Magazines

મીરાની જિંદગી : મનોરથની કઠોર કૃપાનો કરુણ અંજામ

By GS TEAM
13 Jun 20267 mins read
મીરાની જિંદગી : મનોરથની કઠોર કૃપાનો કરુણ અંજામ

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

લ- જ્જાનું સંસ્કારગ્રસ્ત મન એની અભિશપ્ત જિંદગીનો અન્ય વિકલ્પ શોધવા માટે તેને તૈયાર થવા દેતું નથી!

'અ મારી લજ્જા, ખૂબ જ ભોળી છે. શૈશવની ગોદ છોડી તારુણ્યની ચંચળ અને મુલાયમ ભૂમિમાં એણે પ્રવેશ કર્યો છે. પણ એનામાં જરાપણ ઉછાછળાપણું નથી. અમારી લજ્જાતો નમ્ર, ધીર-ગંભીર અને મિતભાગી છે. અરે ઘોર કળિયુગની બોલબોલાના આ નાસ્તિકભર્યા યુગમાં એના જેવી છોકરી મળવી મુશ્કેલ છે.' બોલતાં બોલતાં લજજાના પપ્પા નયનકુમારની આંખો ભીની થઈ ગઈ. એટલે બાકીની વાત લજજાના મમ્મી પ્રાર્થના દેવીએ આગળ વધારતાં કહ્યું : 'અમારી લજજા રૂપ રૂપનો અંબાર છે પણ આધુનિકતા, ફેશન, હરવા-ફરવાનું કશામાં એને વિશેષ રસ નથી. બસ સાદગી, નિખાલસતા અને નિર્દોષતા એ જ એના ઘરેણાં છે. ઘરના કામકાજમાં હોંશિયાર અને બીજાના દુ:ખે દુ:ખી થાય તેવો એનો સ્વભાવ... જરૂર પડે કોઈના કાજે જીવ આપી દે એવી છે અમારી લજજા.'

'ઓહો, મમ્મી, હવે તમે જ લજજાના વખાણ કર્યા કરશો કે પછી આપણા મહેમાનોને પણ કાંઈ પૂછવા દેશો કે નહીં?' પોતાનાં મમ્મી-પપ્પાને લજજાના ભારોભાર વખાણ કરતાં રોકવા લજજાના ભાઈ રિયાંશે કહ્યું. એટલે મનોરથની મમ્મી વર્ષાદેવીએ તરત જ વાત ઉપાડી લીધી. 'એ બધી વાત ખરી, પણ વહુ અને સરકારના તો નીવડે વખાણ થાય. બાકી અમારો મનોરથ પણ લાખ રૂપિયાનો છોકરો છે હોં.'

મનોરથ નીચું મોં કરી આ બધી વાત સાંભળી રહ્યો હતો. મનોરથનાં મમ્મી વર્ષાદેવીએ લજજાને પૂછ્યું: 'બેટા લજજા, અમારા તરફથી લીલી ઝંડી છે, પણ તારો વિચાર કહે. અમારો મનોરથ તો શાંત અને બહુ ઓછાબોલો છે.' એટલે તને કોઈ પ્રશ્ન નહીં પૂછે.

'હા, એટલે જ એના મનની વાત કોઈને કળવા દેતો નથી. માણસ તો બોલકો જ સારો.' લજજાનાં મમ્મી પ્રાર્થનાદેવીએ મનોરથને ટોણો મારતાં કહ્યું. એટલે મનોરથને પોતાના બચાવની જરૂર લાગી. એણે કહ્યું : આન્ટી, હું તો જીવનસાથીની પસંદગી માટે ગોઠવાતા ઇન્ટરવ્યૂને એક ફારસ ગણું છું. છૂટાછેડાના કિસ્સા આપમેળે જીવનસાથી ખોળી લેનાર શિક્ષિતોમાં વધુ હોય છે. ગામડાંના લોકો તો લગ્નના બંધન તોડવા માટે અદાલતનું પગથિયું ચઢતા સો વાર વિચાર કરે... અને માણસના ગુણો-દુર્ગુણો તો કસોટીના સમયે જ પ્રગટ થતા હોય છે, ઇન્ટરવ્યૂના રંગમંચ ઉપર નહીં.

