Magazines

સાહિત્યમાં એઆઈ : શું મૌલિક સાહિત્ય સર્જનનો નાભિશ્વાસ ચાલી રહ્યો છે?

By GS TEAM
14 Jun 20267 mins read
સાહિત્યમાં એઆઈ : શું મૌલિક સાહિત્ય સર્જનનો નાભિશ્વાસ ચાલી રહ્યો છે?

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- કોમનવેલ્થ પ્રાઈઝ મેળવનારા લેખકો સામે મૌલિક લખાણને બદલે એઆઈથી લખ્યાનો આરોપ લાગ્યો એટલે સાહિત્યમાં પણ એઆઈ સપોર્ટેડ રાઈટિંગ મુદ્દે ચર્ચા જામી છે

- સાહિત્યમાં એઆઈના ઉપયોગનો ચર્ચાસ્પદ કિસ્સો

૨૧૨૫નું વર્ષ છે.

૨૨મી સદી ૨૫ વર્ષની થઈ ચૂકી છે. ઓનલાઈનનું વિશ્વ સદંતર બદલાઈ ગયું છે. ૨૧મી સદીના લોકો મોબાઈલમાં સમય વીતાવતા હતા એ વાત નવી સદીના લોકોને અજીબ લાગે છે. ૨૨મી સદીની મોડર્ન જનરેશન વીઆર અને એઆઈ ગ્લાસને પણ ઓલ્ડ થિંગ કહે છે. ૨૦૪૦-૨૦૫૦માં જન્મેલી જૂની પેઢી હજુય એવા વીઆર-એઆઈ ગ્લાસનો વજન ઊંચકીને ફરે છે. ૨૦૩૦માં જન્મેલા ઘણાં લોકો મોબાઈલ અને લેપટોપનો કેવો જમાનો હતો એવી જૂની વાતો વાગોળતા હોય એવા વીડિયોનો ટ્રેન્ડ વચ્ચે વચ્ચે આવતો રહે છે, પરંતુ એની વ્યૂઅરશિપ પણ ૬૦-૭૦ની વયમાં જ વધારે છે. આ વયજૂથના લોકોએ તેમના પેરેન્ટ્સ પાસેથી આવી વાતો સાંભળી હોવાથી એ થોડું ઘણું રિલેટ કરી શકે છે.

યંગ જનરેશનમાં ચિપ ઈમ્પ્લાન્ટનો જબરો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. વીઆર-એઆઈ ગ્લાસ તો બિલકુલ પસંદ નથી. એવી પ્રોડક્ટ બનાવતી મેટા, ગૂગલ જેવી કંપનીઓ હવે દુનિયાની બિગ ટેક કંપનીઓમાં સ્થાન મેળવતી નથી. એ ચિપ સાથે કનેક્ટેડ સ્ક્રીન વિચાર કરતાંની સાથે હાજર થઈ જાય છે અને વિચાર કરતાં અદૃશ્ય પણ થઈ જાય છે. એઆઈ રાઈટિંગ તો ઠીક એઆઈ વીડિયો મેકિંગનો જમાનો છે. ૭થી ૧૦ સેકન્ડના અલ્ટ્રા શોર્ટ્સ વીડિયો બનાવતા એઆઈ ક્રિએટર્સ કરોડો ફોલોઅર્સ ધરાવે છે. યુવાનોમાંથી અનેકે બીજા ગ્રહમાં જવા માટે અપ્લાય કરી દીધું છે. અમુકના યાનમાં જવા માટે જરૂરી મેડિકલ ટેસ્ટિંગ બાકી હતાં. મંગળ સહિત બીજા બે-ત્રણ ગ્રહો પર ખનીજ સહિતના પ્રોજેક્ટ ચાલતા હતા. અમેરિકા-ભારત-યુરોપિયન સંઘની સ્પેસ એજન્સી એક્સપર્ટ્સ યુવાનોને માતબર વળતરે પરગ્રહમાં મોકલતી હતી. એવા યુવાનો પૃથ્વી પર પાછા આવીને ત્યાંના ગુણગાન કરતા હતા એટલે નવી જનરેશનમાં પરગ્રહમાં જઈને કમાવાની ઘેલછા હતી.

