Magazines

લાલ ગ્રહનો શ્વાસ સાંભળનાર 'મેવન' રહસ્યમય રીતે ચૂપ થઇ ગયું!

By GS TEAM
13 Jun 20266 mins read
લાલ ગ્રહનો શ્વાસ સાંભળનાર 'મેવન' રહસ્યમય રીતે ચૂપ થઇ ગયું!

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

આ પણા સૌર મંડળનો સૌથી રહસ્યમય અને આકર્ષક ગ્રહ એટલે મંગળ, જેને આપણે લાલ ગ્રહ તરીકે ઓળખીએ છીએ. આજે જ્યારે આપણે સ્પેસ ટેલિસ્કોપ કે રોવર્સ દ્વારા મંગળની તસવીરો જોઈએ છીએ, ત્યારે આપણને માત્ર એક ઠંડું, સૂકું અને કાટ ખાધેલા રણ જેવું ચિત્ર દેખાય છે. પરંતુ શું મંગળ હંમેશાં આવો જ વેરાન હતો? ના, અબજો વર્ષો પહેલાંની કહાની કંઈક અલગ જ હતી. વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે 'એક સમયે મંગળ પૃથ્વી જેવો જ ગરમ, ભીનો અને સજીવોના વિકાસ માટે અનુકૂળ ગ્રહ હતો, જ્યાં વિશાળ નદીઓ વહેતી હતી.' આ પરિસ્થિતિ વચ્ચે આપણને એક મોટો પ્રશ્ન થાય :   'આપણા બ્રહ્માંડની રચના કઈ રીતે થઈ અને મંગળ જેવા જીવંત હોઈ શકે તેવા ગ્રહની આવી દશા કેમ થઈ?' આ જ ભેદ ઉકેલવા માટે અમેરિકી સ્પેસ એજન્સી નાસા દ્વારા એક અત્યંત મહત્વકાંક્ષી મિશન તૈયાર કરવામાં આવ્યું, જેને 'મેવન' (MAVEN - Mars Atmosphere and Volatile Evolution) નામ આપવામાં આવ્યું.  પરંતુ, કુદરતનો નિયમ છે કે દરેક સફરનો અંત આવે છે. ડિસેમ્બર ૨૦૨૫માં આ યાને અચાનક પૃથ્વી સાથેનો સંપર્ક ગુમાવી દીધો!   આમ અચાનક લાલ ગ્રહનો શ્વાસ સાંભળનાર રહસ્યમય રીતે ચૂપ  શા માટે થઈ ગયું?

'મેવન'નું રહસ્યમય મૌન  

ડિસેમ્બર ૨૦૨૫માં 'મેવન' યાને અચાનક પૃથ્વી સાથેનો સંપર્ક ગુમાવ્યો, ત્યારે એક ગૂઢ રહસ્યની લાગણી છવાઈ ગઈ હતી. એક દાયકામાં પહેલી વાર એવું બન્યું હતું કે 'કોઈ નાની ટેકનિકલ ખામી નહીં, પરંતુ કોઈ અજ્ઞાત બળને કારણે આ પ્રોબ તેની ભ્રમણકક્ષામાંથી હટી ગયું અને સંપર્ક તૂટયો.' આ ઘટનાએ સોશિયલ મીડિયા પર અનેક કોસ્પીરસી થિયરીને જન્મ આપ્યો હતો, કારણ કે  મેવનનો  સંચાર બ્લેકઆઉટ, બરાબર એ જ અઠવાડિયે થયો, જ્યારે આંતર-તારક પદાર્થ થ્રીઆઈ/એટલાસ (3I/ATLAS) પૃથ્વીની સૌથી નજીકથી પસાર થઈ રહ્યો હતો. ભલે નાસાના  વિજ્ઞાનીઓએ પાછળથી જાહેર કર્યું કે 'મેવન' બંધ થવા પાછળનું કારણ થ્રીઆઈ/એટલાસ  સાથે જોડાયેલું નથી. પરંતુ લોક આલોચના અહીં અટકી નહીં. મંગળની નજીકથી લેવાયેલી તસવીરો ઝાંખી અને અસ્પષ્ટ આવતા, લોકોએ સીધો આરોપ મૂક્યો કે નાસા કોઈ રહસ્ય છુપાવી રહ્યું છે.

