કોઈકની કઠોરતામાં પણ કરુણા છૂપાઈ હોય છે

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'મા, મને જેલની બીક નથી. અનેક મહાપુરુષો જેલવાસ ભોગવીને જ મોટા નેતા બન્યા છે-' નફ્ફટ પ્રત્યક્ષની દલીલ
''બે ટા, મારે પરલોક જવાનો સમય થઈ ગયો છે. તારા પિતાજીએ મને રહેવા માટે એક છાપરા સિવાય કશું જ નહોતું આપ્યું. અત્યંત કષ્ટો વચ્ચે તને મેં ઉછેર્યો છે. તારા પિતાજીના અવસાન પછી તારા તમામ લોડકોડ મેં પૂરાં કર્યાં છે. મારી આપવીતી તને મેં ક્યારેય નથી સંભળાવી. મેં માત્ર તારા જેટલું શાક બનાવી, ચટણી સાથે રોટલી ખાધી છે. સવારથી સાંજ સુધી કરિયાણાની દુકાને બેસી માલ વેચ્યો છે, અને કરકસર કરી પૈસા ભેગા કર્યા છે. તું હજાર રૂપિયાનાં ગોગલ્સ અને બે હજાર રૂપિયાના બૂટ પહેરી. મોંઘી હોટલોમાં પાર્ટીઓ યોજે છે. છતાં તું મારો લાડકો દીકરો હોવાને કારણે મેં તને ક્યારેય ટોક્યો નથી. પણ તારાં લગ્ન કર્યા બાદ ઘરની જવાબદારી તારી પર આવશે, ત્યારે તારે તારો હાથ સાંકડો રાખવો પડશે. લક્ષ્મી તેને ઘેર વસવાનું પસંદ કરે છે, જે પોતાને લક્ષ્ય બનાવે છે. ધનીક બનવાનાં સ્વપ્નો સેવનારે કણેકણનો હિસાબ રાખવો પડે અને તેજસ્વી વિદ્યાર્થી બનનારે ક્ષણેક્ષણનો તું કણ સાચવીશ તો મણ બનશે અને મણ સાચવીશ તો ઢગલો બનશે.'' આરતીદેવીએ પુત્ર પ્રત્યક્ષને કહ્યુ.
''બસ, બસ. મમ્મીજી તમારી સુફિયાણી સલાહ બંધ કરો. મારે કેમ જીવવું તે નક્કી કરવાનો અધિકાર માત્ર મને અને મને જ છે. પિતાજીના ગયા પછી તમે કષ્ટ વેઠીને મને મોટો કર્યો એમાં શું કહી બતાવો?'' દરેક માતા-પિતા પોતાના સંતાનને લાડકોડથી જ ઉછેરતાં હોય છે. મમ્મીજી, તમે મારું લગ્ન કરાવીને ગૃહસ્થીના બંધનમાં બાંધી દેવા ઈચ્છો છો. પુત્રવધૂને રસોડાની રાણી બનાવવી અને પુત્ર શ્રવણ બનાવવો એ મધ્યમવર્ગી લોકોનાં સપનાં હોય છે. એટલે તેઓ ભવ્ય જીવનની સુખની કલ્પના કરવાને બદલે આંગળી ચાટી પેટ ભરે છે, વૈતરું કરે છે. મારે જીવનને વૈતરું નથી બનાવવું. અમીર બનવાના અનેક માર્ગો ઉપલબ્ધ છે. પણ કાયર સપૂતો સાહસ કરવા તૈયાર નથી હોતા. હું કાલથી કમાવાના રસ્તા શોધીશ, તમારી સામે હાથ લાંબો નહીં કરું, હવે તો ખુશને ?'' પ્રત્યક્ષે પોતાની વૃધ્ધ માતા આરતીદેવીને કહ્યું.
''વધુ કમાઈએ એટલે વધુ વેડફવાનો અધિકાર એવું કોણે કહ્યું ? બેટા, પૈસાને જીરવવો પણ પડે છે અને જાળવવો પણ પડે છે. લે આ, તારા નામની નોટિસ આવી છે વાંચ.'' વકીલે કુરિયર દ્વારા મોકલેલી નોટિસ આરતી દેવીએ પ્રત્યક્ષના હાથમાં મૂકતાં કહ્યું.