આવા સમયે પૃથ્વીમાં સાહિત્યનો મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. સ્વીડનના સ્ટોકહોમ કોન્સર્ટ હોલ કે જે હવે ટેકનોલોજી સેન્ટરનું જીવતું-જાગતું ઉદાહરણ હતું - ત્યાં પૂરા ૨૩ વર્ષ પછી મૌલિક લખાણ માટે એક ભારતીય સાહિત્યકારને સાહિત્યનો નોબેલ પારિતોષિક એનાયત થવાનો હતો. મૌલિક લખાણ જનરેટ થવાનું સદંતર બંધ થઈ ગયું હોવાથી છેલ્લાં ૨૩ વર્ષથી આ એવોર્ડ માટે કોઈ લાયક વ્યક્તિ નોબેલ કમિટીને મળી ન હતી. હવે એક ઓનલાઈન બૂક પબ્લિશ થઈ હતી. એકથી વધુ એઆઈ ડિટેક્ટર્સે તેને મૌલિક લખાણ છે એવી લીલીઝંડી આપી પછી એ સાહિત્યકારે એવોર્ડ માટે અપ્લાય કર્યું હતું અને તેની એપ્લિકેશન મંજૂર થઈ હતી.

એઆઈ એન્કર્સે તેના ઈન્ટરવ્યૂઝ કર્યા એ યુવા પેઢીમાં વાયરલ થયા હતા. ખાસ્સાં ૪૮ પેજનું પુસ્તક કોઈ માણસ મૌલિક લખી શકે એનું યુવા જનરેશનમાં કૌતુક હતું. ભારતીય લેખકે આ પુસ્તકની બધી જ ક્રેડિટ તેની ૨૦૪૪માં જન્મેલી ૮૧ વર્ષની દાદીને આપતા કહ્યું હતું કે તેની દાદીએ ઈન્ડિયન માઈથોલોજીની સ્ટોરીઝ સંભળાવી હોવાથી બાળપણથી જ તેને મૌલિક લખાણનું આકર્ષણ હતું અને તેણે બહુ નાની વયે થોડી લીટીઓ લખવાની ટેવ પડી હતી.

***

૨૧૨૫ના વર્ષની આ મૌલિક કલ્પના હજુય આગળ વધારી શકાય તેમ છે. અત્યારે તો આ નરી કલ્પના છે, પરંતુ જે ઝડપે એઆઈ ટેકનોલોજીનો, એઆઈ રાઈટિંગનો ધસમસતો ટ્રેન્ડ આવી રહ્યો છે એ જોતાં આ કલ્પના કદાચ ૨૦મી સદીના અંતે કે ૨૧મી સદીમાં સાચીય પડી શકે. જથ્થાબંધ એઆઈ રાઈટિંગ ઝડપભેર ઓનલાઈન ઠલવાઈ રહ્યું છે અને જો એ આમ જ ઠલવાતું રહેશે તો આખી એક જનરેશનને મૌલિક લખાણને બદલે એઆઈની હેલ્પ લેવાની આદત પડી જશે. અત્યારથી જ સ્કૂલ-કોલેજના પ્રોજેક્ટથી લઈને પીએચડી થીસિસ સુધી તમામ સ્તરે એઆઈનો ઉપયોગ વધ્યો છે અને તેની ફરિયાદો પણ વધી છે.

૨૧૨૫ની જનરેશનની વાત તો દૂર રહી, અત્યારે જેન-ઝીને પણ મૌલિક લખવું નથી, લખવાની પ્રેક્ટિસ નથી. આ વાત લેંગ્વેજ બેરિયરની નથી. મુદ્દો છે ઓરિજિનલ થિંકિંગમાં એઆઈની ઘૂસણખોરીનો! જો નવાં ક્રિએટિવ વિચારો આવતો હોય તો આપણે કોઈ એક કે એકથી વધુ ભાષામાં લખી શકીએ, પણ જો વિચારો જ નવા ન આવે તો મૌલિક લખાણની ગંગોત્રી સૂકાઈ જવાની છે.

મૌલિક લખાણ સામે અત્યારે - ૨૧મી સદી ૨૬ વર્ષની થઈ છે ત્યારે જ ગંભીર સવાલો ઉઠતાં જાય છે. એક ક્રિએટિવ સોશિયલ મીડિયા કેપ્શન લખવા માટે પણ લોકો એઆઈની હેલ્પ લેવા માંડયા છે અને હવે વાત એક સ્ટેપ આગળ વધીને સાહિત્યિક લખાણ સુધી પહોંચી ગઈ છે. સાહિત્યિક લખાણ કે જે માનવજાતની ફીલિંગ્સનું એક્સટેન્શન છે, એમાંય એઆઈ ટૂલ્સની ઘૂસણખોરીનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે.

