ઓપરેશન સિંદૂરના પગલે ભારતીય ડ્રોન ઉદ્યોગની ઊંચી ઉડાન

- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- ડિફેન્સ એક્સપર્ટ જ્હોન થોર્ન હિલના જણાવ્યા મુજબ યુક્રેન હવે ડ્રોન ઉત્પાદન ક્ષમતા વધારીને વર્ષે 10 લાખ ડ્રોનનું લક્ષ ધરાવે છે
બે વર્ષ પૂર્વે દિલ્હીના પ્રગતિ મેદાનમાં બે દિવસનો ડ્રોન મહોત્સવ ઉજવાયો હતો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારત વિશ્વનું સૌથી મોટું ડ્રોન હબ બની જશે અને ડ્રોન ટેકનિક વ્યાપક સંખ્યામાં રોજગારી પૂરી પાડશે.
એક વાત સ્વીકારવી પડશે કે ડ્રોન ટેક્નોલોજી અંગે ભારતમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તે અદ્ભૂત છે. આ ઊર્જા ભારતમાં ડ્રોન સર્વિસ અને ડ્રોન આધારિત ઉદ્યોગની લાંબી છલાંગનું પ્રતિબિંબ છે. જેને લીધે ભારતમાં રોજગાર સર્જનના ઊભરતા મોટા સેક્ટરની સંભાવના છે. થોડાક સમય પહેલાં સુધી ડ્રોન માટે ભારત સંપૂર્ણપણે આયાત પર નિર્ભર હતું. પરંતુ હવે તે ઝડપથી આ બાબતે આત્મનિર્ભર બની રહ્યું છે. ઘરેલુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ફેબુ્રઆરી ૨૦૨૨માં ડ્રોનની આયાત પર પ્રતિબંધ મૂકાયો હતો. હવે માત્ર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ડિફેન્સ અને સિક્યોરિટી માટે જ ડ્રોનની આયાતની મંજૂરી છે. તેના માટે પણ ક્લિયરન્સ જરૂરી છે. અગાઉ ડ્રોનનો ઉપયોગ માત્ર સંરક્ષણ ક્ષેત્રમાં જ થશે તેમ મનાતું હતું. પરંતુ આગામી સમયમાં દરેક ક્ષેત્રમાં ડ્રોનનો ઉપયોગ થઈ શકશે.
૨૦૩૦ સુધીમાં ભારતને ડ્રોન હબ બનાવવા માટે, ભારત સરકારે ડ્રોન અને ડ્રોન ઘટકોના ઉત્પાદન માટેની યોજનાને મંજૂરી આપી છે. તેમાં મુખ્યત્વે ત્રણ શ્રેણીઓ છે. સર્વેક્ષણ, નિરીક્ષણ અને વિતરણ. દૂરસંચાર, રેલવે, ખાણકામ વગેરે મુશ્કેલ વિસ્તારોમાં હવાઈ સર્વેક્ષણ ઉપરાંત જમીન, ખેતીવાડી, ઘરનું નકશા, પાઈપલાઈન, પવનચક્કીઓ વગેરેનું નિરીક્ષણ, સંરક્ષણ માટે અને સૌથી અગત્યનું ગામડાંઓ અને દુર્ગમ વિસ્તારોમાં દવાઓ અને આવશ્યક સામગ્રીની ડિલિવરી માટે આવે છે. આ સિવાય એરિયલ ફોટોગ્રાફી, સિનેમેટોગ્રાફીમાં પણ ઉપયોગ થાય છે. એટલું જ નહીં એર ટેક્સી માટે પણ ડ્રોનનો ઉપયોગ શક્ય છે.
આ કારણસર જ વડાપ્રધાને કહ્યું કે મારું સપનું છે કે દેશના દરેક ખેતરમાં એક ડ્રોન હોય. તેની મદદથી ખેડૂતો તેમના ખેતરમાં દવાનો છંટકાવ કરી શકશે અને ખાતર પણ નાંખી શકશે. ખેડૂતોએ તેના માટે ખેતરમાં જવાની પણ જરૂર નહીં પડે.
ભારતમાં ડ્રોન સિસ્ટમનો ઉદ્યોગ આગામી પાંચ વર્ષમાં ૧૦ ગણો વધીને ૬૦ હજાર કરોડ રૂપિયા થઈ શકે છે. આગામી ૩ વર્ષમાં ૧૦ હજાર લોકોને અને પાંચ વર્ષમાં અંદાજે ૨૦ હજાર લોકોને રોજગારી મળવાની આશા છે. દેશમાં ડ્રોનને પ્રોત્સાહન આપવા માટે ડ્રોન ફેડરેશન ઓફ ઈન્ડિયા નામની સંસ્થાની રચના કરવામાં આવી છે.
