મન મંદિર બને અને દેહ દેવાલય બને, ત્યારે જીવન-તીર્થ સર્જાય છે!

- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- મંદિર ભગવાનનું ઘર કહેવાય છે, પણ મંદિરનો આકાર સ્વયં ભગવાન છે. ગર્ભગૃહમાં રહેલા ભગવાન સૂક્ષ્મ ગતિ તરફ પ્રયાણ કરાવે છે
સ્થા પત્યની દ્રષ્ટિએ ભારતીય મંદિરો આવી આગવી વિશેષતા ધરાવે છે. જગતનાં બધા જ ધર્મો અને જાતિઓમાં એક યા બીજારૂપે મંદિર, મસ્જિદ, ચર્ચ, શિનાગોંગ કે અન્ય પ્રકારના ધર્મસ્થાનો મળે છે, પરંતુ ભારતીય મંદિરોની એ વિશેષતા છે કે એણે મંદિરના વાસ્તુશાસ્ત્રમાં વેદ, વિજ્ઞાન, ગણિત, ખગોળ, પુરાણ, શાસ્ત્ર અને કલાનો સમન્વય સાઘ્યો છે. આથી વાસ્તુશાસ્ત્રને કેટલાક વાસ્તુવિજ્ઞાન તરીકે ઓળખે છે, પરંતુ ખરેખર તો એ આ બ્રહ્માંડમાં જીવતી વ્યક્તિના સમગ્ર અસ્તિત્વનું સૂક્ષ્મ વિજ્ઞાન છે. જગતનું સૌથી સહેલું, સૌથી સૂક્ષ્મ, સૌથી વ્યાપક વાસ્તુશાસ્ત્ર મંદિરોના સ્થાપત્યમાં મળે છે. ભારતીય પરંપરામાં સ્થાપત્ય એ જ સૂક્ષ્મતાનું પૂર્ણરૂપ છે.
મંદિર સ્થાપત્યના બાંધકામની શૈલીમાં મધ્યમાં સૃષ્ટિના રચયિતા બ્રહ્મા બિરાજે છે. એને ફરતા બાર ચોરસમાં આદિત્ય એટલે કે સૂર્ય અર્થાત બાર રાશિ છે અને તેની બહારના અઠયાવીસ ચોરસ નક્ષત્ર સૂચવે છે. આમ વાસ્તુપુરૂષ મંડલની બાહ્ય રેખાઓ સૂર્ય, ચંદ્ર અને ગ્રહોની ગતિ દર્શાવે છે. મંડળનો ચો૨સ આકાર સ્વર્ગ દર્શાવે છે અને તેની બે દિશાઓ, સૂર્યને કેન્દ્રવર્તી દિશાઓ અયનકાળ અને સંપાતના દિવસનું નિરૂપણ આપે છે. આ રીતે મંદિરમાં સમગ્ર બ્રહ્માંડ ધબકતું હોય છે. એ ગતિમય છે તેમજ એ ક્વોન્ટમ ફિઝિક્સ છે (સ્થિર પણ સતત ગતિનો અનુભવ) અને એ જ ઈ=સ્ભ૨ (સ્ક્વે૨)નું સમીકરણ છે.
એક પ્રશ્ન જાગે કે શા માટે એકલો માનવી જ મંદિર બનાવે છે? તમે કોઈ પક્ષીનું મંદિર નહીં જોયું હોય. કોઈ પશુ દેવાલય રચતું નથી. માત્ર માનવી જ મંદિર બનાવે છે. પથ્થર જડ છે, છોડમાં સંવેદના છે. પ્રાણીઓ પાસે થોડીક ઈન્દ્રિયો છે, પણ માનવી પાસે એક વિશિષ્ટ બાબત છે અને તે છે સંવેદના. એ બીજાના દુ:ખને સ્વયં અનુભવી શકે છે અને એથી આગળ વધીને આત્મનિરીક્ષણ કરી સ્વયંને જોઈ શકે છે. એ બહા૨ યાત્રા કરે છે, પણ એની સાથોસાથ એની પાસે ભીતરની યાત્રા કરવાની અદ્ભુત ક્ષમતા છે એની ભીતરની આ યાત્રાનું અદ્ભુત પ્રતીક છે મંદિર. એના ભીતરના અંધકારને દૂ૨ ક૨વાનું કાર્ય કરતું મંદિર પૂર્વ દિશાએ હોય છે અને એ જ રીતે એ મંદિર વ્યક્તિને આંતરિક બાબતોમાંથી સૂક્ષ્મ બાબતો તરફ લઈ જાય છે. મંદિરમાં પ્રવેશ એટલે વ્યક્તિની ચેતનાનો સ્થૂળમાંથી સૂક્ષ્મમાં પ્રવેશ. દિવસ દરમ્યાન પક્ષી ચારે તરફ ફરે છે. પણ સાંજે તે પોતાના માળામાં આવીને સ્થિર થાય છે તેવી રીતે જીવાત્મા જ્યારે સંસારના બધા પ્રકારના કામોમાં થાકીને ભટકી જાય છે ત્યારે વિશ્રામ માટે પરમેશ્વર પાસે પહોંચી જાય છે.
