Magazines

વેકેશન આપે વ્હાલની વરાપ .

By GS TEAM
13 Jun 20264 mins read
વેકેશન આપે વ્હાલની વરાપ                                          .

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- વેકેશન માટે વિદ્યાર્થીઓ તલપાપડ હોય છે. વરાપના ગાળામાં ખેતર ઉષ્મા પામે છે. ખેડવા લાયક બને છે. વેકેશનમાં બાળકો પણ હૃદયની ઉષ્મા પામતાં હોય છે

ચો માસામાં વરસાદ થયા પછી ઉઘાડ નીકળે અને જમીનનું ઉપલું પડ સ્હેજ તડકો ખાઈ સખત બને, જેથી ખેડ કરવાનું સુલભ બને. એવા દિવસોને વપારના દિવસો કહે છે. વરાપના ગાળામાં ખેતરમાં તૃપ્તિ અને સજ્જતા ઉભયના ઓરતા છલકાતા હોય છે.  વેકેશનનું પણ એવું છે. આખું વર્ષ ઘર અને નિશાળ, દફતર અને સ્લેટ તથા ભણતર અને ગણતરમાં પસાર થાય છે. માસ્તર અને માવતર વચ્ચે ખેતર જેવું બાળક ભીંસાતું હોય છે, વેકેશનનો ગાળો ભણનારા બાળકો માટે વરાપનો ગાળો છે. વરાપ જરૂરી છે. વરાપ વગરની ખેતી વિશે ખેડૂતને પૂછી જુઓ તો જાણવા મળશે કે ભાઈ એમાં કાંઈ ભલીવાર ના આવે. ફળદ્રૂપતા વરાપને આભારી છે.

વેકેશન માટે વિદ્યાર્થીઓ તલપાપડ હોય છે. વરાપના ગાળામાં ખેતર ઉષ્મા પામે છે. ખેડવા લાયક બને છે. વેકેશનમાં બાળકો પણ હૃદયની ઉષ્મા પામતાં હોય છે. મામા-કાકા-ફોઈને ત્યાં વેકેશનમાં દોડી જતાં બાળકો એ સ્વજનો (સગાં) પાસેથી વિશિષ્ટ પ્રકારની ઉષ્મા પામે. હૃદયનો વિસ્તાર કરવાની અને આત્મીયતાનો અનુરાગ પામવાની તાલીમ મેળવતાં હોય છે. વેકેશન એટલે ભણવામાંથી મુક્તિ નહિ, હળવા બનવા માટેની તાલીમ છે. દીવાલ વગરના વર્ગખંડો વેકેશનમાં ખુલતા હોય છે. એમાંથી જે પ્રાપ્ત થાય છે તે બંધિયાર વર્ગખંડોની તુલનામાં અનેકગણું હોય છે.... મામાના ખેતરમાં જઈ મગફળીના છોડને ઊંચો કરી, છોડ સાથે બહાર નીકળતી મગફળીઓ હજુ  આંખોમાં મૂળ નાખે છે.આખા વરસનો થાક વેકેશનનાં છાંયડે ઊતરી જતો હોય છે. મોસાળના માણસો બધા મામા તરીકે ઓળખાતા. એમનાં ઘર પર ભાણાભાઈ માટે અલગ નહોતાં એ બધાં મકાનો નહિ, હૃદયની ગુફાઓ, હરતીફરતી વિદ્યાપીઠો જ. પ્રકૃતિ સાથેનો પરિચય, ઘનીષ્ઠતા વેકેશન કરાવતાં ભણવાને બદલે ભમવાનું, ભટકવાનું, ફરવાનું, કૂદવાનું, જોવાનું તથા વિવિધ પ્રકારની રમતો રમવાનું એ બધું કેવળ સમય પસાર કરવાની પ્રવૃત્તિ નહોતી. પ્રત્યેક રમતની પાસે છૂપો જીવનસંદેશો હોય છે. તે સંદેશો પણ જીવત જીવવા માટે ખપ લાગે છે. મોયદાંડિયામાં ગિલ્લી-દંડાનો માર ખાઈ દૂર ફેંકાય છે. હાર-જીત રમનારાના કેન્દ્રમાં ગિલ્લી હોય છે. આગળ જતાં એ વાત સમજાઈ ગઈ કે જીવ એ ગિલ્લી છે, ભાગ્ય એ દંડો છે. જીવને ભાગે જ માર ખાવાનું હોય છે. ભમરડો પણ ચાકડાનું પ્રતીક છે, ભમરડો ધરી ઉપર ઊંધી શકે છે. ફરતો હોય તો જ ધ્યાનસ્થ થઈ શકે એમાંથી સમજાયું છે કે સંસારના ચક્રમાં ફરતાં ફરતાં જ લીન થવાનું, ધ્યાનસ્થ થવાનું શીખી લેવું જોઈએ. મામાના ગામમાં અને વતનમાં, જ્યાં ફરવા જઈએ ત્યાં જે જે માણસોના ચુંબકીય પરિચયમાં આવીએ, તેમના પ્રભાવમાં આવી જઈએ તે બધાં સામાન્ય માણસો પણ કબીર, તુલસી, ચૈતન્ય, નામદેવ જ છે તેમની પાસે વગર વાંચે વેદોનું જ્ઞાન છે. ગામેગામ એ જ્ઞાન પહોંચેલું છે. અન્ય પરિચય આ લાંબાગાળાના વેકેશને કરાવ્યો છે.

