દેશમાં 60 કરોડ ગેમર્સ : રૂ. 50 હજાર કરોડની ઈન્ડસ્ટ્રી

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- દુનિયામાં ગેમર્સનો આંકડો વધીને છેલ્લાં પાંચ જ વર્ષમાં 325 કરોડે પહોંચી ગયો છે. કુલ વસતિમાંથી 41 ટકા લોકો ઓનલાઈન ગેમર્સ છે. એની ગ્લોબલ રેવન્યૂ 250 અબજ ડોલરને પાર થઈ ગઈ છે
ગેમિંગ ઈન્ડસ્ટ્રી.
અત્યારે આ મોસ્ટ હેપનિંગ અને ઈમર્જિંગ સેક્ટર છે. અનેકાનેક સ્ટાર્ટઅપ્સ ઓપન થઈ રહ્યાં છે. કેટલીય નવી નવી ગેમ્સ દરરોજ ક્રિએટ થાય છે. ડેઈલી હજારો સ્માર્ટફોન્સમાં ગેમિંગ એપ્સ ડાઉનલોડ થાય છે. હજારો નવી ગેમ્સ એપસ્ટોર્સમાં અપલોડ થાય છે. દુનિયાની વસતિ ૮૦૦ કરોડ છે ને ગેમર્સનો આંકડો છે ૩૨૫ કરોડ.
ગ્લોબલ ગેમિંગ ઈન્ડસ્ટ્રીનું માર્કેટ ૨૫૦ અબજ ડોલરે (અંદાજે ૨,૦૬,૭૨,૮૮,૪૮,૧૩,૨૬૦ રૂપિયા) પહોંચી ચૂક્યું છે અને ૨૦૩૩ સુધીમાં બમણું થશે. ૨૦૨૫થી ૨૦૩૩ના ગાળામાં આ ક્ષેત્રમાં ૮.૩૦ ટકાના દરે વૃદ્ધિ થશે.
ભારતમાં પણ ગેમિંગ ઈન્ડસ્ટ્રીનો વિકાસ તીવ્ર ગતિએ થઈ રહ્યો છે. દેશની કુલ વસતિ ૧૪૦-૧૪૫ કરોડ હોવાનો અંદાજ છે, એમાંથી ૬૦ કરોડ ગેમર્સ છે. આ બહુ મોટો આંકડો છે. દેશમાં ૮૦ કરોડ વસતિની ઉંમર ૩૫થી નીચે છે. એમાંથી મોટો વર્ગ ઓનલાઈન ગેમ્સ રમવાનું પસંદ કરે છે. તેના પરિણામે દેશની ગેમિંગ ઈન્ડસ્ટ્રી દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી ઈન્ડસ્ટ્રી બની ગઈ છે. ૪૩ ટકા ગેમર્સની વય ૧૮થી ૩૦ની વચ્ચે છે. ૨૯ ટકા ગેમર્સ ૩૦થી ૪૫ વર્ષની વયજૂથના છે. ૨૮ ટકા ગેમર્સ ૪૫ પ્લસની ઉંમરના છે. એના પરથી અંદાજ લગાવી શકાય કે ૩૫ વર્ષ સુધીના ઈન્ડિયન યૂથમાં કેટલી હદે ગેમિંગનો ક્રેઝ ચાલે છે.
ભારત આ મામલે હવે માત્ર ચીનથી પાછળ છે અને ૨૦૨૯-૩૦ સુધીમાં ભારત ચીનથી પણ આગળ નીકળી જશે. ચીનમાં અત્યારે ૬૬ કરોડ ગેમર્સ છે. જે ભારતથી લગભગ સાત-આઠ કરોડ વધારે છે, પરંતુ ભારતમાં જે ઝડપે ગેમિંગ ઈન્ડસ્ટ્રી વિકસી રહી છે એ જોતાં થોડા સમયમાં જ ભારત સૌથી વધુ ગેમર્સ ધરાવતો દેશ બની જશે.
