતર પામેલી વ્યક્તિને શૂન્યમાંથી સર્જન કરવાનું હોવાથી એ એની અગાઉની સઘળી ઓળખ ખોઈ બેઠો હોય છે.

જગતમાં થતાં આવાં સ્થળાંતરોમાં સૌથી વધુ કારણ તો નેતન્યાહૂ જેવા સરમુખત્યારોનો વિરોધીઓનો સર્વનાશ કરવાની ઇચ્છા હોય છે, અથવા તો ક્યારેક બે સત્તાધારીઓ અથવા સેનાનાં બે વિભાગ વચ્ચે આમને-સામને સંઘર્ષ હોય છે. અત્યારે સુદાનમાં બે શક્તિશાળી લશ્કરી જૂથો જેમાં એક છે સુદાનીઝ આર્મ ફોર્સિસ (SAF) અને બીજો છે એનું અર્ધ લશ્કરી દળ રેપિડ સપોર્ટ ફોર્સ (RSF). આ બંને દળનાં વડાઓ વચ્ચે રાજકીય અને લશ્કરી સર્વોપરિતા મેળવવા માટે છેલ્લાં ૧,૧૪૭ દિવસથી ભયાનક સંઘર્ષ ચાલી રહ્યો છે. ૨૦૨૩ની ૧૫મી એપ્રિલે શરૂ થયેલા આ ગૃહયુદ્ધે ભૂખને લશ્કરી હથિયાર બનાવીને દુષ્કાળ સર્જ્યો છે અને એ રીતે આ આંતરવિગ્રહને કારણે પ્રજા પોતાના ઘર છોડીને બીજે રહેવા ચાલી ગઈ છે અને પાંત્રીસ લાખ લોકો તો પડોશી દેશોમાં શરણાર્થી તરીકે ગયા છે.

ભૂખમરાને જીવલેણ હથિયાર તરીકે વાપરનારા આ લશ્કરીદળોનાં સંઘર્ષને કારણે દેશની અડધી વસ્તી એટલે કે લગભગ અઢી કરોડ લોકો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. એના સશસ્ત્ર સંઘર્ષથી પાંત્રીસ લાખ જેટલાં લોકો ભૂખમરાથી પીડિત છે અને એમાં સાત લાખ બાળકો તો જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે. વળી અગાઉનાં સંકટોમાં સ્થળાંતર પામેલા વીસ લાખ બાળકોનો ઉમેરો થતાં સુદાનમાં સ્થળાંતરિત થયેલા બાળકોની સંખ્યા સૌથી વધુ થઈ ગઈ છે.

આરોગ્ય સુવિધાઓ હવે નહીંવત્ છે, કારણ કે આરોગ્ય કર્મચારીઓને મહિનાઓથી પગાર મળ્યા નથી. બીજી બાજુ કોલેરાનાં કેસો વધતા જાય છે અને આમ કુપોષણ, સ્થળાંતર અને રોગચાળો એ ત્રણેયનાં ઘાતક સંયોજનથી દરરોજ વધુને વધુ બાળકો મૃત્યુ પામે છે. એક બાજુ ભૂખમરો છે, તો બીજી બાજુ યૌન હિંસા જોવા મળે છે. સશસ્ત્ર સંઘર્ષોમાં ખૂબ નાની વયની છોકરીઓ બળાત્કારનો ભોગ બને છે અથવા તો વિરોધી દળનાં લોકો તેના સગા-સંબંધીઓની સામે જ તેમને એચઆઈવીથી સંક્રમિત કરે છે અને આ રીતે પરિવાર અને ગામડાંઓની સામુદાયિક રચના તોડી નાખવામાં આવે છે. લાખો બાળકો યુદ્ધો અને પરિવારથી અલગ પડી જાય છે. ભયાનક હિંસા જોનારા આ બાળકો કયા માર્ગે વળે?