આથી જ વિશાળ મંદિરમાં જેમ જેમ અંદર જઈએ, તેમ તેમ ગર્ભગૃહ પાસે પહોંચીએ છીએ. આ ગર્ભગૃહ એટલે આપણી આંતરચેતનાની ગતિ અને સામે રહેલા ઈશ્વર એટલે એ આંતરચેતનાની પરમસાધના કરનાર પરમેશ્વરનું દર્શન. વ્યક્તિ મંદિરમાં એક જુદો જ અનુભવ કરે છે. દક્ષિણ ભારતના મંદિરોમાં ગોપુરમ મધ્યે બ્રહ્મસ્થાનનું નિરૂપણ હોય છે એ એક પ્રકારે ન્યુક્લીય૨ શક્તિનું વાતાવરણ સર્જે છે જેની સૂક્ષ્મ અસ૨ મંદિ૨માં આવના૨ મોક્ષની ઈચ્છા રાખનાર મુમુક્ષુ, ભક્ત, જ્ઞાની અને મુલાકાતી પર થાય છે. એ સહુની આધ્યાત્મિક ઉન્નતિ ૫૨ એનો પ્રભાવ પાડે છે. આથી જ માણસે મંદિર બનાવ્યું છે. કારણકે એ જ પરમાત્માની આરાધના માટે નીકળ્યો છે અને આ પરમાત્મા એ એનો એક વિશિષ્ટ અનુભવ છે. એનો એક ગહન બોધ છે અને એટલે પરમાત્માના અવતરણનું મંદિર રૂપે આગવું સ્થાન માનવીએ રચ્યું છે.
કોઈ કહે કે પરમાત્મા તો સચરાચરમાં વ્યાપક છે તો પછી આ મંદિર શા માટે ? આ મંદિર એ તો એક એવું ચાર્જ સ્થળ છે કે જ્યાંથી માનવીની ઊર્ધ્વગતિ અતિ તીવ્રતાથી થાય છે. એના વાતાવરણમાં કેટલાય પાવન ધ્વનિઓ, કેટલીય પ્રાર્થનાઓ, અગાધ ભક્તિ અને અનેક પ્રકારની ક્રિયાઓનો ગુંજારવ છે, આથી મંદિરમાં એક પ્રકારનું પ્રબળ ચેતનાભર્યું વાતાવરણ છે અને એ વાતાવરણ વ્યક્તિને ચેતનાનો ચરમ અનુભવ કરાવે છે અને પરમ ચૈતન્ય સાથે નિકટતા સાધી આપે છે.
આ મંદિરમાં તર્ક આથમી જાય છે અને શ્રદ્ધા જીવંત બને છે. એ કેવી ચેતના અને પવિત્રતા હોય છે કે જે એક વિરલ વાતાવરણનું સર્જન કરે છે. આ ચેતનાનો પ્રભાવ એવો હોય છે કે ભારતીય ઈતિહાસમાં આક્રમણખોરોએ પોતાનું પ્રથમ લક્ષ્ય મંદિરો અને મૂર્તિઓને બનાવ્યું. એમણે કિલ્લાઓ તોડયા એ વાત મહત્ત્વની ન રહી, પણ એમણે મંદિરો તોડયા એ વાત મહત્ત્વની બની, કારણ કે રહી, પણ એમણે મંદિરો તોડયા એ વાત મહત્ત્વની બની, કારણ કે એ આક્રમણખોરો જાણતા હતા કે મંદિરનો ધ્વંસ એ કોઈ ઈમારતનો ધ્વંસ નથી, કિંતુ સમગ્ર સંસ્કૃતિનો ધ્વંસ છે. આથી મંદિર એ એક એવી ચેતનાની જાગૃતિ કરે છે કે જે ચેતના સીધું પરમાત્મા સાથે અનુસંધાન સાધે છે. મંદિરમાં પ્રવેશનાર એક આંતરિક જગતમાં પ્રવેશે છે, બાહ્યજગત, સંસારની વિટંબણાઓ, જીવનની વેદનાઓ, હતાશાઓ, વિષાદ આ બધું એ બહાર મૂકીને મંદિરમાં આવે છે અને એનું આખુંય બાહ્ય જગત વિલીન થઈ જાય છે.