એક રીતે જોઈએ તો રેગ્યુલરાઇઝેશન પહેલા ભારતમાં ડ્રોન ઓપરેશન ગેરકાયદેસર રીતે થતું હતું પરંતુ હવે આ ક્ષેત્ર કાયદેસર રીતે આગળ વધી રહ્યું છે. હવે દેશમાં ડ્રોનનું ઉત્પાદન અને સંચાલન ખૂબ જ સરળ બની ગયું છે. આ સાથે આ ક્ષેત્રમાં નવા સ્ટાર્ટઅપ્સ શરૂ થતાં રોજગારી વધશે.
ડ્રોન ઉત્પાદન, એસેમ્બલીંગ. જાળવણી અને સમારકામ ઉપરાંત, દેશમાં સોફ્ટવેર ડેવલપર-ડ્રોન પાઇલોટ તરીકે મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન થશે. આ સિવાય ડ્રોન પાયલોટ માટે ટ્રેનિંગ સેન્ટર પણ ખોલવામાં આવશે, જેનાથી ઘણા લોકોને રોજગાર મળશે. જેમ ઉદ્યોગનો વિકાસ થશે તેમ રોજગારની સંખ્યામાં પણ વધારો થશે.
ભારત સરકારે નવી ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજના દ્વારા ઝડપથી વિકસી રહેલી દેશની ડ્રોન ઈકોસીસ્ટમમાં ત્રણ હજાર કરોડ રૂપિયા ફાળવવાની યોજના બનાવી છે.
ભારતમાં છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન ડ્રોન ઉદ્યોગમાં નોંધપાત્ર વિકાસ જોવા મળ્યો છે જેમાં ડ્રોનઆચાર્ય અને આઈડિયાફોર્જ જેવી કંપનીઓએ નોંધપાત્ર પ્રગતિ કરી છે. નવી સ્કીમ સમગ્ર ઈકોસીસ્ટમને સર્વગ્રાહી ટેકો આપવા વિકસાવવામાં આવી છે જેમાં ઉદ્યોગની વ્યાપક જરૂરીયાતનું પ્રતિબિંબ પડે છે જેનાથી દેશમાં જ સંરક્ષણ, કૃષિ અને ગ્રાહક ઉપયોગ સહિત વિવિધ શ્રેણીના ડ્રોનના વિકાસને પ્રોત્સાહિત કરી શકાશે.
આપણે માટે સારી વાત એ છે કે ભારતનો ડ્રોન ઉદ્યોગ દેશની જરૂરિયાત માટે તો પુરવઠો પુરો પાડશે જ, પરંતુ વિદેશોમાં ડ્રોનની નિકાસ કરતું પણ થઈ જશે. અત્યારે પણ છેક અમેરિકા, યુરોપ, દક્ષિણ પૂર્વે એશિયાઈ દેશો તથા કેટલાક આફ્રિકન દેશો ભારતીય બનાવટના ડ્રોન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યાં છે. ચીનની ચાલાકી, હલકી કક્ષાના ડ્રોન બીજાને પધરાવવાની બદમાશીથી ચેતી ગયેલા દેશો ભારત તરફ આશાની મીટ માંડી રહ્યાં છે.
એક અહેવાલ મુજબ ડ્રોન મારકેટ ૨૦૨૦માં ૩૪૫ મિલિયન ડોલરથી વધીને ૨૦૩૦ સુધીમાં ૩૫ અબજ ડોલરનું થવાની ધારણા છે જેમાંથી ૧૨ અબજ ડોલર સંરક્ષણ વિભાગનો અને ૯ અબજ ડોલર કમર્શિયલ સોદાનો ફાળો હશે જ્યારે નિકાસનો ફાળો કુલ બજારના ૧૬ ટકા હિસ્સો બની શકે છે.
ઉદ્યોગના નિષ્ણાંતોના મતે નવા પ્રોત્સાહનો ચીન જેવા વિદેશી સપ્લાયરો પરનો મદાર ઘટાડશે અને ભારતનો ડ્રોન ઉદ્યોગ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મારકેટમાં વધે તેની ખાતરી થશે.
ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનનાં ડ્રોન ખલનાયકની ભૂમિકા ભજવી શકે એમ હતાં, પરંતુ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ વધુ ઘાતક પૂરવાર થઈ હતી. પાકિસ્તાનનું એક પણ ડ્રોન નિશાન સુધી પહોંચી શક્યું નહોતું. પાકિસ્તાને ભારતમાં વિનાશ કરવા મોકલેલા ડ્રોન એફપીવી પ્રકારનાં સસ્તાં ડ્રોન નહોતાં. પાકિસ્તાને તો સૈન્યમાં વપરાતા ડ્રોનનો ઉપયોગ કર્યો હતો છતાં પણ ભારતીય સૈન્યે તેને રાખ બનાવી દીધાં હતાં. ભારતે કાઉન્ટર ડ્રોન સિસ્ટમ પાછળ બહુ મોટું રોકાણ કરીને તેને અસરકારક રીતે ઉપયોગમાં લીધી, જે ઓપરેશન સિંદૂર દરમ્યાન આખી દુનિયાએ જોયું.
યુદ્ધમાં હવે અવકાશી કરતબ વધુ જોવા મળશે. એક સાથે અનેક ડ્રોનને તોડી પાડી શકે એવી લેઝર આધારીત એન્ટિ-ડ્રોન સિસ્ટમ ભારતમાં તૈયાર થઈ રહી છે. ભારત ફાયબર ઓપ્ટિક ડ્રોન બનાવવાની તૈયારી પણ કરી રહ્યું છે. ફાયબર ઓપ્ટિક ડ્રોેનને જામ કરી શકાતું નથી, તેમજ તેને ટાર્ગેટ સુધી પહોંચતાં અટકાવી શકાતું નથી. દુશ્મન દ્વારા છોડવામાં આવતાં ડ્રોનનો સામનો કરવા ભારત સજ્જ હોવાની ખાત્રી સૈન્યના અધિકારીઓ વારંવાર આપી ચૂક્યા છે.
તાજેતરમાં જ ઈન્ડિયન આર્મીએ દેશી ડ્રોન ઉત્પાદક કંપનીઓ સાથે ૨૯૫ કરોડ રૂપિયાના બે કોન્ટ્રાક્ટ કર્યાં છે જે લોઈટરીંગ મ્યુનિશન તથા સર્વિલન્સ ડ્રોન બનાવે છે. લોઈટરીંગ મ્યુનિશન પ્રકારના ડ્રોન એટલે એવા માનવરહિત એરક્રાફ્ટ જે પોતાના લક્ષ્યાંક સુધી પહોંચી થોડી ક્ષણો માટે એ સ્થળ પર આકાશમાં જ ઝળુંબતા (લોઈટરીંગ) રહે છે અને ચોક્કસ કયા એંગલ અને કઈ દિશાએથી ત્રાટકવું એ જાતે નક્કી કરી નિશાન પર ધાવો બોલાવે છે.
ઓપરેશન સિંદૂર કામચલાઉ રોકી દેવામાં આવ્યા પછી આપણા લશ્કરી દળો અત્યારે નવી જનરેશનના ડ્રોનના પરીક્ષણ કરી રહ્યાં છે. આ પ્રકારની ટ્રાયલ પોખરણ, બાહિના અને જોશીમઠ જેવા વિવિધ સ્થળે થઈ રહી છે. એક અહેવાલ પ્રમાણે સંરક્ષણ ખાતા તરફથી આર્મી અધિકારીઓને જરૂર પડે ઈમરજન્સી ડ્રોન ખરીદી માટે રૂ. ૪૦,૦૦૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
સૈન્યને અત્યારે તાકીદે જરૂર છે તેવા ડ્રોનમાં લોઈટરીંગ મ્યુનિશન, કામીકાઝી ડ્રોન, સર્વિલન્સ ડ્રોન્સ અને ફર્સ્ટ પર્સન વ્યુ (એફપીવી) ડ્રોનનો સમાવેશ થાય છે. અરે, ટાર્ગેટ અથવા ડમી તરીકે ઓળખાતા ડ્રોનના પણ ઓર્ડર અપાયા છે. ડમી ડ્રોન શત્રુને તોપમારો, હવાઈહુમલો કે મિસાઈલલોંચ કરવા માટે ઉશ્કેરવાનો આશય રાખે છે. જેથી રમકડાં જેવા સસ્તાં ડ્રોનને તોડી પાડવામાં શત્રુનો દારૂગોળો કિંમતી મિસાઈલ વેડફાઈ જાય.