૨૦૨૪ના અંતે ભારતનું ગેમિંગ સેક્ટર ૩૨ હજાર કરોડ રૂપિયા હતું. ૨૦૨૫ના અંતે દેશની ગેમિંગ ઈન્ડસ્ટ્રી ૫૦ હજાર કરોડને ટચ કરી જશે. એક વર્ષમાં જ લગભગ ૧૭-૧૯ હજાર કરોડની વૃદ્ધિ થાય એવી શક્યતા છે. વિશ્વમાં આ સેક્ટરમાં ૮.૫ ટકાના દરે વૃદ્ધિ થઈ રહી છે, પરંતુ ભારતમાં વૃદ્ધિદર ૨૨થી ૨૫ ટકા છે. અંદાજ તો એવોય છે કે આ સેક્ટરનો આગામી ચાર વર્ષમાં ૩૮ ટકાના દરે વિકાસ થશે. ભારતની સરખામણીએ અમેરિકામાં ૧૦ ટકા અને ચીનમાં ૮ ટકાના દરે વૃદ્ધિ થઈ રહી છે. ભારતમાં વૃદ્ધિદર જો ૩૮ ટકાએ પહોંચશે તો ઈન્ડસ્ટ્રી માટે એક લાખ કરોડનો આંકડો બહુ દૂર રહેશે નહીં. ટૂંકમાં, આજની તારીખે ગેમિંગ સેક્ટરના બિગ પ્લેયર્સ સામે ભારત એટલું જ ટક્કર આપી રહ્યું છે. ૨૦૨૯માં દેશની ગેમિંગ ઈન્ડસ્ટ્રી ૭૮ હજાર કરોડની થઈ જાય એવી પૂરી શક્યતા છે. તેનો અર્થ એ કે ૨૦૨૪ની તુલનાએ આ ઈન્ડસ્ટ્રી અઢી ગણી વિકસી ગઈ હશે. ૫જી નેટવર્ક ને સસ્તા ડેટા પ્લાનના કારણે ગેમિંગ સેક્ટરનો અણધાર્યો વિકાસ થયો છે.
રસપ્રદ ફેક્ટ એ પણ છે કે સરકારે ગેમિંગ પર જીએસટી લગાડીને માતબર કમાણી કરી અને તેના કારણે જીએસટી કલેક્શન પણ વધ્યું. ગત વર્ષે ઓક્ટોબરમાં ગેમિંગ ઈન્ડસ્ટ્રી પર ટેક્સ લાગ્યા બાદના છ મહિનામાં જીએસટી રેવેન્યૂ ૧૩૪૯ કરોડ રૂપિયાથી વધીને ૬૯૦૯ કરોડ રૂપિયા થયું એ પાછળ ગેમિંગ ઈન્ડસ્ટ્રી પર લાગેલા ટેક્સની મહત્ત્વની અસર હતી. જીએસટી રેવેન્યૂમાં ૪૧૨ ટકાનો વધારો થયો હતો. અત્યારે દેશની ગેમિંગ કંપનીઓ ૨૮ ટકા ટેક્સ ભરે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ ટેક્સ લગાડવાનો નિર્ણય જીએસટી સમિતિમાં લેવાયો હતો. એ પછી સતત ટેક્સ ઘટાડીને ૧૮ ટકા કરવાની માગણી ઉઠી રહી છે. ગેમિંગ સેક્ટર પર ટેક્સ માફીનો એક કેસ તો સુપ્રીમ સુધી પહોંચ્યો છે.