હાર્વર્ડ યુનિવર્સિટીના વિવાદાસ્પદ પ્રોફેસર એવી લોએબ, નાસાનાં કારણો સ્વીકારવા તૈયાર નથી. તેમનું કહેવું હતું કે 'થ્રીઆઈ/એટલાસએ ઘણી બધી અસામાન્યતાઓ દર્શાવી છે, જેને કોઈ અજ્ઞાત બુદ્ધિશાળી સભ્યતા દ્વારા મોકલેલો પદાર્થ માનીને સંપૂર્ર્ણપણે નકારી શકાય નહીં.'મે મહિનામાં, પરાયું જીવનના સંકેતો શોધવાના 'ગેલિલિયો પ્રોજેક્ટ'ના ડિરેક્ટર લોએબે એક ચોંકાવનારો ખુલાસો કર્યો :  થ્રીઆઈ/એટલાસમાંથી આશ્ચર્યજનક માત્રામાં મિથેન વાયુ બહાર આવી રહ્યો હતો. જે સજીવ જીવોના સામાન્ય ઉપ-ઉત્પાદનમાંથી એક છે.

લોએબે સખત શબ્દોમાં કહ્યું હતું કે :  'અન્ય ગ્રહોના વાતાવરણમાં મિથેનને એક અગ્રણી જૈવ-સહી (Biosignature) માનવામાં આવે છે.' તેમણે પ્રશ્ન કર્યો કે શું આ બરફના પદાર્થની અંદર રહેલા કોઈ જીવંત જીવોએ આ મિથેન ઉત્પન્ન કર્યો હશે? આમ  કેટલાક લોકોનું માનવું છે કે 'મેવન'નું મૌન માત્ર ટેકનિકલ નિષ્ફળતા નહોતી, પણ એક એવી કોસ્મિક ઘટનાનો પડછાયો હતો. જેણે પૃથ્વીના બે મહાન  વિજ્ઞાનીઓને સામસામે લાવી દીધા. શું  થ્રીઆઈ/એટલાસ ખરેખર એક અજ્ઞાત સંકેત લઈને આવ્યો હતો? 

મંગળ પર ઓરોરા ખીલ્યા 

મેવન સ્પેસક્રાફ્ટે મંગળની ભ્રમણકક્ષામાં વિતાવેલા ૧૧ વર્ષો દરમિયાન  વિજ્ઞાનીઓને જે ડેટા આપ્યો છે, તે માર્સ સાયન્સના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. મેવનની મોટી શોધ એ હતી કે સૂર્યમાંથી આવતા તોફાનો મંગળના વાતાવરણને બહુ ઝડપથી નષ્ટ કરે છે. માર્ચ ૨૦૧૫માં જ્યારે સૂર્યમાં એક મોટું તોફાન આવ્યું, ત્યારે મેવને પ્રત્યક્ષ જોયું કે સામાન્ય દિવસો કરતાં આવા તોફાન દરમિયાન મંગળનું વાતાવરણ અંતરીક્ષમાં દસ ગણી વધુ ઝડપથી વહી જાય છે. સૂર્યના ચાર્જડ કણો મંગળના વાયુઓ સાથે અથડાઈને એક નબળું ચુંબકીય ક્ષેત્ર બનાવે છે, જે આ વાયુઓને સ્પેસમાં ધકેલી દે છે. બીજી મહત્વની વિગત - મંગળ પરનું પ્રાચીન પાણી વરાળ બનીને ઉપર ગયું, જ્યાં સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોએ પાણીના અણુઓને તોડીને હાઇડ્રોજન અને ઓક્સિજન અલગ કરી નાખ્યા. હાઇડ્રોજન હલકો હોવાથી વાતાવરણની સાવ ઉપરના સ્તરે પહોંચી જાય છે.  વિજ્ઞાનીઓ માનતા હતા કે આ હાઇડ્રોજન એકસરખી ગતિએ જ સ્પેસમાં વહી જાય છે, પરંતુ મેવને બે મંગળ વર્ષ (લગભગ ૪ પૃથ્વી વર્ષ) સુધી અવલોકન કરીને સાબિત કર્યું કે 'જ્યારે મંગળ તેની લંબગોળ ભ્રમણકક્ષામાં સૂર્યની સૌથી નજીક હોય છે, ત્યારે હાઇડ્રોજનના નાશ થવાનો દર દસ ગણો વધી જાય છે.' અંતરીક્ષમાંથી આવતા ઊર્જાવાન કણો મંગળના વાતાવરણના આર્ગોન અણુઓ સાથે એટલી જોરથી અથડાય છે કે 'તે બધાં અણુઓ સીધા ગુરુત્વાકર્ષણ તોડીને સ્પેસમાં ફેંકાઈ જાય છે.'

