સ્વામી રામની સમાધિ અને ઈશ્વરીય કૃપાનો અનુભવ!

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
લ ગભગ બે દાયકા વીતી જવા છતાં જ્યારે ગુરુએ આપેલાં વચન મુજબ ચોવીસ વર્ષના સ્વામી રામને સમાધિનો અનુભવ ન થયો ત્યારે તેમણે પોતાના ગુરુદેવ પાસે જઈને આ અંગે ફરિયાદ કરી. સામે પક્ષે, ગુરુએ પણ હજુ વધારે તૈયારીની જરૂર છે, એવું જણાવી સ્વામી રામને સાધના ચાલુ રાખવાનો આદેશ આપ્યો. જવાબમાં, સ્વામી રામ ત્રસ્ત થઈને ગંગામાં ડૂબી મરવાના દ્રઢ નિર્ધાર સાથે ગુરુની ગુફામાંથી બહાર નીકળવા માટે ડગ માંડે છે, ત્યાં સુધીની ઘટના ગયા અઠવાડિયે જોઈ.
સ્વામી રામે હવે મન બનાવી લીધું હતું. તેમને આમ પણ કારણ વગરની જિંદગી જીવવામાં ક્યારેય રુચિ રહી નહોતી. ગંગામાં જળસમાધિ લેવાની વાત એ માત્ર પોકળ ધમકી નહોતી. તેઓ વાસ્તવમાં એ પગલું ઉઠાવવા જઈ રહ્યાં હતાં. ગુફાની બહાર જેવા તેઓ પગ મૂકવા જાય કે તરત પાછળથી ગુરુનો સાદ સંભળાયો, 'અહીં પાછો આવ!'
સ્વામી રામે પાછળ ફરીને જોયું. એમના ગુરુ વાત્સલ્યપૂર્ણભાવ સાથે એમને બોલાવી રહ્યાં હતાં. તેઓ ધીમા ડગલે ચાલીને ફરી ગુરુગાદી પાસે પહોંચ્યા.
'આંખો બંધ કરી દે અને મારી સાથોસાથ મંત્રનું ઉચ્ચારણ કર!' એમના ગુરુએ આદેશાત્મક સ્વરે કહ્યું.
સ્વામી રામ કહ્યાગરા બાળકની જેમ ગુરુની આજ્ઞાનું પાલન કરવા માંડયાં.
સ્વામી રામના લલાટનાં ભાગે આજ્ઞાચક્ર પર પોતાનો અંગુઠો મૂકીને એમના ગુરુએ મંત્રોચ્ચારણ ચાલુ કર્યા. એમની પાછળ પાછળ સ્વામી રામ પણ મંત્રનું ઉચ્ચારણ કરવા લાગ્યા.
થોડી જ ક્ષણોમાં સ્વામી રામ ગહન સમાધિમાં સરી પડયા. એમને ખ્યાલ સુદ્ધાં ન રહ્યો કે આસપાસના વિશ્વમાં શું ચાલી રહ્યું છે અને પોતે ક્યાં છે! પરમાનંદની અપ્રતિમ અવસ્થામાં ખાસ્સો સમય પસાર કર્યા પછી તેઓ વર્તમાનમાં પરત ફર્યા, ત્યારે એમના મુખ પર આનંદની સાથોસાથ અનેક પ્રશ્નો પણ તરવરતાં હતાં.
'સુંદર અનુભવ! પરંતુ આ શું હતું?' સ્વામી રામે પૂછયું, 'હવે તો હું વધારે દુવિધામાં સરી પડયો છું. મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યાં છે.' 'એટલે જ મેં તને કહ્યું હતું કે સમાધિ માટે હજુ તું સંપૂર્ણ રીતે તૈયાર નથી. થોડા વધારે સમય સુધી તારે રાહ જોવાની જરૂર હતી.' ગુરુએ પ્રત્યુત્તર આપતાં કહ્યું.
'સમાધિનો અનુભવ મને શેના લીધે થયો?' સ્વામી રામે સવાલ કર્યો, 'પાછલાં ઓગણીસ વર્ષોની સાધનાનો આ પ્રતાપ હતો? કે પછી આપના સ્પર્શના કારણે હું સમાધિ અવસ્થામાં સરી પડયો?'
એમના ગુરુ એકીટશે સ્વામી રામને તાકી રહ્યાં.
'જો હું મારી ઓગણીસ વર્ષોની સાધનાને કારણે સમાધિસ્થ થયો હોઉં, તો પછી આપના સ્પર્શની આવશ્યકતા કેમ જણાઈ? અને જો મને આ અનુભવ માત્ર આપના સ્પર્શને કારણે થયો હોય, તો પછી આપે આટલાં બધાં વર્ષો સુધી મને રાહ કેમ જોવાનું કહ્યું? શા માટે આટલી બધી સાધના કરાવી? શા માટે નાનપણમાં જ આપે મને સમાધિનો અનુભવ ન કરાવી આપ્યો?'
ગુરુએ સ્મિત આપતાં કહ્યું, 'અરે મૂઢ બાળક! સમાધિનો આ અનુભવ તને તારી સાધનાનાં ફળસ્વરૂપે પણ નથી થયો અને મારા સ્પર્શ થકી પણ નહીં!'
'તો પછી?' સ્વામી રામે પૂછયું, 'મૂળ કારણ?'
'માત્ર દિવ્ય કૃપા.' ગુરુએ કહ્યું, 'એનાથી વિશેષ કશું જ નહીં.'
આ કિસ્સા થકી જીવનમાં કૃપા અને આશીર્વાદનું શું મહત્ત્વ છે, એની વાસ્તવિક જાણ થાય છે. ઘણી વખત માત્ર પોપટની જેમ ઉચ્ચારણ કર્યે રાખવામાં અને હજારો વિધિ-વિધાનો અનુસર્યે રાખવાના ચક્કરમાં સાધક મિકેનિકલ બની જાય છે, રોબોટિક થઈ જાય છે. ભૌતિક સામગ્રીઓ અને પૂજામાં અટવાઈને અંતર્મુખી થવાનું ચૂકી જાય છે. જ્યાં સુધી હૃદયના ઊંડાણમાં ઈશ્વરને શોધવાનો પ્રયત્ન નહીં કરવામાં આવે, ત્યાં સુધી માત્ર બાહ્ય વિધિવિધાનો થકી ભગવાનની પ્રાપ્તિ અસંભવ છે. અસંભવ! અશક્ય! ઈમ્પોસિબલ!
સ્વયંની સાધનાની સાથોસાથ દિવ્ય કૃપા અને ઈશ્વરીય આશીર્વાદનું મિશ્રણ ન ઉમેરાય, ત્યાં સુધી સાધક માત્ર ભૌતિકતા અને આધ્યાત્મિક આડંબરમાં ફસાઈને રહી જાય છે. એ ક્ષણ પછીથી એ પોતે પણ સિદ્ધ હોવાના ભ્રમમાં જીવવા માંડે છે તેમજ અન્ય સાધકોને પણ એ ભ્રમમાં રાચતાં કરી દે છે.









