સંગીતનો પ્રભાવ : નાદયોગથી રોગનિવારણ .

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- સહજ આનંદ સંભવ બને છે. નાદયોગથી વાત, પિત્ત, કફ, દોષ, દુ:ખ ઘડપણ, રોગ, ભૂખ, તરસ આ બધાથી રહિત થઈ પૂર્ણ સ્વાસ્થ્યવાળો થઈ આત્મસુખને ઉપલબ્ધ થઈ જાય છે...
'ન નાદેન વિના જ્ઞાન ન નાદેન વિના શિવ : ।
નાદ રૂપં પરં જ્યોતિર્નાદ રૂપી પરો હરિ : ।।
નાદ વિના જ્ઞાન નથી થતું, નાદ વિના શિવ પ્રાપ્ત નથી થતા, નાદ વિના જ્યોતિના દર્શન સંભવ નથી.
નાદ જ પર બ્રહ્મ રૂપ શ્રીહરિ છે.' - યોગ તરંગિની
લથ નાદે યતો ચિત્ત રમતે યોગિનો ભૃશમ્ ।
વિસ્મૃત્ય સકલે બાહ્ય નાદેન સહ શામ્યતિ ।।
જ્યારે યોગીનું ચિત્ત એ નાદમાં નિરંતર રમણ કરશે ત્યારે બધા પ્રકારના વિષયથી સ્મરણ રહિત થઈને ચિત્ત સમાધિમાં લય પામી જશે.
સર્વ ચિન્તાં પરિત્યજય સાવધાનેન ચેતસા ।
નાદ સેવાનુસન્ધેયો યોગસામ્રાજ્યમિચ્છતા ।।
યોગ સામ્રાજ્યની ઈચ્છાવાળાએ બધી ચિંતાઓ છોડીને સાવધાન મનથી નાદયોગની સાધનામાં લાગી જવું જોઈએ. - વારાહોપનિષદ
ચિતાનંદ તદા જીત્વા સહજાનંદ સંભવ : ।
દોષ દુ:ખ જરા વ્યાધિ ક્ષુધા નિદ્રા વિવર્જિત : ।।
જ્યારે ચિત્તના આનંદને જીતી લે છે ત્યારે આત્માને
સહજ આનંદ સંભવ બને છે. નાદયોગથી વાત, પિત્ત, કફ, દોષ, દુ:ખ ઘડપણ, રોગ, ભૂખ, તરસ આ બધાથી રહિત થઈ પૂર્ણ સ્વાસ્થ્યવાળો થઈ આત્મસુખને ઉપલબ્ધ થઈ જાય છે.
- યોગરસાયણ
યોગરસાયણ ગ્રથમાં દર્શાવવામાં આવ્યું છે કે નાદયોગ દ્વારા પ્રાણવાયુને હ્ય્દયના સ્થાનમાં રોકી રાખનારા એના સાધકનું શરીર સ્વસ્થ રહે છે. ત્રિદોષ પ્રકોપનો કારણે કોઈ બીમારી આવી હોય તો નાદ બ્રહ્મની સાધનાથી એ દૂર થઈ જાય છે ઈન્દ્રિયોનો સ્વામી મન છે, મનનો સ્વામી પ્રાણ છે, પ્રાણનો સ્વામી લય છે અને આ લય નાદના આશ્રયે રહેલો છે.
અર્વાચીન ધ્વનિ વિજ્ઞાન કહે છે કે ધ્વનિનો સ્વાસ્થ્ય પર પ્રબળ પ્રભાવ પડે છે. રાગથી રોગ મટાડવાના અનેક પ્રસંગો પ્રાચીન અને અર્વાચીન સમયે પુરવાર થયેલા છે. એકવાર અકબર બાદશાહની પુત્રી બીમાર પડી. ચિકિત્સકોએ એના ભારે તાવ અને રોગને દૂર કરવા પ્રયત્નો કર્યા પણ એનાથી કોઈ ફરક ના પડયો. એના દરબારના રાજજ્યોતિષીએ એને કહ્યું કે જો એની દીકરીને અમુક રાગ સંભળાવવામાં આવે તો એને સારું થઈ શકે. આ માટે પ્રસિદ્ધ ગાયક તાનસેનને બોલાવવામાં આવ્યા. તેમણે અકબરની દીકરી આગળ આ રાગનું ગાયન કર્યું. એ સાંભળ્યા પછી એનો ભારે તાવ અને બીમારી દૂર થઈ ગયા. તાનસેને ઝંઝૂરના નવાબને ત્યાં સિતારમાં સોરઠ રાગ વગાડી મોટા ફણીધર સર્પને ત્યાં બોલાવ્યો હતો.
અલ્વરનરેશને જવર (તાવ) ઊતરતો ન હતો તો સિતારમાં ભૈરવી રાગ સંભળાવી તાવ ઊતારી દીધો હતો. તાનસેન પોતે બાળપણમાં ગૂંગા હતા. બોલી શકતા નહોતા. એમને મહંમદ ગોસ નામના મહાન સંગીતકાર પાસે લઈ જવામાં આવ્યા એમણે રાગથી ચિકિત્સા કરી એમને બોલતા અને ગાતા કરી દીધા હતા.
