આપણા શરીરથી આપણી જાતને જુદી પાડીએ!

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- દેહથી પર એવી નિર્વિકાર સ્થિતિ જન્મશે અને હૃદયમાં અભૂતપૂર્વ એવી શાંતિ છવાઈ જશે. જેવી શાંતિ આપણે રામ, મહાવીર કે બુદ્ધમાં જોઈ શકીએ છીએ.
પરમ શાંતિ શરીર, મન અને સુષુપ્ત અવસ્થાથી પર થયા પછી સાંપડતી હોય છે અને આ પ્રકારની આધ્યાત્મિક સાધનાથી સાક્ષીભાવની શક્તિ સાંપડતી હોય છે
અ ધ્યાત્મપુરુષાર્થનાં પગથિયાં પર આરોહણ કરીને આંતરિક શક્તિની પ્રાપ્તિ થતી હોય છે. કોઈપણ પ્રકારની આત્મિક શક્તિ, ઉર્ધ્વ વિચારધારા કે મૌલિક અભિગમ પાછળ દીર્ઘ સાધના રહેલી હોય છે. સાક્ષીભાવની શક્તિ પ્રાપ્ત કરવા માટે દીર્ઘ આંતરિક સાધનાની આવશ્યક્તા રહે છે. એમાં સૌથી મહત્ત્વની બાબત તે નિજસ્વરૂપનો બોધ છે.
સંત કબીરના બીજકની ૯૦મી સાખીમાં તેઓ કહે છે,
મૂલ ગહે તે કામ હૈ, તૈ મતિ ભરમ ભુલાવ,
મન સાયર મનસા લહરિ, બહે કતહું મત જાવ ।।
'નિજ-સ્વરૂપનો બોધ તથા સ્થિતિ ગ્રહણ કરવાથી જ કલ્યાણ છે. હે માનવ ! તું અનેક પ્રકારની વાણી તેમજ માન્યતાઓના ભ્રમમાં પડીને પોતાના સ્વરૂપને ભૂલીશ નહીં. મન સમુદ્ર છે અને તેની ઇચ્છાઓ તરંગ છે એમાં તણાઈને ક્યાંય ન જવું.'
માણસે એના નિજસ્વરૂપને સમજવું જોઈએ. જો એ નિજ સ્વરૂપને સમજે નહીં તો પછી ગમે તેટલા પૂજાપાઠ કરે, રોજેરોજ સત્સંગ કરે, તો પણ એના ચિત્તમાંથી મોહ અને ક્રોધના વિકાર વિદાય નહીં લે. આ બધા વિકારો ચિત્તની અંદર યથાતથ ભરેલા અને વકરેલા હોય અને બહાર માત્ર પારકા ઉપદેશવચનો કે શાસ્ત્રગ્રંથો-બોધના સંગ્રહિત બોજથી જીવવાનું હોય, તો તેનો કશો અર્થ નથી.
આમ, પોતાને ભૂલીને પારકા પાસે જનાર કશું પામતો નથી. બીજી વ્યક્તિ પાસેથી કદાચ સમજ મળે, સારા-નરસાનો ખ્યાલ સાંપડે, થોડી વિચારદ્રષ્ટિ કે વિવેક પ્રાપ્ત થાય, પરંતુ પોતાના ભીતરની ચિકિત્સા તો વ્યક્તિએ સ્વયં કરવાની હોય છે અને એથી જ જીવનમાં જેમ આત્મવિશ્વાસ મહત્ત્વનો છે, એ જ રીતે સાધનામાં આત્મદ્રષ્ટિ મહત્ત્વની છે. આવી આત્મદ્રષ્ટિ પામવા માટે હિંદીના વિખ્યાત કવિ અજ્ઞોયજીએ કહ્યું છે કે 'આત્મપીડન આત્મદર્શનનું માધ્યમ છે.' અહીં પીડા એટલે પોતાની જાતને ઓળખવા માટેનો પુરુષાર્થ.
