મારા કરતાં તમારું શર્ટ વધુ સફેદ હોઈ જ કેમ શકે

- આપણે આપણા સુખને ફાઈલ કરીને તિજોરીમાં મૂકી દઈએ છીએ અને બીજાના સુખને બિલોરી કાચથી જોઈને અદેખાઈ કરીએ છીએ
- હોરાઈઝન-ભવેન કચ્છી
- ભૌતિક સુખને ઈશ્વરની પ્રસાદી માની આભાર માનશો તો દિવ્ય આનંદની અનુભૂતિ થશે પણ પોતે આ સુખ અને સિદ્ધિ મેળવી છે તેમ અહંકાર ભાવ ઉમેરશો તો તે સુખ પણ ખુશી નહીં આપી શકે
મ નોવિજ્ઞાનનો એક બહુ જ જાણીતો સિદ્ધાંત છે જે Hedonic treadmill તરીકે જાણીતો છે. તે દર્શાવે છે કે મનુષ્યની જિંદગીમાં ગમે તેટલી મોટી ખુશી આવે કે ગમે તેટલું મોટું દુ:ખ આવે, સમય જતાં તે પાછો પોતાના મૂળ માનસિક સ્તર પર આવી જાય છે. Hedonic: ગ્રીક શબ્દ Hedone પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે 'સુખ, આનંદ કે ભોગવિલાસ' અને ટ્રેડમિલ એટલે જીમમાં દોડવા માટેનું મશીન, જેના પર માણસ ગમે તેટલી ઝડપથી દોડે તો પણ તે રહે છે એક જ જગ્યા પર.
સિદ્ધાંત સમજો
વિચારો કે તમે જીમમાં ટ્રેડમિલ પર દોડી રહ્યા છો. તમે ખૂબ પગ પછાડો છો, પરસેવો પાડો છો, પણ અડધા કલાક પછી પણ તમે રૂમમાં એ જ સ્થાને ઊભા છો જ્યાંથી શરૂઆત કરી હતી. બરાબર એ જ રીતે માણસ સુખની પાછળ દોડે છે.
ક્ષણિક આનંદ : તમને નવી મોંઘી ગાડી મળી, નવો આલીશાન બંગલો મળ્યો, કે ઓફિસમાં બહુ મોટું પ્રમોશન મળ્યું. આ નવી પ્રાપ્તિથી તમારી ખુશીનો ગ્રાફ અચાનક બહુ ઉપર જશે. તમને લાગશે કે બસ, હવે જિંદગી સેટ થઈ ગઈ!
થોડા અઠવાડિયા કે મહિનાઓ વીતશે એટલે એ નવી ગાડી કે નવો બંગલો તમારા માટે 'સામાન્ય' બની જશે. તમારી આંખો તેનાથી ટેવાઈ જશે.પાછા મૂળ સ્થાને : તમારી ખુશીનો ગ્રાફ પાછો નીચે આવીને ત્યાં જ અટકી જશે જ્યાં ગાડી ખરીદતા પહેલા હતો. હવે તમને ફરીથી એવો જ આનંદ મેળવવા માટે આનાથી પણ મોટી ગાડી કે આનાથી પણ વધુ પૈસાની જરૂર પડશે.ટૂંકમાં, ભૌતિક સગવડોથી મળતો આનંદ કાયમી નથી હોતો. માણસ વધારે મેળવવા માટે સતત દોડતો રહે છે, પણ આંતરિક સંતોષના મામલે તે ત્યાંનો ત્યાં જ રહે છે.
હા, આ જ સફળતા, ભૌતિક પ્રાપ્તિને તે પોતાની સિદ્ધિ કરતા ઈશ્વરની ભેટ સમજશે તો તે પ્રસાદી બની જશે અને તેનો આનંદ પરમ અને દિવ્ય લાગશે. પણ મોટે ભાગે આપણે જે મેળવીએ છીએ તેમાં અહંકાર ઉમેરી દઈએ છીએ.