લજજાને લાગ્યું કે મનોરથ-જીવન પ્રત્યેની પૂરતી સમજદારી ધરાવે છે... અને કદાચ ન ધરાવતો હોય તો પણ શું? માણસે બીજાના સ્વભાવથી ગભરાતાં પહેલાં પોતાના સ્વભાવથી ગભરાવું જોઈએ. આત્મવિશ્વાસ એ ખરાબે ચઢતા દામ્પત્ય જીવનને રોકવાનું કે બચાવવાનું એક મહત્વનું સાધન છે.

અને બન્નેની સ્વીકૃતિએ પરસ્પરને દામ્પત્યના બંધનમાં બાંધ્યા હતા.

લજજા જયારથી સાસરે આવી, ત્યારથી તેને સતત લાગ્યા કરતું હતું કે ઘરમાં આવતાં મોટાભાગના નારીપાત્રોથી પોતાને દૂર રાખવામાં આવે છે. કોઈક એવું રહસ્ય છે, જેને છુપાવવા માટે મનોરથ સહિત આખું ઘર કૃતનિશ્ચયી છે. એ રહસ્યના કારણે ઘરનું વાતાવરણ ગંભીર બની ગયું છે. એક ડર, એક ગભરામણ, એક ખામોશી... ઘરના વાતાવરણની સ્વાભિકતાને ગ્રસી રહી છે. મનોરથનું વર્તન પણ તને સામાન્ય નથી લાગતું.

શું છે આ ખામોશીનું રહસ્ય? લજજાનું મન તેને વારંવાર પૂછી રહ્યું હતું. પણ એ વ્યક્તિના ગૌરવમાં માનતી હતી. પત્ની પતિના વ્યક્તિત્વ કે વિચારોની સ્વામિની બનીને ઘરમાં નથી આવતી. હા, પતિ કે પત્ની જે કંઈ સહજ રીતે કહે તે પરસ્પરે સાંભળવું જોઈએ, પણ મનમાં, હૃદયનાં એકાન્ત ખૂણે ટૂંટિયું વાળીને બિચારું થઈ બેઠેલું રહસ્ય 'ડીટેક્ટીવ'ની અદાથી છતું કરવાનો અધિકાર બન્નેમાંથી કોઈએ પરાણે ન ભોગવવો જોઈએ. લજજાને પોતાના લક્ષ્યની તલાશ હતી, પણ એ માટે એ હલકટ સાધનો કે પ્રતિશોધાત્મક પ્રયત્નોનો આશરો લેવા નહોતી માગતી. અને અંત લજજા એ રહસ્ય પામી શકે એવા સંજોગો ઉભા થયા.

તે દિવસે મનોરથ બહાર ગયો હતો, સાંજે મોડો આવવાની સૂચના આપીને. દરમિયાન એક ગરીબ દેખાતી યુવતી મનોરથને મળવા આવી હતી. એના ચહેરા પરથી લાગતું હતું કે એ સખત મુસીબતમાં છે. લજજાએ એને પ્રેમથી બેસાડીને એને વાત કહેવાની ભૂમિકા તૈયાર કરી આપી.

એટલે આગંતુક યુવતીએ કહ્યું, 'મેડમ મારું નામ છે મીરા. હું અને મનોરથ પડોશમાં જ રહેતાં હતાં. મનોરથ પણ ત્યારે સામાન્ય સ્થિતિનો માણસ હતો. તેના માતા-પિતાને પણ અમારો સબંધ મંજૂર હતો. હું રાત-દિવસ ઇશ્વરને પ્રાર્થના કરતી હતી કે મારા ભાવિ પતિને ઇશ્વર ખૂબ સંપત્તિ અર્પે, જેથી અમે બન્ને સાથે મળીને પરિવાર અને સમાજનું કલ્યાણ કરી શકીએ.'

કદાચ મારી પ્રાર્થના ફળી હોય કે મનોરથનો પુરુષાર્થ પણ તેણે નાખેલી ફેકટરીમાં કુદરતે તેને યારી આપી. અને એક વર્ષમાં તો એ બંગલો અને ગાડીનો માલિક બની ગયો.