સમેતશિખરનો વિચાર કરીએ. કલ્પના કરો કે એ કેવું ઉર્જાવાન સ્થળ છે કે જ્યાંથી વીસ-વીસ તીર્થંકરો મોક્ષે ગયા. મંદિરનો સંબંધ મનુષ્યના આંતર- બાહ્ય જગત સાથે છે. બાહ્ય જગત એટલે મંદિરની ખગોળશાસ્ત્રીય રચના અને એનો સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રની ગતિ સાથેનો સંબંધ. એનું આંતરજગત એટલે મંદિરનું ગર્ભગૃહ અને તેથી જ મંદિરના ગર્ભગૃહ માટે પથ્થર આરસ, ઈંટ વગેરેની પસંદગી કરાય છે. જ્યારે સોનું, ચાંદી એ બધાં અલંકરણો તો છેલ્લે પ્રયોજાય છે. એમાં લોખંડ, પ્લાસ્ટિક કે એસ્બેસ્ટોસ નિષિદ્ધ છે તેનો સંદર્ભ ચેતનાના આવાહન સાથે છે.
એ જ રીતે એ મંદિરમાં વ્યક્તિ સુવર્ણ અને રત્નજડિત આભૂષણોથી મંદિરની મૂર્તિને શણગારે છે, ત્યારે એની પાછળ એનો ભાવ ધનપ્રદર્શનનો નહીં, પણ કૃતજ્ઞાતાનો હતો. જેણે આ સઘળું આપ્યું છે, તેને હું શં આપી શકું ? જેને પરિણામે મને મંદિરથી બાહ્ય અને આંતર સમૃદ્ધિ સાંપડી છે એની આગળ આ હીરોમોતી શા વિસાતમાં ? પણ એથી અધિક કશુંય મારી પાસે નથી, તેથી આ અલ્પ તને ધરી રહ્યો છું.
મંદિર ભગવાનનું ઘર કહેવાય છે, પણ મંદિરનો આકાર સ્વયં ભગવાન છે. ગર્ભગૃહમાં રહેલા ભગવાન સૂક્ષ્મ ગતિ તરફ પ્રયાણ કરાવે છે. એની આખીય રચના, એના ગવાક્ષ, એના દ્વાર એના સ્તંભો એ પ્રકારના છે કે જેને પરિણામે કોઈ નિષેધાત્મક પ્રવૃત્તિ પ્રવેશી શકતી નથી. મંદિરમાં જાવ ત્યારે કોઈ દુવિચાર આવે નહીં. મંદિરમાં પ્રવેશીને કોઈને બીજાની હત્યા કરવાનો વિચાર આવ્યો છે ખરો. અરે, એક નાનાશા જંતુને મારવાનો વિચાર ક્ષણિક ઝળક્યો છે ખરો ? એવું થતું નથી એનું કારણ મંદિરના ઊર્ધ્વચેતનામય વાતાવરણને પરિણામે નિષેધાત્મક શક્તિઓ તો પ્રવેશતી અટકે છે, મંદિરની બહારથી પસાર થતી વ્યક્તિ પણ એ મનોભાવનો અનુભવ કરતી હોય છે. બહારથી જતી વ્યક્તિને મંદિર જોઈને કેવા ભાવ ઊઠે છે તે તમે જોયું છે ખરું? પરંતુ એ રસ્તે ચાલતો હોવા છતાં એનું હૃદય ઝૂકતું હશે. આ છે મંદિરના સૂક્ષ્મ વાતાવરણનો પ્રભાવ.
આથી જ 'બૃહદસંહિતા'માં છપ્પન પ્રકારના મંદિરોની સ્થાપત્ય શૈલી પ્રાપ્ત થાય છે. મંદિરના આ સ્થાપત્યમાં જે આંકડાઓ છે તેની પાછળ પણ એક વિજ્ઞાન રહેલું છે. જેમકે ૧૦૮ અને ૩૬૦ના આંકડાઓનો વિચાર કરીએ તો ૧૦૮ એ પૃથ્વી અને સૂર્ય તથા ચંદ્રનું અંતર સૂચવે છે. નાટયશાસ્ત્ર ૧૦૮ મુદ્રાની વાત કરે છે. ઋગ્વેદના મંત્રોની સંખ્યા ૪ લાખ ૩૨ હજાર છે, જે ૧૦૮ને અનુસરે છે. ૩૬૦નો આંકડો એટલે કે વર્ષના ૩૬૦ના દિવસો એ તો ખરું જ, પણ ગર્ભના સર્જન વખતે હાડકાનો આંકડો આટલો હોય છે, જે પાછળથી ૨૦૬ થાય છે.