***

યુકેનું એક પ્રતિષ્ઠિત સાહિત્યિક મેગેઝિન છે - ગ્રાન્ટા. છેક ૧૮૮૯થી આ મેગેઝિન ચાલી રહ્યું છે. કોમનવેલ્થ ફાઉન્ડેશન દર વર્ષે કોમનવેલ્થ કન્ટ્રીના સાહિત્યકારોને કોમનવેલ્થ પ્રાઈઝ આપે છે અને તેની કૃતિ ગ્રાન્ટામાં પબ્લિશ થાય છે. ૨૦૨૬નું કોમનવેલ્થ પ્રાઈઝ મેળવનારા ત્રિનિદાદના લેખક જમીર નાઝિર સામે આરોપ લાગ્યો કે તેમણે એઆઈની મદદથી કૃતિ લખી છે. બ્રિટિશ પ્રોફેસર ઈથાન મોલિકે એઆઈ ડિટેક્ટર ટૂલથી તપાસીને દાવો કર્યો કે કૃતિમાં સો ટકા કન્ટેન્ટ એઆઈથી જનરેટ થયું છે. આ મુદ્દે ભારે હોબાળો થયો.

પછી તો બીજા બે વિજેતા સર્જકો - માલ્ટાના જ્હોન એડવર્ડ અને ભારતીય મૂળના શેરોન અરૂપારાયિલની કૃતિઓ સામેય એવો જ આરોપ લાગ્યો. ધ ગાર્ડિયનથી માંડીને ધ ન્યૂયોર્કર, ટાઈમ, વૉશિંગ્ટન પોસ્ટ સુધી બધે એની નોંધ લેવાઈ. એઆઈ ટૂલ્સે તેમની કૃતિઓમાંથી એઆઈનો ઉપયોગ શોધી કાઢ્યો, લેખકોએ અને કોમનવેલ્થ એવોર્ડ કમિટીએ રદિયો આપ્યો. બધા લેખકોએ પોત-પોતાની રીતે અલગ અલગ કારણો આપીને બચાવ કર્યો. જમીર નાઝિરે કહ્યું કે તેઓ વર્ષોથી બીમાર હોવાથી લખી શક્યા નથી ને સ્પીચથી ટેક્સ્ટ ટૂલનો સહારો લખવા માટે લે છે - એમ માનીને કે ટેકનોલોજી તેમની મદદે આવે છે. પરંતુ ટેકનોલોજીએ તો સહાયના બદલામાં આખી કૃતિ પોતાના નામે તફડાવી લીધી!

આ ઘટનાએ સાહિત્યમાં એઆઈ લેખનના વધતા ઉપયોગની ચર્ચા જગાવી છે. સર્જકોની તરફેણમાં એક દલીલ એવી છે કે રિસર્ચ માટે એઆઈની મદદ લેવામાં ખોટું નથી. વાત મૌલિક હોય તો એઆઈથી એને વધારે બહેતર બનાવી શકાય. સર્જકોની વિરૂદ્ધમાં એવી દલીલ થાય છે કે જો એઆઈના ઉપયોગથી જ સાહિત્ય લખવું હોય તો એમાં મૌલિકતા ક્યાંથી આવી? એ તો એઆઈનું સર્જન છે, તો એવોર્ડ્સ પણ એઆઈ ટૂલ્સને આપવા જોઈએ!

***

સાહિત્યમાં એઆઈ ટૂલ્સની હેલ્પનો મુદ્દો તો ભારત સહિત અનેક દેશોમાં કોર્ટો સુધી પહોંચ્યો છે. એઆઈથી કોઈ કૃતિની રચના થાય તો કોપી રાઈટનો પ્રશ્ન પણ લાંબાંગાળે ઉદ્ભવશે. પણ એવો કોઈ મુદ્દો બન્યા વગર જ અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ્સમાં કન્ટેન્ટ રાઈટિંગ માટે છૂટથી એઆઈ ટૂલ્સનો ઉપયોગ થઈ રહ્યો છે.

આપણે એક વાત યાદ રાખવી પડશે કે એઆઈ પાસે કશું નવું નથી. એ માત્ર એને અપાયેલા ડેટાનું એનાલિસિસ કરીને જ વિચાર આપશે. કોમનવેલ્થ પ્રાઈઝ મેળવનારા લેખકો સામે એઆઈના આરોપો લાગ્યા ત્યારે ઘણાં સંશોધકોએ દાવો કર્યો કે અમુક વર્ણનો છેક છ-સાત દશકા જૂની કૃતિઓમાંથી લેવાયા છે. ટૂંકમાં, એઆઈએ ક્યાંકથી તફડાવીને સાહિત્યકારોને ખ્યાલ પણ ન આવે એ રીતે મૌલિક લખાણનું જૂઠાણું ચલાવ્યું હશે.