નોટિસનો સારાંશ એ હતો કે પ્રત્યક્ષે તેના મિત્ર ઈષ્ટને આપેલો બે લાખ રૂપિયાનો ચેક એકાઉન્ટમાં બેલેન્સ નહીં હોવાથી બાઉન્સ થયો છે. જો ૭ દિવસમાં પેસા ભરી દેવામાં નહી આવે, તો કાનૂની રાહે પગલાં લેવામાં આવશે.
નોટિસ વાંચી આરતીદેવી રડી પડયાં હતાં. પણ નફ્ફટ પ્રત્યક્ષે કહ્યું ''લેવા દો એ ઈષ્ટને કાનૂની રાહે પગલાં... મારા પૈસે મોજમઝા કરતો હતો તે બધું વ્યર્થ ગયું ? એ મારી પર પોલીસકેસ કરશે, મારી ધરપકડ કરાવશે... એક નવો અનુભવ થશે. મારા સર કહેતા હતા કે અનેક મહાપુરુષો જેલયાત્રા બાદ જ મોટા નેતા બન્યાં છે મમ્મી, તમે ચિંતા ના કરશો હું, 'પડશે એવાં દેવાશે' માં માનું છું.'' કહીને પ્રત્યક્ષ સૂવા માટે ચાલ્યો ગયો.
પ્રત્યક્ષના શબ્દો સાંભળી આરતી દેવી રડી પડયાં. બે લાખ રૂપિયા કોઈ ધીરે એવા સંબંધો એમણે કેળવ્યા નહોતા. શરીર આરામ માગતું હતું. એટલે ઈશ્વર અણીના સમયે કાંઈક રસ્તો કાઢી આપશે, એવા આશ્વાસન સાથે આરતીદેવીએ સૂવાનો પ્રયાસ કર્યો.
પરંતુ પુત્રની બદનામીની ચિંતા એમણે ઠરવા દેતી નહોતી. એમણે પ્રત્યક્ષની પત્નીને આપવા માટે થોડાં દાગીના જીવની જેમ જાળવી રાખ્યા હતા... દાગીના લઈને એ પ્રત્યક્ષના મિત્ર ઈષ્ટને ઘરે પહોંચ્યાં. વાદળાં જાણે ગાંડાતૂર બનીને વરસી રહ્યાં હતાં. આરતીદેવીના કપડાં પણ પલળી ગયાં હતાં. છતાં હિંમત કરીને તેમણે ઈષ્ટના ઘરે પહોંચી ડોરબેલ વગાડયો. ડોરબેલનો અવાજ સાંભળી ઈષ્ટના પપ્પા ઉપકાર શેઠે બારણું ખોલ્યું. ઈષ્ટના મમ્મી ટીવી પર પ્રસારિત થતી ધારાવાહિક જોતાં હતાં.. એમણે મનોમન વિચાર કર્યો, આવા તોફાની વરસાદમાં પોતાને બારણે દોડી આવનાર કોઈ લાચાર જ હોવું જોઈએ. તેઓ ઝડપભેર રૂમની બહાર આવ્યાં. ઠંડીમાં થરથર ધૂ્રજતી વૃધ્ધ સ્ત્રીને જોઈ, પ્રેમથી આવકારો આપ્યો. અને આરતીદેવીને ટેકો આપી અંદર બોલાવ્યાં એટલે ઈષ્ટના પપ્પા ઉપકારશેઠે કહ્યું : ''વિભા, આ માજીનાં ભીનાં થઈ ગયેલાં કપડાં બદલવો અને મસાલાવાળી ગરમાગરમ ચા પીવડાવો, ત્યારબાદ હું એમને મળવા આવું છું.''
આરતીદેવીએ ચા પી લીધી પછી ઉપકાર શેઠે પૂછ્યું : ''બા, આવા ધોધમાર વરસાદમાં આપે કેમ આવવું પડયું ? તમારે જે કોઈ મુશ્કેલી હોય તે કહો.''
આરતીદેવીએ રડતાં-રડતાં શેઠના હાથમાં ઈષ્ટના વતી વકીલે આપેલી બે લાખ નોટિસ રૂપિયા ભરી દેવાની નોટિસ ધરી. તેમણે વાંચ્યાં વગર બાજુમાં મૂકી દીધી અને કહ્યું : ''પ્રત્યક્ષને નોટિસ આપવાનું ઈષ્ટને મેં જ સૂચન કર્યું હતું. મોજશોખમાં માતા-પિતા પૈસા વેડફનાર યુવકો મને જરાપણ પસંદ નથી.''