આ ક્ષેત્રમાં ઝડપભેર નવીનતા આવી રહી છે. ગૂગલ-માઈક્રોસોફ્ટ જેવી મોટી કંપનીઓ ક્લાઉડ ગેમિંગ પ્રોજેક્ટ ચલાવી રહી છે. કોરિયન કંપનીઓ પણ આ ક્ષેત્રમાં પ્રવેશી છે. ક્લાઉડ ગેમિંગનો ફાયદો એ છે કે તેમાં ડિવાઈસ પર ગેમિંગ પ્રોગ્રામનો લોડ આવતો નથી એટલે ગેમિંગ વખતે સિસ્ટમ સ્લો થતી નથી. તેના કારણે ક્લાઉડ ગેમિંગનો ક્રેઝ વધ્યો છે. વળી, ગેમ ઈન્સ્ટોલ કર્યા વગર સીધા ક્લાઉડમાં જ ગેમ રમી શકાય છે. ગેમનું પ્રોસેસર હેવી હોય છે. એમાં બહુ સારો, મોંઘો ફોન કે ડિવાઈસ હોય તો જ સારી રીતે સ્પર્ધા આપી શકાય છે, પરંતુ ક્લાઉડ ગેમિંગમાં એ અવરોધ આવતો નથી. ક્લાઉડ ગેમિંગમાં પણ ઝડપભેર ગ્રોથ થઈ રહ્યો છે. ગ્લાઈડ ગેમિંગના આ પરિવર્તનના કારણેય ગેમિંગ સેક્ટરની માર્કેટ સાઈઝ પ્લસ સાઈઝ થશે!
વેલ, ન્યૂ મીડિયા માર્કેટમાં ૩૦ ટકાની હિસ્સેદારી સાથે ગેમિંગ ઈન્ડસ્ટ્રી સૌથી આગળ છે. આ ગેમિંગ ઈન્ડસ્ટ્રીનો ક્રેઝ દેશમાં કેટલી ઝડપે વધે છે તેનો અંદાજ એ વાતથી આવે છે કે આ એક જ વર્ષમાં ૨.૩ કરોડ યુઝર્સ ઉમેરાયા છે. ગેમિંગ ઈન્ડસ્ટ્રી આગામી થોડા વર્ષોમાં અઢી લાખ નવી નોકરીઓનું સર્જન કરશે. ૨૦૦૦થી વધુ સ્ટાર્ટઅપ તો ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં શરૂ થયા છે. આ આંકડાં જ દેશના ગેમિંગ સેક્ટરના વધતા દબદબાની ગવાહી પૂરે છે.
ગેમિંગમાં 44% યુવતીઓ
વીડિયો ગેમ્સના જમાનામાં એવું કહેવાતું કે એ માત્ર યુવાનોની રમત છે. યુવતીઓ એટલા મોટા પ્રમાણમાં સક્રિય ન હતી. પરંતુ સ્માર્ટફોનના કારણે પરિસ્થિતિ સદંતર બદલાઈ ગઈ. હવે મોબાઈલ ગેમિંગમાં ગ્લોબલી ૪૦ ટકા યુવતીઓ છે. રફલી ૩૨૫ કરોડ ગેમર્સમાંથી ૧૩૦ કરોડ યુવતીઓ છે. એમનું વયજૂથ ૧૪થી ૪૧ વર્ષ છે. ભારતમાં તો ગ્લોબલ એવરેજથીય વધારે યુવતીઓ ગેમિંગમાં સક્રિય છે. લેટેસ્ટ સર્વેક્ષણનું માનીએ તો દેશના કુલ ગેમર્સમાં ૪૪ ટકા યુવતીઓ છે. આ સંખ્યા કુલ ૬૦ કરોડ ગેમર્સમાંથી ૨૬.૪ કરોડ જેટલી થાય છે. આગામી બે વર્ષમાં ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં યુવતીઓ વધીને ૫૦ ટકાને પાર થઈ જશે. અંદાજ એવો છે કે ૨૦૨૯ સુધીમાં ૩૫ ગેમર્સ ગર્લ્સ સક્રિય હશે.