વેલ, જે ઝડપે રાઈટિંગમાં, નવા વિચારો મેળવવામાં એઆઈ ટૂલ્સનો ઉપયોગ થઈ રહ્યો છે એ જોતાં મૌલિક લખાણની ધારા સૂકાઈ જવાની ભીતિ છે. ૨૧૨૫ના વર્ષની કલ્પના ક્યાંક વહેલી સાચી ન પડે તો સારું! 

આપણે ઓનલાઈન વાંચીએ છીએ એમાંથી કેટલું કન્ટેન્ટ એઆઈ લખે છે?

સ્ટેનફર્ડ યુનિવર્સિટીએ એઆઈ ટૂલની મદદથી એક સેમ્પલ સ્ટડી હાથ ધરીને જાણ્યું કે ઓનલાઈન પોસ્ટ થતું અડધો અડધ કન્ટેન્ટ એઆઈ ટૂલ્સથી જનરેટ થાય છે. ૨૦૨૨ના નવેમ્બરમાં એઆઈ ચેટબોટ ચેટજીપીટી લોંચ થતાંની સાથે જ એઆઈનો યુગ શરૂ થયો. ચેટજીપીટીના પગલે ગૂગલ, મેટા જેવી અનેક કંપનીઓએ એઆઈની સ્પર્ધામાં ઝંપલાવ્યું. એક-દોઢ વર્ષમાં તો એક લાખ એઆઈ કંપનીઓ બની ગઈ અને આજે અઢી લાખ જેટલી કંપનીઓ ગ્લોબલી એઆઈ ટેકનોલોજી પ્રોવાઈડ કરે છે. આ કંપનીઓના લગભગ ૧૦ હજાર એઆઈ ટૂલ્સ કન્ટેન્ટ રાઈટિંગની સુવિધા આપે છે. ચેટજીપીટી, ગ્રોક, જેમિનાઈ, પરપ્લેક્સિટી, કોપી.એઆઈ, ગ્રામરલી, રાઈટ્સોનિક જેવા પોપ્યુલર ટૂલ્સના યુઝર્સ તો કરોડોમાં છે જ, તે સિવાય લાર્જ લેંગ્વેજ મોડલ્સ (એલએલએમ) આધારિક અનેક ટૂલ્સ અવેલેબલ થઈ રહ્યાં છે.

શરૂઆતમાં યુઝર્સ એઆઈ ટૂલ્સ કામ કેવી રીતે કરે છે એ જાણવાના હેતુથી એનો ઉપયોગ કરતાં હતા. એઆઈ પળમાં કન્ટેન્ટ જનરેટ કરે છે એ સમજ્યા પછી હવે તેનો કમર્શિયલી ઉપયોગ વધ્યો છે. ૨૦૨૪ સુધી માનવસર્જિત લખાણ ૬૧ ટકા હતું અને એઆઈ જનરેટેડ કન્ટેન્ટનો હિસ્સો લગભગ ૩૯ ટકા હતો. ૨૦૨૫ના અંતે માનવસર્જિત લખાણને પાછળ રાખીને એઆઈ લખાણ મેદાન મારી ચૂક્યું હતું. સ્ટેનફર્ડ રિસર્ચ કહે છે એમ સોશિયલ મીડિયામાં ટોટલ લખાણ છે એમાંથી ૫૧.૭૨ ટકા એઆઈ જનરેટેડ છે. ૨૦૨૬ પૂરું થતાં થતાં એઆઈ કન્ટેન્ટનો હિસ્સો ૭૪ ટકાએ પહોંચી જાય એવો અંદાજ છે. ગૂગલ જે વેબપેજને ટોપ-રેકિંગમાં મૂકે છે એવા ૮૬.૫ ટકા વેબપેજમાં એઆઈ કન્ટેન્ટનું પ્રમાણે ક્યારનુંય ૬૦ ટકાને પાર પહોંચી ગયું છે. સોશિયલ મીડિયામાં પણ કેપ્શન અને એઆઈ જનરેટ ફોટોની ભરમાર ચિંતાજનક રીતે ઓરિજિનલ કન્ટેન્ટને હંફાવે છે.