આ યાને મંગળ પર અદભુત ઓરોરા પણ શોધી કાઢયા છે. પૃથ્વી પર ઓરોરા માત્ર ઉત્તર અને દક્ષિણ ધુ્રવ પર જ દેખાય છે, કારણ કે પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ કણોને ત્યાં ખેંચી જાય છે. પરંતુ મંગળ પાસે આવું કોઈ વૈશ્વિક ફિલ્ડ ન હોવાથી, ત્યાં સૂર્યના ઇલેક્ટ્રોન આખા ગ્રહ પર ફેલાઈ જાય છે. જે મંગળ ગ્રહના વિષુવવૃત્તની નજીક, વિખરાયેઈને, સપાટીથી માત્ર ૬૦ કિલોમીટરની ઊંચાઈએ ઓરોરા સર્જે છે. 

જ્યાં નદીઓ ગાતી હતી, ત્યાં આજે રેતી રડે છે 

જેમ આપણા ગુજરાતના કચ્છના રણમાં જોવા મળતા સૂકા વિસ્તારો કે નદીઓના સૂકા પટ ભૂતકાળમાં ત્યાં વહેતા પાણીની સાક્ષી પૂરે છે, બરાબર તેમ જ મંગળની સપાટી પર પ્રાચીન સુકાઈ ગયેલી નદીઓના વહેણ અને ખીણો જેવી ભવ્ય આકૃતિઓ અંકાઈ ગયેલી છે.  વિજ્ઞાનીઓને ત્યાં એવા વિશિષ્ટ ખનિજો મળી આવ્યા છે, જે માત્ર પાણીની હાજરીમાં જ બની શકે. આનો સીધો અર્થ એ થયો કે લગભગ સાડા ત્રણથી ચાર અબજો વર્ષ પહેલાં મંગળ પર ઘટ્ટ વાતાવરણ હતું. જે સપાટી પર પૂરતું દબાણ અને તાપમાન જાળવી રાખતું હતું, જેથી પાણી પ્રવાહી સ્વરૂપે વહી શકે.  પૃથ્વી પાસે પોતાનું એક શક્તિશાળી આંતરિક ચુંબકીય ક્ષેત્ર છે. આ ક્ષેત્ર એક અદ્રશ્ય સુરક્ષા કવચ અથવા 'બોડીગાર્ડ' જેવું કામ કરે છે. સૂર્યમાંથી સતત અતિ-ઊર્જાવાન કણો અને ગરમ પ્લાઝમાનો પ્રવાહ છૂટતો રહે છે. જેને આપણે 'સૌર પવન' કહીએ છીએ. પૃથ્વીનું ચુંબકીય કવચ સૌર પવનોની દિશા અંતરીક્ષમાં ફંટાવીને વાતાવરણને સુરક્ષિત રાખે છે.

મંગળનું કદ પૃથ્વી કરતાં નાનું છે.  સમય જતાં તેનો આંતરિક ભાગ ઠંડો પડી ગયો. તેનું વૈશ્વિક ચુંબકીય ક્ષેત્ર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું. સુરક્ષા કવચ વિનાનો મંગળ સૂર્યના આકરા પ્રહારો સામે લાચાર બની ગયો. સૂર્યના  વીજભારીત કણો સીધા મંગળના વાતાવરણ સાથે અથડાવા લાગ્યા, તેથી વાયુના અણુઓને તોડી તોડીને અંતરીક્ષમાં ફંગોળવા લાગ્યા. જેમ કોઈ ખુલ્લા મેદાનમાં રાખેલા રેતીના ઢગલા પર જોરદાર પવન ફૂંકાય તો, રેતીના કણો એકપછી એક હવામાં ઊડી જાય, બરાબર તેમ જ સૂર્યના પવનોએ મંગળના ૯૯% વાતાવરણને કરોડો વર્ષો દરમિયાન ફૂંકી માર્યું હતું. જેના કારણે સપાટી પરનું દબાણ ઘટયું, પાણી વરાળ બની ગયું, અને મંગળ એક વેરાન રણ બની ગયો. 