મંદિરના સ્તંભો, ગવાક્ષો, દ્વારા એ બધાની સંખ્યાની પાછળ ખગોળશાસ્ત્ર છે અને એનું ઉત્તમ ઉદાહરણ એ કંબોડિયાનું આંગકોરવાટનું હિંદુમંદિર છે, જેનું ગાણિતિક માપ આજે પણ સૌને સ્પર્શે છે. મંદિરમાં પ્રદક્ષિણા ડાબી બાજુએથી કરવામાં આવે છે એનું કારણ એટલું જ કે ભગવાન હંમેશા આપણી જમણી બાજુએ જ હોય છે. શિલ્પશાસ્ત્રના ગ્રંથો કહે છે કે દીપક રાખવાનું સ્થાન જમણી બાજુ રાખવું. અંગ્રેજીમાં પણ એને કહેવામાં આવે છે. આ પ્રદક્ષિણા એ સૂચવે છે કે પરમાત્મા એ આપણા જીવનનું મઘ્યબિંદુ છે અને જીવનના પ્રત્યેક કાર્યનું એ મધ્યબિંદુ બને એ આપણે ઇચ્છીએ છીએ. મન મંદિર બને, દેહ દેવાલય બને ત્યારે જીવન તીર્થ સર્જાય છે.
મનઝરૂખો
નાયગ્રાનો ધોધ સાહસિકોને માટે સદા પડકારરૂપ બની ગયો છે. કોઈ દોરડા પર ચાલીને એ ધોધ પસાર કરે, તો કોઈ બેરલમાં રહીને એ પસાર કરે. આવા નાયગ્રાના ધોધ પર ઝુમ્બાટી નામના એક સાહસવીરે દોરડા પર ચાલવાનું નક્કી કર્યું. એણે આ ભયંકર ધોધ પર બાંધેલા દોરડા પર ચાલીને પોતાની સફર પૂરી કરી.
ઝુમ્બાટી પર ચોતરફથી અભિનંદનોની વર્ષા વરસવા લાગી. આવી સિદ્ધિ બદલ સહુ કોઈ એને વધાવવા લાગ્યા. ત્યારે એના એક ચાહકે આવીને કહ્યું,
'ઝુમ્બાટી, તમે કમાલ કરી. પણ હવે કંઈક એવી સિદ્ધિ મેળવો કે ભવિષ્યમાં પણ કોઈ એવી સિદ્ધિ મેળવી શકે નહીં. એક એવું કામ કરો કે જગત આખું તમને સદાય યાદ રાખે અને તમારી સિદ્ધિને કોઈ આંબી શકે નહીં.' ઝુમ્બાટીએ પૂછયું, 'કહો, તમે કયો નવો વિચાર લઈને આવ્યા છો.'
'હું તમારા માટે 'વ્હીલબેરા' (બે ટેકણ અને પૈડાંવાળી બગીચાકામની હાથગાડી) લઈને આવ્યો છું. હવે તમે નાયગ્રા ધોધ પર દોરડા પર આ વાહન મૂકીને પસાર કરો. એવું કામ થશે કે આજની જ નહીં, પણ આવતીકાલની દુનિયા પણ દંગ રહી જશે.'
પોતાના ચાહકના ઉત્સાહને જોઈને ઝુમ્બ્રાટીએ વળતો પ્રશ્ન કર્યો, 'તમને એવો વિશ્વાસ છે કે હું વ્હીલબેરો સાથે નાયગ્રા પાર કરીને સામે છેડે પહોંચી શકીશ.' આવેશથી ચાહકે કહ્યું, 'અરે ચોક્કસ, મને પૂરેપૂરી ખાતરી છે. તમે જરૂ૨ આ કામ કરી શક્શો.'
ઝુમ્બાટીએ ધીમા અવાજે કહ્યું, 'તમને ચોક્કસ ખાતરી છે તો હવે તમે પણ મારી સાથે 'વ્હીલબેરો'માં બેસી જાવ. આપણે બંને સાથે આ સાહસ કરીશું.' ઉત્સાહથી ઊછળતો ચાહક ઠંડોગાર બની ગયો.