બાળકોનાં અપહરણ, યૌન હિંસા અને એની સાથોસાથ એનો સૈનિક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હિંસક બનેલા બાળકોને ઘણી વાર સમાજ દૂર રાખે છે, કારણ કે તેઓ એ બાળકોને 'હત્યારા' તરીકે જોતા હોય છે. બાળકોને સૈનિક તરીકે બળજબરીથી ભરતી કરવામાં આવે છે અથવા તો ખોટી આશાઓ આપીને લલચાવવામાં આવે છે.

વળી ડ્રોન હુમલાઓમાં અનેક બાળકો મૃત્યુ પામે છે અથવા તો વિકલાંગ બની જાય છે. સુદાનનાં આ સંઘર્ષમાં સૌથી વધુ હાનિ દારફુર અને કોર્ડોફાન રાજ્યોમાં નોંધાઈ છે. તમે જ કલ્પના કરો કે પચાસ લાખ બાળકોને સ્થળાંતર કરવું પડે તે દેશની કઈ હાલત કેવી હશે?

બાળકો સામેની હિંસા સામેનું કોઈ ઉચિત કારણ નથી તેમ છતાં ઘર, શાળા, બજાર અને હોસ્પિટલ જેવાં સ્થળો સતત નષ્ટ કરવામાં આવે છે અને બાળકો ક્રૂર શોષણ, વ્યવસ્થિત દુર્વ્યવહાર અને હિંસાનો ભોગ બને છે. બીજી બાજુ યોગ્ય સંભાળનો અભાવ, માનસિક આઘાત, અંધકારમય ભવિષ્ય એને ચિંતિત કરે છે, તો જમીનમાં રહેલા લેન્ડમાઇન અને વિસ્ફોટ થયેલા ક્લસ્ટર હથિયારોનાં જોખમો એમના જીવન પર સતત ખતરાની માફક ઝળુંબતા હોય છે. આ બાળકોને વર્ષો સુધી પરિવાર સાથે કોઈ સંપર્ક હોતો નથી. જો તેઓ એમના ગામમાં પાછા ફરે, તો પણ એમનાં સગા-સંબંધીઓને શોધવામાં નિષ્ફળ જાય છે.

સતત ચાલતી હિંસાને કારણે નિશાળો બંધ છે, શિક્ષકો હાજર નથી રહેતા અથવા તો માતા-પિતા ભયને કારણે પોતાના બાળકોને ઘેર રાખે છે. પરિણામે શાળાની ઈમારતોનો ઉપયોગ સૈનિકો અને આંતરિક રીતે સ્થળાંતિરત થયેલા લોકો માટે આશ્રયસ્થાન તરીકે વપરાય છે. આ સંઘર્ષ સમાપ્ત થયા પછી પણ શાંતિ સ્થપાયા બાદ શાળાઓને ફરી નિયમિત કાર્યરત થવામાં વર્ષોનાં વર્ષો લાગી જાય છે.

વિશ્વનાં સૌથી મોટા માનવતાવાદી સંકટથી સુદાન ઘેરાયેલું છે. પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ છે અને આંતર સંઘર્ષનો એક નવો દિવસ એ સુદાનનાં 

બાળકો માટે પારાવાર દુ:ખ અને પીડા લાવનારો બને છે. આથી જ દસ વર્ષના બાળક માજદે યુનિસેફ દ્વારા ચાલતી બાળકોનાં માનસિક અને સામાજિક એટલે કે સોશિયો સાઇકોલોજીકલ સહાયની સંસ્થાને કહ્યું, 'અમને બાળકોને બંદૂકની ગોળીઓ નહીં, પણ દરેક બાળકને એક ગુલાબ આપો.'

હિંસા, વિસ્થાપન, ભૂખમરો અને સુરક્ષાનો અભાવ તથા જીવનરક્ષક સામગ્રી લઈને આવતા માનવતાવાદી કાર્યકરોને થતી પારાવાર પરેશાનીની વચ્ચે આજે સુદાનનું વિશ્વનું સૌથી ગંભીર માનવતાવાદી સંકટ જગતની સહાય માગે છે. હત્યા, અપહરણ કે જાતિય હિંસાનો ભોગ બનતાં બાળકોની ચીસ ચોતરફ સંભળાય છે. બાળકો પર થતા બળાત્કાર અને બળજબરીથી સશસ્ત્ર જૂથોમાં થતી ભરતી સામે દુનિયા લાચાર બનીને ઊભી છે.