ટ્રેડમિલમાંથી બહાર
જો આ ક્યારેય ન પૂરી થનારી દોડમાંથી બચવું હોય, તો સુખ ભૌતિક સાધનોમાં શોધવાને બદલે જે આપણી પાસે છે તેનો સાચા દિલથી આભાર માનવો. પરિવાર અને મિત્રો સાથે વિતાવેલો ગુણવત્તાસભર સમય જ શ્રેષ્ઠ સુખ માનવું અને ધ્યાન, કળા, જીવનના રહસ્ય પામવા અથવા કોઈ નિ:સ્વાર્થ સેવા કરવી જેમાં અહંકાર ઓગળી જાય.
જર્મન ફિલસૂફ શોપનહાવરે માનવ ઈચ્છાઓ પર અદભુત વાત કહી છે. તેમના મતે ધમાનવ જીવન લોલક (Pendulum) ની જેમ કષ્ટ (Pain) અને કંટાળા (Boredom) ની વચ્ચે ઝૂલતું રહે છે.'
જ્યારે માણસ પાસે ભૌતિક સગવડો નથી હોતી, ત્યારે તે તેને મેળવવા માટે કષ્ટ ભોગવે છે. પરંતુ જેવી બધી સગવડો મળી જાય છે, એટલે જીવનમાં એક ભયાનક 'કંટાળો' વ્યાપી જાય છે. બધું જ હોવા છતાં કંઈક ખૂટે છે તેવો ખાલીપો વર્તાય છે. આ ખાલીપો પૂરવા માટે ધનિક માણસો નવા ભોગ-વિલાસ અથવા ઈર્ષ્યાની રમત તરફ વળે છે.
આત્મિક દરિદ્રતા
સમાજ શાસ્ત્રી રોલ્ફ ડોબેલી માને છે કે મનુષ્ય ઉત્ક્રાંતિના સમયથી જ પોતાના ટોળામાં સર્વોચ્ચ સ્થાન મેળવવા મથે છે. આજના સમયમાં આ સ્થાન ભૌતિક સંપત્તિથી નક્કી થાય છે. જે ક્ષણે ભૌતિક રીતે સુખી વ્યક્તિ તેના ગુ્રપમાં કોઈ અન્ય વ્યક્તિ લાઈમલાઈટ લઈ ગઈ છે એટલે તેની સલામતી જોખમાય છે અને ઈર્ષ્યા અજાણતા જ સપાટી પર આવી જાય છે.તે ભૌતિક સુખ તેનો જ હક્ક માને છે. મારા શર્ટ કરતા સામેની વ્યક્તિનું શર્ટ શું કામ વધુ સફેદ તેવી સમાજની નજર ગ્રાહક વાદને જન્મ આપે છે તેવી સાબુના પાવડરની જાહેરાત કેટલાક વર્ષો પહેલા લોકપ્રિય બની હતી.
જો વૈભવ હોવા છતાં મન ઈર્ષ્યા અને દુ:ખની આગમાં સળગતું હોય, તો સમજવું કે ભૌતિક સમૃદ્ધિ વધી છે પણ 'આત્મિક દરિદ્રતા' વ્યાપી ગઈ છે. આ સાંસ્કૃતિક રોગમાંથી બહાર નીકળવા માટે તમારી સ્પર્ધા તમારા અન્ય મિત્રો, સગા - સ્નેહી જોડે નહીં પણ ગઈકાલના તમારી સ્થિતિ શું હતી અને આજે ઈશ્વર કૃપાથી કેવી વધુ સુખદ થઈ તે પોતાના નવા વર્ઝન સાથે હોવી જોઈએ. બીજાના સ્તર સાથે તુલના કરશો તો તમને તમારા કરતા ભૌતિક રીતે ચઢીયાતા મળી જ રહેશે.