''હા શેઠ, મને પણ આવા બેફામ ખર્ચા જરાપણ પસંદ નથી પણ શું કરું ? મારો દીકરો મારા કહ્યાં નથી. મારી ભલમનસાઈનો ગેરલાભ ઉઠાવી એ મિત્રો સાથે મોજમસ્તી પાછળ ખર્ચા કરી, ખોટી વાહવાહી મેળવવાનો પ્રયત્ન કરે છે. પ્રત્યક્ષ નાનો હતો, ત્યારે તેના પિતાજીનું અવસાન થયું હતું. મેં બહું કષ્ટ વેઠીને એને મોટો કર્યો છે. તેની પત્નીને આપવા માટે સાચવી રાખેલા દાગીના લઈને હું આવી છું. પ્રત્યક્ષને પોલીસ પકડી જશે અને જેલ ભેગો કરશે, એની કલ્પના માત્રથી હું ધૂ્રજી ઊઠી છું. પુત્ર કુપુત્ર બની શકે, પણ માતા કદી કુમાતા ન બની શકે. આખરે તો મા છું ને ! આ દાગીના લઈને આવી છું. દાગીના વેચીને આપના બે લાખ રૂપિયા વાળી લેજો અને વધેલા રૂપિયા આપની પાસે જ રાખજો. મારે પ્રત્યક્ષના લગ્નમાં પૈસાની જરૂર પડશે ત્યારે આપની પાસે માગીશ. કહેતાં કહેતાં આરતીદેવી ધૂ્રસકે ધૂ્રસકે રડી પડયાં.''
ઉપકાર શેઠે કહ્યું : ''તમારા માતૃત્વને હું વંદન કરું છું. આપના દાગીના મારી તિજારોમાં સલામત રહેશે. મારે લેવાના બે લાખ રૂપિયા માટે હું આગળ કોઈ કાનૂની કાર્યવાહી હાલપુરતી નહીં કરું. બાકીનું બધું મારી પર છોડી દો. મારી કઠોરતામાં પણ કરુણા હશે. એટલો વિશ્વાસ રાખજો.'' કહી ઉપકાર શેઠે ડ્રાઈવરને બોલાવી સૂચના આપી ''આ માજીને એમના ઘરે પહોંચાડી દો.'' ઉપકાર શેઠના વચનથી આરતીદેવી ગદગદ થઈ ગયા.
એ પછી પાંચમાં દિવસે ઉપકાર શેઠે બનાવટી પોલીસ પ્રત્યક્ષની ધરપકડ માટે મોકલી પોલીસને જોઈને પ્રત્યક્ષના હાંજા ગગડી ગયાં. એની ડંફાસો અદ્રશ્ય થઈ ગઈ. એણે મમ્મીના પગ પકડી લેતાં કહ્યું : ''મા,મને બચાવી લો. તમારું કહ્યું નહીં માનીને મેં મારી જાતને પણ પારાવાર નુકસાન પહોંચાડયું છે.'' પણ આરતીદેવી મક્કમ રહ્યાં. એમણે પ્રત્યક્ષને બચાવી લેવાનો સાફ ઈન્કાર કર્યો. પ્રત્યક્ષને લઈ જવાની પોલીસને સૂચના આપી. પ્રત્યક્ષ લાચાર હતો. પોતાને લાડ લડાવનાર મમ્મી અંદરથી આટલી નિર્દય હશે, એવા ખ્યાલથી એ મમ્મી પર ફિટકાર વરસાવતો રહ્યો.
બનાવટી પોલીસ પ્રત્યક્ષને ઉપકાર શેઠા બંગલે લઈ ગઈ અને કહ્યું : ''લો શેઠ, આ તમારા પુત્ર ઈષ્ટ સાથે છેતરપીંડી કરનાર નામચીન ગુંડો પ્રત્યક્ષ હાજર છે.''
