સ્ટેઇનમેટ્ઝે 10,000 ડોલરનું બિલ મૂક્યું!

- એ.આઇ. યુગમાં કોણ ટકી શકશે તેનું ઉદાહરણ 125 વર્ષ અગાઉના એક જીનીયસ એન્જિનિયરના પ્રસંગથી મેળવીએ
- હોરાઈઝન-ભવેન કચ્છી
- તમારા ક્ષેત્રમાં એવી આગવી કુનેહ અને દ્રષ્ટિ ઉમેરો જે એ.આઇ. પાસે ન હોય :સતત વિદ્યાર્થી બનીને રહો
- જનરેટર રિપેર કરવા માટેનું આટલું ઊંચું બિલ જોઈને હેનરી ફોર્ડ ચમક્યા.. સ્ટ્રીનમેટ્ઝે તે માટે શું જવાબ આપ્યો તે જાણો
એ. આઇ.ના યુગમાં જેઓ પાસે માત્ર ડિગ્રી કે પુસ્તકોના થોથાનું જ્ઞાન હશે તેઓને ઘરભેગા બેસવાનું આવશે. વિષયની તલસ્પર્શી અને ઊંડાણ સાથેની સમજ તો જરૂરી રહેશે જ પણ જે તે ક્ષેત્રમાં તેઓની આગવી સૂઝ કેળવાયેલી હોવી જોઈશે. છઠ્ઠી ઇન્દ્રિય કાર્યરત હશે તો મેળ પડશે.
એ.આઇ.જગતમાં કેવા લોકો ચાલશે તેનું ઉદાહરણ જાણવા આપણે છેક હેનરી ફોર્ડના જનરલ મોટર્સના અરસામાં જઈ એક રસપ્રદ કિસ્સો જાણવો પડશે.
બન્યું હતું એવું કે જનરલ મોટર્સ કંપનીના વિશાળ પ્લાન્ટમાં કારની ભારે માંગ હોઈ ઉત્પાદન ચાલતું હતું. નિયત મુદ્દતમાં કારની ડિલિવરી કરવી પડે તેમ હતી. તેવામાં જ પ્લાન્ટનું એક ખૂબ મહત્વનું જનરેટર બંધ પડી ગયું. ફોર્ડની કંપનીમાં તો ચુનંદા એન્જિનિયરોની ફોજ હતી. જનરેટર તો ભૂતકાળમાં પણ બગડી ચૂક્યા હોઈ તેઓ માટે આ ફરિયાદનું નિવારણ કરવું કોઈ નવી બાબત નહોતી.પણ આ વખતનો ફોલ્ટ કોઈ મોટો લાગ્યો એટલું જ નહીં જૂદી જુદી રીતે રિપેર કરવાના પ્રયત્ન કર્યા તો પણ જનરેટર શરૂ ન થઈ શક્યું. આવા પ્રયત્નમાં કેટલાક દિવસો પસાર થયા પણ કારના મોટા ઓર્ડરને પહોંચી વળવા જનરેટરને ઝડપથી ચાલુ કરવું અત્યંત જરૂરી થઈ પડયું હતું. કંપનીના નિપૂણ એન્જિનિયરો પણ રિપેર ન કરી શક્યા તેવું પહેલી વખત બન્યું હતું.
નાછૂટકે હેનરી ફોર્ડે તેના મિત્ર ચાર્લ્સ સ્ટેઇનમેટ્ઝને કે જે એન્જિનિયરિંગના જાદુગર તરીકે વિખ્યાત હતા તેમને જનરેટર રિપેર કરવા બોલાવ્યા. ફોર્ડની કંપનીના એન્જિનિયરો માટે આ નીચા જોવાપણુ હતું.કેમ કે અમેરિકાની ટોપ ટીમ તેમાં સામેલ હતી અને તેઓ નિષ્ફળ નીવડયા હતા.
તે વખતે ચાર્લ્સ સ્ટેઇનમેટ્ઝ કોઈ જગ્યાએ ગમે તેટલી ઓફર હોય તો પણ નોકરી કરવાનું પસંદ નહોતા કરતા. તરંગી અને જીનીયસ.ટોચની કંપનીઓના માલિકો અને વિજ્ઞાનીઓ પણ તેમની કુનેહ જાણે. આઇન્સ્ટાઇન પણ તેમના મિત્ર અને તેમનાથી પ્રભાવિત.
સંબંધ નજીકના હોય તો પણ સ્ટેઇનમેટ્ઝ તેની ફી લેવામાં સંકોચ નહોતા અનુભવતા.
સ્ટેઇનમેટ્ઝ જનરલ મોટર્સ કંપનીમાં જનરેટર રિપેર કરવા આવ્યા અને તેમણે ત્રણ જ વસ્તુ માંગી એક નોટબુક, પેન્સિલ અને ગડી વાળેલ કપડું.
સ્ટેઇનમેટ્ઝ બે દિવસ પ્લાન્ટમાં રોકાયા તે દરમ્યાન બગડી ગયેલા જનરેટર અને જે જનરેટર ચાલુ હતું તેની નજીક અમુક કલાકો વારાફરતી બેસતા રહેલા અને નોટમાં કોઈ વિગત ટપકાવતા હતા.કોઈ જોડે બોલવાનું કે ચાલવાનું નહીં.