માણસની વૃત્તિ બીજાની પીડા જોઈ આનંદ પામવાની હોય છે, પરંતુ પોતાના જીવનમાં જાગેલી પીડાઓને જોઈને આત્મદ્રષ્ટિ કેળવવાની હોતી નથી અને એથી જ વ્યક્તિએ કોઈપણ બોધ પ્રાપ્ત કરવા માટે પહેલા સ્વયં આ પ્રયાસ કરવો જોઈએ. આ સ્વયં પ્રયાસ એટલે આત્મનિરીક્ષણ. પોતાને મોહ જાગે ત્યારે કઈ વસ્તુ જોઈને મન નાચવા લાગે છે ! પોતાને ક્રોધ થયો ત્યારે વાણીમાં અશ્લીલ અપશબ્દો, ચહેરા પર વિકૃતિ અને અવાજમાં ગુસ્સો કઈ રીતે પ્રગટ થયો હતો. દ્વેષની વૃત્તિ જાગી એટલે મન ક્યાંય પણ બીજાના જીવનમાં પોતાનાથી વધુ સારું કે ચડિયાતું જુએ ત્યારે કેવું અમળાય છે ! પોતાની વૃત્તિની વાત વ્યક્તિ પોતે જ જાણી શકે અને પોતાની વૃત્તિને પણ વ્યક્તિ પોતે જ વશમાં રાખી શકે.
એ એના જીવનની સફરને જુએ છે અને અહીં પ્રસિદ્ધ શાયર ઈકબાલની એ શાયરીનું સ્મરણ થાય છે.
ઢૂંઢતા ફિરતા હું એ 'ઇકબાલ' અપને-આપકો ।
આપ હી ગોયા મુસાફિર, આપ હી મંજિલ હૂં મેં ।।
અહીં શાયર કહે છે કે 'અહીં હું જ મુસાફર છું અને હું જ મંઝિલ છું. વ્યક્તિએ પોતે જ ભીતરની સફર શરૂ કરવાની છે અને એ સફર માટેનો માર્ગ પણ એની પાસે છે.' આ રીતે પહેલું સોપાન થશે આત્મદ્રષ્ટિ, જ્યાં વ્યક્તિ સ્વયંમાં દ્રષ્ટિ કરવાનો પ્રયાસ કરશે. બાહ્યજગતમાં દોડતા ચિત્તને આંતરજગત ભણી વાળશે. એ પછીનું એનું બીજું સોપાન એ આત્મનિરીક્ષણનું છે, જ્યાં એ પોતે સ્વ-દોષોનું આત્મનિરીક્ષણ કરશે. એ નિરીક્ષણ માટે કોઈ સાધક રોજનીશી પણ રાખતા હોય છે, તો કોઈ સાધક પોતાનામાં રહેલા વૃત્તિઓના પ્રાબલ્યનો તાગ મેળવતા હોય છે. કારણ એટલું જ કે ક્રોધ હોય, પણ મોહ ન પણ હોય. એનામાં લોભ હોય, પણ દ્વેષ ન હોય. એવું બને કે એક દુર્વૃત્તિની પાછળ બીજી દુર્વૃત્તિ ધીમે પગલે ચાલી આવતી હોય છે, પરંતુ મુખ્યત્વે તો વ્યક્તિમાં એક વૃત્તિનું પ્રાબલ્ય હોય છે.
એ પછી સાધનાનું ત્રીજું સોપાન એ આત્મવિશ્લેષણનું છે, જ્યાં એ વૃત્તિનો ઝંઝાવાત આવતાં પોતાના જીવનમાં, ચિત્તમાં કે આસપાસના કુટુંબ કે જગતમાં કેવાં અવળાં પ્રત્યાઘાત પડે છે એનું એ વિશ્લેષણ કરે છે અને પછી એનું આ જ્ઞાન ને સાચી સમજ આપશે કે હવે મોહ જાગે, ક્રોધ જન્મે એવા પ્રસંગોએ કેવી સાવધાની રાખવી. આ રીતે પોતાની જાતની જાણકારી એ જ વ્યક્તિને માટે સૌથી મોટો બોધ કે ઉપદેશ બને છે.
ફારસીમાં શબ્સતરીએ કહ્યું છે,
'બૂરૌ એ ખ્વાજા ખુદ રા નેક બેશનાસ' એટલે કે, 'જા, એ ખ્વાજા પોતાની જાતને સારી રીતે ઓળખી લે.'