પ્રત્યક્ષે શેઠના પગ પકડી લેતાં કહ્યું : ''શેઠ, મને બચાવી લો. ઈષ્ટ મારો ખાસ મિત્ર છે. હું જે કામ આપશો તે સ્વીકારી લઈશ. અને મારું દેવું ચૂકતે કરી દઈશ. મારી માતાના હૃદયમાં વાત્સલ્યનો છાંટો પણ નથી, નહીં તો ગમે તેમ કરીને પણ પોલીસને હવાલે ન કરત.''
ઉપકારશેઠ પ્રત્યક્ષના શબ્દો સાંભળી ઉશ્કેરાઈ ગયા. તેઓ મમતાની મૂર્તિ સમાં આરતી દેવીની નિંદા સાંભળવા તૈયાર નહતાં. એમણે પ્રત્યક્ષના ગાલ પર એક લાફો ઝીંકી દેતાં કહ્યું : ''હવે એકપણ શબ્દ તારી માતા આરતીદેવી વિરુધ્ધ બોલીશ તો તને ખરેખર જેલ ભેગો કરી દઈશ. એમણે ઈષ્ટને બોલાવ્યો અને આરતીદેવી વતી ઉપકારશેઠે માફ કરેલી લહેણી રકમની પહોંચ પ્રત્યક્ષને દેખાડતાં કહ્યું : ''મને આ વાતનું દુ:ખ છે કે ભગવાન પવિત્ર હૃદયના માતા-પિતાને ઘેર શેતાન જેવા પુત્રોને શા માટે મોકલે છે ? કાલે રાત્રે વરસાદી આંધી વચ્ચે તારાં મમ્મી આરતીદેવી મને મળવા આવ્યાં હતા. તેમની મહાનતા જોઈ મેં તારી સઘળી લહેણી નીકળતી રકમ માફ કરી દીધી. હવે આરતીદેવી એકલાં નથી, હું એમના નાનાભાઈ તરીકે એમની સાથે છું. તને સુધરવાની તક આપું છું. અને કાલથી મારી ફેક્ટરી પર આવી જજે. તારે નોકરી કરવાની છે. હવેથી તારું વૈભવી જીવન બંધ અને મારી સૂચનાનું ચુસ્તપણે પાલન કરવાનું.''
''શેઠ, જિંદગીભર તમારો અહેસાનમંદ રહીશ. આપ ભગવાનનો અવતાર છો. આપ કહેશો એ રીતે જીવીશ.''
ઉપકાર શેઠે કહ્યું : ''ઈષ્ટ જા જોડેના રૂમમાં આરતીદેવી બેઠાં છે, એમને બોલાવી લાવ.''
ઉપકારની સૂચના મુજબ આરતીદેવી આવ્યાં. ઉપકારશેઠે ઊભા થઈ એમના ચરણ સ્પર્શ કરતાં કહ્યું : ''માજી, લો, આપની થાપણ. પ્રત્યક્ષમાં નવો પ્રત્યક્ષ જન્મી ચૂક્યો છે.''
પ્રત્યક્ષ ફરીથી ઉપકારશેઠના પગે પડયો. અને આરતીદેવીએ ઉપકારશેઠને ખૂબ-ખૂબ અંતરના આશીર્વાદ આપ્યા. કળિયુગ પોતાના આયોજનમાં નિષ્ફળ નીવડવાને કારણે કદાચ ધૂ્રસકે-ધૂ્રસકે રડતો હશે.
''મારાં જોડેનો બંગલો ખાલી જ છે. મારી માલિકીનો છે. આજથી તમે બન્ને ત્યાં રહેશો અને મારા સુપરવિઝન હેઠળ જ પ્રત્યક્ષ જીવશે. માજી, સંસારમાં સારા લોકો ઉપદેશક બનવાને બદલે બીજાના નિસ્વાર્થ મદદગાર બનશે તો જ આ ઘરતી જીવવા લાયક બનશે. મને સેવા કરવાની આપે તક આપી એ બદલ ધન્યાવાદ. સત્યનો જય હો, સ્વાર્થનો પરાજય.'' પ્રત્યક્ષનો નવો જન્મ જોઈ મિત્ર ઈષ્ટ તેને ભેટી પડયો. ઉપકાર શેઠે કહ્યું '''જાગ્યા ત્યાંથી સવાર. નવી જાગૃતિ તમને બન્નેને મુબારક '' કહી બન્નેને આશીર્વાદ આપ્યા.