ઓછામાં ઓછા વીસ લાખ લોકોનાં મોત થયા છે, દોઢ કરોડ અને બે લાખ લોકો ઘરવિહોણા છે, પાંત્રીસ લાખ લોકો જીવ બચાવીને નાસીને પડોશનાં દેશોમાં શરણાર્થી તરીકે જીવે છે અને રોજ સવાર ઊગે ત્યારે તે લોહિયાળ ભૂખમરો, રોગચાળો, હિંસા અને સશસ્ત્ર હુમલાઓ સુદાનનાં બાળકોનાં જીવ લઈ રહ્યા છે. અત્યારે તો નજીકના ભવિષ્યમાં માનવતાના આ મહાસંકટના ઉકેલની કોઈ આશા નજરે પડતી નથી!

ક્ષણનો સાક્ષાત્કાર

આઈપીએલમાં સતત બે વિજય પ્રાપ્ત કરનાર રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુના સુકાની રજત પાટીદારે વિજયમંત્ર દર્શાવતા કહ્યું કે, 'અમારી જીતનું કારણ અમે વર્તમાનમાં રહીએ તે છે. અગાઉ ચેમ્પિયન બન્યા હતા, એનો ગર્વ કે બોજ માથા પરથી ઉતારીને દર વખતે મેદાનમાં ઉતરીએ છીએ. ભૂતકાળમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિને વારંવાર યાદ કરવાને બદલે અમે માત્ર આજની રમતનો વિચાર કરતા હતા. અરે! ગઈકાલે રમાયેલી મેચની ઘટનાને સદંતર ભૂલીને જાણે પહેલી મેચ ખેલતા હોઈએ તેમ મેદાનમાં રમવા ઉતરતા હતા.''

એ હકીકત છે કે વર્તમાનમાં જાગૃતપણે જીવનાર સહજતાથી સફળતા પામે છે. ભૂતકાળની ઘટનાને કે ભવિષ્યની ફિકરને છોડીને આ ક્ષણમાં જીવવું એ દરેક ખેલાડીને માટે મહત્ત્વનું હોય છે. સમર્થ ખેલાડીઓ સદાય એ જ ક્ષણમાં જીવતા હોય છે અને તેને પરિણામે એમનું સામર્થ્ય કશાય બોજ અને ચિંતા વિના સહજતાથી દાખવી શકતા હોય છે. એ સાવ સાચી વાત છે કે વર્તમાનમાં જીવવું અઘરું હોય છે અને તેને માટે સભાન પ્રયત્ન જરૂરી હોય છે. જસપ્રીત બુમરાહ જેવા અત્યંત પ્રભાવક ગોલંદાજ સામે પહેલા જ દડે સિક્સર લગાવનાર ખેલાડી વર્તમાનમાં જીવતો હોય છે. 'આજની ઘડી રળિયામણી' એમ સમજીને જે ભય, ચિંતા કે ભવિષ્યની ફિકર છોડીને વર્તમાનમાં જીવે છે, તે જીવનનો આનંદ પામી શકે છે. સફળતા મેળવી શકે છે. એને ભૂતકાળની સ્મૃતિઓ ઘણી વાર કનડતી હોય છે. ઘણી વાર ભૂતકાળની ઘટનાઓ એના મનમાં એકાએક ઝબકી જતી હોય છે, ક્યારેક ભૂતકાળની નિષ્ફળતા ચિંતા રૂપે એના મન પર સવાર થઈ જાય છે તો ક્યારેક ભૂતકાળની ભવ્યતા એમના ચિત્તને ઘેરી વળે છે. આથી સફળતા માટે ભૂતકાળ ભૂલીને પ્રત્યેક ખેલાડી હોય કે સાર્થક જીવન જીવનારી વ્યક્તિએ એ જ ક્ષણનો આનંદ પામવાનો પ્રયત્ન કરવો જોઈએ.