ત્રીજા દિવસે તેમણે સીડી, ઇંચ કે સેન્ટીમીટર માપવા માટેની ટેપ, અને લખવાની ચોક સ્ટીક માંગી. સીડી પર ચઢી માપવા માટેની ટેપથી તેમના અંદાજ પ્રમાણે બગડી ગયું હતું તે જનરેટરના યાંત્રિક ભાગમાં તેમણે હાથ નાંખ્યો.તેમાં એક ખાસ પોઇન્ટ પર તેમણે ચોક સ્ટીકથી નિશાન કર્યું અને પછી સીડી પરથી નીચે ઉતરી ગયા. નીચે ઊતરીને તેમણે એન્જિનિયરોને કહ્યું કે જે જગ્યાએ મેં ચોક સ્ટીકથી નિશાન કર્યું છે તે જગ્યાને ખોલી ત્યાંથી વાયરો વીંટાળેલી જે (કોઈલ) ગરગડી છે તેમાંથી ૧૬ આંટા જેટલા વાયરો કાઢી નાંખો.
એન્જિનિયરોને મનોમન હસવા જેવું લાગતું હતું. તેઓએ સ્ટેઇનમેટ્ઝે સૂચના આપી તેમ કર્યું. સ્ટેઇનમેટ્ઝે કહ્યું કે 'હવે નીચે ઊતરીને જનરેટર ચાલુ કરો.' જાણે ચમત્કાર થયો હોય તેમ જનરેટર ચાલુ થઈ ગયું.
હેનરી ફોર્ડે શાબાશી આપી કેમ કે હજારો ડોલરની ખોટમાંથી તેઓ ઉગરી ગયા હતા. જો સ્ટેઇનમેટ્ઝ ના હોત તો કોઈ રિપેર ન કરી શક્યું હોત.કાર ઉત્પાદનને તો ફટકો પહોંચ્યો જ હોત પણ નવું જનરેટર ખરીદવું પડયું હોત.
આ તરફ ફેક્ટરી ફરી ધમધમતી થઈ ત્યાં સ્ટેઇનમેટ્ઝે જનરેટર રિપેર કરવાનું ૧૦,૦૦૦ ડોલરનું બીલ મોકલાવ્યું.એન્જિનિયરોએ ફોર્ડને કહ્યું કે 'સ્ટેઇનમેટઝે ખાસ કંઇ કર્યું જ નથી.' ફોર્ડને પણ આ બીલની તગડી રકમ જોઈને નવાઈ તો લાગી જ હતી.તેમણે સ્ટેઇનમેટ્ઝને કહ્યું કે 'દસ હજાર ડોલરનું બીલ કઈ રીતે બનાવ્યું તેની વિગત આપશો?'
સ્ટેઇનમેટ્ઝે કાગળ પર ટૂંકમા જવાબ લખીને મોકલ્યો કે
'જનરેટરમાં ચોક સ્ટીકથી નિશાન કરવાનો એક ડોલર અને અને તે નિશાન ક્યાં કરવાનું તે નક્કી કરવા માટેના ૯,૯૯૯ ડોલર.
હેનરી ફોર્ડની કંપનીમાં જેમના પિતા આ ઘટના બની ત્યારે નોકરી કરતા હતા તેવા જેક સ્કોટે પિતાની ડાયરીમાં લખાયેલ આ પ્રસંગ ૧૯૬૫માં 'લાઇફ' મેગેઝિનને મોકલ્યો હતો અને તે પ્રકાશિત પણ થયો હતો.
૧૮૬૫માં જર્મનીમાં જન્મેલ સ્ટેઇનમેટ્ઝ અમેરિકામાં જ ઉછેર પામ્યા હતા. ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં તેઓ સેલિબ્રિટી જેમ લોકપ્રિય હતા. ફોર્ડના આગ્રહને વશ પછીથી જનરલ ઇલેક્ટ્રિક કંપનીમાં જોબ કરીને તેઓએ કેટલીયે પ્રોડક્ટ અને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગના સિદ્ધાંતો પણ શોધતા હતા. ઇલેક્ટ્રિક મોટરના અપડેટ, હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ, વાયરલેસ પાવર, સર્કિટ,ઓલ્ટરનેટિંગ કરંટ, ઇલેક્ટ્રિક પાવર ઇન્ડસ્ટ્રી,મેટલ હેન્ડલ લેમ્પ વગેરેમાં તેમનું યોગદાન રહ્યું છે.
તેઓની ઊંચાઈ માત્ર ચાર ફૂટ હતી અને ખૂંધ ધરાવતા હતા. આ એક વારસાગત અવસ્થા હતી પણ તેઓ ગૌરવ સાથે આઇન્સ્ટાઇન, ફોર્ડ અને ટોચના ઉદ્યોગપતિઓ અને વિજ્ઞાનીઓ જોડે ઊભા રહી શકતા હતા. ૫૮ વર્ષની વયે તેમનું નિધન થયું ત્યારે તેમના નામે ૨૦૦ પેટન્ટ હતા.