અહંકાર ઓગાળો
જ્યારે તમે તમારા વૈભવનો થોડોક હિસ્સો સમાજના ઉત્થાન માટે વાપરો છો, ત્યારે અહંકાર ઓગળે છે. કોઈ વંચિતના ચહેરા પર સ્મિત લાવવાનું સુખ, દુનિયાના સાત સમુદ્ર પારના પ્રવાસ કરતાં પણ સાચું સુખ આપનારું છે. જેઓ ઉદાર છે તેઓ ભૌતિક અને આધ્યાત્મિક બંને સ્થિતિને માણી શકે છે.આપણા ભૌતિક વૈભવને આંતરિક વૈભવમાં રૂપાંતરિત કરતા શીખવું પડશે.
આપણે આપણી લીટી મોટી થઈ તેનાથી ખુશ થવાનું છે. બીજાની લાઈન મોટી થાય ત્યારે આપણી લીટી નાની ન લાગવી જોઈએ.
ગરીબ અને મધ્યમ વર્ગની વ્યક્તિ ક્યારેય ધનિક સાથે પોતાની સરખામણી કરીને દુ:ખી નથી થતી.તેના સામાજિક વર્તુળમાં પણ બધા તેના જેવી જ માનસિક સ્થિતિના છે તેઓએ સ્વીકારી લીધંન કે આપણું ભૌતિક જીવન આવું જ રહેવાનું છે. કોઈ ચમત્કાર સંભવિત નથી. જયારે જેઓ પાસે સાધનો છે, વગ છે અને ભૌતિક સુખના સીડીના પગથિયાં ચઢવા માંડયા છે તેઓમાં આ ઈર્ષા વૃદ્ધિ જોઈ શકાય છે. સ્પર્ધાનો અને વધુ વિક્સવાનો સ્કોપ હોય છે તેઓનું જ માનસિક સ્તર કથળતું જાય છે. ઈર્ષ્યા એ વાતની હોય છે કે 'જે મારી પાસે છે, તેનાથી સરસ કે નવું બીજા પાસે કેમ છે?'
શીતળતાનું રહસ્ય
રસપ્રદ વાત એ છે કે, જે વ્યક્તિ દિવસ આખો મજૂરી કરીને રાત્રે ફૂટપાથ પર સૂઈ જાય છે, તેના મનમાં આવી કોઈ જટિલ ઈર્ષ્યા નથી હોતી. તે પોતાના રોટલાથી ખુશ છે. જ્યારે પર્શિયન કાર્પેટ પર ચાલનારાના પગ પડોશીના લિવિંગ રૂમની ડિઝાઇન જોઈને વ્યથા અનુભવે છે. આવી માનસિકતાની પીડા એવી હોય છે કે તે તેને ઊંઘવા પણ નથી દેતી. આ એક 'અહંકાર'નું દુ:ખ હોય છે.
આપણું સુખ આપણી જેવી પણ પ્રાપ્તિ છે તેના પર ટકેલું હોવું જોઈએ. પણ કમનસીબી એ છે કે આપણું સુખ બીજાની 'અલ્પતા' પર ટકેલું છે.એર કન્ડિશન ઉનાળાની ગરમીમાં પવન આપી શકે છે પણ દાઝી ચૂકેલ મન પર શીતળતા નથી આપી શકતું.
બધું જ પોતાની લાયકાતથી મળ્યું છે તેવો ઘમંડ, ઈશ્વર કે પ્રકૃતિ પ્રત્યે કોઈ આભારની લાગણી નહીં તે દુ:ખી થવાનું મુખ્ય કારણ છે.
સુખી વ્યક્તિ નાની અમથી મદદ કે ખુશી મળે તો પણ ઈશ્વરનો આભાર માને છે.
જે અહંકારી છે અને નાસ્તિક છે તેને જે વૈભવ મળ્યો છે તે ક્યાંક ઓછો ન થઈ જાય અથવા કોઈ આગળ ન નીકળી જાય તેનો ડર છે કેમ કે કર્તા તેને પોતાને જ માને છે.