આમ પહેલું પગલું છે સ્વ-રૂપની ઓળખ અને એ પગલું અત્યંત લાંબા સમયનું અને અતિ કઠિન પણ છે. એક દીર્ઘ પ્રક્રિયામાંથી પસાર થઈને એ પોતાના સ્વરૂપની નજીક પહોંચી શકે છે. સ્વરૂપને પામવા માટે સૌપ્રથમ શરીર અને પોતે ભિન્ન છે એ સ્પષ્ટ રૂપે અને જ્ઞાનપૂર્વક સમજવું પડે. જીવનમાં આપણે સૌથી વધુ આપણા શરીરની પાસે ને સાથે રહીએ છીએ. વળી અતિ ગાઢ પરિચયને કારણે એમ માનીએ છીએ કે 'હું જે છું તે આ શરીર જ છે.' શરીરથી અન્ય મારું, કોઈ અસ્તિત્વ નથી. અમે બંને અભિન્ન છીએ અથવા તો અમારું અદ્વૈત છે.
આ શરીરનો જન્મ થયો, ત્યારે લોકોએ એમ કહ્યું કે, 'મારો જન્મ થયો.' એનો વિકાસ થયો એટલે વ્યક્તિએ એમ કહ્યું કે, 'મારો વિકાસ થયો.' આ શરીરને રોગ થાય છે તો વ્યક્તિ એમ માને છે કે એને રોગ થયો છે. જગતમાં અનુકૂળ અને પ્રતિકૂળ બે બાબતો જોવા મળે છે. શરીરને જે અનુકૂળ લાગે તે વ્યક્તિને પસંદ પડે છે. શરીરને જે પ્રતિકૂળ લાગે, તે વ્યક્તિને તદ્દન નાપસંદ લાગે છે. આ રીતે કોઈ વ્યક્તિનું શરીર ફરવા જાય છે. શરીર આરામ કરે છે, તો એમ કહેવાય છે કે એ વ્યક્તિ ફરવા ગઈ છે અને એ વ્યક્તિ આરામ કરી રહી છે. એટલે કે શરીરની પ્રત્યેક બાબત એ 'મારી બાબત' બને છે. શરીરને થતો પ્રત્યેક અનુભવ એ મારો સ્વાનુભવ બને છે.
આનો અર્થ એ કે જીવ 'સ્વ' અને 'પર' ભાવમાં કોઈ ભેદ કરતો નથી. જ્યારે એ વિચાર કરશે કે હું એ જ માત્ર શરીર નથી. શરીરથી હું ભિન્ન છું, ત્યારે એને એક જુદો જ અનુભવ થશે. શરીર અને હું જુદા છીએ એટલું કહેવાથી વાત પતી જતી નથી. આપણી સાથે આપણું મન પણ હોય છે અને એ મન જાગ્રત અવસ્થામાં અને અજાગ્રત અવસ્થામાં પણ અનુભવ પામતું હોય છે. જાગ્રત અવસ્થામાં એ આનંદમાં ડૂબી જતું હોય છે અથવા તો દુ:ખમાં સરી પડતું હોય છે અને અજાગ્રત અવસ્થામાં હોય ત્યારે પણ એ સ્વપ્નમાં અનુભવ કરતું હોય છે.
આમ પહેલાં શરીરથી જાતને જુદી જોઈશું અને પછી મનથી પોતે જુદા છે, તેમ માનીશું. અગાઉ તમારા મનના વિચારો પોતાને થયેલા વિચારો લાગતા હતા. હવે તમે તમારા મનમાં આવતા વિચારોના સાક્ષી બની જશો અને સાક્ષી બનીને દૂર રહીને તમારા જ મનના એ વિચારોને ચકાસશો.
દેહથી પર એવી નિર્વિકાર સ્થિતિ જન્મશે અને હૃદયમાં અભૂતપૂર્વ એવી શાંતિ છવાઈ જશે. જેવી શાંતિ આપણે રામ, મહાવીર કે બુદ્ધમાં જોઈ શકીએ છીએ. જે શાંતિ આપણે આદિ શંકરાચાર્ય અને રમણ મહર્ષિના જીવનમાં અનુભવી શકીએ છીએ. એ પરમ શાંતિ શરીર, મન અને સુષુપ્ત અવસ્થાથી પર થયા પછી સાંપડતી હોય છે અને આ પ્રકારની આધ્યાત્મિક સાધનાથી સાક્ષીભાવની શક્તિ સાંપડતી હોય છે અને એ શક્તિ જાગૃત થતા કવિ નરસિંહ મહેતાની જેમ ભીતરમાં અનુભવ થશે : 'જાગીને જોઉં તો જગત દીસે નહીં'.