આજે વિશ્વના સંરક્ષણ નિષ્ણાતો ભારત-પાક. વચ્ચે છેડાયેલા ચાર દિવસના યુધ્ધનો અભ્યાસ કરી રહ્યાં છે. આ જાણકારી મેળવીને ભવિષ્યમાં યુધ્ધનો માહોલ કેવો હશે તેની અટકળો થઈ રહી છે. રશિયા-યુક્રેન તેમજ ઇઝરાયલ-ઈરાન વચ્ચેના જંગથી પણ એક વાત સાબિત થઈ ગઈ છે કે અબજો રૂપિયાની કિંમતના ફાઇટર પ્લેન કરતાં સસ્તાં ડ્રોન ઘણી સારી કામગીરી બજાવે છે.
યુધ્ધમાં ડ્રોન કેટલા મહત્ત્વના બની ગયાં છે તે જાણવું હોય તો યુક્રેનનો દાખલો લેવો પડે. રશિયા સાથેના લાંબા અરસાથી ચાલતાં યુધ્ધમાં યુક્રેને સૌથી વધુ ઉપયોગ ડ્રોનનો જ કર્યો છે. નાના ગેરેજમાં કે બંધ પડેલી શાળાના મેદાનમાં બનાવાતા ઘણાં ખરા ડ્રોન ૩૫૦ ડોલરમાં તૈયાર થાય છે. ફુલ વેંચવાવાળા માળી અને બેકરી ચલાવનારા પણ કીવ શહેરમાં મકાનોના બેઝમેન્ટમાં ડ્રોન બનાવે છે. અર્થાત્ એન્જિનિયરોનું કામ હવે સામાન્ય માણસો કરવા લાગ્યા છે. આશરે ૧૦૦૦ ડોલરમાં બનેલા ત્રણ ડ્રોન રશિયાની લાખો ડોલર કિંમત
ધરાવતી ટેન્કનો પળવારમાં ખુરદો બોલાવી શકે છે. વળી રશિયન કાઉન્ટર ડ્રોન મેઝરને હંફાવવા યુક્રેનના ઇજનેરો તેમની ડ્રોન ટેકનોલોજીને સતત અપગ્રેડ કરતાં રહે છે.
રશિયાએ યુક્રેનના ડ્રોનને જામિંગ ટેકનીકથી નિષ્ક્રિય બનાવવાનો કિમિયો અજમાવ્યો તો યુક્રેનના ઇજનેરોએ કેબલ ડ્રોન ડેવલપ કર્યા. જે ફાઇબર ઓપ્ટિક થકી સિગ્નલ મેળવતા હોય. ઇલેકટ્રોનિક વેવ્સનો વપરાશ થતો ન હોવાથી આવા ડ્રોનને જામ નથી કરી શકાતાં.
ડિફેન્સ એક્સપર્ટ જ્હોન થોર્ન હિલના જણાવ્યા મુજબ યુક્રેન હવે ડ્રોન ઉત્પાદન ક્ષમતા વધારીને વર્ષે ૧૦ લાખ ડ્રોનનું લક્ષ ધરાવે છે. યુક્રેનની ૫૦૦થી વધુ પ્રાઈવેટ કંપનીઓને પણ ખૂબ મોટી સંખ્યામાં વિવિધ ડ્રોન બનાવવાના ઓર્ડર મળ્યા છે. સામે પક્ષે રશિયા પણ ડ્રોન ઉત્પાદન વધારી રહ્યું છે. બેઉ દેશના હાકેમો એવી ધારણા રાખે છે કે કદાચ લડાઈ બંધ થાય તો યુરોપ અને એશિયન દેશોમાંથી ડ્રોનના ખરીદનારા મળી જ રહેશે.
બીજી તરફ ભારતમાં અત્યારે ૨૦૦થી વધુ કંપનીઓ વિવિધ કદ/આકારના ડ્રોન બનાવે છે. એક ઉત્પાદક તો એટલે સુધી કહે છે કે ઇન્ડિયાએ અમેરિકાના એફ-૩૫ ફાઇટર જેટ ખરીદવા પાછળ કરોડો ડોલરનું આંધણ કરવાને બદલે સ્વાર્મ ડ્રોન ટેકનોલોજીમાં વધુ મૂડીરોકાણ કરવું જોઈએ. ટેસ્લા અને સ્પેસ એક્સના મુખ્ય કર્તાહર્તા એલન મસ્કે તો એવી ટિપ્પણી કરી છે કે કોઈ મૂર્ખો જ હોય જે મોંઘાદાટ ફાઇટર પ્લેન ખરીદવાનો વિચાર કરે. ડ્રોનની ઝડપથી વિકસતી ટેકનોલોજી ભવિષ્યમાં ફાઇટર જેટના ઉત્પાદનને બ્રેક મારી દે તો નવાઈ નહીં.