એકવાર અકબરે એક સંગીત પ્રતિયોગિતાનું આયોજન કર્યું. એમાં મુખ્ય પ્રતિદ્ધન્દ્ધી હતા તાનસેન અને બૈજુ બાવરા આ સંગીત સ્પર્ધાનું સ્થળ રાખવામાં આવ્યું હતું આગ્રા પાસેનું એક વન. તાનસેને તોડી રાગ ગાવાનો શરૂ કર્યો. જેમ જેમ એના સ્વરો વનમાં પ્રસરવા લાગ્યા એ સાથે જ હરણોનું એક ઝુંડ (ટોળું) ત્યાં ખેંચાઈને આવી પહોંચ્યું અને તાનસેનની બરાબર સામે ઊભું રહીને એ રાગ સાંભળવા લાગ્યું. રાગનું ગાયન પૂરું થવાની તૈયારી હતી તે સમયે તાનસેને પોતાના ગળામાં પહેરાવાયેલો ફૂલનો હાર કાઢીને એક હરણના ગળામાં પહેરાવી દીધો. ગાયન પૂરું થતાંની સાથે બધા હરણ પાછા ઊંડા જંગલમાં જતા રહ્યા.
પ્રતિયોગિતાના બીજા ચરણમાં બૈજુ બાવરાએ મૃગરંજની તોડી નામનો રાગ ગાવાનો શરૂ કર્યો. એ રાગના આલાપની સ્વરલહેરો વનમાં પ્રસરવા લાગી. થોડીવાર પછી સંગીત સભામાં બૈજુ બાવરા ગાતા હતા તેમની સામે એક માત્ર પેલું હરણ આવીને ઊભુ રહયું જેના ગળામાં તાનસેને પોતાના ગળામાં પહેરાવેલો હાર શોભી રહ્યો હતો. પ્રતિયોગિતાના એક ભાગ રૂપે બૈજુ બાવરાએ માત્ર એ જ હરણને રાગ ગાયનથી પાછું ત્યાં બધાની સામે બોલાવવાનું હતું જેને તાનસેને હાર પહેરાવ્યા હતો. તાનસેનના પ્રયોગથી એ સિદ્ધ થયું કે સંગીતની અસર માત્ર મનુષ્યો પર જ નહીં, પણ તમામ સજીવ પ્રાણીઓ પર થઈ શકે છે. જ્યારે બૈજુ બાવરાના પ્રયોગોથી એ સિદ્ધ થયું કે સંગીતના સૂક્ષ્મતમ કંપનોમાં એવી શક્તિ અને સંમોહનભર્યું આંકર્ષણ રહેલું છે કે એનાથી ગમે તેટલા દૂર રહેલા પ્રાણીને પોતાનો સંદેશો પહોંચાડી પોતાની પાસે બોલાવી શકાય છે. બૈજુ બાવરાએ સંગીતના ધ્વનિથી મોકલેલો વિચાર સંદેશ માત્ર તે હરણ માટે જ હતો જેને તે પાછું બોલાવવા માંગતા હતા.
બૈજુ બાવરાએ પણ સંગીતના ઉપયોગથી રોગ મટાડવાના પ્રયોગ કર્યા હતા. બૈજુ બાવરાએ એમનાં ગુરુ હરિદાસજીની આજ્ઞાથી ચંદેરી જિલ્લામાં આવેલા નરવરના શાસક રાજા રાજસિંહને પૂરિયા રાગ સંભળાવી એમનો અનિદ્રાનો રોગ મટાડયો હતો.
રશિયન વિજ્ઞાની કુદ્રિયાઆવત્સેવ કહે છે કે ધ્વનિ તરંગોથી શરીરની અંત:સ્ત્રાવી ગ્રંથિઓ સક્રિય થાય છે. ડૉ. લૂઈ બર્મેન (Louise Berman) દ્વારા લખાયેલા પુસ્તક ધ ગ્લેન્ડ રેગ્યુલેટિંગ પર્સનાલિટી (The Gland Regulating Personality) માં દર્શાવ્યું છે કે સંગીતથી થાઈરોઈડના રસસ્ત્રાવ થાયરોકિસનને નિયંત્રિત કરી શકાય છે. હાઈપર ટેન્શન (બ્લડ પ્રેશર)ને પણ કાબૂમાં લઈ શકાય છે. સંગીતથી અંત:સ્ત્રાવ નલિકારહિત ગ્રંથિઓના હોર્મોનની વધઘટને કાબૂમાં લઈ શકાય છે. ફ્રેન્ચ જૈવ ઊર્જાવિજ્ઞાની ફેબિઅન મામેન અને પેરિસના ફ્રેન્ચ નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચ સંસ્થાના બાયોલોજિસ્ટ હેલન ગ્રીમેલે કેન્સરના રોગો પર જુદા જુદા સ્કેલની સીરીઝવાળા સ્વરો પોતાના કઠથી ગાઈ તેમની ગઠન પ્રક્રિયા તોડી કેન્સરની ગાંઠ ઓગાળી કાઢી હતી. આમ, ધ્વનિના વિવિધ પ્રકારો, નાદ યોગથી રોગ નિવારણ થાય છે. તેનું અર્વાચીન વિજ્ઞાનીઓ પણ સમર્થન કરે છે.