કાગડાની અને શિયાળની વાર્તા સાંભળવા કરતાં ગામ ખેતરમાં પ્રત્યક્ષ પ્રતીતિ કરી છે. વેકેશને વૃક્ષોની, પક્ષીઓની, એમની વૃત્તિઓની, સ્વજનોની, તેમના પ્રેમની પશુઓની જે ઓળખાણો કરાવે તે ઓળખાણો જિંદગીભર યાદ રહી જાય.... 'કાગડો' હંમેશા ખોટી રીતે વખાણ કરી, જુઠું બોલી જીતી જવામાં માને છે. એટલે તે લુચ્ચો છે તેવી લુચ્ચાઈ ન કરાય એવો ઉપદેશ કોઈની પાસેથી શીખવાતો નથી. એ વાતમાંથી પ્રત્યક્ષ તેનો અનુભવ કરી લેવાનો છે. આ વેકેશનનો લાભ. વેકેશનો મન-ચેતનાના અંધારા ખૂણાને અજવાળું આપી ઊજળો કરે છે. ઉષ્મા આપે છે. કુદરત સાથે કુતૂહલપૂર્વક સંયોજાઈ સંવાદ કરતાં વેકેશનો શીખવે છે.

સંયુક્ત પરિવારો, સંયુક્ત કામકાજ, સંયુક્ત હેતભાવ, સંયુક્ત પરસ્પર આત્મીયતાની ગૂંથણીના પદાર્થપાઠ વેકેશનની નાભિમાંથી પ્રાપ્ત થતા હોય છે. જીવનરૂપી ખેતરની લગભગ સમૃદ્ધિ વેકેશન દ્વારા પ્રાપ્ત કરી લેવાતી હોય છે. પછી તો ઉઠવાનું, શાળા એ જવાનું, લેસન કરવાનું, ઘરે આવવાનું, ટયૂશન જવાનું, ઊંઘવાનું આ ઘરેડમાં જ જીવવાનું હોય છે. એ ઘરેડમાંથી બહાર નીકળી ચોપડી સિવાયનું શિક્ષણ - બે પુઠ્ઠા બહારની ઉષ્મા વેકેશન દ્વારા બાળક પ્રાપ્ત કરે છે. વેકેશન એ કામ નહિ કરવાના દિવસો જ નહિ, હૈયાને હેતથી સમૃદ્ધ કરવાનો સમયગાળો છે. ચેતોવિસ્તાર કરવાની ઘડીઓ છે. બાળકોના જીવનની નોળવેલ છે. તેને સુંઘીને બાળક જીવનભરની ઉષ્મા પ્રાપ્ત કરે છે. બાળકને સંસ્કારથી સમૃદ્ધ કરવાનો, વિવિધ અનુભૂતિઓ દ્વારા હૃદયની કેળવણી આપવાનો અને સંવેદનાની ક્ષિતિજો વિસ્તારવાનો અવકાશ વેકેશનમાંથી પ્રાપ્ત થતો હોય છે. નિશાળના દિવસોની ગેરહાજરી એ કંઈ વેકેશન નથી પણ પારિવારીક સંવેદનાભિમુખ કરવાનું ઔષધ વેકેશનમાં રહેલું છે. આપણે બાળકોને વેકેશનના વ્હાલમાં રમવા દઈએ, ફરવા દઈએ, ન્હાવા દઈએ અને ગાવા દઈએ. સગાં વ્હાલાં, સ્વજનોની આત્મીયતાથી અવગત થવા દઈએ. હૈયાનો વ્યાપ વેકેશન વધારે છે.

સાંપ્રત સમયમાં બાળકને સ્પર્ધક બનાવવા માટેની જે તાલીમ વાલીઓ આપે છે. ટયૂશન ક્લાસ, કરાટે ક્લાસ, ક્રિકેટ ક્લાસ વગેરે દ્વારા આપણે તેના નાનકડા મગજમાં માહિતીનો હારડો પહેરાવીએ છીએ. એ ક્યારેક બોજ બની જતો હોય છે. એના કરતાં આપણે હૈયાને કેન્દ્રમાં રાખી, એના ભાવિ ઘડતર અંગેની વિચારણા કરીએ તો અવશ્ય ફરક પડવાનો. આપણી ઉપલબ્ધિ માહિતી નહિ, સંસ્કાર જોઈએ. આપણી ઉપલબ્ધિ સમૃદ્ધિ નહિ સંવેદના જોઈએ. જે શક્યતા એ વેકેશન પાસે છે તે વરાપના ગાળામાં બાળખેતરોને સજ્જ થવા દઈએ, ફળદ્રૂપતા સામે ચાલીને આવશે જ.