યાન શાંત થયું, સવાલો હજી ગૂંજે છે! 

મેવન સ્પેસક્રાફ્ટે  એકત્રિત કરેલો ડેટા અનેક દાયકાઓ સુધી માનવજાતને માર્ગદર્શન આપતો રહેશે. વૈજ્ઞાનિક પત્રકારત્વની દ્રષ્ટિએ જોઈએ તો, મેવને માત્ર ભૂતકાળના રહસ્યો નથી ખોલ્યા, પણ ભવિષ્યમાં મંગળ પર જવા માંગતા માનવીઓ માટે સુરક્ષા કવચ તૈયાર કરવાનો પાયો નાખ્યો છે. નાસાના પ્લેનેટરી સાયન્સ ડિવિઝનના ડાયરેક્ટર લુઈસ પ્રોક્ટરના જણાવ્યા મુજબ, મેવને આપેલું વિજ્ઞાન એ સમજવા માટે ચાવીરૂપ છે કે 'મંગળ પર માનવીઓને મોકલતા પહેલાં, આપણે કેવા પ્રકારના રેડિયેશન પ્રોટેક્શન અને સલામતીના પગલાં લેવા પડશે. સૂર્યના ઘાતક તોફાનો વખતે, મંગળની સપાટી પર રેડિયેશન બમણું થઈ જાય છે. તેવા મેવનના તારણો ભવિષ્યના અવકાશયાત્રીઓના સ્પેસશૂટ અને રહેઠાણની ડિઝાઈન નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થશે. મેવને પોતાના જીવનકાળ દરમિયાન અન્ય ગ્રહ પરથી એક જ દિવસમાં સૌથી વધુ ડેટા રિલે કરવાનો અદ્ભુત સોલાર સિસ્ટમ રેકોર્ડ પણ બનાવ્યો છે. પરંતુ ડિસેમ્બર ૨૦૨૫માં જ્યારે આ યાન અચાનક શાંત થઈ ગયું, ત્યારે નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીના  વિજ્ઞાનીઓ સામે મોટું સંકટ ઊભું થયું. જોકે, વિજ્ઞાનીઓએ ફાસ્ટ ફોરવર્ડ વડે અન્ય ઓબટર્સ જેવા કે માર્સ ઓડિસી  અને ટ્રેસ ગેસ ઓબટરને કમ્યુનિકેશનની નવી જવાબદારી સોંપીને, વ્યવસ્થા જાળવી રાખી છે. ફેબુ્રઆરી ૨૦૨૬માં નાસાએ તરણ આપ્યું  કે 'યાન ખૂબ જ ઝડપથી ગોળ-ગોળ ફરી રહ્યું હતું. જેના કારણે તેની બેટરી ડ્રેઈન થઈ ગઈ અને સિસ્ટમ ઓફ થઈ ગઈ. આખરે ૩ જૂન, ૨૦૨૬ના રોજ નાસાએ સત્તાવાર રીતે આ મિશન પૂર્ણ જાહેર કર્યું છે. આ મૃત યાન આગામી ૫૦થી ૧૦૦ વર્ષ સુધી મંગળની આસપાસ ભ્રમણ કરતું રહેશે. અંતે મંગળની સપાટી પર તૂટી પડશે. શું ભવિષ્યમાં આપણી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નબળું પડશે તો, પૃથ્વીની દશા પણ મંગળ જેવી જ થશે? શું માનવી ક્યારેય મંગળ પર કૃત્રિમ વાતાવરણ અને ચુંબકીય ક્ષેત્ર ઊભું કરીને તેને ફરીથી રહેવા યોગ્ય બનાવી શકશે ખરો?