આ એન્જિનિયરનો પરિચય એ.આઇ. યુગમાં આપવો એટલા માટે અત્યંત જરૂરી છે કે તમામ ક્ષેત્રોમાં આવા આગવી કુનેહ અને સૂઝ ધરાવનાર જ ટકી શકશે.
***
જીવનમાં સફળતા કે કોઈપણ વ્યવસાયમાં નિપુણતા એમ જ ડિગ્રી લેવાથી નથી આવતી હોતી. તેમાં પણ રોબોટ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ભાવિ યુગમાં તો મોટાભાગની નોકરી છીનવાઈ જવાની છે. અમેરિકાની ટોચની ટેક્નોલોજી કંપનીઓ દર ચાર છ મહિને એક સામટા દસ દસ હજાર એન્જિનિયરોને છૂટા કરવા માંડી છે કેમ કે કોડિંંગથી માંડી સોફ્ટવેર અને અન્ય તમામ કાર્યો એ.આઇ.કરી આપે છે. આવી જ સ્થિતિ યુરોપ અને અન્ય વિશ્વમાં સર્જાઈ રહી છે.
માત્ર એન્જિનિયરિંગ જ નહીં તમામ પ્રકારની નોકરી , ધંધા કે વ્યવસાય પર ફટકો પહોંચશે.
એ.આઇ.ના ગોડ ફાધર તરીકે જેની ગણના થાય છે તેવા ગૂગલ કંપનીના એ.આઇ.વિભાગના ભૂતપૂર્વ વડા અને નોબેલ પ્રાઈઝ વિજેતા જ્યોફ્રી હિન્ટોને આગાહી કરી છે કે માત્ર જેઓ પાસે આગવી સૂઝ ધરાવતી કુનેહ હશે જે એ. આઇ.ની પહોંચની બહાર હશે તેઓ જ ટકી શકશે. જો કે તેમણે એવી પણ હૈયાધારણ આપી છે કે સ્વાસ્થ્ય અને તબીબી ક્ષેત્ર સાથે જેઓ સંકળાયેલા છે તેઓને વાંધો નહીં આવે પણ તેઓએ રોબોટ સર્જરી અને અન્ય આધુનિક ઉપકરણો પર પ્રભુત્વ મેળવવું પડશે. આજીવન વિધાર્થી બનીને રહેશે તે ટકશે. આગવી નિદાન અને સારવાર સ્કીલ તો કેળવવી જ પડશે.
ટે્કનોલોજી, મિકેલનિકલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇનર, આર્કિટેક્ટ,અન્ય ડિઝાઇનિંગ, હાથથી થતી કારીગરી, બેન્કિંગ,ફાઇનાન્સ અને લીગલ કન્સલ્ટન્સી, રિસેપ્શનિસ્ટ્સ, ગ્રાહક સેવા, સાહિત્ય સર્જકો, ભાષાંતરકારો, યંત્રવત પત્રકારત્વ, શેફ સહિત તમે જે વિચારી શકો તે તમામ એ.આઇ.હસ્તક હશે. કાં તો બેકાર બનવું પડશે અથવા તો ઓછા પગાર કે વળતર સાથે કામ કરવું પડશે.
ભારતમાં ઘણા લોકો એવું વિચારતા હશે કે એ.આઇ. તો અમેરિકા અને યુરોપ જેવા ટેક્નોલોજી કંપની ધરાવતા દેશોને જ અસર કરશે આપણે ક્યાં ચિંતા છે.તો આવા નાગરિકોને જણાવી દઈએ કે અત્યારથી જ ડિજિટલ ટેક્નોલોજીને લીધે, સ્માર્ટ ફોન પર એપ અને આનલાઇન શોપિંગ, સર્વિસ ભારતમાં ઝડપથી પ્રસરતા લાખો નાગરિકો બેકાર થયા છે અને કમ સે કમ રોજગારીની નવી તકો તો ઊભી નથી જ થતી. ભારતમાં પણ એ.આઈ.સામે આંખ મીચાવી દઈશું તો ઊંઘતા ઝડપાઈને પસ્તાવવું પડશે.
કોઈપણ વિષય જેમાં પણ રસ હોય તેમાં એવી રજેરજની પકડ મેળવો અને તેમાં સૂઝ અને કુનેહ ઉમેરશો તો એ.આઈ. જગતમાં પણ ખીલી ઉઠશો. તમારી આગવીતા કેળવો તે જ મંત્ર રહેશે.
જ્ઞાનપોસ્ટ
એવી પૂરી શક્યતા છે કે એ આઇ. યુગમાં વ્હાઈટ કોલર જોબની માંગ ઘટશે અને આપણે જેને કારીગર કે શ્રમિક તરીકે બ્લ્યુ કોલર જોબના ગણીએ છીએ તેઓનો સમય આવશે. પ્લમ્બર, સુથારી, ઇલેક્ટ્રિક, લુહારી કામ, રિપેરિંગ, બ્યુટિશિયન, હેર સ્ટુડિયો અને માળી જેવા જતન માંગી લેતી નોકરીના ઊંચા દામ મળશે.









