હૃદય અંદર રહેલું કોણ વાંચે? .

- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા
લોગઈન :
કે આ ભણેલું કોણ વાંચે?
હવા ઉપર લખેલું કોણ વાંચે?
ગઝલરૂપે ભલે મેં વાત મૂકી,
હૃદય અંદર રહેલું કોણ વાંચે?
ઉપરથી તો બધા વાંચી શકે છે,
ઘણું ઊંડે પડેલું કોણ વાંચે?
નહીં શબ હાથમાં પુસ્તકને રાખે,
કહો અમને મરેલું કોણ વાંચે?
તમે પીડા તરીકે ઓળખો છો,
અમે સોને મઢેલું કોણ વાંચે?
- જિજ્ઞોશ વાળા
આ ગઝલનો કેન્દ્રીય ભાવ એ છે કે માણસને વાંચવો સહેલો નથી. આપણે શબ્દો વાંચીએ છીએ, ચહેરા વાંચીએ છીએ, પુસ્તકો વાંચીએ છીએ, પણ મનુષ્યના અંતરમાં જે લખાયેલું હોય છે, તેને વાંચવાની ફુરસદ, ક્ષમતા કે ઇચ્છા બહુ ઓછા લોકોમાં હોય છે.
આમ જુઓ તો વાંચવાનું કામ સાવ સહેલું છે. અક્ષરોને ઓળખી, શબ્દોને સમજી, અર્થ પામી લઈએ તો લાગે કે બધું જાણી લીધું. પણ એ ખરેખર આપણો ભ્રમ હોય છે. કારણ કે માણસનું ખરું અસ્તિત્વ શબ્દોમાં નથી હોતું. તે તો શબ્દોની પાછળ, વાક્યોની વચ્ચેથી સરકી ગયેલી જગ્યાઓમાં, અધૂરા વિરામચિહ્નોમાં અને ન બોલાયેલા અર્થોમાં હોય છે.
કેટલાક લોકો જિંદગીભર પોતાના મનની વાત સમજાવવા પ્રયત્નો કર્યા કરે છે, છતાં કોઈ સમજી શકતું નથી. તેઓ બોલે છે, હસે છે, કામ કરે છે, સંબંધો નિભાવે છે, પણ અંદરના ખૂણે એક અજાણી ડાયરી વાંચ્યા વિનાની એમનેમ પડી હોય છે. એનાં પાનાં કોઈએ ક્યારેય ઉથલાવ્યાં નથી હોતાં. બહારથી જોનારને લાગે કે બધું બરાબર છે. ચહેરા પર હાસ્ય છે, વાતોમાં સરળતા છે, જીવનમાં વ્યવસ્થા છે. પણ એ બધા તો ઢાંકપિછોડા હોય છે. સાચું જીવન તો એ બધાની નીચે દટાયેલું પડયું હોય છે, જેમ દરિયાની સપાટી નીચે એક આખી અલગ દુનિયા જીવતી હોય છે.
આપણા બધાની એક ટેવ છે. સદા હસતા રહેનારને સુખી માની લઈએ, ઓછું બોલનારને અહંકારી ગણી લઈએ. મજબૂત બાંધાનું હોય તેને નિરોગી માની લઈએ, પાતળા લાગતા જણને નિર્બળ સમજી બેસીએ. પણ માણસો પુસ્તક જેટલાં સરળ નથી હોતાં કે માત્ર શીર્ષક વાંચીને આખી વાર્તા સમજી શકાય. ઘણા લોકોના સૌથી મહત્વનાં પ્રકરણો તો એવી રીતે લખાયેલાં હોય છે કે તે આજીવન વણવંચાયેલા જ રહે છે. ત્યાં કોઈની નજર ક્યારેય પહોંચતી જ નથી.
કેટલાય લોકો રોજ તમારી આસપાસથી પસાર થાય છે. બસમાં, ઓફિસમાં, રસ્તામાં, શેરીમાં. તમે તેમને જુઓ છો, તેમની સાથે વાત પણ કરો છો. પણ શું તમને ખબર હોય છે કે જે જણ હસીને મળ્યો, તે ગઈકાલે રાતે ઊંઘી પણ નહોતો શક્યો. જે સ્ત્રી વાતોડિયણ લાગતી હતી તે વર્ષોથી કોઈ ન કહી શકાય તેવી વ્યથા જીવી રહી હતી? કરુણતા એ નથી કે માણસ દુ:ખી છે. કરુણતા એ છે કે તેના દુ:ખને વાંચનાર કોઈ નથી. ઘણી પીડાઓ એટલા માટે ભારે બની જાય છે, કેમ કે તે વહેંચી શકાય તેવી નથી. માણસ દુ:ખથી એટલો નથી થાકતો, જેટલો દુ:ખની વહેંચણીના અભાવથી થાકે છે. તેને કોઈ એવું જોઈએ છે જે તેને સાંભળે, તેને સમજે.
રસપ્રદ વાત તો એ છે કે ઘણીવાર માણસ પોતે જ પોતાને વાંચતો નથી. આપણે અંદરની ખાલી જગ્યાઓને સતત વ્યસ્તતાના રંગથી ઢાંકતા રહીએ છીએ. જાણે જીવન એક બંધ પેટી હોય, જેને ખોલવાથી કોઈ મહાકાય રાક્ષસ નીકળવાનો હોય ને આપણને ખાઈ જવાનો હોય. ખરેખર તો આપણો રાક્ષસ આપણે જ પેદા કરેલો હોય છે. કદાચ એટલે જ આપણે જાતને નથી વાંચતા, કેમકે જગત કરતા જાતને વાંચવી મુશ્કેલ હોય છે.
કેટલાક લોકો પોતાની પીડાને એટલી સુંદર રીતે શણગારી દે છે કે દુનિયા તેને પીડા નહીં, પ્રતિભા સમજી લે છે. કોઈ કવિતા લખે છે, કોઈ ચિત્ર દોરે છે, કોઈ સંગીત રચે છે. લોકો સર્જનને વખાણે છે, પણ તેની પાછળના સંઘર્ષને કોઈ જોતું નથી. લોકો અજવાળાને પોંખે છે, પણ તેની માટે સતત બળી રહેલી શગ સામે કોણ જુએ છે?
લોગઆઉટ:
શ્વાસને નહિ ગણ, બધું સરખું જ છે
એક, બે કે ત્રણ, બધું સરખું જ છે.
જો ન એની આંખને વાંચી શકે,
લાખ પુસ્તક ભણ, બધું સરખું જ છે.
- કિરણસિંહ ચૌહાણ