મનોરથના વર્તનમાં કશો જ ફેર ન પડયો, પણ તેના માતાપિતા હવે મારા જેવી ગરીબ યુવતીને પુત્રવધૂ બનાવવા તૈયાર નહોતાં. એમણે મારી ઉપર તો કશું દબાણ ન કર્યું. પણ મનોરથને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દીધો.

...મનોરથ સાથે લગ્ન કરવા મેં મારા ગરીબ પિતાનું ઘર પણ છોડી દીધું અને તેણે ભાડે રાખી આપેલા એક નાનકડા મકાનમાં હું રહેવા લાગી... ભગવાનની સાક્ષીએ મનોરથે મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું.

... પણ એ પછી મનોરથ પણ સહેજ ઢીલો પડયો. હું લગ્ન કરવાની વાત કાઢતી તો એ મને પટાવતો રહ્યો કે છ-એક માસ પછી લગ્ન કરીશું. પણ હકીકતમાં મનોરથના મનમાંય અમીરી-ગરીબીના ભેદ ઊગી ચૂક્યા હતા. મનોરથને સુખ અને વૈભવમાં રસ પડવા માંડયો હતો. દરરોજ મને મળવા આવનાર મનોરથે ધીરે ધીરે મને મળવાનું ઓછું કરી નાખ્યું હતું. એને મારું ભાડાનું ઘર અને મારી રહેણી-કરણી બધું જ એને ઓર્ડિનરી લાગવા માંડયું હતું...

એકવાર મનોરથે પોતે મને કહ્યું હતું : 'મીરા, આપણા સંબંધોને નવેસરથી સમજવાનો સમય આવી ગયો છે. તું સમજે છેને મારી વાત? મારી ફેક્ટરી હવે ધમધોકાર ચાલે છે. મારે માટે અમીર પરિવારની યુવતીઓના અનેક માગા આવે છે. મારા મમ્મી-પપ્પા પોતાને સમકક્ષ પરિવારમાં મારા લગ્ન કરવા માગે છે. હું બહુ ટેન્સનમાં છું. તારું શું થશે મીરા? મને તારી બહુ ચિંતા છે. 

સમાજમાં મારું સ્ટેટસ બહું ઊંચુ ગણાય છે. હું તને મળવા ચાલીમાં આવું તો પણ મારી પ્રતિભા ખરડાય. એટલે મેં તને મળવાનું ઓછું કરી નાખ્યું છે. તારી સાથેના મારા સંબંધો જગજાહેરના થાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે...' વાત કરતાં કરતાં મીરા ધુ્રસકેને ધુ્રસકે રડવા માંડી. લજ્જાએ તેને પાણી પીવડાવી શાંત કરી.

એટલે મીરાએ કહ્યું : 'મને મનોરથની મારા તરફની લાગણીમાં વરતાતી ખોટનો અંદાજ આવી ગયો હતો. મેં ઘેર પાછા જવા પ્રયત્ન કર્યો. મારાં માતા-પિતા પણ મને સ્વીકારવા તૈયાર નહોતાં. મેડમ,હું ભાડાના મકાનમાં એકલી રહું છું. છ માસનું ઘરનું ભાડુ ચડી ગયું છે. મારા અને મનોરથના પ્રેમની નિશાની રૂપે એક પુત્રનો પણ જન્મ થયો છે. મનોરથ હવે મારી ખબર લેતાં નથી. નથી મકાનનું ભાડું આપતાં કે નથી ભરણપોષણ માટે પૈસા આપતા. એટલે મેં પણ પુત્ર જન્મની વાત મનોરથને નથી કરી. હું નોકરીની તલાશમાં છું પણ મારા દીકરો સ્વયં હજુ બહુ નાનો છે...' સાડીના પાલવથી આંસુ લૂછતી મીરા પોતાની અસહાય સ્થિતિનું વર્ણન કરતી હતી.