66% ગેમર્સ નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં
મોટા શહેરોમાં ગેમિંગ ઈન્ડસ્ટ્રીનો વિકાસ થયો છે અને શહેરોના ગેમર્સ ઘરમાં કે ઓફિસમાં ગેમિંગ સ્ટૂડિયો બનાવે છે એવી પ્રચલિત માન્યતા છે. મોસ્ટલી લોકો એમ ધારે છે કે મેટ્રો સિટીઝના યુથમાં ગેમિંગનો ક્રેઝ વધુ છે. પરંતુ સર્વેક્ષણમાં ચોંકાવનારા આંકડાં સામે આવ્યા છે. મીડિયા એન્ડ ગેમિંગ કંપની લુમિકાઈના એક સર્વેક્ષણમાં દાવો થયો કે દેશના કુલ ગેમર્સમાંથી ૬૬ ટકા ગેમર્સ તો નાના શહેરો, ટાઉન્સ કે ગામડાંમાં છે. સ્માર્ટફોન અને ૪જી-૫જી નેટવર્કનીય ક્રાંતિ પછી ગ્રામ્ય લેવલે નેટવર્કના પ્રશ્નો ઉકેલાઈ ગયા છે. પરિણામે રૂરલ એરિયાના યુઝર્સમાં ગેમિંગનો ક્રેઝ શહેરોની સરખામણીએ જુદી ઊંચાઈએ પહોંચી ગયો છે. એમાંય ૧૫થી ૨૫ વર્ષના ગ્રામ્ય યુઝર્સ તો શારીરિક-માનસિક હેલ્થના ભોગેય દિવસમાં સરેરાશ ૮થી ૧૨ કલાક સુધી ઓનલાઈન ગેમિંગમાં આપે છે. આમેય ઈન્ડિયન ગેમર્સનો ગેમિંગ પાછળ વીકલી ટાઈમ સ્પેન્ડ ૩૦ ટકા વધીને એવરેજ ૧૩ ટકા જેટલો ઊંચો થઈ ગયો છે. તે હિસાબે દેશના ૬૦ કરોડ ગેમર્સ દરરોજ સરાસરી પોણા બે કલાક ગેમિંગને આપે છે.
ગેમિંગ પાછળ મહિને પાંચ હજારનો ખર્ચ
ગેમિંગમાંથી કમાણી પણ થાય છે. ગેમર્સ યુટયૂબથી માંડીને ઘણી બધી રીતે અર્નિંગ કરે છે, પરંતુ ૬૦ કરોડમાંથી થોડી-ઘણી, એવરેજ કે બહુ સારી કમાણી કરી શકતા હોય એવા ગેમર્સ ૨૫ કરોડથી વધુ નથી. દેશના કુલ ગેમર્સમાંથી માત્ર ૧૮ ટકા પ્રોફેશનલ ગેમર્સ છે. તેમને સારી કમાણી કરતાં આવડે છે. ભારતના ગેમર્સમાંથી માત્ર ૧૨ ટકા દર મહિને એક લાખથી વધુની કમાણી કરી શકે છે. એ સિવાયના ગેમર્સ દર મહિને ગેમિંગ પાછળ ખર્ચ પણ કરે છે. ગેમર્સે ગેમ્સને અનુરૂપ જુદી જુદી ચીજવસ્તુઓ ઓનલાઈન પર્ચેસ કરવી પડે છે. જે કમાતા હોય તેમણેય કંઈનું કંઈ ઓનલાઈન પર્ચેસ કરતું રહેવું પડે છે. એ બધાની મન્થલી સરેરાશ છે રૂપિયા ૫૦૦૦. ગેમર્સ જેટલો ખર્ચ ગેમિંગ માટે ઓનલાઈન કરે છે એટલો ખર્ચ બહાર જમવાનો કરતા નથી. આ ગેમર્સ મહિને રેસ્ટોરાંમાં જઈને માંડ એવરેજ ૪૯૨ રૂપિયા ખર્ચે છે. ટૂંકમાં, ઈન્ડિયન યુથમાં ખાણી-પીણીનો શોખ હવે પ્રાયોરિટીમાં નથી. ગેમિંગે પ્રાયોરિટીમાં જગ્યા બનાવી છે.