જયારે જે ઈશ્વરનો આભાર માનતો રહે છે તેની અસલામતીની ભાવના ઓછી હોય છે અને જે મળ્યું છે તેને હરી ઈચ્છા સમજે છે.
તુલના ત્યજો
આ બધામાં એક સમજ પણ ઉમેરવા જેવી છે કે આપણે બીજાના દુ:ખ સાથે આપણી તુલના કરીને સુખનો એહસાસ મેળવીએ તે પણ યોગ્ય દ્રષ્ટિકોણ નથી. જ્યારે તમે કોઈના દુ:ખને જોઈને તમારા સુખનો અંદાજ લગાવો છો, ત્યારે તમે અજાણતા જ સરખામણીના વાયરસને મગજમાં એન્ટ્રી આપો છો. આ જ વાયરસ જ્યારે તમારાથી વધુ સગવડવાળા માણસને જુએ છે, ત્યારે તે 'ઈર્ષ્યા' નું સ્વરૂપ ધારણ કરી લે છે. 'સુખ હંમેશાં નિરપેક્ષ હોવું જોઈએ, સાપેક્ષ નહીં. તમારો આનંદ તમારા આંતરિક સંતોષમાંથી અને સંબંધોની હૂંફમાંથી આવવો જોઈએ'
'જોય કિલર્સ'થી દૂર રહો
આજે એવો ઈર્ષાળું વર્ગ પણ વધતો જાય છે જેઓ તમારી સફળતા કે કોઈ પ્રાપ્તિ માટે તમને અભિનંદન આપવાની જગ્યાએ તમારી ખુશી પર પ્રહાર કરતો કઈંક ટોણો મારશે. આવા લોકોને 'જોય કિલર્સ' કહેવાય છે. તમારો શુભ કે સુખદ પ્રસંગ બગાડવા સુધીની હરકત આવા લોકો કરી શકે છે. તેઓને શુભ દિને રડાવી પણ શકે છે. આવા જોય કિલર્સથી અંતર રાખવું.
જે લોકો કોઈની સફળતાની પાછળ કલંક શોધે છે, તેઓ વાસ્તવમાં પોતાના મનની દરિદ્રતા પ્રદર્શિત કરે છે. સૂર્યની સામે ધૂળ ઉડાડવાથી સૂર્ય ઝાંખો નથી થતો, ઉડનારી ધૂળ પોતાની આંખોમાં જ પડે છે. પ્રગતિ કરનાર વ્યક્તિએ આવા 'જોય કિલર્સ' થી સો ગજ દૂર રહેવું જોઈએ અને તેમના વેધક વેણ પર શંકા કરવાને બદલે પોતાની મહેનત પર ભરોસો રાખવો જોઈએ. સાચો અને ઉમદા માણસ એ જ છે જે બીજાની સફળતામાં તાળી પાડી શકે, કારણ કે બીજાના દીવાની જ્યોતથી ક્યારેય આપણો રૂમ અંધારામાં નથી ધકેલાતો
જ્ઞાન પોસ્ટ
રોમન સમ્રાટ અને સ્ટોઈક ફિલસૂફ માર્કસ ઓરેલિયસે તેમની ડાયરી 'સ્ીગૈાર્ચૌહજ' માં સવારે ઉઠતાની સાથે જ પોતાની જાતને એક મંત્ર આપ્યો હતો, જે આજના સમયમાં બહુ પ્રાસંગિક છે :
'આજે જ્યારે હું બહાર નીકળીશ, ત્યારે મને એવા લોકો ભટકાવવાના છે જેઓ ઈર્ષાળુ હશે, દગાબાજ હશે, અહંકારી હશે અને નકારાત્મક હશે. તેઓ આવા એટલા માટે છે કારણ કે તેઓ સાચા સુખ અને ભલાઈ વચ્ચેનો ભેદ નથી જાણતા. હું આવી વ્યક્તિથી મારા આત્મા વિશ્વાસ કે સુખની સ્થિતિને સહેજ પણ વિચલિત નહીં થવા દઉં.'