મીરાએ આગળ કહ્યું : 'મને કહ્યા સિવાય મનોરથે તમારી સાથે લગ્ન કરી લીધા અને એની જાણ પણ મને લોકોએ આપી. મેડમ, હું આપના દામ્પત્યજીવનમાં વિધ્ન નાખવા માટે નથી આવી. મારે મનોરથ પાસેથી પણ કશું નથી જોઈતું. મને થોડા પૈસા આપો તો હું નોકરી શોધું ત્યાં સુધી ટકી શકું. મારો દીકરો હજુ ચાર મહિનાનો જ છે. મારે તેની પણ સાર-સંભાળ એકલે હાથે રાખવાની છે. મેડમ હું ભીખ નથી માગતી લોન માગું છું, જેનું વ્યાજ મનોરથે તો એડવાન્સમાં જ વસૂલ કરી લીધું છે.'

મીરાની બધી વાતો સાંભળી લજજા સ્તબ્ધ થઈ ગઈ. શું કરવું, શું ન કરવું એવી દ્વિધામાં એ પડી ગઈ. લજજાએ મીરાને પોતાને ઘરે જવા વિનંતી કરી અને એક-બે દિવસમાં પોતે મદદ કરશે તેવી હૈયાધારણ આપી. મીરાની આવી હાલત માટે જવાબદાર મનોરથ સાથે વાત કરવી એવું તેણે મનોમન નક્કી કરી. લજ્જાએ સૌ પ્રથમ મીરાની આર્થિક તકલીફ દૂર કરવાનો નિર્ણય કર્યો. લજજા પાસે પોતાના પૈસા તો હતા નહીં. એટલે એણે પોતાના પચીસ તોલાના દાગીના વેચી દીધા અને મીરાના ઘરનું ભાડુ ચૂકવી દીધું. બાકીની રકમ મીરાના નામનું બેંકમાં એકાઉન્ટ ખોલાવીને તેમાં ટ્રાન્સફર કરાવી દીધી. મીરાનો દીકરો સ્વયં મોટો ન થાય ત્યાં સુધી બન્નેનું ગુજરાન સારી રીતે ચાલે તેવી વ્યવસ્થા કરી આપી.

અને એ પછી એક દિવસ લજજાના સાસુમા વર્ષાદેવીએ ઘરેણાં અંગે પૂછપરછ કરી અને બેંકમાં લોકર ખોલાવી તેમાં મૂકી દેવાની વાત કરી ત્યારે લજજાએ ઘરેણાં ચોરાઈ ગયાની વાત સૌની હાજરીમાં કરી.

ઘરની એકપણ વ્યક્તિ લજજાની વાત માનવા તૈયાર નહોતી. ઘરનાં લોકોની દૃષ્ટિએ લજજા ચોર સાબિત થઈ હતી. મનોરથનું મન પણ ચોરીની વાત માનવા તૈયાર નહોતું. લજજાએ જીવન પાસે અપેક્ષા રાખવાનું છોડી દીધું હતું. મનોરથનું દરેક વર્તન લજજાને કૃત્રિમ લાગતું હતું. લજજાને ખુશ કરવા મનોરથ પ્રયત્ન કરતો હતો પણ એની વાતોમાં નહોતી આત્મીયતા કે નહોતો કોઈ ઉલ્લાસ. હકીકતમાં એ નાટક જ કરતો હતો. એક કરુણાન્ત નાટકની નાયિકાએ રડવાથી ગભરાવાનું હોતું નથી, એમ માનીને લજજા પણ કશી ફરિયાદ વગર ગમે તેમ કરીને દિવસો પસાર કરતી હતી. તેના મનમાં હતી મીરા અને તેનો પુત્ર સ્વયં. આ બન્નેને સુખી કઈ રીતે કરવા બસ એ જ લજજાનું જીવનનું લક્ષ્ય બની ગયું હતું.

અને દૂર બેઠેલી પેલી ગરીબ યુવતી મીરા ઇશ્વરને નિરંતર પ્રાર્થના કરે છે : 'લજજા મેડમનું દામ્પત્ય જીવન હે પ્રભુ, તું સુખી અને સૌભાગ્યપૂર્ણ રાખજે. લજજા મેડમ તો માનવી નથી દેવી છે.'

અને લજજાનું સંસ્કારગ્રસ્ત મન એની અભિશપ્ત જિંદગીનો અન્ય વિકલ્પ શોધવા માટે તેને તૈયાર થવા દેતું નથી!